આવશ્યક સેવા જાળવણી અધિનિયમ

January, 2002

આવશ્યક સેવા જાળવણી અધિનિયમ (સને 1968નો 59મો અધિનિયમ) : આવશ્યક સેવાઓની જાળવણી માટે ઘડાયેલો કાયદો. આ અધિનિયમ ભારતની સંસદે 1968માં ઘડ્યો છે. આ અધિનિયમ સમગ્ર ભારતને લાગુ પડે છે. જમ્મુ-કાશ્મીર રાજ્યના વિસ્તારને લાગુ પડતો ન હોવા છતાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડે તેટલે અંશે તે રાજ્યમાં પણ તે લાગુ પડે છે. આ અધિનિયમના સંદર્ભમાં તાર-ટપાલ અને દૂરસંચાર-સેવાઓ; સંસદને જેના વિશે કાયદો ઘડવાની સત્તા હોય તેવી રેલવે અગર જમીન, જળ કે હવાઈમાર્ગે મનુષ્ય અગર માલસામાનનું પરિવહન કરતી કોઈ પણ સેવાઓ; હવાઈ મથક ચલાવવા કે તેની જાળવણી માટે અગર હવાઈ જહાજ ચલાવવા, તેનું સમારકામ કરવા કે જાળવણી કરવા માટેની કોઈ પણ સેવા; કોઈ બંદર ઉપર માલ ભરવા-ઉતારવાની સેવા; સંરક્ષિત છાપખાનાં કે ટંકશાળમાંની કોઈ સેવા; ભારત સરકારના સંરક્ષણ વિભાગમાંની કોઈ સેવા; ઉપર જણાવેલ સેવા ઉપરાંત ભારતના ગણરાજ્યની કોઈ પણ બાબત અંગેની સેવા આવરી લેવાય છે.

ઉપરાંત આ અધિનિયમમાં ‘હડતાળ’ શબ્દની પણ વ્યાખ્યા આપવામાં આવેલી છે. આ અધિનિયમની કલમ 3માં પ્રબંધ કરીને કેન્દ્ર સરકારને કેટલીક સત્તાઓ આપવામાં આવેલી છે. જાહેરહિતમાં જરૂરી જણાય ત્યારે ઉપર જણાવેલ કોઈ પણ આવશ્યક સેવામાં હડતાળ માટે પ્રતિબંધ ફરમાવવાનો હુકમ કેન્દ્ર સરકાર કરી શકે છે. પરંતુ આવો હુકમ માત્ર છ માસની મુદત સુધી અમલમાં રહે. આ છ માસની મુદત વધારવાની કેન્દ્ર સરકારને સત્તા છે. આવો હુકમ કરવામાં આવ્યો હોય ત્યારે ઉપર જણાવેલ આવશ્યક સેવામાં રોકાયેલ કોઈ પણ વ્યક્તિ હડતાળ ઉપર જઈ શકે નહિ અને હડતાળ શરૂ થઈ હોય તો તે ગેરકાયદેસરની ગણાય. તેમ છતાં કોઈ વ્યક્તિ આવી હડતાળ ઉપર જાય અગર હડતાળમાં ભાગ લે તો તેને છ માસ સુધીની કેદ અગર રૂપિયા 100 સુધીનો દંડ અગર બંને થઈ શકે. ગેરકાયદેસર હડતાળમાં કોઈ વ્યક્તિ જાણી-બૂજીને હડતાળમાં નાણાકીય મદદ કરે તો તેને એક વર્ષની કેદ અગર રૂપિયા 1,000 સુધીનો દંડ અગર બંને થઈ શકે છે. આ અધિનિયમ અન્વયે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય તો તેવી વ્યક્તિની, સને 1973ના ક્રિમિનલ પ્રોસિજર કોડના પ્રબંધો છતાં, પોલીસ અધિકારી વગર વૉરન્ટે ધરપકડ કરી શકે છે. ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ્સ ઍક્ટ 1947 અગર તત્કાલીન અમલમાં હોય તેવા કોઈ પણ કાનૂની પ્રબંધોથી અસંગત એવા આ અધિનિયમના પ્રબંધો મુજબ કોઈ પણ હુકમ કરવામાં આવેલો હોય તો તેવો હુકમ અમલમાં ગણાશે.

આ અધિનિયમ અન્વયે જાહેર કરેલી આવશ્યક સેવાઓની યાદીમાં વખતોવખત ઉમેરો કે ઘટાડો કરવાની કેન્દ્ર સરકારને સત્તા છે.

ઉમાકાન્ત મા. પંડિત