બાવરે નૈન

January, 2000

બાવરે નૈન : હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1950. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : ઍમ્બિશિયસ પિક્ચર્સ. દિગ્દર્શક, પટકથાલેખક, સહ-ગીતકાર : કેદાર શર્મા; કથા : અખ્તર મીરઝા; છબિકલા : પાંડુરંગ કે. શિંદે; સહગીતકાર : શારદા (હિંમતરાય); સંગીત : રોશન. મુખ્ય કલાકારો : રાજ કપૂર, ગીતા બાલી, વિજયાલક્ષ્મી, પેસી પટેલ, કુકૂ, જસવંત, શારદા, બાંકે, સિરાજ, પ્રકાશ, દર્પણ.

શ્રીમંત યુવાન અને ગરીબ યુવતીની સીધીસાદી પ્રેમકથા ધરાવતું કરુણ પ્રણય-ચિત્ર. નાયિકા ગીતાબાલીના ઉત્કૃષ્ટ અભિનય, દિગ્દર્શકનું સૂઝપૂર્વકનું દિગ્દર્શન અને ખાસ તો ઉત્કૃષ્ટ છબિકલાને કારણે આ ચલચિત્ર નોંધપાત્ર બની ગયું. શહેરમાં રહેતો ચાંદ ગામડે જાય છે. ત્યાં તે તારાના પ્રેમમાં પડે છે. તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને તે શહેરમાં પાછો આવે છે. આ બાજુ તારાની બહેન તથા માતાનું મોત થાય છે. ચાંદને શોધતી શોધતી તે શહેરમાં આવે છે, પણ તેનો ભેટો રજની સાથે થાય છે. રજની પણ ચાંદ સાથે લગ્ન કરવા ઇચ્છે છે, એટલે તારા તથા ચાંદના પ્રેમ વિશે જાણીને ઈર્ષ્યાને કારણે રજની બંનેનું મિલન થવા દેતી નથી. તારા પોતાને શોધવા આવી છે અને મળવા માગે છે એ વાતથી બેખબર ચાંદ રજની સાથે લગ્ન કરે છે. લગ્નના બૅન્ડની ટુકડીમાં તારા પણ જોડાયેલી હોય છે. ચાંદનાં લગ્ન થતાં જોઈને તે ખૂબ દુ:ખી થાય છે. લગ્નના થોડા સમય બાદ રજનીનું કરુણ મોત થાય છે. મરતી વખતે તે ચાંદ સમક્ષ તારા સાથેના વર્તનની કબૂલાત કરે છે. એ પછી ચાંદ તારાને શોધવા નીકળી પડે છે, પણ તે મોડો પડે છે. તારાનું મોત થઈ ચૂક્યું હોય છે.

ગીતા બાલી – જેમણે ‘બાવરે નૈન’ ચલચિત્રની મુખ્ય નાયિકાના પાત્રને પોતાની ઉત્કૃષ્ટ અભિનયકલાથી મૂર્તિમંત કર્યું.

ઉત્તમ છબિકલા ઉપરાંત લોકપ્રિય ગીત-સંગીતે આ ચિત્રને સફળ બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો. ‘તેરી દુનિયામેં દિલ લગતા નહિ…’ ગાયક મુકેશની કારકિર્દીનાં શ્રેષ્ઠ ગીતોમાંનું એક બની રહ્યું હતું. આ ઉપરાંત ‘મુહબ્બત કે મારોં કા હાલ દુનિયા મેં હોતા હૈ’ તથા ‘સુન બેરી બલમ…’ ગીતો લોકપ્રિય થયાં હતાં.

હરસુખ થાનકી