મહેતા, રમા (જ. 1923, નૈનિતાલ, ઉ. પ્ર.; અ. 1978) : પ્રખ્યાત ભારતીય અંગ્રેજી નવલકથાકાર અને સમાજશાસ્ત્રી. તેમને તેમની નવલકથા ‘ઇન્સાઇડ ધ હવેલી’ માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે લખનૌની ઇસાબેલા થૉબર્ન કૉલેજમાંથી બી.એ. થયા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ અમેરિકામાં મિશિગન અને કોલમ્બિયા યુનિવર્સિટીઓ ખાતે માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં તજ્જ્ઞ બન્યાં.

1949માં ભારતીય વિદેશસેવામાં જોડાનારાં તેઓ પ્રથમ મહિલા હતાં; પરંતુ તેમના પતિ જગત એસ. મહેતા ભારત સરકારના વિદેશ-સચિવ તરીકે નિવૃત્ત થયા અને તેમને વિદેશમાં નિમણૂક અપાતાં 1951માં તેમણે રાજીનામું આપ્યું.

તેમણે વ્યાપક પ્રમાણમાં પ્રવાસ ખેડ્યો છે અને ભારતમાં તેમજ વિદેશમાં ઘણાં જાણીતાં સામયિકોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. મૅસેચૂસેટ્સમાં કેમ્બ્રિજની રૅડક્લિફ હાર્વર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટડીનાં તેઓ ફેલો હતાં. તેમને સૉર્બોં અને ઍથેન્સ ખાતે વ્યાખ્યાન આપવા નિમંત્રણ પણ મળ્યું હતું.

તેમને અનેક વિદ્યામૂલક સન્માનો મળ્યાં હતાં. તેમણે ‘રામુ’ અને ‘લાઇફ ઑવ્ કેશવ’ નામની બીજી બે નવલકથાઓ પણ આપી છે. વળી હિન્દુ સ્ત્રીધર્મ પરના સમાજશાસ્ત્રીય અભ્યાસ માટે પણ તેઓ જાણીતાં થયેલાં.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇન્સાઇડ ધ હવેલી’ પરંપરાગત સાંસ્કૃતિક વાતાવરણમાં માનવઘટનાઓ અને માનવપાત્રોની થતી વાસ્તવિક અને તાર્દશ રજૂઆત માટે ઉલ્લેખનીય છે. તેમાં તેમનું ભાષાપ્રભુત્વ પણ પ્રશંસનીય છે. આ કૃતિ ભારતીય-અંગ્રેજી સાહિત્યમાં એમણે કરેલું એક મહત્વનું પ્રદાન છે.

બળદેવભાઈ કનીજિયા