આવસ્સય–નિજ્જુત્તિ

January, 2002

આવસ્સય–નિજ્જુત્તિ (ઈ. પૂ. ત્રીજી સદી) (सं. आवश्यक निर्युक्ति) : શ્વેતાંબર જૈનોનું ધર્મશાસ્ત્ર. આવસ્સયસુત્ત (આવશ્યક સૂત્ર) ઉપર પ્રાકૃત ગાથાઓમાં રચાયેલી આ એક પ્રકારની ટીકા (નિર્યુક્તિ) છે. શ્વેતાંબરોનાં ‘મૂલસૂત્રો’માં ગણાતા આવશ્યક સૂત્રમાં રોજ સવાર-સાંજ કરવી પડતી છ આવશ્યક ધાર્મિક વિધિઓ દર્શાવી હોવાથી તે ‘ષડ્-આવશ્યક’ નામથી પણ ઓળખાય છે. તેઓ માને છે કે આશરે 1-2386 આર્યા-અનુષ્ટુપ છંદોમાં મિશ્રિત સળંગ પ્રાકૃત ગાથાઓવાળા આ ધર્મશાસ્ત્રની રચના ભદ્રબાહુએ (આશરે ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં) કરી હતી. અનેક સદીઓથી આવશ્યક નિર્યુક્તિની પ્રાકૃત ગાથાઓ સતત પ્રક્ષિપ્ત થતી રહી છે. તેમની સંખ્યા, આ ધર્મશાસ્ત્ર પર મળી આવતી મોટા ભાગની (જેમ કે : ચૂર્ણિ તથા આઠમી સદીમાં હરિભદ્ર; બારમી સદીમાં મલયગિરિ; તેરમી સદીમાં તિલકાચાર્ય; ચૌદમી સદીમાં જ્ઞાનસાગર ઉપરાંત માણિક્યશેખર, હેમચંદ્ર મલધારી વ.ની) ટીકાઓમાં એકસરખી આપવામાં આવી નથી. ચૂર્ણિ અને હરિભદ્ર જેવા ટીકાકારોએ આવશ્યક સૂત્રમાંની છ વિધિઓને અનુસરતાં આવશ્યક-નિર્યુક્તિને છ અધ્યયનોમાં, અને મલયગિરિ જેવા ટીકાકારોએ તેને વીસ અધ્યયનોમાં વહેંચ્યું છે. નીચે જણાવેલ આવશ્યક-નિર્યુક્તિની વિષયસામગ્રીની રૂપરેખાની શરૂઆતમાં યોગ્ય સ્થળે રોમન અંકથી છ અધ્યયનો અને પછી અંગ્રેજી અંકથી વીસ અધ્યયનો તથા અંતે કૌંસમાં ગાથા-સંખ્યા આપવામાં આવે છે. કોઈ કોઈ સંખ્યા અનિશ્ર્ચિત જણાતાં આગળ (±) આવો સંકેત કરવામાં આવ્યો છે.

પીઠિકા (1  ± 880) : 1. પાંચજ્ઞાન (1 – 79), સામાઈયની શ્રુતજ્ઞાનમાં ગણના (80 – 242). 2. ભદ્રબાહુનો નિર્યુક્તિઓ બાબતે ઉલ્લેખ, 26 દ્વારોથી વર્ણન, મહાવીરના પૂર્વજન્મોનું કથન, સાત કુલકરો અને તેમની નીતિ, ઋષભના પૂર્વજન્મો, તીર્થંકરકર્મ અને જીવન, તે રીતે બીજા તીર્થંકરોનાં જીવન તથા સમયમર્યાદા. 3. ઋષભચરિત ફરીથી ચાલુ, મરીચિની કથા, મહાવીર-ચરિત અને તેમના કેવળ-જ્ઞાનની પ્રાપ્તિ. 4. ઉપસર્ગો. 5. સમવસરણ (તીર્થંકરોને ઉપદેશ આપવા માટેનું વિશિષ્ટ સ્થાન), તેની પૂર્વતૈયારીઓ; દેવ, મનુષ્ય, પશુ, પંખી, વ.નું ઉપદેશ સાંભળવા આગમન. 6. 11 ગણધરોનાં વર્ણન (591-665). 7. દશ સમાચારી (666-827). 8. સાત નિહ્નવો (મિથ્યાવાદી, 778 – ± 788) -I. 9. ઉપોદ્ઘાત-નિર્યુક્તિ/નમસ્કારનિર્યુક્તિ, છ આવશ્યકો. 10. આવશ્યક પહેલું = સામાઈય (± 881 – 1328) -II. 11. આવશ્યક બીજું = ચઉવિસથ્થય (ચોવીસ તીર્થંકરોની સ્તુતિ 1329-1389) -III. 12. આવશ્યક ત્રીજું = વંદણય (વંદન -1390-1524) -IV. 13. આવશ્યક ચોથું = પડિક્કમણ (પ્રતિક્રમણ, 1525-2103)…. આ 13 મા અધ્યયનના વિસ્તાર રૂપે નીચેનાં 14-18 અધ્યયનો પાછળથી અસ્તિત્વમાં આવ્યાં છે. જેમ કે, 14. જિનભદ્રરચિત ધ્યાનશતક. 15. પરિસ્થાપનીય-નિર્યુક્તિ. 16. પ્રતિક્રમણ-સંગ્રહણી. 17. યોગસંગ્રહ. 18. આશાતના -V. 19. આવશ્યક પાંચમું – કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ -2104-2288) -VI. 20. આવશ્યક છઠ્ઠું = પચ્ચકખાણ (પ્રત્યાખ્યાન, 2289-2386).

આવશ્યક વિધિના સંકેત જૈન ધર્મના પ્રણેતા વર્ધમાન મહાવીર- (ઈ. પૂ. આશરે છઠ્ઠી સદી)ના સમયથી મળી આવે છે. મૌખિક પરંપરામાં સતત જળવાઈ રહે તેવા હેતુથી આવી વિધિઓના વિષયવસ્તુને ટૂંકમાં, આર્ષ પ્રાકૃતમાં રચાયેલી કેટલીક સંગ્રહણી-(સંક્ષેપ)ગાથાઓમાં સંકલિત રાખ્યાં હતાં. આવી સંગ્રહણી-ગાથાઓને તથા આવશ્યક સૂત્રને સમજાવવા માટે સમયે સમયે આર્ષ પ્રાકૃતમાં કેટલીક નિર્યુક્તિઓ પણ રચાતી ગઈ. જૈનોમાં શ્વેતાંબર-દિગંબર જેવા બે વિભાગો હજી અસ્તિત્વમાં પણ નહોતા આવ્યા તેવા સમય દરમિયાન આવી નિર્યુક્તિની (સંગ્રહણી-ગાથાઓ સહિત) લગભગ 170 ગાથાઓ જ મૂળ-આવશ્યક-નિર્યુક્તિ તરીકે ગણવામાં આવે છે. આ મૂળ ઉપરથી શ્વેતાંબર પરંપરામાં નીચે મુજબ અનુક્રમે કુલ 4 વાર સંવૃદ્ધ સંસ્કરણો (Enriched) થતાં ગયાં છે.

(1) ઈ. પૂ. લગભગ ત્રીજી કે બીજી સદીમાં શ્વેતાંબર સંપ્રદાયના આદ્ય પ્રણેતા ભદ્રબાહુએ મૂળમાં થોડો વિસ્તાર કર્યો. અહીં આવતાં કથાનકો, વૃત્તાંતો, ઉપદેશકથાઓ વગેરે ભાષાની દૃષ્ટિએ બૌદ્ધોના વિસુદ્ધિમગ્ગ અને જાતકકથાઓ સાથે સરખાવી શકાય. (2) આ સંસ્કરણ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા આપવી મુશ્કેલ, છતાં તે આશરે સિદ્ધસેનના સમયમાં વિસ્તૃત થયું હોવું જોઈએ. અહીં નિર્યુક્તિ ગાથાઓની સાથે સાથે કેટલીક બીજી ગાથાઓ પણ પ્રક્ષિપ્ત કરીને સળંગ ગણવામાં આવી છે. ચૂર્ણિમાં આવી ગાથાઓને ‘મૂળ-ભાષ્ય-ગાથા’ઓ તરીકે જણાવી, નિર્યુક્તિ ગાથાઓથી અલગ કરી દેવામાં આવી છે. આ સમય દરમિયાન નંદિસુત્ત અને અણુઓગદ્દારસુત્ત આવશ્યક-સાહિત્યમાંથી છૂટાં પડી ગયાં હોય એમ લાગે છે. (3) આ સંસ્કરણ લગભગ ઈ. સ.ની છઠ્ઠી કે સાતમી સદીમાં અથવા ધ્યાનશતકના રચનાર જિનભદ્રના સમય દરમિયાન વિસ્તૃત થયું હતું. હરિભદ્રે પોતાની ટીકામાં નિર્યુક્તિ ગાથાઓ અને ‘મૂળ-ભાષ્ય-ગાથાઓ’ સિવાયની કેટલીક ગાથાઓને ‘ભિન્ન-કર્તૃક’ (કોઈ બીજાની રચેલી : પ્રક્ષિપ્ત) જણાવી છે. આ પ્રક્ષિપ્ત ગાથાઓ ચૂર્ણિમાં નથી આવતી. (4) આ સંસ્કરણમાં 16મું અધ્યયન પુનરાવર્તન પામ્યું છે અને નંદિસુત્તની સ્થવિરાવલીનોે પણ નિર્યુક્તિ ગાથાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વળી, આવશ્યક-નિર્યુક્તિના ભાષ્ય તરીકે જિનભદ્રે પ્રાકૃત ગાથાઓમાં રચેલા વિસેસાવસ્સયભાસમાંથી પણ ઘણી ગાથાઓનો નિર્યુક્તિ ગાથાઓ તરીકે સમાવેશ કરી દેવામાં આવ્યો છે.

જિનભદ્ર-કોટ્યાચાર્યના વિસેસાવસ્સયભાસ ઉપરાંત, શીલાંક (નવમી સદી) અને હેમચંદ્ર(બારમી સદી)ની વિસેસાવસ્સયભાસ ઉપરની ટીકાઓમાં પણ બીજી ઘણી નિર્યુક્તિ ગાથાઓ પ્રક્ષિપ્ત થયેલી જણાય છે.

દિગંબર જૈન પરંપરામાં વટ્ટકેરે પ્રાચીન પ્રાકૃત ગાથાઓમાં રચેલા મૂલાચારના સાતમા અધ્યયનમાંથી પણ મૂળ આવશ્યક-નિર્યુક્તિની ગાથાઓ મળી આવે છે. તેમાંથી અપરાજિતે રચેલી આરાધનામાં અને વસુનંદીએ રચેલી આચારવૃત્તિમાં તથા અંતે લગભગ તેરમી સદીમાં (આશાધરે રચેલા ધર્મામૃતના સમયની આસપાસ) નિર્યુક્તિ ગાથાઓનો વિસ્તાર થતો ગયો.

જૈનેતર તથા વિશેષત: જૈનોનાં સમાજ, ધર્મ, દર્શન, પરંપરા વગેરેનો ઐતિહાસિક વિકાસ દર્શાવનારા એકમાત્ર ઉત્તમ અને અનુપમ ધર્મગ્રંથ તરીકે આવશ્યક-નિર્યુક્તિની સંપ્રદાય-સ્વીકૃત (vulgata) આવૃત્તિનું સ્થાન પણ આવશ્યક સૂત્ર જેટલું જ ઊંચું છે. ભારતીય સંસ્કૃતિને સ્પર્શતા કોઈ પણ પ્રાચીન કે મધ્યકાલીન વિષય પર સંશોધન કરનારા માટે તો જૈનોના આવા બહુમૂલ્ય ગ્રંથોનું પણ અધ્યયન તદ્દન અનિવાર્ય થઈ પડે છે.

બંસીધર ભટ્ટ