મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ

February, 2002

મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ (જ. 1826; અ. 13 ઑક્ટોબર 1900, હૈદરાબાદ) : ઉર્દૂ કવિતાની લખનૌ-વિચારધારાના પ્રખ્યાત કવિ. તેઓ તેમની નઅતિયા શાયરી માટે જાણીતા છે. તેમાં પયગંબર મુહમ્મદસાહેબ(સ.અ.વ.)ની પ્રશંસા અને તેમના જીવન-પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યાં છે. તેઓ લખનૌના એક પ્રતિષ્ઠિત ખાનદાનના નબીરા અને શરૂઆતમાં નવાબ વાજિદઅલી શાહના દરબારી હતા. 1857ના નિષ્ફળ વિપ્લવના પરિણામે લખનૌની નવાબી હકૂમત ખતમ થઈ જતાં અમીર મીનાઈએ રામપુરની રિયાસતમાં આશરો લીધો. રામપુરમાં રહીને તેમણે કવિતા-રચના ઉપરાંત એક ઉર્દૂ શબ્દકોશ ‘અમીર-ઉલ-લુગાત’ તૈયાર કર્યો હતો, જેના માત્ર 2 ભાગ પ્રગટ થઈ શક્યા હતા.

કવિ તરીકે અમીર મીનાઈએ ઉર્દૂ કવિતાની લખનૌ શૈલીને સમૃદ્ધ કરી અને પ્રણયવિષયક લાગણીઓની સાથે સાથે સૂફીવાદી વિચારો તથા પયગંબરસાહેબ(સ.અ.વ.)ની નઅત(પ્રશંસા)ને કવિતામાં ખાસ સ્થાન આપ્યું. ગઝલ પ્રકારમાં પ્રણયભાવો અને મસ્નવી પ્રકારનાં કાવ્યોમાં આધ્યાત્મિક વિચારો તેમણે વ્યક્ત કર્યા છે. તેમની કૃતિઓમાં વિષયની વિવિધતા જણાય છે. અમીર મીનાઈએ શરૂઆતમાં નવાબ વાજિદઅલી શાહને પોતાની જે 2 કૃતિઓ પેશ કરી હતી, તે ‘ઇરશાદ-ઉસ-સલાતીન’ અને ‘હિદાયત-ઉસ-સુલતાન’ હતી. નવાબની પ્રશંસામાં લખેલાં કાવ્યોનો એક સંગ્રહ ‘ગયરતે બહારિસ્તાન’ 1857ના ઉપદ્રવમાં નાશ પામ્યો હતો. તેમના નઅતિયા કલામના નાનામોટા સંગ્રહો આ પ્રમાણે છે : (1) ‘નૂરે તજલ્લી’, (2) ‘અબ્રે કરમ’, (3) ‘સુબ્હે અઝલ’, (4) ‘શામે અબદ’, (5) ‘લયલતુલ કદ્ર’, (6) ‘ઝિક્રે શાહે અંબિયા’, (7) ‘ખાતમ ઉન નબીઈન’ (નઅતિયા કલામ), (8) ‘મિરાત-ઉલ-ગૈબ’, (9) ‘સનમખાનએ ઇશ્ક’ તથા (10) ‘મજમૂઅએ વાસુખ્ત’. અમીર મીનાઈના શબ્દકોશના બે ભાગો ઉપરાંત કોશવિજ્ઞાન તથા ભાષાવિજ્ઞાન પર આધારિત તેમની બીજી એક કૃતિ ‘બહારે હિન્દ’ પણ જાણીતી છે. તેમણે રામપુરના કવિઓના પરિચયરૂપ કૃતિ ‘ઇન્તિખાબે યાદગાર’ની 1873માં રચના કરી હતી.

રામપુરના આ રાજકવિને જીવનના અંતિમ દિવસોમાં, નિઝામ હૈદરાબાદના રાજવી મીર મહબૂબઅલીખાન પોતાની સાથે હૈદરાબાદ લઈ ગયા હતા.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી