મધ્વાચાર્ય (1199–1294) : ભારતીય તત્વજ્ઞાનમાં દ્વૈતવાદના સ્થાપક આચાર્ય. દક્ષિણ ભારતમાં ઉડૂપીથી 8 માઈલ દૂર તુલુવ અથવા રજત કે કલ્યાણપુર નામના ગામમાં જન્મ્યા હતા. પિતાનું નામ મધ્યગેહ ભટ્ટ હતું અને માતાનું નામ વેદવતી હતું. પિતાએ અનંતેશ્વરની ઉપાસના કરી તે પછી મધ્વનો જન્મ થયેલો. તેમનું મૂળ નામ વાસુદેવ હતું. સંન્યાસ લીધા પછી ‘મધ્વ’, ‘પૂર્ણપ્રજ્ઞ’, ‘આનંદતીર્થ’ જેવાં નામોથી ઓળખાયા. તેમના દીક્ષાગુરુ અચ્યુતપ્રેક્ષ હતા અને ગુરુ અદ્વૈતી હતા છતાં તેમણે તેમને દ્વૈતી બનવાની છૂટ અનેક શાસ્ત્રાર્થો કર્યા પછી આપી અને પોતાના આશ્રમના ઉત્તરાધિકારી તરીકે તેમને પસંદ કર્યા. મધ્વે નવમા વર્ષે સંન્યાસદીક્ષા લીધી હતી. તેમણે વિદ્યાભ્યાસ સમાપ્ત કરી ઉડૂપીમાં પોતાના મત અને સંપ્રદાયનો પ્રચાર કર્યો. એ પછી મધ્વે ગીતાભાષ્યની રચના કરી. એ ભાષ્ય બદરિકાશ્રમમાં જઈ વેદવ્યાસને ભેટ ધર્યું એમ પરંપરા અનુસાર કહેવાય છે. ખુશ થયેલા વેદવ્યાસે તેમને આપેલી શાલિગ્રામની ત્રણ મૂર્તિઓ સુબ્રહ્મણ્ય ઉડૂપી અને મધ્યતલ એ ત્રણ ગામોમાં સ્થાપી તેના પર મંદિરો બંધાવ્યાં. એ પછી રામ, સીતાની મૂર્તિઓ જગન્નાથપુરીમાંથી લઈ આવવા પોતાના શિષ્ય નરહરિતીર્થને આજ્ઞા કરી. એ જ રીતે, કૃષ્ણની મૂર્તિની પ્રતિષ્ઠા કરી કાયમી પૂજા કરી. પોતાના સંપ્રદાયનો જોરદાર પ્રચાર કરી તેઓ બદરિકાશ્રમમાં મોક્ષ પામ્યા. મલબાર, આંધ્ર, કેરળ વગેરેમાં તેમના સંપ્રદાયનો વિસ્તાર ઘણો છે. તેમણે પરમાત્મા, આત્મા અને પ્રકૃતિને જુદાં માનીને ભક્તિમાર્ગનું સમર્થન કર્યું. વૈરાગ્ય, શરણાગતિ, ભક્તિ, સેવા, અધ્યયન, ઈશ્વરાર્પણ વગેરે અનેક સાધનો વડે મોક્ષ મળવાની વાત તેમણે કરી છે. તેમણે રચેલા ગ્રંથોમાં ‘ગીતાભાષ્ય’, ‘ગીતાતાત્પર્ય’, ‘બ્રહ્મસૂત્રભાષ્ય’, ‘અણુભાષ્ય’, ‘મહાભારતતાત્પર્ય-નિર્ણય’, ‘ભાગવતતાત્પર્ય’, ‘નખસ્તુતિ’, ‘યમકભારત’, ‘દ્વાદશસ્તોત્ર’, ‘તંત્રસાર’, ‘સદાચારસ્મૃતિ’, ‘યતિપ્રણવકલ્પ’, ‘જયંતીનિર્ણય’, ‘ઋગ્-ભાષ્ય’, ‘પ્રણયલક્ષણ’, ‘કથાલક્ષણ’, ‘તત્વસંખ્યાન’, ‘તત્વવિવેક’, ‘માયાવાદખંડન’, ‘ઉપાધિખંડન’, ‘પ્રપંચમિથ્યાત્વાનુમાનખંડન’, ‘તત્વોદ્યોત’, ‘વિષ્ણુતત્વનિર્ણય’, ‘અનુવ્યાખ્યાન’, ‘સંન્યાસવિવરણ’, ‘કૃષ્ણામૃતમહાર્ણવ’, ‘કર્મનિર્ણય’ અને દસ ઉપનિષદો પરનાં ભાષ્યોનો સમાવેશ થાય છે. અપ્પય્ય દીક્ષિતે ‘મધ્વતંત્રમુખમર્દન’ નામના ગ્રંથમાં મધ્વનું ખંડન કર્યું છે.

મધ્વાચાર્ય

મધ્વાચાર્યનો સિદ્ધાંત દ્વૈતવાદ કહેવાય છે. તેમના મતમાં અદ્વૈતનું ખંડન કરીને દ્વૈત અથવા ભેદની સ્થાપના કરી છે. મધ્વ અને તેમના અનુયાયીઓએ અદ્વૈતવાદનું ખંડન કર્યું છે; શંકરાચાર્યના અધ્યાસ અને વિવર્તના સિદ્ધાંતની આલોચના કરી છે. મધ્વાચાર્યે એ વાત પર ભાર મૂક્યો છે કે ભ્રમ અથવા ભ્રાંતિ પણ સર્વથા નિયમ વગરની નથી હોતી. રજ્જુમાં સર્પનો ભ્રમ થાય છે તો છીપમાં ચાંદીનો. જો ભ્રમમાં વસ્તુના આધારનો નિયમ ન હોય તો રજ્જુમાં સર્પનો ભ્રમ કેમ થાય ! રજ્જુમાં હાથીનો ભ્રમ કેમ ન થાય ? ભ્રમ માટે બે વાસ્તવિક સત્તા છે તેથી તેમનો ભ્રમ થાય છે. જો જગતની વાસ્તવિક સત્તા ન હોય તો બ્રહ્મમાં તેનો અધ્યાસ અથવા ભ્રમ પણ થઈ શકતો નથી.

મધ્વે નિમ્બાર્કને અભિમત અદ્વૈત અને દ્વૈતના સમન્વયને અસ્વીકૃત કરીને ભેદનું પ્રતિપાદન કર્યું છે. તેમના મત પ્રમાણે ભેદ અને અભેદ બંનેનું એક રીતે પ્રતિપાદન દોષપૂર્ણ છે. દ્વૈત અને અદ્વૈત બંનેની એકત્ર સ્થિતિ અસંભવ છે. અદ્વૈતવાદીઓનો જગન્મિથ્યાવાદ તેમને માન્ય નથી. જો જગતમાં પ્રત્યેક વસ્તુ મિથ્યા છે તો જગત મિથ્યા છે એમ કહેવું પણ મિથ્યા છે. આ રીતે જગતની સત્યતા જ સિદ્ધ થાય છે. જગતનો અંતમાં બાધ થઈ જાય છે એનું કોઈ પ્રમાણ નથી. જગતની સત્તા પણ ક્યારેય તિરોહિત થતી નથી. જગત મિથ્યા નથી, પણ યથાર્થ છે. જો ભ્રમ પણ હોય તો તેથી જગતની અસત્તા સિદ્ધ થતી નથી. વાસ્તવિક સત્તાના આધાર વિના ભ્રમ અકલ્પનીય છે. અદ્વૈતવાદીઓને ઇષ્ટ અનિવર્ચનીય કોટિ પણ મધ્વને માન્ય નથી. શંકરની સત્ અને અસત્થી વિલક્ષણ અનિર્વચનીય કોટિનું તેમણે ખંડન કર્યું છે. સત્ અને અસત્થી ભિન્ન કોઈ ત્રીજી કોટિ નથી. જગત સત્ છે, કારણ કે તે વર્તમાન છે. તેની સત્તાનો બાધ પણ ક્યારેય થતો નથી.

આ રીતે જગતની સત્તાનું સમર્થન કરીને મધ્વે દ્વૈતવાદનું પ્રતિપાદન કર્યું છે. સંસારમાં ભેદ નથી; અભેદ જ છે અથવા ભેદ અવાસ્તવિક અથવા માયિક છે એમ કહેવું સાહસ માત્ર છે. ભેદ વસ્તુઓનું વાસ્તવિક સ્વરૂપ છે. તે સાક્ષાત્ અનુભવસિદ્ધ છે. સાક્ષાત્ અનુભવની સત્યતાનો વિરોધ કોઈ તર્ક દ્વારા કરવામાં આવતો નથી. શ્રુતિ પણ ભેદનું પ્રતિપાદન કરે છે. જીવ અને ઈશ્વરના સ્વરૂપનો ભેદ શ્રુતિઓમાં સ્પષ્ટ છે. ઈશ્વર જગતના સ્રષ્ટા, સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન છે. જીવમાં આ ગુણો નથી. તેથી ભેદ પ્રત્યક્ષ તથા શ્રુતિ બંને રીતે સિદ્ધ છે. ભેદની વાસ્તવિકતાને માન્યા વગર જગતનો કોઈ વ્યવહાર ચાલી શકતો નથી. ગુરુ અને શિષ્ય, પિતા અને પુત્ર, પતિ અને પત્નીના સંબંધ ભેદની સત્તા સિદ્ધ કરે છે. જો ભેદ ન હોય તો સમાજ અને તેના વ્યવહારોનો લોપ થઈ જાત. પાપ અને પુણ્ય, જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ તો અદ્વૈતવાદીઓને પણ માનવો પડશે. જો પ્રમા અને અપ્રમા(યથાર્થજ્ઞાન અને અયથાર્થજ્ઞાન)માં ભેદ નથી તો દાર્શનિક ચિંતનની આવશ્યકતા કઈ છે ? મધ્વ પ્રમાણે પાંચ પ્રકારના ભેદ મૂળ અને નિત્ય છે : (1) ઈશ્વર અને જીવનો ભેદ – ઈશ્વર સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે. જીવ અલ્પજ્ઞ અને અલ્પશક્તિમાન છે. તેથી બંનેમાં ભેદ છે. (2) ઈશ્વર અને જડ જગતનો ભેદ–જીવની જેમ જડ જગત પણ ઈશ્વરથી ભિન્ન છે. એક ચેતન છે, બીજું જડ છે. એક સ્રષ્ટા છે, બીજું સૃષ્ટિ છે. એક નિયામક છે, બીજું નિયમ્ય છે. (3) જીવ અને જગતનો ભેદ–જીવ ચેતન છે અને જગત જડ છે. પ્રાણધારીઓ અને પ્રાણ વગરના પદાર્થોની ભિન્નતા બાળક પણ જાણે છે. તેને સિદ્ધ કરવા માટે પ્રમાણની આવશ્યકતા નથી. (4) જીવ અને જીવનો ભેદ–જીવ અનેક છે અને તેમના અનુભવોમાં પણ ભેદ છે, નહિતર સુખદુ:ખ, હર્ષશોક વગેરે અનુભવ બધાંને સાથે સાથે થાત. મોક્ષાવસ્થામાં પણ જીવોના અનુભવ વિલક્ષણ હોય છે. (5) જડ અને જડનો ભેદ – જેવી રીતે એક જીવ બીજા જીવથી ભિન્ન છે તેવી રીતે એક જડ પદાર્થ પણ બીજા જડ પદાર્થથી ભિન્ન છે. ખુરશી અને મેજ જુદાં જુદાં છે.

આ ભેદવાદને આધારે મધ્વાચાર્યે પોતાના દ્વૈત સિદ્ધાંતની સ્થાપના કરી છે. તેમના મત પ્રમાણે બે મૂળ તત્વ છે –સ્વતંત્ર અને પરતંત્ર. કેવલ વિષ્ણુ સ્વતંત્ર છે, બાકી બધું પરતંત્ર છે. પરતંત્ર પદાર્થોના બે ભેદો છે – ભાવ અને અભાવ. સત્તાવાળા પદાર્થો ભાવ પ્રકારમાં છે. પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ વગેરે અભાવ પ્રકારમાં છે. ભાવ પદાર્થ પણ બે પ્રકારના હોય છે – ચેતન અને અચેતન. ચેતન જીવ દુ:ખાનુષક્ત અને દુ:ખાનનુષક્ત એમ બે પ્રકારના હોય છે. દુ:ખાનુષક્તના મુક્ત અને દુ:ખાબદ્ધ એવા બે પ્રકારો છે. દુ:ખાબદ્ધના મોક્ષાર્હ અને અમોક્ષાર્હ એવા બે પ્રકાર છે. ભક્તિસાધના દ્વારા ઈશ્વરાનુગ્રહના અધિકારી મોક્ષાર્હ છે. રાક્ષસ, પિશાચ વગેરે, નીચજન અમોક્ષાર્હ અને અનંત બંધનના અધિકારી છે. અચેતન અથવા જડ પદાર્થ પણ ત્રણ પ્રકારના હોય છે : નિત્ય, અનિત્ય તથા નિત્યાનિત્ય. વેદ નિત્ય છે. પદાર્થજગત અનિત્ય છે. પુરાણ, પ્રકૃતિ વગેરે નિત્યાનિત્ય છે. આ બધાં સ્વરૂપથી નિત્ય પરંતુ સંસારક્રમમાં અનિત્ય છે.

બીજી રીતે મધ્વાચાર્યે કેટલાક વૈશેષિકોની જેમ પદાર્થોનું વિભાજન કર્યું છે. મધ્વ પ્રમાણે દશ પદાર્થ છે : દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, વિશિષ્ટ, અંશી, શક્તિ, સાર્દશ્ય અને અભાવ. આ પદાર્થોનું વિશેષ વર્ણન પદ્મનાભે પોતાના ‘મધ્વસિદ્ધાંતસાર’માં વિશદ રીતે કર્યું છે. એમાંના કેટલાક પદાર્થોના વર્ણનમાં ન્યાય-વૈશેષિકોની સાથે સામ્ય હોવા છતાં મધ્વ-મતમાં વિશેષતા છે. દ્રવ્ય વીસ પ્રકારનાં માનવામાં આવે છે. પરમાત્મા, લક્ષ્મી, જીવ, અવ્યાકૃત આકાશ, પ્રકૃતિ, ગુણત્રય, મહત્-તત્વ, અહંકાર-તત્વ, બુદ્ધિ, મન, ઇન્દ્રિય, માત્રા, ભૂત, બ્રહ્માંડ, અવિદ્યા, વર્ણ, અંધકાર, વાસના, કાલ અને પ્રતિબિંબ. ગુણના અનેક પ્રકાર છે; જેમાં વૈશેષિક ગુણો સિવાય શમ, દમ, કૃપા, તિતિક્ષા, સૌંદર્ય વગેરેની પણ ગણના થઈ છે. કર્મ ત્રણ પ્રકારનાં છે : વિહિત, નિષિદ્ધ તથા ઉદાસીન. ઉદાસીન કર્મ પરિસ્પન્દાત્મક છે, જેની અંદર ઉત્ક્ષેપણ, અવક્ષેપણ વગેરે વિવિધ કર્મોનો અંતર્ભાવ થાય છે. નિત્યાનિત્યભેદ તથા જાતિઉપાધિભેદથી સામાન્ય બે પ્રકારનું હોય છે. ભેદનો અભાવ હોવાથી પણ ભેદવ્યવહારના નિર્વાહક પદાર્થને વિશેષ કહે છે. પરમાત્મામાં પણ વિશેષને સ્વીકારવું પડે છે. વિજ્ઞાનાનંદરૂપ પરમાત્મામાં આ વિશેષને કારણે ભેદ દેખાય છે. આ વિશેષ જગતના બધા પદાર્થોમાં રહે છે. તેથી તે અનંત છે. વિશેષણથી યુક્ત પદાર્થને વિશિષ્ટ કહે છે. હાથ, પગ વગેરેથી જુદા બધા અવયવો એ વિશિષ્ટ પદાર્થ છે અને તેઓ અંશી છે. સાર્દશ્ય તથા અભાવની કલ્પનામાં કોઈ નવીનતા નથી.

શક્તિ ચાર પ્રકારની છે : (1) અચિંત્ય શક્તિ, (2) આધેય શક્તિ, (3) સહજ શક્તિ અને (4) પદશક્તિ. અચિંત્યશક્તિ અઘટિતઘટના-પટીયસી હોય છે અને ભગવાન વિષ્ણુમાં જ નિવાસ કરે છે. ભગવાનમાં જ વિચિત્ર કાર્ય કરવાનું અલૌકિક સામર્થ્ય રહે છે. વિષમ ગુણોની પરમાત્મામાં સાર્વકાલિક સ્થિતિ આ શક્તિનું કારણ છે. લક્ષ્મી, વાયુ વગેરેની શક્તિઓ પરમાત્માની અપેક્ષાએ ખૂબ જ અલ્પ હોય છે. બીજા દ્વારા સ્થાપિત શક્તિને આધેય શક્તિ કહે છે. વિધિવત્ પ્રતિષ્ઠા કરવાથી પ્રતિમામાં જે દેવતાનું સાંનિધ્ય ઉત્પન્ન થાય છે તે જ આધેય શક્તિ છે. કાર્યમાત્રને અનુકૂલ સ્વભાવરૂપા શક્તિ સહજ શક્તિ છે. આ બધા પદાર્થોમાં રહેલી હોય છે. પદાર્થભેદથી આ નિત્ય પણ હોય છે, તેમજ અનિત્ય પણ. પદ-પદાર્થમાં વાચક-વાચ્યસંબંધ પદશક્તિ કહેવાય છે અને તે મુખ્યા અને પરમ મુખ્યા એમ બે પ્રકારની હોય છે.

મધ્વ મતની ઉપરની પદાર્થમીમાંસામાં ઈશ્વર, જીવ અને જગત – એ ત્રણ પદાર્થ મુખ્ય છે. આ ત્રણ પદાર્થોનો ભેદ અને તેમની પ્રધાનતા બધા અદ્વૈતેતર સંપ્રદાયોમાં સમાન છે. જોકે તેમનાં સ્વરૂપ અને સંબંધના વિષયમાં તેમનો પરસ્પર ભેદ છે, જીવ, જગત અને બ્રહ્મ ત્રણેય જુદાં જુદાં છે. શ્રુતિ જ્યારે બ્રહ્મને એક, અદ્વિતીય કહે છે તો એનું તાત્પર્ય બ્રહ્મને સર્વશ્રેષ્ઠ કહેવાનું છે. બ્રહ્મથી બીજું કોઈ શ્રેષ્ઠ નથી; બ્રહ્મમાં પણ અપરનો ભેદ નથી. બ્રહ્મ એક જ છે. તેમાં સંપૂર્ણ સારા ગુણો પ્રાપ્ત થાય છે. બ્રહ્મનું શરીર અલૌકિક છે.

અન્ય વૈષ્ણવ સંપ્રદાયોની જેમ મધ્વાચાર્યે પણ અદ્વૈતના નિર્ગુણ બ્રહ્મનું નિરાકરણ કરીને સગુણ પરમેશ્વરને પરમ સત્ય માન્યા છે. તેમના મતાનુસાર નિર્ગુણ બ્રહ્મ શૂન્ય જેવું જ છે. સગુણ બ્રહ્મ અથવા પરમેશ્વર જ પરમ સત્ય છે. તે પરમાત્મા સાક્ષાત્ વિષ્ણુ છે. તે અનંત ગુણોના ભંડાર છે. વેદવાક્યોમાં કહ્યું છે કે ઈશ્વર નિર્ગુણ છે એનો અર્થ ઈશ્વરમાં નકામા ગુણો હોતા નથી એવો છે. તે વિશ્વના સ્રષ્ટા અને નિયંતા છે; પરંતુ મધ્વ પરમાત્માને સૃષ્ટિનું ઉપાદાન કારણ માનતા નથી. તે કેવળ નિમિત્ત કારણ છે. તે જીવ અને જગતથી ભિન્ન તથા બંનેના નિયામક છે. સૃષ્ટિનું સર્જન, સંરક્ષણ, સંહાર, નિયંત્રણ તથા જીવોનાં જ્ઞાન, બંધન, મોક્ષ વગેરે ઈશ્વરના ગુણ છે. તેમનું જ્ઞાનરૂપ અલૌકિક સ્વરૂપ છે. તે ઈશ્વર એક હોવા છતાં પણ અનેક રૂપોમાં વ્યક્ત થાય છે. તેઓ જીવ, જડ અને પ્રકૃતિથી અત્યંત વિલક્ષણ છે. જ્ઞાન, આનંદ વગેરે કલ્યાણગુણ જ ભગવાનનું શરીર છે. તે શરીરી હોવા છતાં પણ નિત્ય તથા સર્વસ્વતંત્ર છે. તેમનાં બધાં સ્વરૂપો સ્વયંપૂર્ણ છે. તેઓ તેમના બધા અવતારોમાં ગુણ, કર્મ વગેરેથી સમાન છે.

લક્ષ્મી પરમાત્માની શક્તિ અને તેમની સહચરી છે. તે પરમાત્માથી અત્યંત ભિન્ન હોવા છતાં તેમને પૂર્ણ આશ્રિત છે. મધ્વના મતે તંત્ર-મતથી વિપરીત શક્તિ અને શક્તિમાનમાં પૂર્ણ સામંજસ્ય અથવા અભેદભાવ રહેતો નથી. લક્ષ્મી ભગવાનથી ગુણો વગેરેમાં કંઈક ન્યૂન રહે છે. પરમાત્માની જેમ જ લક્ષ્મી નિત્ય મુક્તા છે. વિવિધ સ્વરૂપધારિણી ભગવાનની પત્ની છે; જેવી રીતે પરમાત્મા અપ્રાકૃત દિવ્ય શરીરથી સંપન્ન છે; તેવી રીતે લક્ષ્મી પણ અપ્રાકૃતદેહધારિણી છે. બ્રહ્મા, રુદ્ર વગેરે અન્ય દેવતાસમૂહ શરીરનો નાશ થવાથી ક્ષર છે, પરંતુ લક્ષ્મી દિવ્યવિગ્રહવાળી હોવાથી અક્ષરા છે. પરમાત્મા દેશ, કાલ તથા ગુણ આ ત્રણ બાબતો દ્વારા અપરિચ્છિન્ન છે. લક્ષ્મી ગુણોમાં પરમાત્માથી ઓછી હોવા છતાં દેશ અને કાલની ર્દષ્ટિએ તેમની જેમ વ્યાપક છે.

જીવ અજ્ઞાન, મોહ, દુ:ખ, ભય વગેરે દોષોથી યુક્ત તથા સંસારશીલ હોય છે. તેઓ પ્રધાનતયા ત્રણ પ્રકારના હોય છે : મુક્તિયોગ્ય, નિત્યસંસારી અને તમોયોગ્ય. મુક્તિ પ્રાપ્ત કરનાર અધિકારી જીવ દેવ, ઋષિ, પિતૃ, ચક્રવર્તી તથા ઉત્તમ મનુષ્યરૂપે પાંચ પ્રકારના હોય છે. નિત્યસંસારી જીવ હમેશાં સુખદુ:ખની સાથે મિશ્રિત રહે છે અને પોતાના કર્માનુસાર ઊંચ-નીચ ગતિને પ્રાપ્ત કરીને સ્વર્ગ, નરક તથા ભૂલોકમાં વિચરણ કરે છે. આ કોટિના જીવ મધ્યમ મનુષ્ય કહેવાય છે અને તેઓ ક્યારેય મુક્તિ પામતા નથી. તમોયોગ્ય જીવ ચાર પ્રકારના હોય છે. તેમાં દૈત્ય, રાક્ષસ તથા પિશાચોની સાથે અધમ મનુષ્યોની ગણતરી છે. આ રીતે મનુષ્યને ગુણોના તારતમ્યને લીધે ત્રણ શ્રેણીઓમાં સમાવવામાં આવે છે. સંસારમાં પ્રત્યેક જીવ પોતાનું વ્યક્તિત્વ પૃથક્ બનાવીને રહે છે. તે અન્ય જીવોથી ભિન્ન છે તથા સર્વજ્ઞ પરમાત્માથી તો એકદમ ભિન્ન છે. સંસારદશામાં જીવોમાં તારતમ્ય નથી. વળી મુક્તાવસ્થામાં પણ તે ભિન્નતા વિદ્યમાન હોય છે. મુક્ત પુરુષ આનંદનો અનુભવ અવશ્ય કરે છે; પરંતુ મધ્વના મતે આનંદાનુભૂતિમાં પણ પરસ્પર તારતમ્ય હોય છે. મુક્ત જીવોના જ્ઞાન વગેરે ગુણોની જેમ તેના આનંદમાં પણ ભેદ હોય છે. આ સિદ્ધાંત મધ્વના મતની વિશેષતા છે. મુક્તાવસ્થામાં જીવ પરમ સાધ્યને પ્રાપ્ત કરી લે છે. આ શ્રુતિનું તાત્પર્ય પ્રાચુર્યવિષયક છે, અભેદવિષયક નથી. ભગવાનની સાથે ચૈતન્યાંશને લઈને જ જીવની એકતા પ્રતિપાદિત કરવામાં આવે છે, પરંતુ સમસ્ત ગુણો પર ર્દષ્ટિપાત કરવાથી બંનેનું પૃથક્ત્વ જ પ્રમાણસિદ્ધ છે.

મધ્વ સાંખ્યની પ્રકૃતિને સ્વીકારે છે. મહત્, અહંકાર, બુદ્ધિ, મન, દસ ઇન્દ્રિયો, પાંચ વિષય અને પાંચ મહાભૂત આ ચોવીસ પ્રકૃતિના વિકાર છે. જગતનું ઉપાદાનકારણ પ્રકૃતિ છે. ઈશ્વર કેવળ નિમિત્ત-કારણ છે. સૃષ્ટિની કલ્પના મધ્વના મતમાં સાંખ્યની જેમ જ છે. અવ્યાકૃત આકાશ ન્યાય-વૈશેષિકનું દિક્ છે, જે સૃષ્ટિ અને પ્રલયમાં પણ વિકારશૂન્ય રહે છે. આ ભૂતાકાશથી સર્વથા ભિન્ન છે; કારણ કે ઉત્પન્ન થવાથી ભૂતાકાશ અનિત્ય છે; પરંતુ અવ્યાકૃત આકાશ નિત્ય, એક તથા વ્યાપક છે. તેના અભાવમાં સમસ્ત જગત એક નિબિડ પિંડ બની જાય. લક્ષ્મી તેની અભિમાનિની દેવતા છે. પ્રકૃતિ સાક્ષાત્ અથવા પરંપરાથી વિશ્વનું ઉપાદાનકારણ છે. આ જડરૂપા, નિત્યા, વ્યાપ્તા, સર્વજીવલિંગ – શરીરરૂપા છે. આ રીતે દ્વૈતવાદી મધ્વ-મતમાં આ જગતના જન્મ વગેરે વ્યાપારમાં પરમાત્મા કેવળ નિમિત્ત-કારણ છે અને પ્રકૃતિ ઉપાદાનકારણ અને ગુણત્રયપ્રસિદ્ધ છે. અન્ય વૈષ્ણવ મતો પ્રમાણે મધ્વ-મત પણ શુદ્ધ સત્વની સત્તા સ્વીકારે છે, જેનાથી મુક્ત જીવોના લીલામય વિગ્રહ નિર્મિત હોય છે. સત્વાભિમાની શ્રી, રજોભિમાની ભૂ તથા તમોભિમાની દુર્ગા હોય છે. મહત્તત્વાદિ અન્ય દ્રવ્યોની કલ્પના સાંખ્ય તથા પુરાણોને અનુરૂપ છે.

મધ્વ ત્રણ પ્રમાણ માને છે – પ્રત્યક્ષ, અનુમાન અને શ્રુતિ. ઉપમાન અનુમાનમાં અંતર્ભૂત છે. કેવળ પ્રત્યક્ષ અને અનુમાનની મદદથી આપણે વિશ્વના પ્રશ્નો સમજી શકતા નથી. શ્રુતિની સહાય જરૂરી છે. મધ્વ સ્વત:પ્રામાણ્યવાદી છે. જ્ઞાતા અને જ્ઞેય વિના જ્ઞાન સંભવતું નથી તેથી અદ્વૈતવાદ વ્યર્થ છે. જ્ઞાતા અને જ્ઞેયમાં સીધો સંબંધ હોય છે. જ્ઞાતા એકદમ જ્ઞેયને જાણી લે છે. સત્તાઓ બે પ્રકારની છે : સ્વતંત્ર અને પરતંત્ર. પરમ પુરુષ પરમાત્માની જ એકમાત્ર સ્વતંત્ર સત્તા છે. પરતંત્ર સત્તા જીવ અને જડતત્વની છે. અભાવ પણ પરતંત્ર પદાર્થ છે.

ભક્તિ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. પરમેશ્વરની પૂર્ણ અને નિષ્કામ ભક્તિ મોક્ષનું એકમાત્ર સાધન છે. પરમેશ્વરના ગુણ અને મહિમાના જ્ઞાનપૂર્વક પરમસ્નેહનું નામ ભક્તિ છે. પરમેશ્વરના ગુણોના જ્ઞાનથી તેના ઉપર નિર્ભર થવાની ભાવના ઉત્પન્ન થાય છે. જ્ઞાનથી ભક્તિ ઉત્પન્ન થાય છે. પવિત્ર જીવન વ્યતીત કરવાથી સત્યની ઉપલબ્ધિ થાય છે. ગુરુનાં ચરણોમાં બેસીને નિયમપૂર્વક વેદાધ્યયન કરવાથી તત્વબોધ થાય છે; પરંતુ બધું કરવા છતાં પણ ભગવાનની કૃપા વગર જ્ઞાન ઉત્પન્ન થતું નથી કે મોક્ષ પણ પ્રાપ્ત થતો નથી. પરમેશ્વર કૃપા કરીને અજ્ઞાનીઓને જ્ઞાન અને જ્ઞાનીઓને મોક્ષ પ્રદાન કરે છે. જીવ પરમાત્મા પર અવલંબિત હોવા છતાં પણ કર્મ કરવામાં સ્વતંત્ર છે અને સાધના દ્વારા સત્વશુદ્ધિ કરીને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો અધિકારી બની શકે છે. જ્ઞાન માટે વૈરાગ્ય, શમ, દમ વગેરેનું સંપાદન તથા સ્વાધ્યાય, શરણાગતિ, ગુરુસેવા, શાસ્ત્રશ્રવણ, મનન, ઈશ્વરાર્પણ-બુદ્ધિ અને ઈશ્વરોપાસના આવશ્યક છે.

મધ્વ-મત પ્રમાણે મોક્ષ એ બ્રહ્મની સાથેના તાદાત્મ્યની પ્રાપ્તિ નથી. બ્રહ્મ-જીવનો ભેદ નિત્ય છે. મુક્ત જીવ ઈશ્વરની વિભૂતિ અને આનંદનો ભાગીદાર થઈ જાય છે; પરંતુ રામાનુજના મતની જેમ બધા જીવ સમાન રીતે બ્રહ્મના પૂર્ણ આનંદના અધિકારી થતા નથી. તેઓ પોતાના સામર્થ્ય પ્રમાણે એમાં ભાગ લે છે. પ્રત્યેક જીવની મુક્તાવસ્થામાં આનંદાનુભવ જુદો હોય છે. તેમની બુદ્ધિ, ઇચ્છાઓ અને ઉદ્દેશ એક જ હોય છે. આ જ તેમની એકતા છે. એકતાનો અર્થ તાદાત્મ્ય નથી.

જૈનોની જેમ મધ્વ પણ દરેક ભૌતિક પદાર્થને આત્મા અથવા જીવયુક્ત માને છે. એક પરમાણુ જેટલી જગામાં અનંત જીવ રહે છે. બ્રહ્મ પર અવલંબિત હોવા છતાં જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે. જીવ સ્વભાવથી જ આનંદમય છે. જડ-તત્વનો સંયોગ જ તેના દુ:ખનું કારણ છે. મોક્ષાવસ્થામાં જીવનો આનંદ અભિવ્યક્ત થઈ જાય છે.

શ્રવણ, મનન અને ધ્યાનની સાથે તારતમ્ય-પરિજ્ઞાન તથા પંચભેદનું જ્ઞાન હોવું અત્યાવશ્યક છે. જગતના સમસ્ત પદાર્થ એકબીજાથી ચઢિયાતા છે. જ્ઞાન, સુખ વગેરેનું અવસાન ભગવાનમાં જ થાય છે. આ જ તારતમ્ય-જ્ઞાન છે. પાંચ પ્રકારના ભેદોનું પરિજ્ઞાન મધ્વ-મતમાં મુક્તિસાધક છે. ઉપાસના બે પ્રકારની હોય છે : સન્તત-શાસ્ત્રાભ્યાસરૂપા અને ધ્યાનરૂપા. અધિકારી-ભેદથી ઉપાસનાનો ઉપયોગ થાય છે. જીવ મોક્ષ માટે પણ પરમાત્માને અધીન રહે છે. ભગવાન વિના નૈસર્ગિક અનુગ્રહ થતાં પરતંત્ર જીવ સાધારણ કાર્યોનું પણ સંપાદન કરી શકતાં નથી. અપરોક્ષજ્ઞાન પછી પરમ ભક્તિ ઉત્પન્ન થાય છે. અને તેના પછી પરમ અનુગ્રહનો ઉદય થાય છે ત્યારે મોક્ષનો જન્મ થાય છે. મોક્ષ ચાર પ્રકારનો છે : કર્મક્ષય, ઉત્ક્રાંતિ, અર્ચિરાદિમાર્ગ અને ભોગ. ભોગ સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય તથા સાયુજ્યભેદથી ચાર પ્રકારનો હોય છે. ભગવાનમાં પ્રવેશ કરીને તેમના શરીરથી આનંદનો ભોગ કરવો સાયુજ્ય છે, જે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મુક્ત જીવોમાં પણ આનંદનું તારતમ્ય માનવું તે મધ્વ-મતની એક વિશિષ્ટ કલ્પના છે.

જયંતીલાલ શં. પટેલ