લક્ષ્મીબાઈ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, ગ્વાલિયર

January, 2004

લક્ષ્મીબાઈ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, ગ્વાલિયર : એશિયા ખંડની મોટામાં મોટી શારીરિક શિક્ષણની તાલીમ સંસ્થા. આ સંસ્થાની શરૂઆત ઑગસ્ટ 1957માં ગ્વાલિયરમાં થઈ હતી. એટલે કે જ્યારે ભારતમાં 1857માં થયેલ ‘સ્વાતંત્ર્ય-સંગ્રામ’ની શતાબ્દીની ઉજવણી થતી હતી તે સમયે આ સંસ્થા સ્થપાઈ હતી. ભારતનાં મહાન વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું અને મહાન વીરાંગનાના નામ ઉપરથી આ જ સંસ્થાનું નામ ‘લક્ષ્મીબાઈ’ રાખવામાં આવ્યું હતું. આ રીતે સંસ્થાનાં નામ તથા સ્થાપના સાથે ઐતિહાસિક બાબતો જોડાયેલી છે. તે સમયના ગ્વાલિયરના મહારાજા શ્રી જીવાજીરાવ સિંધિયાએ આ સંસ્થા માટે 150 એકર જમીન ભારત સરકારને મફત આપી હતી. આ રીતે શરૂ થયેલ આ સંસ્થા આજે ફક્ત ભારતની નહિ, પણ એશિયાખંડની મોટામાં મોટી શારીરિક શિક્ષણની તાલીમી સંસ્થા ગણાય છે અને તેથી જ આજે ભારત ઉપરાંત પડોશી દેશોના વિદ્યાર્થીઓ પણ અહીંયાં ભણવા માટે આવે છે. આ સંસ્થાની શરૂઆત ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 1957માં ત્રણ વર્ષના બી.પી.ઈ. (બૅચલર ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન) કૉર્સથી કરવામાં આવી હતી. તે સમયે શારીરિક શિક્ષણમાં ત્રણ વર્ષનો અભ્યાસક્રમ ચલાવતી તેમજ શારીરિક શિક્ષણમાં ડિગ્રી આપતી આ એકમાત્ર સંસ્થા હતી. 1963થી તેમાં બે વર્ષના એમ.પી.ઈ. (માસ્ટર ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન) કૉર્સની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સંસ્થામાં બહેનો માટે જુદી સગવડ ન હોવાથી ફક્ત ભાઈઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો; પરંતુ 1961થી બહેનો માટે છાત્રાલય બનવાથી તેમને પણ પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી.

150 એકરના વિશાળ મેદાન પર પથરાયેલી આ સંસ્થાની શરૂઆતમાં કોઈ વિશેષ સુવિધાઓ ન હતી; પરંતુ ભારતમાં આધુનિક શારીરિક શિક્ષણના ભીષ્મ પિતામહ સમાન ગણાતા પદ્મશ્રી ડૉ. પી. એમ. જૉસેફના નેતૃત્વ હેઠળ આ સંસ્થાએ ન કલ્પી શકાય તેવી પ્રગતિ કરી. આજે તો ભારતમાં શારીરિક શિક્ષણ ક્ષેત્રે કામ કરતી તાલીમી સંસ્થાઓ માટે તે ‘મક્કા’ સમાન ગણાય છે. આજે તો આ સંસ્થા પાસે આદર્શ મેદાનો, પ્રમાણભૂત સાધનો, સિન્ડર ટ્રૅક, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, ઑડિટૉરિયમ, સ્ક્વૉશ કૉર્ટ, સ્પૉર્ટ્સ મ્યુઝિયમ, પ્રયોગશાળાઓ, છાત્રાલયો, મોટું પુસ્તકાલય, મોટું રસોડું, ઇનડૉર ક્રિકેટ પિચ વગેરેની સંપૂર્ણ સગવડ છે. બાર દર્દીઓ રહી શકે તેવું દવાખાનું પણ છે. આ સંસ્થામાં સ્ટાફને સંપૂર્ણ સગવડ અને સુવિધાઓ સાથેનાં ક્વાર્ટર પણ આપવામાં આવે છે.

આ સંસ્થાના બિલ્ડિંગનું વિધિવત્ ઉદઘાટન તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના હસ્તે થયું હતું. આ સંસ્થાના વિકાસમાં પદ્મશ્રી ડૉ. પી. એમ. જૉસેફ અને જનરલ કે. એન. કરિઅપ્પાનો મુખ્ય ફાળો છે. 1973થી આ સંસ્થામાં ભારતમાં પ્રથમ વાર એમ.પી.ઈ.(સમર કૉર્સ)ની તથા એ રીતે 1980થી એક વર્ષના એમ. ફિલ. કૉર્સની શરૂઆત થઈ. અત્યારે તો આ સંસ્થામાં શારીરિક શિક્ષણ ક્ષેત્રે પીએચ.ડી.ની સંપૂર્ણ સુવિધાઓ છે. આ સંસ્થાની પ્રગતિને ધ્યાનમાં રાખી જીવાજી યુનિવર્સિટી, ગ્વાલિયરે 1982માં આ સંસ્થાને ‘ઑટૉનૉમસ કૉલેજ’ તરીકે માન્યતા આપી હતી અને આજે તે શારીરિક શિક્ષણ ક્ષેત્રે ભારતની વિશેષ પ્રકારની એકમાત્ર સંસ્થા હોવાથી યુ.જી.સી.એ સપ્ટેમ્બર 1995થી તેને ‘ડિમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો આપ્યો છે, ત્યારથી આ સંસ્થા ‘લક્ષ્મીબાઈ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન’ (એલ.એન.આઇ.પી.ઈ.) તરીકે ઓળખાય છે. આ સંસ્થાની એક શાખા દક્ષિણ ભારતમાં કેરળ રાજ્યમાં ત્રિવેન્દ્રમ્ ખાતે પણ છે.

પ્રભુદયાલ શર્મા