ગુર્ટુ, શોભા (જ. 8 ફેબ્રુઆરી 1925, બેલગામ, કર્ણાટક; અ. 27 સપ્ટેમ્બર 2004, મુંબઈ) : ઠૂમરી, ગઝલ અને દાદરા શૈલીનાં નામી ગાયિકા. શોભાનાં માતા મેનકાબાઈ શિરોડકર શાસ્ત્રીય તેમજ સુગમ સંગીત ઉત્તમ રીતે ગાતાં. ઉપરાંત નૃત્ય અને વાદ્યવાદનમાં પણ તેઓ માહેર હતા. એમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ જયપુર-અતરોલી ઘરાણાના ઉસ્તાદ નથ્થનખાં પાસેથી તથા ઉપશાસ્ત્રીય સંગીતની તાલીમ ઉસ્તાદ ઘમ્મનખાં પાસેથી મેળવી હતી.

ઘરમાં સંગીતમય વાતાવરણ હોવાથી શોભામાં બચપણથી જ સંગીતના સંસ્કાર ઊતર્યા હતા. એમણે પણ સંગીતની તાલીમ પોતાની માતાના ગુરુઓની પાસેથી જ મેળવી હતી. શરૂમાં શોભા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો આપતાં, પણ એમનો કંઠ તથા કલ્પના ઉપશાસ્ત્રીય સંગીતમાં વધુ ખીલી ઊઠતાં હોવાથી તે મુખ્યત્વે ઉપશાસ્ત્રીય સંગીતના

શોભા ગુર્ટુ

કાર્યક્રમો જ આપતાં હતાં. તે સંગીતનાં નિષ્ણાત હતાં અને સંગીત પરિષદોમાં તેમજ સંગીત મંડળોમાં એમના કાર્યક્રમોની સારા પ્રમાણમાં માગ હતી. ખાસ કરીને મહારાષ્ટ્રમાં એમની ગણના ઉપશાસ્ત્રીય સંગીતનાં સર્વશ્રેષ્ઠ ગાયિકા તરીકે થતી હતી. એમનું માંડ રાગનું રાજસ્થાની લોકગીત ‘કેસરિયા બાલમ પધારો મ્હારે દેશ’ ઘણું જ લોકપ્રિય છે. તેમનું તે ગીત તથા બીજાં કેટલાંક ગીતોની કૅસેટ ઊતરી છે, જેમાં એમણે ઠૂમરી, ચૈતી, હોરી, દાદરા વગેરે ઉપશાસ્ત્રીય સંગીતનાં ગીતો ગાયાં છે. ઠૂમરી અને દાદરાની અનેક બંદીશો તેમના સંગ્રહમાં હતી. હિંદી અને મરાઠી ચલચિત્રોમાં પણ પાર્શ્વગાયિકા તરીકે તેમણે સેવાઓ આપી છે. દા. ત., ‘મેં તુલસી તેરે આંગન કી’, ‘સામના’ વગેરે. તેમના પુત્રે પાશ્ચાત્ય સંગીતમાં અને ખાસ કરીને ચર્મવાદ્યો વગાડવામાં નિપુણતા મેળવી છે.

બટુક દીવાનજી