આહારમાં રેસા : માનવઆહારમાં રેસાવાળા આહારનું મહત્વ છે. મુખ્યત્વે તે વનસ્પતિજન્ય ખોરાકમાં જણાય છે. તેમાં લીલાં શાકભાજી, સૂકાં ફળો (છાલ સાથે), ગાજર, લીલા વટાણા, નારિયેળ, સૂર્યમુખીના ફૂલનાં બિયાં, ઇસબગુલના દાણા, ધાનની થૂલી, કુશકી, ભૂસું, શાક-ધાનનાં છોડાં-ફોતરાં ઇ. મુખ્ય છે. આહારમાંનો રેસાવાળો ભાગ અપચ્ય, જલશોષક અને પોષણરહિત હોય છે.

રેસારહિત કે અલ્પરેસાવાળા ખોરાકમાં દૂધ-દહીં અને તેની બનાવટો, ઈંડાં, પનીર, માંસ-મચ્છી, આમ્લફળો, બટાટા, છાલ કાઢી નાખેલાં કાકડી-તૂરિયાં, ટામેટાં ઇ.નો સમાવેશ થાય છે. (જુઓ સારણી 1)

રેસામય ખોરાકમાં મુખ્યત્વે કોષશર્કરા (cellulose) અર્ધકોષશર્કરા (hemi-cellulose), મ્યુસિલેજ (mucilage), ગુંદર (gums), લિગ્નિન (lignin), પેક્ટિન (pectin) જેવાં ચીકણાં અને પાણી શોષતાં તત્વો હોય છે.

રેસામય ખોરાક પચ્યા અને શોષાયા વિના છેક મોટા આંતરડા સુધી પહોંચે છે. ત્યાં પાણી શોષી તે ફૂલે છે અને ચીકણો થાય છે. ત્યાંના જીવાણુઓ ખોરાકમાંથી પોષણ મેળવી પોતાનું પ્રજનન વધારે છે. આમ જૈવકિણ્વન (bio-fermentation) દ્વારા, નવાં જીવાણુજૂથો સતત સર્જાતાં રહે છે, જે મળનો જથ્થો વધારે છે. પરિણામે, મળનું પ્રમાણ વધારી આંતરડાની લહરીગતિ (peristalsis) વધારે છે. ચીકાશ મળસરણને સરળ બનાવે છે અને અંતે મળોત્સર્ગ સુગમ બની રહે છે. રેસાવાળા આહાર લેનારાઓમાં મોટા આંતરડા એટલે કે બૃહદાંત્ર(large intestine)નું કૅન્સર ઓછું જોવા મળે છે.

કબજિયાત, ઉગ્ર આંત્ર-સંલક્ષણ (irritable bowel syndrome), સ્થૂળ શરીરવાળા ઇ.ને રેસામય આહાર ઉપકારક છે. લોહીનું ભ્રમણ ઘટવાથી થતો હૃદયરોગ (ischaemic heart disease), મેદસ્વિતા (obesity), મધુપ્રમેહ (diabetes), પિત્તમાર્ગમાંની પથરી, હરસમસા, ‘ઍપેન્ડિસાઇટિસ’, સારણગાંઠ, સર્પશિરા (varicose veins), શિરારુધિરગંઠન (venous thrombosis) ઇ.માં રેસાયુક્ત આહાર પરોક્ષ રીતે સહાયક બને છે.

સારણી 1 : વિવિધ આહારી દ્રવ્યોમાં રેસાનું પ્રમાણ

આહારી દ્રવ્ય   આહારી રેસા (ગ્રામ/100 ગ્રામ)
    તાજો પદાર્થ સૂકવેલો પદાર્થ
ફળો : સફરજન 1.42 9.16
કેળું 1.75 5.97
ચેરી (છાલ સાથે) 1.24 6.70
દ્રાક્ષ 0.44 2.42
નારંગી 1.90 13.7
જામફળ (pears) 2.44 14.7
પ્લમ્સ 1.52 9.56
સ્ટ્રોબેરિ 2.12 19.1
તાજા ટામેટા 1.40 21.9
 લીલાં શાકભાજી : કોબિજ 2.66-3.44 29.4-35.5
ડુંગળી 1.30 18.1
કઠોળ : વટાણા 6.28-7.75 34.1-3.71
કંદમૂળ : ગાજર 2.90 28.4
બટાકા 3.41 14.1
ધાન્ય : ઘઉંનો લોટ 3.45થી 13.51
ચોખા 2.74

વૃદ્ધોના બંધકોશને દૂર કરવામાં રેસાયુક્ત આહાર સારો છે. પરંતુ કૅલ્શિયમ (calcium), આયર્ન (iron), ઝિંક (zinc) જેવા ધાતુક્ષારોનું અવશોષણ થતું તે રોકે છે.

પશ્ચિમના દેશોમાં, સરેરાશ રેસામય આહાર માત્ર 15-20 ગ્રામ લેવાય છે. ભારતની ગ્રામીણ પ્રજામાં તેનું પ્રમાણ સરેરાશ 35-45 ગ્રામ જેટલું હોય છે તેને કારણે બંધકોશની ફરિયાદ ઓછી હોય છે.

મોટા આંતરડાને શાંત રાખવાનું હોય ત્યારે આ ખોરાક જોખમી ગણાય.

શિલીન નં. શુક્લ

હરિત દેરાસરી