મહેતા, રમણલાલ નાગરજી (જ. 15 ડિસેમ્બર 1922, કતારગામ, જિ. સૂરત; અ. 22 જાન્યુઆરી 1997, વડોદરા) : પ્રસિદ્ધ પુરાવસ્તુવિદ તથા અન્વેષક. રમણલાલનો જન્મ મધ્યમવર્ગના અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નવસારી, મરોલી અને વડોદરામાં તથા ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું હતું. તેમણે સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણ વડોદરામાં તથા પીએચ.ડી.ની ડિગ્રી. મ. સ. યુનિવર્સિટીમાંથી 1947માં લીધી અને 1954માં ડિપ્લોમા ઇન મ્યૂઝિયૉલોજી મેળવ્યો.

તેમણે શરૂઆતમાં શિક્ષક તરીકે કામ કર્યું. ત્યારબાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પુરાવસ્તુવિદ્યા વિભાગમાં રિસર્ચ સ્કૉલર; વ્યાખ્યાતા, રીડર તથા પ્રોફેસર અને અધ્યક્ષ થયા અને એ પદેથી 1982માં નિવૃત્ત થયા.

પુરાવસ્તુકીય ઉત્ખનનની તાલીમ એમણે પ્રસિદ્ધ પુરાવિદ સર મૉર્ટિમર વ્હીલર પાસે લીધી હતી. દક્ષિણ ગુજરાતની પુરાવસ્તુઓ વિશેનો એમનો પીએચ.ડી.નો મહાનિબંધ ડૉ. હસમુખ સાંકળિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો હતો. પ્રાચીન ભારતનાં ઇતિહાસ, સંસ્કૃતિ, શિલ્પ, સ્થાપત્ય અને પુરાવસ્તુના આ મર્મજ્ઞ અન્વેષક સંસ્કૃત, અરબી, ફારસી, હિંદી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓ જાણતા હતા. સંગ્રહાલયવિદ્યા અને સ્થળનામવિદ્યાના પણ તેઓ ઉપાસક હતા. મ. સ. યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે 1984થી 1994 સુધી ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં અતિથિ-અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.

રમણલાલ નાગરજી મહેતા

પુરાવસ્તુવિદ તરીકે તેમણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે પ્રદેશોમાં પ્રાગૈતિહાસિક તથા ઐતિહાસિક સ્થળોની તપાસ કરી છે. તેમણે ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં દેવની મોરી (શામળાજી) પાસે ઉત્ખનન કરીને બૌદ્ધ ધર્મના મહાસ્તૂપ અને મહાવિહારનું અન્વેષણ કરીને ગુજરાતને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસ્થાપિત કર્યું. આ ઉપરાંત ખંભાત પાસે નગરા, ચાંપાનેર, વલભી વગેરેનાં તેમનાં ઉત્ખનનો નોંધપાત્ર છે. તેમણે ગુજરાતનાં નગરોનાં સ્થળનામોના અભ્યાસ દ્વારા ઇતિહાસ-લેખનમાં એક અભિનવ દિશા ખોલી આપી. ગુજરાતનાં નગરો પૈકી વડોદરા, અમદાવાદ, સૂરત, ખંભાત વગેરે નગરોનાં સ્થળનામોનો તેમણે ઐતિહાસિક અભ્યાસ કર્યો હતો. અમદાવાદનાં જૈન દેરાસરો, મૂર્તિઓ, ચૈત્યપરિપાટીઓના અન્વેષણનું એમનું કાર્ય અવિસ્મરણીય રહેશે. તેમણે અનેક વિદ્યાર્થીઓને પુરાવસ્તુવિદ્યાનો અભ્યાસ કરાવ્યો. તેમના માર્ગદર્શન હેઠળ 30 જેટલા વિદ્યાર્થીઓેએ પીએચ.ડી.ની પદવી મેળવી છે, જેઓ આજે પુરાતત્ત્વખાતામાં, દફતરભંડારમાં અને વિદ્યાસંસ્થાઓના વડાઓ તરીકે સેવા આપી રહ્યા છે.

તેમણે ગુજરાત ઇતિહાસ પરિષદ, પ્લેસનેમ સોસાયટી ઑવ્ ઇન્ડિયા, ઇન્ડિયન સોસાયટી ફૉર પ્રીહિસ્ટૉરિક સ્ટડિઝના પ્રમુખ તરીકે સેવાઓ આપેલી છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક, પુરાવસ્તુવિદ્યાના પુસ્તક માટે ગુજરાત સરકારનો ઍવૉર્ડ તથા રણિજતરામ સુવર્ણચંદ્રક (1991) અર્પણ કરવામાં આવ્યા હતા. તેમણે ગુજરાતી ભાષામાં 37 પુસ્તકો લખ્યાં છે. તેમાં ‘પુરાવસ્તુવિદ્યા’, ‘ચાંપાનેર-એક અધ્યયન’, ‘ઇતિહાસની વિભાવના’, ‘જ્ઞાનવિમર્શ અને અન્વેષણવિદ્યા’, ‘ગુજરાતનાં નગરો’ વગેરે નોંધપાત્ર છે. તેમણે લખેલાં અંગ્રેજી પુસ્તકોમાં – ‘એક્સકેવેશન્સ ઍટ ટિમ્બરવા’, ‘એક્સકેવેશન્સ ઍટ દેવની મોરી’, ‘એક્સકેવેશન ઍટ નગરા’, ‘મેડીવલ આર્કિયૉલોજી, ચાંપાનેર’, ‘ટાઉન્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’ વગેરે ઉલ્લેખનીય છે. તેમણે ગુજરાતી અને અંગ્રેજીમાં 300 જેટલા લેખો વિવિધ સામયિકોમાં પ્રગટ કર્યા છે. સ્પષ્ટવક્તા, ખેલદિલ અને પારદર્શક લેખક ર. ના. મહેતા અનેક વિદ્વાનો અને વિદ્યાર્થીઓના મિત્ર હતા.

ચીનુભાઈ નાયક

રસેશ જમીનદાર