ગુર્નાહ, અબ્દુલરઝાક (Gurnah, Abdulrazak) (જ. 20 ડિસેમ્બર 1948, ઝાન્ઝિબાર – હવે તાન્ઝાનિયા) : મુસ્લિમ પરિવારમાં જન્મેલા અબ્દુલરઝાક ઝાન્ઝિબારની ક્રાંતિ દરમિયાન 1960ના દાયકાના અંત ભાગમાં નિર્વાસિત તરીકે ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયેલા આફ્રિકન નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર અને વિવેચક છે. તેમને સંસ્કૃતિઓ અને ખંડો વચ્ચેની ખાડીમાં, વસાહતવાદના પ્રભાવ હેઠળ સમાધાનકારક પ્રતિકાર સાથે પ્રવેશતા નિર્વાસિતોનાં ભાવિનું કરુણાસભર આલેખન કરવા માટે 2021નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો.

અબ્દુલરઝાક ગુર્નાહ

શરૂઆતમાં અબ્દુલરઝાકે ક્રિસ્ટ ચર્ચ કૉલેજ(હવે કૅન્ટબરી ક્રિસ્ટ ચર્ચ યુનિવર્સિટી)માં અભ્યાસ કર્યો. તેમણે 1976માં બી.એડ.ની પદવી પ્રાપ્ત કરીને ડૉવર, કૅન્ટની માધ્યમિક શાળામાં શિક્ષણ આપ્યું. તેઓએ કૅન્ટબરીમાં યુનિવર્સિટી ઑવ્ કૅન્ટમાં અભ્યાસ શરૂ કર્યો. 1982માં તેઓ પીએચ.ડી. થયા. પીએચ.ડી.ના અભ્યાસ દરમિયાન તેમણે નાઇજીરિયાની બેયોર યુનિવર્સિટી કાનો(Bayero University Kano)માં 1980–1982માં અધ્યાપનકાર્ય કર્યું. 1985માં તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅન્ટના અંગ્રેજી વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. અંગ્રેજી અને પોસ્ટકોલોનિઅલ સાહિત્યના એમિરેટ્સ પ્રોફેસર તરીકે ત્યાં જ અધ્યાપનકાર્ય કર્યું. 2017માં તેઓ નિવૃત્ત થયા. હાલમાં તેઓ ઇંગ્લૅન્ડમાં કૅન્ટબરીમાં રહે છે. બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. આજે પણ તાન્ઝાનિયા સાથે તેમના ગાઢ સંબંધો છે. 2006માં તેઓ રૉયલ સોસાયટી ઑવ્ લિટરેચરના સભ્ય તરીકે ચૂંટાયેલા છે. હાલમાં તેઓ વાસાફિરી જર્નલના સલાહકાર બોર્ડના સભ્ય છે. તેઓએ તેના સંપાદક તરીકે પણ સેવાઓ આપી છે.

અબ્દુલરઝાકની પ્રથમ ભાષા સ્વાહિલી છે. પરંતુ તેમણે અંગ્રેજી ભાષામાં લખ્યું છે. તેમણે 21 વર્ષે લેખનકાર્યનો આરંભ કરેલો. તેઓ કુરાનની સુરાઓ, અરબી અને ફારસી કવિતાઓ અને શેક્સપિયર વગેરેની સાહિત્યિક પરંપરાઓને અનુસર્યા છે. અબ્દુલરઝાકના મોટા ભાગના સાહિત્યસર્જનમાં મુખ્યત્વે પૂર્વ આફ્રિકાથી યુરોપ અને આફ્રિકામાં સ્થળાંતર અને વિસ્થાપનનું વિષયવસ્તુ કેન્દ્રસ્થાને છે. તેમાં વસાહતીવાદ અને ગુલામીના વારસા દ્વારા એ કઈ રીતે આકાર લે છે, તેનું આલેખન છે.

તેમની પ્રથમ ત્રણ નવલકથાઓ ‘મૅમરી ઑવ્ ડિપાર્ચર પિલ્ગ્રિમ્સ વે’ (1988) અને ‘ટોટ્ટી’(1990)માં તેમણે સમકાલીન બ્રિટનમાં સ્થળાંતર કરનારના અનુભવોને જુદા જુદા દૃષ્ટિકોણથી આલેખ્યા છે. ગુર્નાહની નવલકથાઓમાં સ્થળાંતર અન વિસ્થાપન કેન્દ્રસ્થાને છે. તેમની ચોથી નવલકથા ‘પૅરેડાઇઝ’ (Paradise) (1994) જે તેમની સીમાચિહનરૂપ નવલકથા છે. જે 20મી સદીની શરૂઆતમાં, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન વસાહતી પૂર્વ આફ્રિકામાં લખાયેલી છે. જે સાહિત્ય માટેના બુકર પ્રાઇઝ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી. ‘એડમાઇરિંગ સાયલન્સ’ (Admiring Silence) (1996)એ ઝાન્ઝીબાર છોડીને ઇંગ્લૅન્ડમાં સ્થળાંતર કરતા યુવકની કથા છે જે ત્યાં સ્થાયી થાય છે. 20 વર્ષ પછી પોતાના દેશ-વતનમાં જાય છે. તેની સંવેદના સરસ વ્યક્ત કરી છે. ‘બાય ધ સી’ (By the Sea) (2001) જે દરિયાકિનારે આશ્રય શોધતા વૃદ્ધની કથા છે. તેમની અન્ય નવલકથાઓમાં ‘ડીઝર્શન’ (Desertion) (2005) 2006માં કૉમનવેલ્થ રાઇટર્સ પ્રાઇઝ માટે શોર્ટ લિસ્ટમાં થઈ હતી. એ ઉપરાંત ‘ધ લાસ્ટ ગિફ્ટ’ (The Last Gift) (2011), ‘ગ્રાવૅલ હાર્ટ’ (Gravel Heart) (2017) અને ‘આફ્ટર લાઇવ્ઝ’ (After lives) (2020) વગેરે પ્રગટ થઈ છે.

ગુર્નાહની નવલકથાઓમાં વ્યક્તિની ઓળખ અને વિસ્થાપનના મુદ્દાઓ કેન્દ્રસ્થાને છે. તેમનાં પાત્રો નવા વાતાવરણમાં પોતાની ઓળખ માટે સતત પ્રયત્ન કરે છે. તેમના ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સંવાદો ચાલે છે. વંશીય, ધાર્મિક અને સામાજિક ભિન્નતાને કારણે પોતે અલગ હોવાની સંવેદના તેમની કથામાં ધારદાર રીતે નિરૂપાઈ છે.

2007માં તેમણે ‘ધ કૅમ્બ્રિજ કમ્પેનિયન ટુ સલ્માન રશ્દી’(The Cambridge Companion to Salman Rushdie)નું સંપાદન પણ કર્યું છે.

ઊર્મિલા ઠાકર