આગ્રાસરુ : અનાવૃત બીજધારી વિભાગના કૉનિફરેલ્સ ગોત્રમાં આવેલા ક્યુપ્રેસેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cupressus semipervirens Linn. (ગુ. આગ્રાસરુ; અં. Italian Cypress) છે. તેના ભારતમાં થતા સહસભ્યોમાં જ્યુનિપેરસ, કૅલાઇટ્રીસ, થુજા અને લાઇબોસીડ્રસનો સમાવેશ થાય છે.

કુપ્રેસસનાં વૃક્ષો વિશાળ અને સદાહરિત. છાલ પાતળી, લીસી ઊભી તિરાડો ધરાવતી અને પટ્ટીઓમાં છૂટી પડતી. પ્રકાંડ ઉપર સર્પિલ (spirally) વીંટળાઈ વળેલી છાલ. વૃક્ષ ઘણું જ ધીમું ઊગે, પરંતુ પછીથી વિકાસ થતાં વિશાળ રાક્ષસી કાય ધારણ કરે છે. તેની ઊંચાઈ 45 મી. સુધી મનાલીમાં મળે છે. તે દીર્ઘજીવી હોય છે. 2૦૦૦-3૦૦૦ વર્ષ જેટલી તેની ઉંમર હોય છે.

Botanical garden of Barcelona

આગ્રાસરુ

સૌ. "Botanical garden of Barcelona" | CC BY-SA 3.0

દિલ્હી, આગ્રા અને શ્રીનગરના મોગલ બગીચાઓમાં આ સરુ વવાય છે. કાપવાથી (cutting) વિવિધ રૂપો બનાવી શકાય. પરંતુ કુદરતી વૃક્ષ વિશાળ પિરામિડ જેવું હોય છે. ડાળીઓ ઊંચી ચડતી હોય છે, નર અને માદા પુષ્પોના શંકુઓ એક જ વૃક્ષની જુદી જુદી ડાળીઓ પર આવે અને માદા શંકુઓ પરિપક્વ થવા આશરે બે વર્ષનો સમયગાળો રાખે. એક માદા શંકુ 814 માદા બીજાણુ પર્ણો ધરાવે, અને એક પર્ણની નીચે 82૦ બીજ હોય છે.

મ. ઝ. શાહ

સરોજા કોલાપ્પન