કીર્તનસંગીત : બંગાળી કાવ્યપ્રકાર. બંગાળમાં કીર્તન લોકસંગીતનો એક વિશિષ્ટ પ્રકાર છે. આધુનિક કીર્તનગીતની જન્મભૂમિ બંગાળ છે. વિદ્વાનોના મતાનુસાર છોટાનાગપુરની દ્રાવિડભાષી આદિવાસી ઓરાઓ જાતિના નૃત્યગીતના એક અંશનું નામ કીર્તન હતું. એમની અસરથી બંગાળમાં કીર્તનસંગીતનો ઉદભવ થયો હતો. કીર્તનગાન મૂળ તો પ્રેમવિષયક ગીત હતું. ચૈતન્યના આગમન પછી વૈષ્ણવ ધર્મના વ્યાપક પ્રભાવને કારણે બંગાળનું સમસ્ત લૌકિક પ્રેમસંગીત રાધાકૃષ્ણ પ્રેમસંગીતમાં પરિવર્તિત થઈ ગયું. કીર્તનસંગીત જોડે રાધાકૃષ્ણ એવાં સંકળાયેલાં છે કે આજે કીર્તન શબ્દ જ રાધાકૃષ્ણના ગીતનો પર્યાયવાચી બન્યો છે.

કીર્તનગીત પર વૈષ્ણવ ધર્મની અસરને કારણે એનું લોકવિશિષ્ટ રૂપ ધૂંધળું બની ગયું. વૈષ્ણવ પદકારોએ કીર્તનને માટે એક સુનિર્દિષ્ટ કથાનો ઢાંચો તૈયાર કર્યો. ગાયકોએ એને એક સુનિશ્ચિત સંગીતનું રૂપ આપ્યું. પરિણામે બંગાળના ચાર ખૂણામાં કીર્તનગીતની ચાર ધારાઓ વિકાસ પામી : ગડાણહાટિધારા, મનોહરશાહી, રાશિહાટિ તથા માંદારિણી ધારા. આમ કીર્તનસંગીત આ ચારે ધારાઓમાં વિકસિત થતું રહ્યું છે. એનું એક સ્વયંસ્ફુરિત અને આગવું રૂપ વિકસ્યું. કીર્તનસંગીતમાં કીર્તનનો સંસ્કૃત અર્થ અહીં અભિપ્રેત નથી. અહીં તો કીર્તનનો અર્થ થાય છે કૃષ્ણલીલા.

ચન્દ્રકાન્ત મહેતા