લક્ષ્મીબાઈ (રાણી) (જ. 16 નવેમ્બર 1835, વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 16 જૂન 1858, ગ્વાલિયર) : ઝાંસીની રાણી, 1857ના વિપ્લવનાં બહાદુર સેનાપતિ અને વીર મહિલા-યોદ્ધા. તેમનો જન્મ મહારાષ્ટ્રના કરાડા બ્રાહ્મણ જ્ઞાતિના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ મોરોપંત બલવંતરાવ તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું. તેમણે પુત્રીનું નામ મનુબાઈ પાડ્યું હતું. મોરોપંત, પેશવા બાજીરાવ બીજાના ભાઈ ચીમનાજીની સેવામાં હોવાથી, તેમની સાથે 1819માં વારાણસી (કાશી) ગયા હતા. ચીમનાજીના મૃત્યુ પછી મોરોપંત, પેશવા બાજીરાવ બીજાના આશ્રયે બિઠુર જઈને રહ્યા. ત્યાં મનુબાઈ બાજીરાવના દત્તક પુત્ર નાનાસાહેબ અને રાવસાહેબ સાથે ભાઈબહેનની જેમ ઊછર્યાં અને ઘોડેસવારી, હાથી ઉપર સવારી, તલવારબાજી, તીરંદાજી તથા બંદૂકનો ઉપયોગ કરતાં શીખ્યાં. ત્યાં મનુબાઈ ‘છબીલી’ નામથી જાણીતાં હતાં. તે સુંદર, બુદ્ધિશાળી અને હિંમતવાન હતાં.
ઝાંસીના મહારાજા ગંગાધરરાવ વિધુર થયા બાદ તેમનાં લગ્ન મનુબાઈ સાથે કરવામાં આવ્યાં. લગ્ન પછી તેમનું નામ ‘લક્ષ્મીબાઈ’ રાખવામાં આવ્યું. લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો, જે ત્રણ મહિના બાદ મરણ પામ્યો. તેથી ગંગાધરરાવે તેમના કુટુંબના સંબંધીના પુત્ર આનંદરાવને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક દત્તક લઈને તેનું નામ દામોદરરાવ રાખ્યું. તેને બીજે દિવસે 20 નવેમ્બર, 1853ના રોજ ગંગાધરરાવનું અવસાન થયું. બ્રિટિશ સરકારે દત્તકપુત્ર અમાન્ય કરી, ફેબ્રુઆરી 1854માં ઝાંસીનું રાજ્ય ખાલસા કર્યું. રાજ્ય ખાલસા કર્યાનું જાહેરનામું સાંભળીને લક્ષ્મીબાઈ ગૌરવપૂર્વક પોકારી ઊઠ્યાં, ‘मेरी झांसी नहीं दूँगी’ પરંતુ તેમણે રાજમહેલ ખાલી કરી, પેન્શન સ્વીકારવું પડ્યું. ગવર્નર-જનરલ તથા કૉર્ટ ઑવ્ ડિરેક્ટર્સને તેમણે અપીલો કરી. પરંતુ આ નિર્ણય ફેરવી શકાયો નહિ.
લક્ષ્મીબાઈ સવારમાં વહેલાં ઊઠી દંડબેઠક, મગદળ અને મલખમ ઉપર કસરત કર્યા બાદ દરરોજ ઘોડેસવારી કરતાં. તેમનાં રોજનાં કાર્યોમાં ભજનપૂજન અને પુરાણશ્રવણ ઉપરાંત અનેક માણસોની મુલાકાત, સલાહમસલત તથા દેવદર્શનનો સમાવેશ થતો હતો.
મેરઠ અને દિલ્હીમાં 1857માં બળવો થયા બાદ, ઝાંસીમાં 8મી જૂનના રોજ વિપ્લવવાદીઓએ અંગ્રેજોની કતલ કરી. આ કૃત્યમાં રાણીનું પ્રોત્સાહન કે મૂક સંમતિ નહોતાં; પરંતુ નાણાં, બંદૂકો તથા હાથીઓની મદદ કરવાની બળવાખોરોએ રાણીને ફરજ પાડી હતી. મદદ ન આપે તો રાજમહેલ સળગાવી દેવાની તેમણે ધમકી આપી હતી. વળી બળવાખોરો દિલ્હી ગયા બાદ, રાણીએ તેનો હેવાલ બ્રિટિશ સત્તાધીશોને મોકલી તેમાં સિપાઈઓના પગલાને વખોડી કાઢ્યું હતું. સાગર વિભાગના કમિશનરે, અંગ્રેજો ત્યાં વહીવટ પુન:સ્થાપિત કરે ત્યાં સુધી તે પ્રદેશ પર વહીવટ કરવા રાણીની નિમણૂક કરી હતી; કારણ કે ઝાંસીમાંના બધા અંગ્રેજ અધિકારીઓની કતલ થઈ હતી. રાણીએ તે મુજબ બ્રિટિશ સરકાર વતી ઝાંસીનો વહીવટ કર્યો હતો.
આમ છતાં બ્રિટિશ સરકારને વહેમ હતો કે રાણી બળવાખોર સિપાઈઓનાં સાગરીત હતાં અને બ્રિટિશ અધિકારીઓની કતલમાં તેમનો હાથ હતો. રાણીના પોતાને નિર્દોષ પુરવાર કરવાના પ્રયાસો નિષ્ફળતામાં પરિણમ્યા. તેમને ખાતરી થઈ કે ઝાંસીમાં અંગ્રેજોની કતલ માટે તેમને જવાબદાર ઠરાવી સરકાર કેસ ચલાવવા માગે છે, ત્યારે પોતાના સ્વમાનના રક્ષણ માટે લક્ષ્મીબાઈએ અંગ્રેજોનો સશસ્ત્ર પ્રતિકાર કરવાનો નિર્ણય કર્યો. તેમની પાસે માત્ર બે વિકલ્પો હતા ફાંસી દ્વારા મૃત્યુ અથવા રણમેદાનમાં વીરાંગનાને શોભે એવું મૃત્યુ, અને તેમણે બીજો, વધુ પ્રતિષ્ઠિત વિકલ્પ પસંદ કર્યો.
અંગ્રેજો સામે લડી લેવાનો નિર્ણય કર્યા બાદ, લક્ષ્મીબાઈએ સૈનિકોની ભરતી કરી અને તેમણે તાત્યા ટોપેની મદદ માગી. રાણીના લશ્કરમાં આશરે દશ હજાર બુંદેલા અને વિલાયતી તથા પંદર સો સિપાઈઓ હતા. અંગ્રેજ સેનાપતિ સર હ્યૂ રોઝે 22 માર્ચ, 1858ના રોજ ઝાંસીને ઘેરો ઘાલ્યો. તેની સેનામાં આશરે બે હજાર સૈનિકો હતા. રાણીએ સિપાઈઓ, ગોલંદાજો તથા સ્ત્રીઓને પણ કામગીરી સોંપી અને માતૃભૂમિ માટે જીવનસમર્પણ કરવા પ્રોત્સાહિત કર્યાં. રાણી લક્ષ્મીબાઈના સેનાપતિપદ હેઠળ ઝાંસીના સિપાઈઓએ અંગ્રેજ લશ્કરનો પ્રબળ પ્રતિકાર કર્યો. આ દરમિયાન 31 માર્ચના રોજ તાત્યા ટોપે 22,000ના સૈન્ય સાથે ઝાંસીની હદ પાસે આવ્યો. હ્યૂ રોઝ માટે તે નવી આપત્તિ હતી. તેણે ઝાંસીનો ઘેરો ચાલુ રાખીને તાત્યાને હરાવીને નાસી જવાની ફરજ પાડી. તે પછી અચાનક હુમલો કરી ઝાંસી કબજે કર્યું. લક્ષ્મીબાઈ થોડા સેવકો સાથે રાતના સમયે કાલ્પી તરફ નાસી ગયાં. ઝાંસીમાં એક ટુકડી રાખીને હ્યૂ રોઝ કાલ્પી તરફ ગયો અને કુંચ પાસે તાત્યા અને લક્ષ્મીબાઈ સાથે લડાઈ થઈ. કેટલાક અસંતુષ્ટ રાજાઓની મદદ મળવા છતાં રોઝે તેમને હરાવ્યા. લક્ષ્મીબાઈ કાલ્પી ગયાં. ત્યાં તેમણે અને બાંદાના નવાબે સિપાઈઓ અને બળવાખોરોને લડાઈ માટે પ્રોત્સાહિત કર્યા. તેઓ કાલ્પીના કિલ્લામાં ભેગા થયા. મધ્ય ભારતમાં લક્ષ્મીબાઈ અને તાત્યા બંને બ્રિટિશ સત્તાધીશોને સતત ડરાવતાં રહ્યાં. રોઝ તેના લશ્કર સાથે ગોલાઉલી ગામ પાસે ગયો. ત્યાં તેના ઉપર બળવાખોરોનો હુમલો થયો, પરંતુ રોઝે તેમને હરાવ્યા.
લક્ષ્મીબાઈ અને રાવસાહેબ ગોપાલપુર (ગ્વાલિયરની વાયવ્યે 74 કિમી. દૂર) નાસી ગયાં. તાત્યા ત્યાં આવીને તેમને મળ્યો. આપત્તિકાળમાં લક્ષ્મીબાઈની અપ્રતિમ બુદ્ધિપ્રતિભા ઉપયોગી થઈ. સિંધિયાના લશ્કરને પોતાના પક્ષે લઈને ગ્વાલિયર કબજે કરવાની સાહસિક યોજના તેમણે ઘડી. તે શ્રેષ્ઠ વ્યૂહરચના હતી. ગ્વાલિયર બળવાખોરો કબજે કરે તો ઉત્તર ભારતનો મુંબઈ સાથેનો સીધો વ્યવહાર કપાઈ જાય અને એ રીતે દક્ષિણમાં મરાઠા વિસ્તારમાં બળવો જગાવવાની શ્રેષ્ઠ તક પ્રાપ્ત થાય. સિંધિયાના લશ્કરને ગુપ્ત મંત્રણા દ્વારા જીતી લેવાથી સિંધિયા તેના રક્ષકો સાથે નાસી ગયો. લક્ષ્મીબાઈ, રાવસાહેબ અને તાત્યા ગ્વાલિયરના કિલ્લામાં પ્રવેશ્યાં. તેમણે તિજોરી તથા શસ્ત્રસરંજામ કબજે કરી નાનાસાહેબને પેશવા જાહેર કર્યા. આ ઐતિહાસિક ઘટનાએ સમગ્ર ભારતમાં ઉત્તેજના ફેલાવી. હ્યૂ રોઝને ગ્વાલિયરના પતનની ગંભીરતા સમજાઈ ગઈ અને તે કિલ્લામાંથી બળવાખોરોને દૂર કરી, કિલ્લો કબજે કરવાની યોજના ઘડી. તેણે કાલ્પીથી પ્રયાણ કરી ગ્વાલિયર નજીક મોરાર કૅન્ટૉનમેન્ટનો કબજો લીધો. આ દરમિયાન નાનાસાહેબ, તાત્યા ટોપે અને રાવસાહેબ ઉત્સવ અને આનંદોલ્લાસમાં કીમતી સમય બરબાદ કરતા હતા, જેનો લક્ષ્મીબાઈએ વિરોધ કર્યો અને અંગ્રેજોના સંભવિત હુમલાનો પ્રતિકાર કરવાની તૈયારી કરવા જણાવ્યું, પરંતુ એવી કોઈ તૈયારી કરવામાં આવી નહિ. આખરે લક્ષ્મીબાઈએ લડાઈની તૈયારી કરી, સેનાપતિપદ સંભાળ્યું. પુરુષના વેશમાં રાણીએ સૈનિકોને પ્રોત્સાહિત કર્યા. રાણીએ પોતે બ્રિટિશ ઘોડેસવારો સામે મોરચો માંડ્યો. ગ્વાલિયર અને કોટા-કી-સરાઈ વચ્ચેની ટેકરીઓ પર લડાઈ થઈ. (ફૂલબાગ) કૅન્ટૉનમેન્ટ નજીક નહેર ઓળંગતાં લક્ષ્મીબાઈનો ઘોડો ઠોકર વાગવાથી ગબડ્યો. તે જ ક્ષણે એક સામાન્ય સૈનિકે લક્ષ્મીબાઈ ઉપર તલવારનો સજ્જડ પ્રહાર કરતાં, તેઓ વીરગતિ પામ્યાં. સેનાપતિ સર હ્યૂ રોઝ, જે તેમની સામે શરૂથી છેલ્લે સુધી લડ્યો હતો, તેણે તેમને નીચેના શબ્દોમાં યોગ્ય અંજલિ આપી છે, ‘બળવાખોરોના બધા લશ્કરી નેતાઓમાં તેઓ સૌથી વધુ બળવાન અને શ્રેષ્ઠ હતાં.’
લક્ષ્મીબાઈનું જીવન પવિત્ર અને નૈતિક ચારિત્ર્ય ઉચ્ચ હતું. તેમણે આદર્શ વહીવટ કર્યો હતો અને રણમેદાનમાં સેનાપતિ તથા યોદ્ધા તરીકે તેમની વીરતા અલૌકિક હતી. તેમની બહાદુરી, પરાક્રમો તથા વીરતા વિશે હિંદીમાં કાવ્યો લખાયાં છે. તેમના આદર્શ અને પ્રેરક જીવનમાંથી, ભારતની સ્વતંત્રતાની ચળવળમાં માતૃભૂમિની મુક્તિ વાસ્તે શહીદી વહોરવાની અનેક નવલોહિયા યુવકોને પ્રેરણા મળી છે.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ (1947) બાદ, ઉત્તરપ્રદેશની સરકારે ઝાંસીના કિલ્લાની તળેટી પાસે, લક્ષ્મીબાઈની કાંસાની મૂર્તિ બનાવરાવીને, મે 10, 1957ના રોજ તેની અનાવરણ-વિધિ કરી તથા દામોદરરાવના પુત્ર લક્ષ્મણરાવ ઝાંસીવાલાને રાણીની અમર સ્મૃતિરૂપે એક સનદ તથા રોકડ પુરસ્કાર ભેટ આપ્યાં હતાં.
જયકુમાર ર. શુક્લ