સાન્તાપાઉ હર્મનગિલ્ડ

January, 2008

સાન્તાપાઉ, હર્મનગિલ્ડ (જ. 5 ડિસેમ્બર 1903, લા ગૅલેરા, સ્પેન; અ. 13 જાન્યુઆરી 1970) : વનસ્પતિ-વર્ગીકરણવિજ્ઞાની. તેમણે જીવનનો ઘણોખરો ભાગ ભારતમાં ગાળ્યો હતો અને પાછળથી ભારતના નાગરિક બન્યા હતા. એ.આર.સી.એસ. ઇમ્પીરિયલ કૉલેજ, લંડન અને ડી.આઇ.સી. ઇમ્પીરિયલ કૉલેજ, લંડનમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કરી લંડન યુનિવર્સિટીની બી.એસસી.ની ઉપાધિ મેળવી હતી. લંડન અને સ્પેનમાં શિક્ષણ મેળવ્યા પછી તેઓ રોમ ગયા હતા અને 1927માં તેમણે ગ્રેગરિયન યુનિવર્સિટીમાંથી ફિલૉસૉફીમાં પીએચ.ડી. કર્યું હતું. 1928માં અભ્યાસ પૂર્ણ કરવા ભારત આવ્યા અને લંડન યુનિવર્સિટીમાં વનસ્પતિશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. પછીનાં બે વર્ષ રૉયલ બૉટનિકલ ગાર્ડન્સ, ક્યૂમાં ગાળ્યાં હતાં.

તેમણે 1940-61 દરમિયાન સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈના વનસ્પતિશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકેની સેવાઓ આપી હતી. આ ઉપરાંત, તેઓ 1951-54 દરમિયાન મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક પ્રાધ્યાપક અને સંશોધન-માર્ગદર્શક તરીકે; 195461 બૉટનિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના મુખ્ય વનસ્પતિશાસ્ત્રી તરીકે અને 1961-68 સુધી નિયામક તરીકે રહ્યા હતા.

તેમણે ઇન્ડિયન નૅશનલ એકૅડમી, ઇન્ડિયન બૉટનિકલ સોસાયટી અને લિનિયન સોસાયટી ઑવ્ લંડનના ફેલો (1947) અને બૉમ્બે હિસ્ટરી સોસાયટીના ઉપપ્રમુખ અને તંત્રી (1950-68) તરીકે સેવાઓ આપી હતી. તેઓ એશિયાટિક સોસાયટી ઑવ્ બૅંગાલ, ફાઇટોપૅથૉ-લૉજિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા અને ફાઇટોમૉર્ફોલૉજિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયાના સભ્ય અને ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનના બોટની વિભાગના 1965માં પ્રમુખ રહ્યા હતા.

તેમણે 1964માં બીરબલ સાહની ગોલ્ડ મેડલ, 1967માં ‘ઑર્ડર ઑવ્ આલ્ફોન્સો X, ધ વાઇઝ’ (સ્પેન) અને ‘પદ્મશ્રી’ના ખિતાબો મેળવ્યા હતા.

ડૉ. હર્મનગિલ્ડ સાન્તાપાઉએ દુનિયાના અનેક ભાગોમાં ‘અન્વેષણો’ (explorations) કરી એક લાખથી વધારે વનસ્પતિઓના નમૂનાઓ એકત્રિત કર્યા હતા; જે ક્યૂ (લંડન), મિસૂરી બૉટનિકલ ગાર્ડન અને અન્ય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વનસ્પતિ-સંગ્રહાલયોમાં પરિરક્ષિત છે. તેમણે મુખ્યત્વે ભારતીય વનસ્પતિશાસ્ત્ર સાથે સંબંધિત 300થી વધારે મૂળભૂત સંશોધનપત્રો પ્રસિદ્ધ કર્યાં હતાં. તેઓ વનસ્પતિ-વર્ગીકરણવિદ્યાના આંતરરાષ્ટ્રીય કક્ષાએ અધિકૃત તજજ્ઞ હતા.

બળદેવભાઈ પટેલ