આવસ્સય–ચૂન્નિ

January, 2002

આવસ્સય–ચૂન્નિ (सं. आवश्यक चूर्णि) : આવશ્યક સૂત્ર પરનો ટીકા-ગ્રંથ. તેના કર્તા જિનદાસગણિ મહત્તર મનાય છે. આમાં કેવળ શબ્દાર્થનું જ પ્રતિપાદન નથી, પરંતુ ભાષા અને વિષયની દૃષ્ટિએ જોતાં તે એક સ્વતંત્ર રચના જણાય છે. ઋષભદેવના જન્મ-મહોત્સવથી નિર્વાણપ્રાપ્તિ સુધીની ઘટનાઓનું સવિસ્તર વર્ણન છે. જૈન પરંપરા અનુસાર તેમણે જ સર્વપ્રથમ અગ્નિનું ઉત્પાદન કરવાનું શિખવાડ્યું અને શિષ્યોને કુંભકાર, ચિત્રકાર, વસ્ત્રકાર આદિના વ્યવસાયનું શિક્ષણ આપ્યું હતું. તેમણે ભરતને ચિત્રવિદ્યાનું શિક્ષણ આપ્યું અને દંડનીતિ પ્રચલિત કરી. ભરતની દિગ્વિજયયાત્રા અને રાજ્યાભિષેકનું અહીં વિસ્તારથી વર્ણન છે. તેમણે આર્ય વેદોની રચના કરી, જેમાં તીર્થંકરોની સ્તુતિ, યતિ-શ્રાવક-ધર્મ અને શાંતિકર્મનો ઉપદેશ હતો.

અન્યત્ર ઉપલબ્ધ નથી તેવું આ ગ્રંથમાં ઋષભદેવની જેમ જ મહાવીરનાં જન્મ, વિવાહ, દીક્ષા અને ઉપસર્ગો તથા દીક્ષા પશ્ચાત્ દેશદેશાંતરોમાં વિહાર વગેરેનું વિસ્તૃત વર્ણન છે. ત્યારબાદ વજ્રસ્વામીનું વૃત્તાંત, દશપુરની ઉત્પત્તિ, આર્યરક્ષિત, ગોષ્ઠામહિલ, જમાલિ, તિષ્ય-ગુપ્ત, આષાઢાચાર્ય, કૌંડિન્ય ત્રૈરાશિક અને બોટિક વગેરેનું કથાવૃત્તાંત આવે છે.

તત્પશ્ચાત્ ચેલનાનું હરણ, કુણિકની ઉત્પત્તિ, સેચનક હાથીની ઉત્પત્તિ અને કુણિકનું યુદ્ધ, મહેશ્વરની ઉત્પત્તિ વગેરે પ્રસંગોનું વર્ણન છે. શકટાલ અને વરરુચિનું વૃત્તાંત તથા સ્થૂલભદ્રની દીક્ષા વગેરેનું અહીં વિસ્તારપૂર્વક વર્ણન છે.

સંયતની પરિષ્ઠાપનાવિધિનું વિસ્તારથી પ્રતિપાદન છે. આ સંબંધી ગાથાઓ બૃહત્કલ્પભાષ્ય અને શિવકોટિ આચાર્યની ભગવતી આરાધનાની ગાથાઓ સાથે મળતી આવે છે.

ગીતા મહેતા