લક્ષ્મીપ્રસાદ, ય.

January, 2004

લક્ષ્મીપ્રસાદ, ય. (જ. 24 નવેમ્બર 1953, ગુરીવાડા, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : હિંદી અને તેલુગુ લેખક અને અનુવાદક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., પીએચ.ડી.ની પદવીઓ મેળવી તેમજ તેલુગુમાં પીએચ.ડી.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી. પછી તેઓ આંધ્ર યુનિવર્સિટીમાં હિંદીના રીડર નિમાયા.

તેઓ 1986–87 દરમિયાન આંધ્રપ્રદેશ હિંદી અકાદમીના સભ્ય; 1986થી ભારત સરકારના સંસદીય બાબતોના મંત્રાલયમાં તથા 1990થી માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં હિંદી સલાહકાર સમિતિના સભ્ય રહી ચૂક્યા છે.

તેઓ હિંદી તથા તેલુગુમાં લેખનકાર્ય કરે છે. તેમણે હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તેલુગુ કે આધુનિક કવિ વૈરાગી’ (1980), ‘વૈચારિક ક્રાંતિ કે અગ્રદૂત કવિરાજ ત્રિપુરાનેની રામસ્વામી’ (1987), ‘જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા ડૉ. સી. નારાયણ રેડ્ડી’ (1991) – આ તમામ તેમના વિવેચનગ્રંથો છે. ‘મુક્તકસંગ્રહ’ (1990) તેલુગુમાંથી કરેલ કાવ્યાનુવાદ છે. ‘કેરાતલુ’ (1987), ‘તમસ્’ (1989)  બંને હિંદીમાંથી તેલુગુમાં અનૂદિત નવલકથાઓ છે.

તેમણે મલેશિયા, કૅનેડા, યુ.કે., થાઇલૅન્ડ, સિંગાપોર અને ફ્રાન્સ તેમજ બેલ્જિયમનો પ્રવાસ ખેડ્યો છે, અને દેશવિદેશમાં અનેક પરિસંવાદો–ચર્ચાઓમાં ભાગ લીધો છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1981 અને 1988માં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી રાષ્ટ્રીય ઍવૉર્ડ, 1992માં તેલુગુમાં સાહિત્ય અકાદમી ટ્રાન્સલેશન પ્રાઇઝ અને 1998માં અનુવાદ માટે તેલુગુ યુનિવર્સિટી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા