બાવરી પંથ (સોળમી સદી)

January, 2000

બાવરી પંથ (સોળમી સદી) : ઉત્તર ભારતમાં બાવરીસાહેબા નામનાં સ્ત્રીસંતના નામ પરથી પ્રચલિત થયેલો એક અદ્વૈતવાદી ભક્તિપંથ. આ પંથની પરંપરાનો પ્રારંભ ગાઝીપુર જિલ્લાના પટણા નામના ગામમાં  રામાનંદજી નામના કોઈ અલગારી સંતે કર્યો હોવાનું મનાય છે. રામાનંદના શિષ્ય દયાનંદ અને પ્રશિષ્ય માયાનંદ થયા. આ ત્રણેય મહાત્માઓએ કોઈ પંથ સ્થાપવાની પ્રવૃત્તિ કરી નહોતી. માયાનંદ પોતાના ઉપદેશો આપતા છેક દિલ્હી પહોંચ્યા હતા ત્યારથી દિલ્હી આ પંથનું કેન્દ્ર બન્યું હતું. માયાનંદનાં શિષ્યા બાવરીસાહેબાથી આ પંથ વ્યવસ્થિત થયો. બાવરીસાહેબા ઉચ્ચકુળનાં મહિલા હતાં અને સત્યની શોધમાં પડવાને લઈને ઘણાં કષ્ટ સહન કરવાં પડ્યાં હતાં. અનેક સાધુસંતો સાથેના સત્સંગ પછી તેઓ મહાત્મા માયાનંદના સંપર્કમાં આવ્યાં અને તેમના ઉપદેશોથી પ્રભાવિત થઈ તેમની પાસે દીક્ષા લીધી. બાવરીસાહેબાના મૂળ નામનો પત્તો મળતો નથી; પરંતુ પરમાત્માની લીલા અને તેમની મનોહર રૂપમાધુરીનો હૃદયથી અનુભવ કરવાને કારણે તેમની દશા પાગલ જેવી રહેતી અને તેઓ પોતાને પરમાત્માના પ્રેમમાં ‘બાવરી’ કહેતાં હતાં. તેમના સવૈયામાં પણ તેમણે ‘બાવરી’ ઉપનામનો પ્રયોગ કરેલો છે. એક હાથમાં મોરછલ હોય, બીજો હાથ આધારી પર ટેકવેલો હોય અને મસ્તક પર જટા જેવી કેશરચના ધારણ કરી હોય એવાં આનંદવિભોર ભક્ત નારીના સ્વરૂપનાં તેમનાં ચિત્રો આ પંથનાં મહત્વનાં સ્થાનોમાં ર્દષ્ટિગોચર થાય છે.

સંત બાવરી (પારંપરિક રેખાચિત્ર)

બાવરીસાહેબા પછી તેમની શિષ્યપરંપરામાં ઘણા સમર્થ મહાત્માઓ થયા, જેમણે પોતાનાં ઉપદેશો, સાધના અને સાહિત્યસર્જન દ્વારા પંથનો ભારે વિકાસ કર્યો. બાવરીસાહેબાના શિષ્ય બીરુસાહેબે સાધનાને ક્ષેત્રે ભારે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેઓ પણ કુલીન પરિવારના વંશજ હતા અને સંભવત: બાવરીસાહેબાના એકમાત્ર શિષ્ય હતા. બાવરીસાહેબાના દેહાંત પછી તેઓ તેમની ગાદીના ઉત્તરાધિકારી બન્યા અને દિલ્હીમાં રહીને ઘણો સમય સત્સંગ કરતા રહ્યા. તેઓ સંગીતપ્રેમી હતા અને સિતાર પણ વગાડતા હતા. તેમણે દિલ્હી બહાર છેક ગાઝીપુર સુધી આ પંથનો પ્રચાર કર્યો હોવાનું જણાય છે. તેમના પછી તેમના શિષ્ય યારીસાહેબ ગાદીએ આવ્યા. તેમનું મૂળ નામ યાર મુહમ્મદ હતું અને તેઓ કોઈ શાહી કુટુંબના સંતાન શાહજાદા હતા. પાછળથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં ઐશ્વર્યપૂર્ણ જીવન છોડીને સત્યની શોધમાં નીકળી પડ્યા. શરૂઆતમાં તેઓ સૂફીઓ સાથે રહ્યા, પરંતુ તૃપ્તિ ન થતાં અંતે બીરુસાહેબનું શિષ્યત્વ સ્વીકાર્યું. તેમની વાણીનો સંગ્રહ ‘રત્નાવલી’ નામથી પ્રકાશિત થયો છે. આ રચના પરથી જણાય છે કે તેઓ મસ્ત મૌલાફકીર હતા અને તેમની સાધના ઘણું ઊંચું સ્તર ધરાવતી હતી. તેમની સમાધિ દિલ્હીમાં આવેલી છે. તેમના ચાર શિષ્યો – કેશવદાસ, સૂફી શાહ, શેખનશાહ અને હસ્તમુહમ્મદે દિલ્હીની આસપાસ આ પંથનો પ્રચાર કર્યો, જ્યારે પાંચમા શિષ્ય બૂલાસાહેબે આ પંથની એક શાખા ભુરકુંડા(જિ. ગાઝીપુર)માં સ્થાપી, જે આજે પણ ચાલુ છે.

બૂલાસાહેબ(1632–1709)નું મૂળ નામ બુલાકીરામ હતું અને તેઓ ભુરકુંડા ગામના કણબી પરિવારમાં જન્મ્યા હતા. વયસ્ક થતાં તેઓ બંસહરિના જમીનદારની નોકરીમાં રહ્યા. એક વાર પોતાના માલિક સાથે કોઈ કેસ બાબતે દિલ્હી જવાનું થતાં ત્યાંના મુકામ દરમિયાન તેઓ યારીસાહેબની જગ્યામાં સત્સંગ નિમિત્તે જતા થયા અને યારીસાહેબ પાસે દીક્ષા લીધી, ત્યારબાદ ભ્રમણ કરતાં કરતાં છેવટે પોતાના વતનમાં પાછા ફરી જંગલમાં એકાંત કુટી બનાવી સત્સંગ કરવા લાગ્યા. એ સ્થાન ‘રામવન’ તરીકે પ્રસિદ્ધ છે. તેમની રચનાઓનો સંગ્રહ ‘બૂલાસાહબ કા શબ્દસાર’ નામે પ્રગટ થયો છે. તેમની સમાધિ તેમની કુટીની નિકટ કરવામાં આવેલી છે. તેમના પછી ગુલાલસાહેબ ગાદી પર આવ્યા. તેઓ ક્ષત્રિય હતા અને ગાઝીપુર જિલ્લાના ‘બંસહરિ’ તાલુકાના જમીનદાર હતા. બૂલાસાહેબે યુવાનવયે એમની નોકરી સ્વીકારી હતી. પાછળથી તેઓ બૂલાસાહેબના શિષ્ય અને ઉત્તરાધિકારી બન્યા. તેમની રચનાઓ ‘ગુલાલસાહેબની વાણી’ને નામે પ્રગટ થઈ છે. તેમાં તેમના પૂર્વવર્તી ગુરુઓની સરખામણીમાં ભક્તિ-ભાવનાની તીવ્રતા વિશેષ જોવામાં આવે છે. તેમની અન્ય રચનાઓમાં ‘જ્ઞાનગુષ્ટિ’, ‘રામદરિયાવ’ અને ‘રામસહસ્રનામ’ પણ પ્રસિદ્ધ છે. ગુલાલસાહેબે ભુરકુંડામાં રહી 51 વર્ષ સુધી પંથના મૂળ મતનો પ્રચાર કર્યો. તેમના ગુરુભાઈ જગજીવનસાહેબે કોટવામાં આ પંથનો સ્વતંત્રપણે પ્રચાર કર્યો, જે ‘સત્યનામી સંપ્રદાય’ને નામે ઓળખાયો.

ગુલાલસાહેબના મુખ્ય શિષ્ય ભીખાસાહેબ (1714–1792) ગુરુગાદીના ઉત્તરાધિકારી થયા. તેમણે 31 વર્ષ સુધી નિરંતર સત્સંગ કરી પોતાના દાર્શનિક અને ભક્તિપરક વિચારોનો પ્રચાર કર્યો. તેમણે રચેલી કૃતિઓમાં ‘રામકુંડલિયા’, ‘રામસહસ્રનામ’, ‘રામશબદ’ અને ‘ભગતવચ્છાવલી’ મુખ્ય છે. એમાં ઈશ્વરને ‘રામ’ અને ‘હરિ’ને નામે સંબોધવામાં આવેલ છે. અને એ રચનાઓમાં ‘અનહદ નામ ગગન ઘહરાનો’ એ નાદ ગુંજે છે. તેમના બે શિષ્યો પૈકી ગોવિંદસાહેબે અહરૌલા(જિ. ફૈઝાબાદ)માં અને ચતુર્ભુજસાહેબે ભુરકુંડામાં રહી આ પંથનો પ્રચાર કર્યો. ગોવિંદસાહેબના શિષ્ય પલટૂસાહેબ (જ. 1799) આ પંથના સર્વાધિક પ્રસિદ્ધ મહાત્મા થયા. સાધના અને સત્સંગને લઈને તેમની ખ્યાતિ સમગ્ર અવધમાં પ્રસરી ગઈ. કહેવાય છે કે તેમના પ્રત્યે દ્વેષભાવ ધરાવતા વૈરાગીઓ, પંડિતો અને કાજીઓની ઉશ્કેરણીથી અવધપુરીના દુષ્ટ લોકોએ તેમને જીવતા જલાવી દીધા હતા. તેમની સમાધિ અયોધ્યાથી 7 કિમી. દૂર રામકોટમાં આવેલી છે, જે ‘પલટૂસાહેબના અખાડા’ તરીકે પ્રસિદ્ધ છે. પલટૂસાહેબના શબ્દો, સાખીઓ અને બીજાં પદોનો સંગ્રહ ‘પલટૂસાહેબની વાણી’ અને ‘શબ્દાવલી’ને નામે પ્રગટ થયેલ છે. કબીરસાહેબની રચનાઓ સાથેના સામ્યને કારણે તેમને ‘દ્વિતીય કબીર’ પણ કહેવામાં આવ્યા છે. પાછળથી તેમના નામ પરથી અલગ પલટૂદાસી પંથ પણ પ્રચારમાં આવ્યો. આ સમયે ભુરકુંડામાં ચતુર્ભુજસાહેબ(અ. 1819)ની ગાદી પર આવેલા નરસિંહસાહેબ (અ. 1850), કુમારસાહેબ (અ. 1880). રામહિતસાહેબ (અ. 1893) અને જયનારાયણ સાહેબ (અ. 1925) વગેરે મહાત્માઓએ બાવરીપંથની આ શાખાનો પ્રચાર કર્યો હતો.

બાવરીસાહેબાનું આધ્યાત્મિક દીવાનાપણું, યારીસાહેબના સૂફી સંસ્કાર, ગુલાલસાહેબ અને ભીખાસાહેબની ભજનાનંદમસ્તી અને પલટૂસાહેબની આ બધાં તત્વોના સમન્વયરૂપ વિચારસરણી એ બાવરી પંથના તત્વદર્શનની આધારશિલાઓ છે. આ પંથ સિદ્ધાંત પરત્વે અદ્વૈતવાદી અને પદ્ધતિ પરત્વે પ્રેમભક્તિનો હિમાયતી છે. આ મતમાં બ્રહ્મ જ અવિનાશી ‘દુલ્હા’ છે. તે ચેતન શાશ્વત અને વ્યાપક છે. આ એક જ તત્વની અનેકરૂપતા સર્વત્ર પ્રતિભાસિત થઈ રહી છે. જેમ સોનું એક જ હોય છે પણ તેમાંથી બનેલાં ઘરેણાં આકાર-પ્રકારમાં ભિન્ન હોય છે તેવી રીતે એક જ સર્વાત્મા સમસ્ત સૃષ્ટિનો મૂળ સ્રોત છે. ‘જોઈ જીવ સોઈ બ્રહ્મ એક હૈ’નું સૂત્ર પલટૂસાહેબે બ્રહ્મની અદ્વૈતસત્તા માટે પ્રયોજ્યું છે. અદ્વૈત બ્રહ્મની વ્યાપકતા અને પૂર્ણતા જીવ-બ્રહ્મ કે શિવ-શક્તિના મિલન માટે નામસ્મરણ અને તેમાં સ્થિરતા માટે ગુરુકૃપાની આવશ્યકતા છે. પ્રેમપૂર્વક પરમાત્માનો જપ કરવાથી તત્વપદાર્થ પામી શકાય છે. પરમાત્મા પ્રત્યે અનન્ય પ્રેમ દાખવવાથી કામ, ક્રોધ, મદ, લોભ અને મોહની અર્થાત્ માયાની લહરીઓ ઊઠતી નથી. નિરંતરના નામસ્મરણ એટલે કે અજપાજપ કરવાથી હૃદયમાં પ્રકાશ પ્રગટે છે; અંદરની બધી ગ્રંથિઓ ખૂલે છે, ભીતરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે, જીવનું બ્રહ્મ સાથેનું એ મિલન છે અને એ જ સાચું શિવ-શક્તિનું મિલન છે. આને જ બાવરી પંથમાં ‘યોગ’ કહ્યો છે. એમાં સુરતિ એટલે કે પરમાત્મા પ્રત્યેનો પ્રેમ અને નિરતિ એટલે સંસાર પ્રત્યે  વૈરાગ્ય – એ બંનેનું મિલન થાય છે અને ત્યારે જીવ પોતાના પ્રિયતમ  પરમાત્માને જઈ મળે છે. બાવરી પંથમાં આથી સદાચાર અને નીતિપરાયણ જીવન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આવું એકનિષ્ઠ આધ્યાત્મિક જીવન જીવવામાં સંસાર બાધક નથી તેથી તેની ઉપેક્ષા અપેક્ષિત નથી, કેવળ તેના પ્રત્યેની અનાસક્તિ જ અપેક્ષિત છે. આ પંથનું સાહિત્ય તેના બાર જેટલા કવિઓની રચનાને લીધે સમૃદ્ધ છે.

હસુતાબહેન સેદાણી