આઘાત (shock) : તાત્કાલિક ઘનિષ્ઠ સારવાર માગી લેતું લોહીના  ભ્રમણનું બંધ થવું કે ખૂબ ઘટી જવું તે. શરીરમાંના લોહીના ભ્રમણને રુધિરાભિસરણ (blood circulation) કહે છે. તેનો ભંગ થવાથી શરીરના કોષોને જીવનજરૂરી દ્રવ્યો મળતાં બંધ થાય છે. તે કોષોમાંનાં હાનિકારક દ્રવ્યો ત્યાં જ પડી રહે છે. પરિણામે કોષપટલો(cell membranes)ની કાર્યક્ષમતા ઘટે છે. અને કોષીય ચયાપચય(cellular metabolism)ની રાસાયણિક ક્રિયાઓમાં વિકાર ઉત્પન્ન થાય છે. અંતે કોષો મૃત્યુ પામે છે. આઘાત થવાનાં જુદાં જુદાં કારણો નીચેની સારણીમાં દર્શાવ્યાં છે.

આઘાતનાં કારણો

ક.      લોહીની નસોમાં લોહીના પુરવઠાનું ઘટી જવું

1. લોહી વહેવું (રુધિરસ્રાવ, bleeding)

2. શરીરમાંથી પાણી ઘટી જવું (નિર્જલન, dehydration)

ખ.     લોહીની નસોનું પહોળું થવું (વાહિની-વિસ્તૃતિ, vasodilatation)

ગ.     હૃદયરોગ (heart disease)

ઘ.     કેશવાહિનીઓની અંત:કલાને ઈજા થવી (damage to capillary endothelium)

ચ.     કોષપટલો(cell membranes)ને ઈજા થવી

આઘાતમાં લોહીની નસો(રુધિરવાહિનીઓ, blood vessels)માંના લોહીના દબાણનું ઘટી જવું એ મુખ્ય વ્યાધિકારક (pathogenic) ક્રિયા થાય છે. લોહીના દબાણનું ઘટવું મુખ્યત્વે ત્રણ બાબતો પર નિર્ભર છે : (1) લોહીનો પુરવઠો, (2) નસોની અંદર આવેલી જગ્યાનું કદ તથા (3) લોહીના ભ્રમણ માટે હૃદય દ્વારા લોહીને નસોમાં ધકેલવા માટેનું દબાણ. જો લોહીનો પુરવઠો ઘટે, નસો પહોળી થાય અથવા હૃદય પૂરતા દબાણથી લોહી ધકેલી શકે નહિ તો નસોમાંના લોહીનું દબાણ ઘટે છે અને તે આઘાતનો વિકાર સર્જે છે. લોહી બહાર વહી જવાથી કે શરીરમાંથી પાણી ઘટી જવાથી લોહીનો પુરવઠો ઘટે છે. ઈજા કે રોગથી થતો રુધિરસ્રાવ (bleeding), જઠર કે આંતરડાંના ચાંદામાંથી લોહીનું પડવું, મહાધમની(aorta)નું પેટું (aneurysm) ઊપસવું, છાતીમાં લોહીનું ભરાવું (રુધિરવક્ષ, haemothorax) વગેરે શરીરમાં ભ્રમણ કરતા લોહીનો પુરવઠો ઘટાડે છે. દાઝી જવાથી, ઝાડા કે ઊલટી થવાથી, સખત પરસેવો થવાથી, મધુપ્રમેહના દર્દીને પુષ્કળ પેશાબ થવાથી, પરિતનગુહાશોથ (peritonitis), સ્વાદુપિંડશોથ (pancreatitis) કે આંત્રરોધ (intestinal obstruction) થવાથી રુધિરવાહિનીઓમાંનું પ્રવાહી ઘટે છે. તેથી નિર્જલન (dehydration) પેદા થાય છે તથા લોહીનું દબાણ ઘટે છે. કેટલાંક ઔષધો જેવાં કે, શસ્ત્રક્રિયા વખતે દર્દીને બેહોશ કરવા માટે વપરાતાં નિશ્ચેતકો (anaesthetics), દર્દીને ઊંઘ આવે કે આંચકી રોકાય તે માટે વપરાતાં બાર્બિચ્યુરેટ્સ તથા લોહીનું દબાણ ઘટાડતાં ગેન્ગ્લિઓન તથા એડ્રીનર્જિક રોધકો (blockers) લોહીની નસોને પહોળી કરે છે. વિવિધ પ્રકારનાં ઝેરને કારણે, કરોડરજ્જુ(spinal cord)ને ઈજા થવાથી, મગજની નસોમાંના લોહીના ગંઠાઈ જવા કે બહાર વહી જવાના પ્રસંગે, તીવ્ર ઍલર્જીને કારણે થતી તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતા(anaphylaxis)ને કારણે, કેટલાક જીવાણુ(bacteria)નો ચેપ લાગવાથી  અને અધિવૃક્ક (adrenal) ગ્રંથિના બહિ:સ્તરનો અંત:સ્રાવ (hormone) અપૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થાય ત્યારે લોહીની નસો પહોળી થાય છે અને લોહીનું દબાણ ઘટે છે.

આકૃતિ 1 : આઘાતના વિવિધ તબક્કાઓમાં પેશીઓનું રુધિરાભિસરણ

હૃદયના ઘણા રોગોમાં હૃદય પૂરતા દબાણથી લોહીને નસોમાં ધકેલી શકતું નથી. આને કારણે પણ લોહીનું દબાણ ઘટે છે. આ વિકારને હૃદ્જન્ય આઘાત (cardiogenic shock) કહે છે. લોહીની નસોમાં વ્યાપકપણે લોહી ગંઠાઈ જવાથી (disseminated intravascular coagulation) અથવા ખૂબ દાઝી જવાથી, ઈજા પામવાથી, તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતા(anaphylaxis)થી કે ચેપકારી જીવાણુઓનું અંત:વિષ (endotoxin) ફેલાવાથી કેશવાહિનીઓની અંત:કલા(capillary endothelium)ને નુકસાન પહોંચે છે. ખૂબ જોખમી પ્રકારનો ઍલર્જિક પ્રતિભાવ, તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતા (anaphylaxis), તથા ચેપકારી જીવાણુના અંત:વિષથી થતી સપૂયરુધિરતા (septicaemia) ત્રણ રીતે લોહીનું દબાણ ઘટાડે છે અને આઘાત સર્જે છે  લોહીની નસોને પહોળી કરે છે, કેશવાહિનીઓની અંદરની દીવાલ(અંત:કલા)ને તથા કોષપટલો(cell membranes)ને નુકસાન પહોંચાડે છે. (જુઓ આઘાત, સપૂયરુધિરતાજન્ય તથા આઘાત, અતિપ્રતિગ્રાહ્યતા). લોહીમાં પ્રાણવાયુનું પ્રમાણ ઘટે, શરીરના અવયવોને ઈજા થાય અથવા સ્વાદુપિંડશોથ (pancreatitis) થાય ત્યારે પણ કોષપટલોને નુકસાન પહોંચે છે અને આઘાતની સ્થિતિ સર્જાય છે.

આકૃતિ 2 : આઘાતનો ક્ષતિપૂરિત તબક્કો. આઘાતના પ્રથમ તબક્કામાં કેટલાક અવયવોમાં લોહીની નસોનાં સંકોચન થાય છે. અને તેમનું લોહી વધુ અગત્યના અવયવો જેવા કે હૃદય તથા મગજને પહોંચાડવામાં આવે છે.

આઘાતના દર્દીનું લોહીનું દબાણ 9૦ મિમી કે તેથી ઓછું થઈ જાય છે, શ્વાસોચ્છવાસ ઝડપી અને ઉપરછલ્લો બને છે, નાડી ઝડપથી ચાલે છે તથા ચામડી ઠંડી, ભૂરી અને પરસેવાથી ભીંજાયેલી રહે છે. દર્દીની સ્થિતિ બેહોશ, બેચેન (restless) કે ગૂંચવાયેલા (confused) જેવી બને છે. મૂત્રપિંડોમાં પેશાબ બનવાનો દર, કલાકે 2૦ મિલીથી પણ ઓછો થઈ જાય છે. આ લક્ષણો શરૂઆતના તબક્કામાં જોવા મળતાં નથી, ત્યારે માત્ર ઝડપી નાડી અને બેચેની જોવા મળે છે. જીવાણુને કારણે થતા આઘાતમાં ચામડી ગરમ અને લાલ હોય છે. ઊંચા દબાણવાળા દર્દીમાં લોહીનું દબાણ સામાન્ય થઈ જાય તો તે પણ આઘાતનું ચિહન ગણી શકાય છે. આમ વિશિષ્ટ સંજોગોમાં ચિહ્નો અને લક્ષણો બદલાતાં હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં આઘાત ક્રમશ: છેલ્લા તબક્કામાં પ્રવેશે છે. ઉપર જણાવેલાં લક્ષણો ઉપરાંત જોવા મળતાં અન્ય લક્ષણો આઘાતના મૂળ કારણને પારખવામાં મદદરૂપ થાય છે. દા.ત. છાતીનો અસહ્ય દુખાવો, હૃદયરોગનો હુમલો (acute myocardial infarction) સૂચવે છે. દેખીતી રીતે લોહીનું વહી જવું, પેટમાં પીડા થવી કે ચેપનાં લક્ષણો હોવાં તે જુદા જુદા આઘાતકારી રોગોનો નિર્દેશ કરે છે. આઘાતના ત્રણ તબક્કા છે :

(1) પ્રાથમિક અથવા ક્ષતિપૂરિત (compensated) તબક્કો,

(2) દ્વિતીય અથવા સાધ્ય (reversible) તબક્કો, તથા

(3) તૃતીય અથવા અસાધ્ય (irreversible) તબક્કો

આકૃતિ 3 : આઘાતના અસાધ્ય તબક્કામાં કોષના મૃત્યુ સમયે થતા ચયાપચયી ફેરફારો

આકૃતિ 4 : આઘાતના અસાધ્ય તબક્કામાં વિવિધ મુખ્ય અવયવોને થતી ઈજા

ક્ષતિપૂરણને કારણે પ્રથમ તબક્કામાં હૃદયના ઝડપી ધબકારા, હૃદયનું વધુ જોરવાળું સંકોચન તથા ધમનિકાઓ(arterioles)નું સંકોચાવું ઘટતા લોહીના દબાણને યોગ્ય સપાટીએ જાળવી રાખી મગજ તથા હૃદય જેવા અતિ અગત્યના અવયવોને પૂરતું લોહી પહોંચાડે છે. સમય જતાં જ્યારે આ અવયવોને પણ લોહી મળતું ઘટે ત્યારે દર્દી બેચેની કે બેહોશી અનુભવે છે અને તેના મૂત્રપિંડ દ્વારા પેશાબ બનાવવાનું કાર્ય ઘટી જાય છે. આઘાતનો આ બીજો તબક્કો છે. હૃદયની ધમનીમાં લોહી ઓછું પહોંચે છે તેથી ધમનીકાઠિન્ય(atherosclerosis)વાળા દર્દીમાં હૃદયરોગનો હુમલો થઈ આવે છે. મોટાભાગના દર્દીઓ આ તબક્કામાં સારવાર માટે આવે છે અને સમયસરની સારવાર જીવનરક્ષક નીવડી શકે છે. લાંબા સમયના આઘાતના અંતે દર્દી ફરી પાછો સાજો ન થઈ શકે તેવા અંતિમ અને ત્રીજા તબક્કામાં પ્રવેશે છે. તેના કોષપટલોને નુકસાન પહોંચે છે, તેની નસોમાં ઠેરઠેર લોહીના કોષો જામીને ગઠ્ઠા સર્જે છે તથા તેની નસો પહોળી થઈ જાય છે. ધમનિકાઓનું સંકોચન ઝડપી બને છે, કોષો પરની ગંભીર અસરો વધતી રહે છે. મૂત્રપિંડની મૂત્રનલિકાઓ-(renal tubules)માં તથા આંતરડામાં અસાધ્ય નુકસાન પહોંચે છે. જીવાણુઓના વિષ સાથે શ્વેતકોશો પ્રતિક્રિયા કરી લોહીની નસોને પહોળી કરે છે અને તેથી લોહીનું દબાણ વધુ ઘટે છે. તેથી કોષોમાં અમ્લતાવાળા પદાર્થો વધે છે, જે લોહીની નસોને વધુ પહોળી કરે છે. આમ એક વિષચક્ર (viscious cycle) સર્જાય છે. હૃદયના સ્નાયુને પણ લોહી ઓછું મળવાથી તેનું સંકોચન નબળું પડે છે, જેને કારણે લોહીનું દબાણ વધુ ઘટે છે. આમ એક બીજું વિષચક્ર સર્જાય છે. આવા જ કારણસર ચેતાતંત્રની રુધિરાભિસરણ જાળવતી પ્રક્રિયાઓ પણ નબળી પડે છે. કોષપટલોને થતી ઈજાને કારણે લયનકારક (lysosomal) ઉત્સેચકો (enzymes) છૂટા પડે છે, જેને કારણે કોષમાંના શક્તિસંચારક ફૉસ્ફેટ્સ(ATP અને ADP)ની ઊણપ સર્જાય છે. છેવટે કોષોનું મૃત્યુ થાય છે.

દર્દીને પથારીમાં સુવાડી પગનો ભાગ ઊંચો રાખી તથા માથા(મગજ)નો ભાગ નીચો રાખી આરામ આપવામાં આવે છે. દુખાવો તથા ગભરાટ ઘટાડવા મૉર્ફીન અથવા મેપેરિડીન (પેથિડીન) અપાય છે. શ્વસનના સ્નાયુઓ નબળા હોય તો શ્વસનક (ventilator) વડે શ્વાસોચ્છવાસ કરાવાય છે. નાકમાં નળી નાખી તેનાથી શુદ્ધ કે હવામિશ્રિત પ્રાણવાયુ અપાય છે. લોહીની નસોમાં પ્રવાહીનું પ્રમાણ વધારવા માટે લોહી, રુધિરરસ (plasma), આલ્બુમિન, ડેક્સ્ટ્રાન, મેનિટોલ, સમસાંદ્રિત મીઠાનું દ્રાવણ (isotonic saline) ગ્લુકોઝનું દ્રાવણ, રિંગરનું લૅક્ટેટ દ્રાવણ વગેરે જુદાં જુદાં પ્રવાહીઓ અપાય છે. લોહી વહી જવાના કિસ્સાઓમાં લોહી અને રુધિરરસ ખૂબ જ ઉપયોગી રહે છે. તે ન મળે તો આલ્બુમિન, ડેક્સ્ટ્રાન કે ગ્લુકોઝ અથવા અન્ય પ્રવાહીઓ ઉપયોગી થાય છે. આઘાતમાંથી થતી અમ્લતા(acidosis)ની સારવાર માટે રિંગરનું લૅક્ટેટ દ્રાવણ અથવા સોડિયમ બાયકાર્બોનેટ ઉપયોગી રહે છે. હૃદ્જન્ય, સપૂયરુધિરતાજન્ય અને અતિપ્રતિગ્રાહ્યતાજન્ય આઘાતની સારવારની વિશિષ્ટતાઓ નીચે આપેલી છે.

આકૃતિ 5 : આઘાતના ત્રણ તબક્કા, તેમનાં મુખ્ય કારણો અને મુખ્ય વ્યાધિકરણ-પ્રક્રિયાઓ તથા અધિવૃક્ક (adrenal) ગ્રંથિ દ્વારા પ્રતિભાવ (response)

કોષપટલો પરની લાભદાયક અસરને કારણે કૉર્ટિકોસ્ટીરૉઇડ ઔષધોનો ઉપયોગ, હૃદ્જન્ય આઘાત સિવાય આઘાતના અન્ય બધા જ કિસ્સામાં કરવામાં આવે છે. લોહીની નસોને જરૂર પડ્યે પહોળી કરીને કે સંકોચીને લોહીનું યોગ્ય દબાણ જાળવી રાખી શકાય છે. આ માટે એડ્રીનાલિન, નૉર-એડ્રીનાલિન, ડોપામીન, આઇસોપ્રીનાલિન, નાઇટ્રોગ્લિસરીન, નાઇટ્રોપ્રુસાઇડ, હાઇડ્રેલેઝીન વગેરે ઔષધો ઉપયોગમાં લેવાય છે.

મનહર બ્રહ્મભટ્ટ

શિલીન નં. શુક્લ