કીર્તિકૌમુદી : ગુર્જરેશ્વરના પુરોહિત કવિ સોમેશ્વરે લખેલું સંસ્કૃત મહાકાવ્ય. તેમાં 9 સર્ગો અને 722 શ્લોકો છે. ગુર્જરેશ્વર ભીમદેવ બીજાના સમય દરમિયાન થઈ ગયેલા ધોળકાના મહામંડલેશ્વર રાણક લવણપ્રસાદ અને તેના પુત્ર વીરધવલનો અત્યંત વિશ્વાસુ મહામાત્ય વસ્તુપાલ આ મહાકાવ્યનો નાયક છે. સોમેશ્વર મહામાત્ય વસ્તુપાલની પૂર્વકાલીન, સમકાલીન અને અનુકાલીન રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનો સાક્ષીરૂપ ગાઢ મિત્ર હતો. તેથી જ આ મહાકાવ્ય સોલંકીકાલીન ગુજરાતની ઐતિહાસિક, સાંસ્કૃતિક વગેરે સ્થિતિના અભ્યાસ માટે ઉપયોગી અને શ્રદ્ધેય થઈ પડ્યું છે. તેમાં નાયક વસ્તુપાલ મંત્રીની દાનવીર અને ધર્મવીર તરીકેની યશોગાથા ગાવામાં આવી છે.
તેનો પ્રથમ જર્મન અનુવાદ ઑગસ્ટ હકે કર્યો; તે પરથી એનું અંગ્રેજી ભાષાંતર પ્રો. બ્યુલરે આપ્યું. તેનું પ્રથમ સંપાદન પ્રો. કાથવટેએ (1883) કર્યું. તેનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ શ્રી વલ્લભજી આચાર્યે (1908) પ્રગટ કર્યો છે. મુનિ શ્રી પુણ્યવિજયજીએ 1961માં તેનું પુન: સંપાદન કર્યું. 1986માં તેનું ઐતિહાસિક અને કાવ્યશાસ્ત્રીય અનુશીલન (ડૉ. વિભૂતિ વિક્રમ ભટ્ટ દ્વારા) પ્રકાશિત થયેલું છે.
વિભૂતિ વિ. ભટ્ટ