મહેતા, રમણલાલ છોટાલાલ (જ. 31 ઑક્ટોબર 1918; અ. 18 ઓક્ટોબર 2014) : અગ્રણી ગુજરાતી સંગીતવિજ્ઞાની (musicologist). બી. એ.; ડી. મ્યૂઝ. થયા પછી કૉલેજ ઑવ્ ઇન્ડિયન મ્યૂઝિક, ડાન્સ ઍન્ડ ડ્રામૅટિક્સ(હવે ફૅકલ્ટી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ)માં 15 વર્ષ આચાર્ય તરીકેની સેવા પછી નિવૃત્ત. શાસ્ત્રીય કંઠ્ય સંગીતની તાલીમ કંચનલાલ મામાવાળા પાસે અને ત્યારપછી અબ્દુલ વહીદખાન પાસે કિરાના શૈલીની તાલીમ. 9 વર્ષ (1945–1953) આકાશવાણીમાં સેવા.

રમણલાલ છોટાલાલ મહેતા

કિરાના ગાયકીના નામાંકિત સંગીતકાર હોવા ઉપરાંત તેમણે ખયાલ ગાયકી તથા ઠૂમરીમાં પોતાની આગવી શૈલી વિકસાવી છે. અનેક મ્યૂઝિક સર્કલ, સંગીત પરિષદોમાં તથા આકાશવાણી પર શાસ્ત્રીય હિંદુસ્તાની સંગીતના વિવિધ કાર્યક્રમો આપ્યા છે.

1945થી 1953 દરમિયાન, તેમણે આકાશવાણીનાં મુંબઈ, અમદાવાદ અને વડોદરા કેન્દ્રો ખાતે 50 ઉપરાંત સંગીત-નાટકો તથા રૂપકોનું સંગીત-નિયોજન અને નિર્માણ કર્યું હતું.

અભ્યાસનિષ્ઠ સંગીતશાસ્ત્રી તરીકે 35 ઉપરાંત વર્ષ તેમણે સંગીત-શિક્ષણમાં ગાળ્યાં. ભારતની અનેક યુનિવર્સિટીઓમાં પૂર્વ-સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સંગીત-શિક્ષણના આયોજનમાં તેમણે ગણનાપાત્ર ફાળો આપ્યો છે. ઘણી યુનિવર્સિટીઓની શૈક્ષણિક સંસ્થાઓ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તથા આકાશવાણીના સેન્ટ્રલ મ્યૂઝિક ઑડિશન બૉર્ડમાં નિષ્ણાત સભ્ય તરીકે કામગીરી.

ઇન્ડિયન મ્યૂઝિકોલૉજિકલ સોસાયટી(મુંબઈ–વડોદરા)ના સ્થાપક-મંત્રી તથા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સામયિક ‘ધ જર્નલ ઑવ્ ધી ઇન્ડિયન મ્યૂઝિકોલૉજિકલ સોસાયટી’ના સ્થાપક-તંત્રી. સંગીતવિષયક સંશોધનને વરેલું આ સામયિક 1970થી પ્રગટ થાય છે. ઇંગ્લૅન્ડની કૉલેજો તથા યુનિવર્સિટીમાંના સંગીત-શિક્ષણના અભ્યાસ માટે બ્રિટિશ કાઉન્સિલ તરફથી નિમંત્રણ મળતાં 1966માં તેમણે યુ. કે.નો પ્રવાસ કર્યો અને ત્યાં સંગીત પર વ્યાખ્યાનો પણ આપ્યાં. ઍમ્સ્ટર્ડેમની આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં પણ તેમણે ભાગ લીધો હતો (1966).

સંગીતનાં બહુવિધ પાસાં પરત્વેનાં તેમનાં પ્રકાશનો આ પ્રમાણે છે : ‘આગ્રા ઘરાના – પરંપરા, ગાયકી ઔર ચીજેં’ (1969), ‘સંગીતચર્ચા’ (1963) (ગુજરાતી), ‘ગુજરાતી ગેય કવિતા’ (1954), ‘એ ડિરેક્ટરી ઑવ્ ડૉક્ટરલ સ્ટડિઝ ઇન મ્યૂઝિક ઇન ધ યુનિવર્સિટિઝ ઑવ્ ઇન્ડિયા’ (1995). આ ઉપરાંત સંશોધનલક્ષી અનેક નિબંધો તથા લેખો તેમણે આપ્યા છે. વળી તેમના તંત્રીપદ હેઠળ સંગીત-સંશોધનવિષયક 17 પુસ્તકોનું પ્રકાશન થયું છે.

તેમની શક્તિ-સિદ્ધિનું અનેક રીતે સન્માન થયું છે. અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ તરફથી ‘ડૉક્ટર ઑવ્ મ્યૂઝિક’ની માનાર્હ પદવી (1967), ગુજરાત સરકાર તરફથી સંગીત ક્ષેત્રનો ઍવૉર્ડ (1978); ભારત સરકાર તરફથી માનાર્હ ફેલોશિપ (1983); મુંબઈની સૂર-સિંગાર સંસદ તરફથી સારંગદેવ ફેલોશિપ (1988); મુંબઈની સંગીત મહાભારતીના એનસાઇક્લોપીડિયા પ્રૉજેક્ટના તંત્રીમંડળમાં નિયુક્તિ; 1990માં મુંબઈમાં જાહેર સન્માનમાં પ્રતિષ્ઠિત ‘આઇટીસી–એસઆરએ’ ઍવૉર્ડ, પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર; 1993માં પં. ભાતખંડે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મ્યૂઝિક ઍન્ડ મ્યૂઝિકૉલોજી, રાયપુર તરફથી જાહેર સન્માન અને ‘શ્રેષ્ઠ સંગીતાચાર્ય’નું બિરુદ તથા પ્રશસ્તિપત્ર તેમને પ્રાપ્ત થયાં છે.

ગુજરાત સંગીત નાટક અકાદમીના તેઓ ઉપાધ્યક્ષ (1993–94, 1995–96) હતા. 1999 સુધી એ સંસ્થાના સંગીત-કાર્યક્રમોના આવાહક તરીકે તેમણે સેવાઓ આપી છે.

મહેશ ચોકસી