સાન્તાયન, જ્યૉર્જ (Santayana) (જ. 16 ડિસેમ્બર 1863, મૅડ્રિડ, સ્પેન; અ. 26 સપ્ટેમ્બર 1952, રૉમ, ઇટાલી) : અમેરિકાના તત્વચિન્તક, કવિ, નવલકથાકાર, સાહિત્યકલાવિવેચક. મૂળ નામ જૉર્જ રુઇઝ દ સાન્તાયન ય બોરેસ.
જ્યૉર્જ સાન્તાયન
સાન્તાયન જન્મથી આઠ વર્ષ સુધી સ્પેનમાં રહ્યા. પછીનાં ચાલીસ વર્ષ બૉસ્ટન, અમેરિકામાં રહ્યા અને છેલ્લાં ચાલીસ વર્ષ તેમણે યુરોપના દેશોમાં ગાળ્યાં હતાં. 1872માં તેમને અમેરિકામાં લઈ જવાયા હતા. પહેલાં તેઓ બૉસ્ટન લૅટિન સ્કૂલના વિદ્યાર્થી હતા. 1882થી 1889 સુધી તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તે ગાળા દરમિયાન અઢાર મહિના તેમણે જર્મનીમાં એક ફેલોશિપ હેઠળ અભ્યાસ કર્યો હતો. 1889માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રાપ્ત કર્યા પછી સાન્તાયને તે જ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કામ કર્યું હતું. તેમના વિદ્યાર્થીઓમાં ટી. એસ. એલિયટ, રૉબર્ટ ફ્રૉસ્ટ, વૉલ્ટર લીપમૅન જેવી જુદાં જુદાં ક્ષેત્રમાં પાછળથી ખૂબ પ્રતિષ્ઠા પામેલી વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. 1911માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી હતી. 1914 પછી તેમણે યુરોપમાં રહેવાનું પસંદ કરેલું. તે મુજબ તેઓ ફ્રાન્સ, ઇંગ્લૅડ અને પાછળથી ઇટાલીમાં રહેલા.
તેમનાં સાહિત્યિક લખાણોમાં ‘સૉનેટ્સ ઍન્ડ અધર વર્સિસ’ (1894), ‘ધ સેન્સ ઑવ્ બ્યૂટી’ (1896), ‘લ્યુસિફર : અ થિયોલૉજિકલ ટ્રૅજેડી’ (1899), ‘ઇન્ટરપ્રીટેશન્સ ઑવ્ પોએટ્રી ઍન્ડ રિલિજિયન’ (1900) છે.
‘અ હર્મિટ ઑવ્ કાર્મેલ’ (1901) કાવ્યસંગ્રહ છે. ‘ધ લાઇફ ઑવ્ રીઝન’ (1905-1906, પાંચ ગ્રંથો), ‘થ્રી ફિલૉસૉફિકલ પોએટ્સ’ (1910)માં લુક્રેશિયસ, દાન્તે અને ગટે જેવા કવિઓનો તેમણે કરેલો અભ્યાસ છે. ‘સ્કેપ્ટિસિઝમ ઍન્ડ એનિમલ ફેઇથ’ (1923), ‘ધ રેલ્મ્ઝ ઑવ્ બીઇંગ’ (ચાર ભાગ : 1927, 1930, 1938, 1940), ‘ધ લાસ્ટ પ્યુરિટન’ (1935) અમેરિકાની પશ્ચાદભૂમિકામાં લખાયેલી ચિંતનપ્રધાન નવલકથા છે.
સાન્તાયન વિજ્ઞાનને મહત્વ આપતા હતા. વિશ્ચાસપાત્ર જ્ઞાન વિજ્ઞાનમાંથી પ્રાપ્ત થશે, પછી ભલે તે જ્ઞાન પછીથી આવતા નવા જ્ઞાનથી બાધિત થાય. જ્ઞાનના દાવાઓની ક્ષતિપાત્રતા નમ્રપણે સ્વીકારી લેવી જોઈએ. વિજ્ઞાન ઘટનાઓ વચ્ચેની નિયમિતતાઓ શોધી આપે છે; અફર અને કાયમી સત્યોના દાવાઓ વિજ્ઞાનીઓ નથી કરતા.
સાન્તાયન ભૌતિકવાદી હતા. ભૌતિક દ્રવ્ય (matter) સદવસ્તુરૂપ (real) છે. તે મિથ્યા નથી. ભૌતિક દ્રવ્ય પોતે મૂળમાં અસલ રૂપમાં શું છે તે તો કેવળ વિજ્ઞાનીઓ જ કહી શકે. સાન્તાયન વાસ્તવવાદી છે, જગત જ્ઞાતાથી સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં છે.
વિજ્ઞાન પ્રત્યે અભિમુખ અને ભૌતિકવાદી ચિન્તક હોવા ઉપરાન્ત મન-શરીર-સંબંધ અંગે તેઓ ઉપઘટનાવાદી (epi-phenomenalist) હતા. ઉપઘટનાવાદ એટલે એવો મત કે માત્ર શારીરિક પ્રક્રિયાઓ જ માનસિક પ્રક્રિયાઓનું કારણ હોય છે; માનસિક પ્રક્રિયાઓ કેવળ પરિણામો(effects)રૂપ હોય છે. તે પોતે ક્યારેય શારીરિક ઘટનાઓનું કારણ બનતી નથી. ચૈતન્ય કોઈ કારકશક્તિ (causal power) ધરાવતું નથી. આ મત આંતરક્રિયાવાદ(inter-actionism)થી જુદો છે. આન્તરક્રિયાવાદ પ્રમાણે શારીરિક ઘટનાઓ માનસિક ક્રિયાઓનું કારણ બને છે અને માનસિક ક્રિયાઓ શારીરિક ક્રિયાઓનું કારણ બની શકે છે. આન્તરક્રિયાવાદમાં મન અને શરીર વચ્ચેનો પરસ્પરલક્ષી કાર્યકારણભાવ માન્ય થયો છે; ઉપઘટનાવાદમાં શરીરથી મન તરફનો માત્ર એકમાર્ગી કાર્યકારણભાવ માન્ય થયો છે. આ બંને મત સમાન્તરવાદ(parallelism)થી ભિન્ન છે કારણ કે તેમાં મન અને શરીર વચ્ચે કોઈ પણ પ્રકારના કાર્યકારણભાવનો નિષેધ થયો છે.
સાન્તાયન યંત્રવાદી (mechanistic) ચિન્તક હતા. દરેક બનાવ કાર્યકારણના નિયમને અધીન છે. મનોવિજ્ઞાને પણ વર્તનવાદી દૃષ્ટિકોણ જ સ્વીકારવો જોઈએ. શારીરિક વર્તનને આધારે જ માનસિક ઘટનાઓને સમજાવવી જોઈએ. માનસિક ઘટનાઓ શારીરિક ઘટનાઓ ઉપર સર્વાંશે આધારિત છે તે દૃષ્ટિકોણ મનોવિજ્ઞાન માટે વાજબી જ છે. જીવતાં પ્રાણીઓ ભૌતિક પદાર્થો કરતાં જરૂર જુદાં છે, પરન્તુ જીવન કે ચેતના અંતે તો ભૌતિક બાબતોથી નિર્ધારિત થાય છે. સૃષ્ટિનું સર્વસામાન્ય તાપમાન જો થોડુંક વધુ નીચું જાય તો બર્ગસૉ જેવા ફિલસૂફ જેને જીવનતત્વ કે પ્રાણતત્વ (e’lan vital) કહે છે તેનો તુરત જ અન્ત આવી જાય તે સ્વીકારવું પડે; તેથી ચૈતન્ય પ્રકૃતિ-આશ્રિત છે.
પ્રકૃતિવાદ (Naturalism) : મનુષ્યનું જ્ઞાન અને તેની માન્યતાઓ (beliefs) તાર્કિક વિચારક્રિયાનાં પરિણામો તરીકે હંમેશાં સમજવાનાં નથી. વ્યવહારમાં વસ્તુઓ સાથે કામ પાડવામાં અને કાર્યો કરવામાં કેટલુંક તો મોટેભાગે એમ જ માની લેવામાં આવે છે. દરેક માન્યતાનું તાર્કિક સમર્થન પૂરેપૂરું મળે પછી જ કાર્ય કરવાનું શક્ય બને તેવું હોતું નથી. મનુષ્યના સંજોગો જ તેના પ્રત્યે સ્વાભાવિક પ્રતિક્રિયાઓ કરવાની ફરજ પાડે છે. કુદરતી ઘટનાઓને સર્વદેશીય વૈજ્ઞાનિક નિયમથી સમજાવી શકાય છે. સામાજિક ઘટનાઓને સમજવા માટે વ્યક્તિના ઇરાદાઓ, આશયો, અર્થો (meanings) અને મૂલ્યોને ધ્યાનમાં લેવાં પડે; પરંતુ અર્થો અને મૂલ્યો પણ મનુષ્યના પ્રાકૃતિક જગત સાથેના સંબંધોમાંથી જ ઉદભવે છે; તે કોઈ અલૌકિક ઘટનાઓ નથી.
સર્વવ્યાપી સંશયવાદ (scepticism) સ્થાપવાનો કે તેનું ખંડન કરવાનો પ્રયત્ન વ્યર્થ છે. મનુષ્યની કેટલીક માન્યતાઓ સંશયને પાત્ર પણ નથી અને તેની સાબિતી પણ જરૂરી કે શક્ય હોતી નથી. કુદરતી જગતનું મનુષ્યથી સ્વતંત્ર અસ્તિત્વ છે તેવી માન્યતા સહજસ્વાભાવિક છે. સાન્તાયન તેને જ પ્રાણીસહજ આસ્થા (animal faith) કહે છે. આવી આસ્થા ઉપર આશ્રિત માન્યતાઓ અ-તાર્કિક (irrational, તર્કવિરુદ્ધની) નથી, પણ બિન-તાર્કિક (non-rational, સંશય કે સાબિતીથી સ્વતંત્ર) હોય છે.
ભૌતિક દ્રવ્ય, સત્વ, ચૈતન્ય અને સત્ય : સતનાં ચાર ક્ષેત્રો(realms of Being)નો વિચાર સાન્તાયન (Santayana) રજૂ કરે છે.
ભૌતિક દ્રવ્ય એ અસ્તિત્વનું મૂળતત્વ (principle) છે. વસ્તુની તમામ શક્યતાઓનું તે ઉપાદાન (આશ્રય) છે. તેના પોતાના સ્વરૂપથી ન તો તે દ્રવ્ય સારું છે કે ન તો ખરાબ. તટસ્થ પ્રકૃતિનો મનુષ્ય પોતાનાં હિતો માટે ઉપયોગ કરે ત્યારે સારાં કે ખરાબ પરિણામોનો પ્રશ્ન ઉદભવે છે.
વિભાવનાઓ અને અર્થો (meanings) માટે સાન્તાયન ‘essence’ – સત્વ – શબ્દ પ્રયોજે છે. સત્વ સર્વદેશીય (universal) છે. તે કેવળ વિચારથી જ જાણી શકાય છે. તે વિચારનો વિષય છે. પ્રાણીની તેની ભૌતિક પરિસ્થિતિ સાથેની આન્તરક્રિયાથી સત્વની સભાનતા ઉદભવે છે. વિભાવના વગર જ્ઞાન શક્ય જ નથી.
પ્રાકૃતિક જગતને લાગુ પડતાં બધાં સત્વોનો સમુચ્ચય એટલે સત્ય (truth). જ્યારે વિચારો તથ્યો(facts)ને અનુરૂપ હોય છે ત્યારે તે સત્ય હોય છે. સત્યનું સ્વરૂપ તથ્યાનુરૂપતા(correspondence)માં રહેલું છે. જોકે તેની કસોટી તો વ્યવહારવાદી (Pragmatic) જ છે. જો સફળ પ્રવૃત્તિ તરફ દોરી જાય તો તે વિચાર સત્ય. આમ સાન્તાયન પ્રકૃતિવાદી તેમજ પ્રવૃત્તિસામર્થ્યવાદી પણ છે. સભાનતાને માટે સાન્તાયન ‘spirit’ (ચૈતન્ય) શબ્દ યોજે છે.
ચૈતન્યનું મૂળ તો પ્રાકૃતિક જ છે. કલ્પના, કલા, સૌંદર્ય કે નૈતિકતાના ઉચ્ચ કોટિના આનન્દો પણ ચૈતન્યને લીધે જ શક્ય છે. સાન્તાયન ઍરિસ્ટોટલનો એ મત સ્વીકારે છે. દરેક આદર્શનો પ્રાકૃતિક આધાર હોય છે અને દરેક પ્રાકૃતિક વસ્તુ તેના પોતાના સ્વરૂપને સિદ્ધ કરવાના આદર્શ તરફ અભિમુખ હોય છે. પ્રકૃતિ સાથેની સંવાદિતામાં અને તેની અનેક રૂપે થતી અભિવ્યક્તિમાં આનન્દ આવે છે. તેનું મૂળ ચૈતન્યમાં છે.
આમ સાન્તાયન કેવળ ભૌતિકવાદી નથી. તેઓ સભાનતાનો અસ્વીકાર કરતા નથી પણ સભાનતાને કે spiritને તેઓ પ્રકૃતિ સાથે જોડીને વિચારે છે. ચૈતન્યનિષ્ઠ (spiritual) જીવનને તેઓ મૂલ્યવાન પણ ગણે છે. જોકે ધર્મનું મૂળ તેઓ ભયમાં અને કલ્પનાની સમૃદ્ધિમાં જ જુએ છે.
ધર્મિષ્ઠા ગોહેલ
મધુસૂદન બક્ષી
વિ. પ્ર. ત્રિવેદી