આગ્રે, પીટર (Agre, Peter) (જ. 30 જાન્યુઆરી 1949, નૉર્થફિલ્ડ, યુ.એસ.) : અમેરિકાના જીવરસાયણવિદ (biochemist) અને 2003ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. આગ્રેએ 1970માં ઑગ્સબર્ગ કૉલેજ, મિનિયાપૉલિસમાંથી રસાયણશાસ્ત્ર મુખ્ય વિષય સાથે બી.એ.ની જ્યારે 1974માં બાલ્ટિમોરની જોન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનમાંથી એમ.ડી.ની પદવી મેળવી હતી. 1981માં અનુસ્નાતક તાલીમ માટે ફેલોશિપ મળતાં તેઓ હૉપ્કિન્સસમાં પાછા આવ્યા. અહીં 1993માં તેઓ જૈવિક રસાયણશાસ્ત્ર (biological chemistry) અને મેડિસિનના પ્રાધ્યાપક બન્યા.

Peter Agre

પીટર, આગ્રે

સૌ. "Peter Agre" | CC BY 3.0

1800ના શતકના મધ્ય ભાગમાં જીવવિજ્ઞાનીઓને માલૂમ પડ્યું હતું કે જીવંત સજીવોના (living organisms) કોષો ચરબીજ દ્રવ્યની ફિલ્મ વડે પરિબદ્ધ થયેલા હોય છે અને આ કોષોના પટલ(membranes)માં વિશિષ્ટ છિદ્રો (openings) હોય છે; દા. ત., કોષમાંથી પાણી અંદર અને બહાર જઈ શકે છે, પણ અન્ય આવશ્યક પદાર્થોનું તેમાંથી ક્ષરણ (leakage) થતું નથી. શતકના પાછલા ભાગમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે આયનો (ions) (વીજભારિત પરમાણુઓ, દા. ત., Na+, K+ વગેરે) પણ કોષમાંથી અંદર-બહાર જઈ શકે છે. સ્નાયુઓને સંકોચતા કે શિથિલ બનાવતા ચેતા-આવેગો(nerve impulses)ના વિમોચન માટે પ્રેરક ચેતાકોષો-(motor nerve cells)માંથી આયનોનું પરિવહન જરૂરી છે. જ્યારે આયનવાહિકાઓ (ion channels) બરાબર કામ આવતી ન હોય ત્યારે મૂત્રપિંડો (kidneys), હૃદય તેમજ ચેતાતંત્રના રોગો ઉત્પન્ન થાય છે. સ્વાસ્થ્ય અને રોગ માટે પાણી અને આયનવાહિકાઓની અગત્ય જોતાં 20મી સદીમાં વૈજ્ઞાનિકોએ આ વાહિકાઓને શોધવા અને તેઓ કેવી રીતે કાર્ય કરે છે તે શોધવા પ્રયત્નો કર્યા છે.

આગ્રેએ 1988માં કોષપટલમાંથી એક પ્રકારના પ્રોટીનના અણુને અલગ પાડ્યો અને માન્યું કે તે લાંબા સમયથી અપેક્ષિત એવી જલવાહિકા છે. તેમની પરિકલ્પના(hypothesis)ની એક કસોટીમાં આ પ્રોટીન સાથેના અને પ્રોટીન વિનાના પટલો ધરાવતા કોષોને જલીય દ્રાવણોમાં મૂકતા તેઓ કેવો પ્રતિભાવ આપે છે તે તપાસવાનો સમાવેશ થતો હતો. પ્રોટીન ધરાવતા કોષો પાણી તેમની અંદર વહેવાથી ફૂલ્યા (swelled up), જ્યારે પ્રોટીન ન ધરાવતા કોષોનું કદ તેનું તે જ રહ્યું. આગ્રેએ આ પ્રોટીનનું નામ ઍક્વાપોરિન (aquaporin) આપ્યું. પાછળથી સંશોધકોએ પ્રાણીઓ, છોડવામાં અને જીવાણુઓ સુધ્ધાંમાં પ્રોટીનોના આખા કુળ(family)ને શોધી કાઢ્યું. માનવીના મૂત્રપિંડો મંદ (dilute) મૂત્રને કેવી રીતે સંકેન્દ્રિત કરે છે અને પાણીને લોહીમાં પાછું મોકલે છે તે કાર્યવિધિમાં બે જુદા જુદા ઍક્વાપોરિન મુખ્ય ભાગ ભજવતાં હોવાનું માલૂમ પડ્યું છે.

જ્યારે આગ્રે તેમના આ સંસ્મરણીય (landmark) કાર્યની શરૂઆત કરતા હતા ત્યારે મૅકકિનૉન (MacKinnon) નામના એક અન્ય વૈજ્ઞાનિક તેમના દર્દીઓની સારવારમાં વ્યસ્ત હતા. તેમને પણ આયનવાહિકાઓમાં રસ પડ્યો અને 30 વર્ષની વયે તેમણે સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ આયનવાહિકાઓ પણ પ્રોટીનની બનેલી માલૂમ પડી.

આગ્રે અને મૅકકિનૉનને માનવીઓ અને અન્ય જીવંત વસ્તુઓના કોષોની બહારની સપાટી પર આવેલ છિદ્રસમ (porelike) વાહિકાઓની સંરચના અને સંચાલન(operation)ની શોધ બદલ 2003ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રહલાદ બે. પટેલ