વિટિગ, જ્યૉર્જ (જ. 16 જૂન 1897, બર્લિન; અ. 26 ઑગસ્ટ 1987, હાઇડલબર્ગ, જર્મની) : કાર્બનિક રસાયણવિદ અને 1979ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. વિજ્ઞાન અને સંગીતમાં પ્રતિભા દર્શાવનાર વિટિગે ટુબિંજન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને 1923માં માર્બુર્ગ યુનિવર્સિટીમાંથી સ્નાતકની તથા 1926માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1932 સુધી તેમણે માર્બુર્ગમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેમણે બ્રોનસ્વાઇગની ટેક્નિકલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય કર્યું અને 1937માં ફ્રાઇબર્ગ યુનિવર્સિટીમાં જોડાયા. 1944માં તેઓ ટુબિંજન યુનિવર્સિટીમાં તથા 1956માં હાઇડલબર્ગ યુનિવર્સિટીમાં જોડાયા. 1965માં તેઓ માનાર્હ (emeritus) પ્રાધ્યાપક બન્યા; પણ તેમણે સંશોધન કરવાનું ચાલુ રાખ્યું.

જ્યૉર્જ વિટિગ

1954માં ઋણભારવાહી કાર્બનિક સ્પિસીઝ (species) એવા કાર્બેનાયનો(carbanions)ના અન્વેષણ દરમિયાન તેમણે ‘વિટિગ પ્રક્રિયક’ તરીકે ઓળખાતા ફૉસ્ફરસ આધારિત કાર્બનિક સંયોજનો વિકસાવ્યાં. તેમણે દર્શાવ્યું કે ફૉસ્ફરસ યેલાઇડ્ઝ તરીકે ઓળખાતાં આ સંયોજનો કીટૉન અને આલ્ડીહાઇડો સાથે પ્રક્રિયા કરી આલ્કીન સંયોજનો બનાવે છે. (વિટિગ પ્રક્રિયા). કાર્બનિક રસાયણમાં સામાન્ય રીતે અસામાન્ય એવા ફૉસ્ફરસ-તત્વનાં આ સંયોજનોએ તેમને મોટી નામના અપાવી. આમ વિટિગ પ્રક્રિયા એ તેમની મહત્વની શોધ હતી, જેના દ્વારા તેઓ પ્રખ્યાત થયા. આ પ્રક્રિયા ઔષધોના અને અન્ય સંકીર્ણ કાર્બનિક પદાર્થોના સંશ્લેષણમાં મોટા પાયા પર ઉપયોગમાં લેવાય છે. વિટામિન A અને D2, પ્રોસ્ટાગ્લૅન્ડિન્સ અને સ્ટીરૉઇડ્સ જેવાં સંયોજનોના સંશ્લેષણમાં આ પ્રક્રિયા બહુ ઉપયોગી છે. કાર્બનિક-ફૉસ્ફરસ સંયોજનોના અભ્યાસ બદલ તેમને હર્બર્ટ સી. બ્રાઉન સાથે 1979ના વર્ષનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રૂપે (83 વર્ષની પાકટ વયે) એનાયત કરવામાં આવ્યો હતો. પાછળનાં વર્ષોમાં તેઓ બહેરાશ અનુભવતા હતા.

જ. પો. ત્રિવેદી