મધ્યાવરણ (Mesosphere) : પૃથ્વીના ઉચ્ચ વાતાવરણમાં 50થી 85 કિમી. ઊંચાઈ વચ્ચેનો સ્તર, જેની શરૂઆત સ્ટ્રૅટોસ્ફિયરની ટોચ પરના સ્ટ્રૅટોપોઝથી થાય છે. મધ્યાવરણમાં ઊંચાઈ સાથે તાપમાન ઝડપથી ઘટે છે અને તેની ટોચ ઉપરના મેસોપોઝ સ્તરમાં તાપમાન –90° સે. થાય છે, જે ઉચ્ચ વાતાવરણનો સૌથી ઠંડો સ્તર છે. મધ્યાવરણમાં હવાનું દબાણ ઘણું ઓછું હોય છે. 50 કિમી. ઊંચાઈએ હવાનું દબાણ 1 મિલિબાર હોય છે, જે ઘટીને 85 કિમી. પર 0.01 મિલિબાર થાય છે. મધ્યાવરણમાં સૂર્યનાં પાર-જાંબલી અને કૉસ્મિક કિરણો દ્વારા થતા આયનીકરણને કારણે આયનમંડળનો સૌથી નીચેનો D-સ્તર સર્જાય છે, જ્યાં ફક્ત દિવસ દરમિયાન જ આયનીકરણની અસર જોવા મળે છે, જ્યારે રાત્રિ દરમિયાન પુન:સંયોજન (re-combination) દ્વારા વાતાવરણ તટસ્થ બને છે. મેસોપોઝની ઉપરનો સ્તર થરમૉસ્ફિયર કહેવાય છે.

પરંતપ પાઠક