વિટામિનો (પ્રજીવકો)

માનવશરીરમાં જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓમાં ઊર્જા ઉત્પન્ન ન કરતા હોય તેવા અને ખૂબ થોડી માત્રામાં અનિવાર્યપણે અતિઆવશ્યક સેન્દ્રિય (organic) રસાયણો. આ વ્યાખ્યાને કારણે અસેન્દ્રિય ક્ષારો અને એમિનોઍસિડ તથા મેદામ્લો (fatty acids) કે જે પણ અનિવાર્યપણે અતિઆવશ્યક હોય છે તેમને વિટામિન (પ્રજીવક) તરીકે ગણવામાં આવતા નથી; કેમ કે, ક્ષારો અસેન્દ્રિય છે અને એમિનોઍસિડ અને મેદામ્લોને વધુ માત્રામાં લેવાં જરૂરી બને છે. વિટામિનો અન્ય રાસાયણિક સ્વરૂપો તથા તેમનાં પૂર્વગ રસાયણો(precursors)ને પ્રજીવક ગુણક (vitamer) કહે છે. ઔષધો તરીકે તે જે તે દ્રવ્યની ઊણપ હોય કે થવાની સંભાવના હોય તેના અનુક્રમે સારવાર કે પૂર્વનિવારણમાં ઉપયોગી રહે છે. કેટલાકના અન્ય ચિકિત્સીય ઉપયોગો પણ છે.

અપૂરતો આહાર, અપાચન, કુશોષણ, વધેલી જરૂરિયાત, વધુ પડતું ઉત્સર્જન (નિકાલ), જનીનીય વિકારો કે ઔષધ પ્રજીવક વચ્ચેની આંતરક્રિયાને કારણે તેમની ઊણપ જોવા મળે છે. ઔષધોના વેચાણના સંદર્ભે તેમનો વધુ પડતો પ્રચાર કરાય છે. વધુ પ્રમાણમાં ઉપચાર-સૂચન (prescription) કરાય છે અને વધુ પ્રમાણમાં વપરાશમાં લેવાય છે.

તેમને 2 જૂથમાં વહેંચવામાં આવે છે : (1) મેદદ્રાવ્ય (fat soluble); દા.ત., પ્રજીવક એ, ડી, ઈ અને કે તથા (2) જલદ્રાવ્ય (water soluble); દા.ત., પ્રજીવક બી-જૂથ અને સી-મંદદ્રાવ્ય પ્રજીવકો શરીરમાં લાંબા સમય માટે સંગ્રહાય છે અને તેને કારણે તેમનું વધારે માત્રામાં સેવન થાય તો તેમની ઝેરી અસર થઈ શકે છે. તેઓ અંત:સ્રાવોની માફક વિવિધ કોષીય સ્વીકારકો સાથે જોડાઈને પોતાની અસર ઉત્પન્ન કરે છે. જલદ્રાવ્ય પ્રજીવકો બહુ ઓછા પ્રમાણમાં સંગ્રહાય છે અને તેથી તેમની ઝેરી અસર થવાની સંભાવના ઓછી રહે છે. તેઓ અંતષ્ક્રમિક ચયાપચય(inter-mediatory metabolism)માં ચોક્કસ ઉત્સેચકોના સહઘટક (co-factor) તરીકે કાર્ય કરે છે.

મેદદ્રાવ્ય પ્રજીવકો – (ક) પ્રજીવક-એ : તે વિવિધ કુદરતી સ્વરૂપે મળે છે. રેટિનોલ (પ્રજીવક A1) એક પ્રકારનો અસંતૃપ્ત આલ્કોહૉલ છે અને તેમાં આયોનૉન વલય (ionone ring) હોય છે. તેના પ્રમુખ સ્રોત મૂળ રૂપે છે દરિયાઈ માછલી (કોડ, શાર્ક, હેલિબટ) તથા યકૃત તેલ (liver oil). આ ઉપરાંત તે ઈંડાં, દૂધ અને માખણમાં પણ હોય છે. તેનું એક અન્ય સ્વરૂપ છે ડિહાઇડ્રૉરેટિનોલ (પ્રજીવક A2) કે જે સ્વચ્છ પાણીની માછલીઓમાં હોય છે. લીલી વનસ્પતિ(ગાજર, ટર્નિપ અને પાલક)માં કૅરોટીનૉઇડસ નામના રંગકણો હોય છે. તેમાં બીટા-કૅરોટીન મહત્વનું દ્રવ્ય છે. તે નિષ્ક્રિય દ્રવ્ય છે, પણ તેના એક અણુમાંથી રેટિનોલના 2 અણુ બને છે. માણસ તેના આહારમાં અર્ધા ભાગનું પ્રજીવક-એ રેટિનોલ ઈસ્ટર્સ રૂપે અને અર્ધા ભાગનું પ્રજીવક કૅરોટીનૉઇડ રૂપે મેળવે છે. પૂર્વપ્રજીવક(provitamin)ના અપૂરતા ઉપયોગને કારણે એવું ગણી કાઢ્યું છે કે 1 રેટિનિલ સમમૂલ્યક = 6 માઇક્રોગ્રામ આહારી કૅરોટીન હોય છે. માછલીના યકૃતના તેલમાં વિટામિન-એ અને ડીનું કેટલું પ્રમાણ હોય છે તે સારણી 1માં દર્શાવ્યું છે.

સારણી 1 : માછલીના યકૃતતેલમાં વિટામિન-એ અને ડીનું પ્રમાણ [આંતરરાષ્ટ્રીય એકમ / પ્રતિગ્રામ (IV)]

યકૃતતેલ પ્રજીવકએ પ્રજીવકડી રોજની માત્રા
1. શાર્ક-યકૃતતેલ 6000 0.2-1 ગ્રામ
2. મંદ કરાયેલું શાર્ક- યકૃતતેલ 1000 100 4-12 ગ્રામ
3. કોડ-યકૃતતેલ 600 85 4-12 ગ્રામ
4. હેલિબટ યકૃતતેલ 30,000 300 0.2-0.5 ગ્રામ

આહારમાં રેટિનાયલ ઈસ્ટર મુખ્ય સ્વરૂપે હોય છે, જે જલયુક્તીકરણ (hydrolysis) થવાથી રેટિનોલ બને છે. રેટિનોલ અવશોષાય છે. તેનું ફરીથી એસ્ટરીકરણ (esterification) થાય છે. પિત્તની મદદથી લસિકાવાહિનિકા(lacteal)માં પ્રવેશે છે. સામાન્ય રીતે લગભગ સંપૂર્ણપણે તે આંતરડામાંથી અવશોષાય છે, પરંતુ તે મેદાતિસાર (steatorrhea), પિત્તની ઊણપ કે પ્રોટીનની ઊણપવાળા આહાર હોય તો તેવા સંજોગોમાં ઓછા પ્રમાણમાં અવશોષાય છે. ચરબી(મેદ)નું અવશોષણ ઘટે ત્યારે મેદબિંદુઓ મળ દ્વારા બહાર જાય છે. તે સમયે થતા ઝાડા(અતિસાર)માં મેદયુક્ત ઢીલો કે પ્રવાહી મળ થતો હોવાથી તેને મેદાતિસાર કહે છે. લોહીમાં તે મેદબિંદુકાઓ (drylomicron) સ્વરૂપે વહે છે અને યકૃતકોષોમાં સંગ્રહાય છે. યકૃતકોષો(hepatocytes)માંથી રેટિનોલ મુક્ત થાય છે, જે રેટિનોલ બંધક નત્રલા (retinol binding protein, RBP) સાથે જોડાઈને લોહીમાં વહે છે અને લક્ષ્યકોષો સુધી પહોંચે છે. કોષોમાં તે કોષીય RBP (cellular RBP, CRBP) સાથે જોડાય છે. થોડાક પ્રમાણમાં તે ગ્લુકુરોનિક ઍસિડ સામે સંજોડન (conjugation) પામીને પિત્ત દ્વારા આંતરડામાં પ્રવેશે છે અને ત્યાંથી અવશોષાઈને લોહી દ્વારા યકૃતકોષો સુધી પાછું પહોંચે છે. આમ યકૃત-આંતરડું-લોહીમાં થતા તેના વહનનું ચક્ર થાય છે. તેને આંત્રરુધિરી પરિભ્રમણ (enterohepatic circulation) કહે છે. તેની જલદ્રાવ્ય ચયાપચયી શેષ બહુ જ થોડાક પ્રમાણમાં મળમૂત્ર દ્વારા બહાર જાય છે. બીટા- કૅરોટીન ફક્ત 30 %ના પ્રમાણમાં આંતરડાંમાંથી અવશોષાય છે. તે આંતરડાની દીવાલમાં રેટિનાલના 2 અણુઓમાં વિભાજિત થાય છે અને તેમાંથી અર્ધા જેટલાનો રેટિનોલ બનાવીને વપરાશમાં લેવાય છે.

પ્રજીવક મુખ્યત્વે 4 પ્રકારનાં કાર્યો કરે છે : દૃષ્ટિચક્રમાં સક્રિયતા, અધિચ્છદીય (epithelial) પેશીની જાળવણી, પ્રજનન અને પ્રતિરક્ષા (immunity). (ક) અંધારામાં આછા પ્રકાશની ઝાંખી મેળવવા માટે દૃષ્ટિપટલ(retina)ના દંડકોષો (rods) પ્રકાશ સંવેદી રંગકણ રહોર્ડોપ્સિન (rhodopsin) બનાવે છે. તેમાં એક ઘટક રૂપે રેટિનોલમાંથી બનતો રેટિનાલ હોય છે. અંધારામાં જોઈ શકવાની ક્ષમતાને તિમિરાનુકૂલન (dark adaptation) કહે છે. ઝાંખા પ્રકાશમાં રહોર્ડોપ્સિન રંગવિહીન (bleached) બને છે. તે સમયે પરિણક (transducin) નામનો ગ-નત્રલ (G-protein) બને છે, જે દૃષ્ટિચેતામાં ચેતા-આવેગ(nerve impulse)નું સર્જન કરીને મગજને સંદેશો પહોંચાડવાની ક્રિયા કરે છે. તે સમયે મુક્ત થતા રેટિનાલના અણુ ઑલટ્રાન્સ-રેટિનાલમાંથી ફરીથી રહોર્ડોપ્સિન બને છે. આ જ રીતે દૃષ્ટિપટલના શંકુકોષોમાં આયોડૉપ્સિન નામનો રંગકણ બને છે જે તેજસ્વી પ્રકાશમાં રંગપરખ દૃષ્ટિ(colour vision)માં અને પ્રાથમિક તિમિરાનુકૂલનમાં ઉપયોગી છે. પ્રજીવક-એની ઊણપમાં દંડકોષો અને તેથી તિમિરાનુકૂલન દૃષ્ટિ સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. જો લાંબા સમયની ઊણપ થાય તો કાયમી સંરચનાગત (structural) ફેરફારો થવાથી રતાંધળાપણું અથવા નિશાંધતા (night blindness) થાય છે.

(ખ) અધિચ્છદીય પેશી(epithelial tissue)ના સંરચનાગત સંગઠનની જાળવણીમાં તથા તે કોષોના વિભેદન-(differentiation)માં પ્રજીવક-એનું ઘણું મહત્વ છે. તે શ્લેષ્મ(mucus)નું વિસ્રવણ (secretion) કરાવે છે. અધિચ્છ્દીય કોષોનું શૃંગીસ્તરીકરણ (keratinization) અટકાવે છે અને ચેપ સામે સુરક્ષિત કરે છે. તે અધિચ્છદીય કોષોના કૅન્સરને થતું અટકાવે છે. પ્રજીવક-એ હાડકાંની વૃદ્ધિ માટે પણ ઉપયોગી છે.

(ગ) પ્રજીવક-એ શુક્રકોષજનન (spermatogenesis) તથા ગર્ભશિશુના વિકાસ માટે પણ ઉપયોગી છે.

(ઘ) પ્રજીવક-એની ઊણપ હોય તો ચેપવશ્યતા (susceptibility to infection) વધે છે. તેથી તેની ઊણપમાં ઝડપથી ચેપ લાગે છે. એવું જોવા મળ્યું છે કે પ્રતિદ્રવ્યોના ઉત્પાદન રૂપે પ્રતિભાવ માટે, લસિકાકોષો(lymphocytes)ની સંખ્યાવૃદ્ધિ માટે તથા મારક કોષોના કાર્ય માટે મહત્વનું પરિબળ છે.

પ્રજીવક-એની ઊણપ અથવા ન્યૂનતા (deficiency) : તે યકૃતમાં સંગ્રહાય છે. ઘણા લાંબા સમય સુધી લેવામાં આવે તો જ તેની ઊણપ થાય છે; તેમ છતાં વિકાસશીલ દેશોમાં શિશુઓ અને બાળકોમાં વ્યાપકપણે જોવા મળે છે. તેની ઊણપને કારણે આંખની ફાડમાં શુષ્કતા (dryness) જોવા મળે છે. તેને નેત્રકલા શુષ્કતા (xerosis) કહે છે. તેમાં બિટોટ-ડાઘ જોવા મળે છે. કીકી પરના પારદર્શક ઢાંકણને સ્વચ્છા (cornea) કહે છે. તે પોચી પડે છે. તેને સ્વચ્છામૃદુલતા (keratomalacia) કહે છે. સ્વચ્છા પર અપારદર્શક ડાઘા ઉદ્ભવે છે, રતાંધળાપણું થાય છે અને તકલીફ વધતી રહે તો સંપૂર્ણ અંધાપો થાય છે. આ ઉપરાંત ચામડી પણ સુક્કી થાય છે અને તે પર નાની ફોલ્લીઓ થાય છે. ચામડી પરના શૃંગીસ્તર વધુ પ્રમાણમાં બને છે. તેને અતિશૃંગીસ્તરીકરણ (hyper keratinization) કહે છે. આ ઉપરાંત પ્રસ્વેદગ્રંથિઓ ક્ષીણ થાય છે. શ્વાસની નળીઓની અંદરની સપાટી પરના કોષો પણ અસરગ્રસ્ત થાય છે. તેને કારણે ચેપ લાગે છે. અન્નમાર્ગની અંદરની દીવાલ પરના કોષો અસરગ્રસ્ત થવાથી ઝાડા થાય છે. તેવા જ કારણે મૂત્રમાર્ગમાં પથરી થાય છે. શુક્રકોષ-પ્રસર્જન ક્ષતિપૂર્ણ થાય છે. તેથી વ્યંધતા આવે છે, ગર્ભપાત થાય છે તથા ગર્ભશિશુમાં કુરચના થાય છે. નાનાં બાળકોની શારીરિક તપાસ કરાય છે.

ચિકિત્સીય ઉપયોગો : શૈશવ, સગર્ભાવસ્થા, સ્તન્યધારણ અથવા દુગ્ધધારણ (lactation), યકૃત અને પિત્તનલિકાઓના રોગો તથા મેદમય ઝાડા, જેને મેદાતિસાર (steatorrhea) કહે છે, તેમાં રોજ 3,000થી 5,000 આંતરરાષ્ટ્રીય એકમ જેટલું વિટામિન-એ આપીને તેની ઊણપનું પૂર્વનિવારણ (પ્રતિરોધ) કરાય છે. જ્યારે ઊણપ થયેલી હોય તો તેની સારવાર રૂપે 1થી 3 દિવસ રોજના 50,000થી 1 લાખ આંતરરાષ્ટ્રીય એકમ જેટલું વિટામિન-એ મોં વાટે કે સ્નાયુમાં નસ વાટે અપાય છે. ત્યારપછી સમયાંતરે જરૂરિયાત પ્રમાણે પુરવણી રૂપે અપાતું રહે છે. ખીલ, સોરાયસિસ, ઇક્થિઓસિસ જેવા ચામડીના રોગોમાં સારવાર માટે રેટિનોઇડ ઍસિડ વપરાય છે. કૅન્સર થતું અટકાવવા માટે રેટિનોલ વાપરવામાં તેની ઝેરી અસર આડે આવે છે. જો રેટિનોલની સાથે વિટામિન-ઈ અપાય તો તે રેટિનોલનો સંગ્રહ અને ઉપયોગ વધારે છે અને તેની ઝેરી અસર ઘટાડે છે. જો પૅરેફિનનો જુલાબ રોજ લેવામાં આવતો હોય તો તે ખોરાકમાંના વિટામિન-એને ઓગાળીને મળ દ્વારા બહાર કાઢે છે અને તેથી તેની ઊણપ થાય છે. તેવી રીતે લાંબા સમય માટે જો નિયોમાયસિન નામની ઍન્ટિબાયૉટિક લેવાય તો તે પણ મેદાતિસાર કરીને (મેદવાળો મળ થવો) વિટામિન-એની ઊણપ કરે છે.

અતિપ્રજીવકતા-એ (hypervitaminosis-A) : રોજ 10,000થી વધુ આંતરરાષ્ટ્રીય એકમ જેટલું વિટામિન-એ લેવાથી તે વધુ પ્રમાણમાં સંગ્રહાય છે અને તેથી એક પ્રકારનો વિકાર થાય છે. તેને અતિપ્રજીવકતા એનો વિકાર કહે છે. તેમાં ઊબકા, ઊલટી, ખૂજલી, રક્તિમતા (erythema), ત્વચાશોથ (dermatitis), ચામડીની પોપડી ઊખડવી, વાળ ખરવા, હાડકાં અને સાંધામાં દુખાવો થવો, ભૂખ મરી જવી, સહેલાઈથી અકળાઈ જવું, લોહી વહેવું, ખોપરીમાં દબાણ વધવું, લાંબાગાળાનો યકૃતનો રોગ થવો વગેરે થાય છે. તે પ્રાણીઓ અને માણસમાં ગર્ભાર્બુદતા (teratogenesis) કરે છે. તેથી દિવસનું 20,000 આંતરરાષ્ટ્રીય એકમથી વધુ વિટામિન-એ અપાતું નથી.

ધ્રુવપ્રદેશીય રીંછ(polar bear)ના યકૃતમાં વિટામિન-એનું પ્રમાણ 30,000 આંતરરાષ્ટ્રીય એકમથી વધુ હોય છે અને તેથી તે લેવાથી ઉગ્ર વિષાક્તતા (acute poisoning) થાય છે. જો એકસાથે એક લાખ આંતરરાષ્ટ્રીય એકમથી વધુ વિટામિન-એ લેવામાં આવે તો તે એકદમ તીવ્ર શીર્ષદર્દ કરે છે. તે સાથે ઘેન, સહજ અકળામણ (irritability), ખોપરીમાંના દબાણમાં વધારો, ઊલટી, યકૃતનું મોટું થવું તથા ચામડીની પોપડીઓ ઊખડવી વગેરે થઈ આવે છે. લોહીમાં રેટિનોલના એસ્ટર ભ્રમણ કરે છે, જે પેશીને નુકસાન પહોંચાડે છે. સારવારમાં વિટામિન-એવાળા આહારનું કે દવાનું સેવન બંધ કરાય છે તથા વિટામિન-ઈ અપાય છે. મોટાભાગનાં ચિહ્નો કેટલાક મહિનાઓ સુધી રહે છે. કૅરોટીનૉઇડ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો આ વિકાર થતો નથી; કેમ કે, તેનામાંથી રેટિનોલ થવાની પ્રક્રિયા અમુક પ્રમાણથી વધુ થઈ શકતી નથી. આવી પ્રક્રિયા થવાની ઉપલી સપાટીની મર્યાદાને આધિમર્યાદા અસર (ceiling effect) કહે છે.

રેટિનૉઇડ ઍસિડ (વિટામિન-એ ઍસિડ) : તેને દૃષ્ટિકામ્લ (retinoic acid) કહે છે. તે અધિચ્છ્દીય કોષોમાં સક્રિય હોય છે અને વૃદ્ધિ કરે છે; પરંતુ આંખ તથા પ્રજનન પેશીમાં સક્રિય હોતો નથી. પૂર્ણ પાર દૃષ્ટિકામ્લ(all-trans retinoic acid)ને સ્થાનિક ઔષધ રૂપે અને 13-સીસ દૃષ્ટિકામ્લને મોં વાટે આપીને ખીલની સારવાર કરાય છે. રેટિનોલની માફક તે સંગ્રહાતો નથી અને ઝડપથી ચયાપચયી પ્રક્રિયા વડે નિષ્ક્રિય બને છે અને પિત્ત તથા મૂત્રમાં વહી જાય છે.

પ્રજીવક-ઈ : આલ્ફા ટોકોફેરોલમાં વિટામિન-ઈની સક્રિયતા છે અને તે વિપુલ પ્રમાણમાં મળે છે. તેનું ડી સમગુણક (d-isomer) એલ-સમગુણક (l-isomer) કરતાં વધુ સક્રિય છે. તે ઘઉંના બીજતેલ(wheat germ oil)માં પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે અનાજ (ધાન્ય, cereals), સૂકો મેવો (nuts), પાલક અને ઈંડામાં પણ હોય છે. 1 મિગ્રા. આલ્ફા ટોકોફેરોલને વિટામિન-ઈના 1.49 આંતરરાષ્ટ્રીય એકમ સમક્ષમ (equivalent) કહે છે. વિટામિન-ઈની રોજિંદી જરૂરિયાત 10 મિ.ગ્રામ ગણાય છે. બહુ અસંતૃપ્ત ચરબી (poly- unsaturated fats) લેવાથી તે વધે છે. તે આંતરડામાં પિત્તની મદદથી લસિકા તરલમાં અવશોષાય છે અને બીટા-મેદનત્રલો (beta lipoprotin) સાથે જોડાઈને લોહીમાં ભ્રમણ કરે છે, પેશીમાં સંગ્રહાય છે અને તેની ચયાપચયી શેષ પિત્ત અને મૂત્રમાર્ગે ધીમે ધીમે બહાર વહે છે.

વિટામિન-ઈ એક પ્રતિજારણક (antioxidant) દ્રવ્ય છે તે કોષકલા(cell membrane)માંના અસંતૃપ્ત મેદામ્લો (unsaturated fatty acids) તથા ક્યુ સહ-ઉત્સેચકનું મૂલજન્ય જારણ (radical oxidation) થતું અટકાવે છે. આમ તે પેશીને ઈજા થતી અટકાવે છે અને પરિજારણજન્ય દ્રવ્યો(perioxidation products)ના ઉત્પાદનને રોકે છે. આ પરિજારણજન્ય દ્રવ્યો ઝેરી હોય છે. જો પ્રાણીને સિસ્ટિન, મિથિયૉનિન, સેલેનિયમ કે ક્રોમિનોલ્સ આપવામાં આવે તો વિટામિન-ઈની ઊણપનાં કેટલાંક લક્ષણો ઘટે છે.

વિટામિન-ઈની ઊણપથી પ્રાણીના અવયવોની સંરચના અને કાર્યો અસરગ્રસ્ત થાય છે. નર ઉંદરમાં વ્યંધતા આવે છે, તો માદા ઉંદરમાં ગર્ભપાતનું પ્રમાણ વધે છે. જો માણસમાં વ્યંધતા કે વારંવાર ગર્ભપાત થતો હોય તો વિટામિન-ઈ આપવાથી ફાયદો થતો નથી. તેની ઊણપ કરોડરજ્જુ અને ચેતાતંત્રના ચેતાકોષોને અસર કરે છે. હાડકાં સાથે જોડાયેલા સ્નાયુઓ અને હૃદયના સ્નાયુમાં અપક્ષીણતા જોવા મળે છે; પરંતુ સ્નાયુરુગ્ણતા(myopathy)માં તે ઉપયોગી ઔષધ નથી. તેની ઊણપમાં રક્તકોષવિલયી પાંડુતા (haemolytic anaemia) અને અલ્પપ્રસર્જી પાંડુતા (hypoplastic anaemia) થાય છે. આમ છતાં, તેની ઊણપથી માનવમાં ફક્ત 2 કે 3 પ્રકારના વિકારો થતા નોંધવામાં આવેલા છે. બાળકોમાં ચેતાસ્નાયુ-વિકાર (neuro-muscular disorder) અને પુખ્તવયે ચેતાતંત્રીય વિકારની સાથે યકૃત અને પિત્તનલિકાઓનો વિકાર; તેવી રીતે તેની ઊણપથી કાલપૂર્વ જન્મેલાં બાળકોમાં રક્તકોષવિલયી પાંડુતા (haemolytic anaemia) થાય છે.

ચિકિત્સીય ઉપયોગો : વિટામિન-ઈની પ્રાથમિક તથા લક્ષણ દર્શાવતી ઊણપ જોવા મળતી નથી; પરંતુ તેવું થવાની સંભાવના હોય તેઓને રોજના 10થી 30 મિલિગ્રામ વિટામિન-ઈ અપાય છે. જે દર્દીને G6PD નામના ઉત્સેચકની ઊણપ હોય તેને રોજ 100 મિલિગ્રામ વિટામિન-ઈ આપવાથી રક્તકોષોનો જીવનકાળ લંબાય છે. આવું કંટકકોષિતા(acanthocytosis)ના દર્દીમાં પણ જોવા મળ્યું છે. તે વિટામિન-એના સંગ્રહ તથા ઉપયોગને વધારે છે; માટે તે અતિપ્રજીવકતા-એ(hyper vitaminosis-A)ના રોગમાં સારવાર રૂપે વપરાય છે. જો કોઈ દર્દીને ચલનાંતરીય પિંડપીડ (inter-mittent claudication) હોય, સ્તનમાં સતંતુકોષ્ઠતા (fibrocystic discase) હોય અથવા પિંડીસ્નાયુપીડા (calf muscle cramps) થતાં હોય તો વધુ માત્રામાં વિટામિન-ઈ અપાય છે. તેની પ્રતિજારણ અસર (antioxidant effect) માટે તેને વિવિધ અન્ય રોગોમાં અપાય છે; પરંતુ તેમાં તેનાથી ફાયદો થાય છે એવું સાબિત થયેલું નથી. આ યાદીમાં સમાવિષ્ટ થતા રોગો, વિકારો તથા પરિસ્થિતિઓ છે  વારંવાર થતો ગર્ભપાત, વ્યંધ્યતા, ઋતુસ્રાવનિવૃત્તિ સંલક્ષણ, સગર્ભતાની વિષાક્તતા, અરુધિરવાહી (ischaemic) હૃદયરોગ, કૅન્સરનું પૂર્વનિવારણ, કેટલાક ચામડીના રોગો, હર્પિસના સ્ફોટ પછી થતી ચેતાપીડ (neuralgia), તંતુકઠિન ચર્મરોગ (scleroderma) વગેરે.

આકૃતિ : વિટામિન-ડી દ્રવ્યોનું સંશ્લેષણ અને સક્રિયીકરણ

વિટામિન-ઈને વધુ માત્રામાં લાંબા સમય સુધી લેવામાં આવે તોપણ ખાસ ઝેરી અસર જોવા મળતી નથી; પરંતુ ત્યારે પેશાબમાં ક્રિયેટિનનું વહી જવું અને ઘાનું ધીમું રુઝાવું  એવા વિકારો થયેલા નોંધવામાં આવે છે. ક્યારેક પેટમાં ચૂંક, પાતળા ઝાડા કે થાક લાગવો જેવાં ચિહ્નો થઈ આવે છે. વિટામિન-ઈને લોહ સાથે આપવામાં આવે તો લોહની અસર ઘટે છે.

વિટામિન-ડી : શરીરમાં બનતાં પારજાંબલી કિરણોની હાજરીમાં સક્રિય થતાં તથા અન્ય આહારી દ્રવ્યો કે જે સુકતાન (richets) થતો અટકાવે છે, તેમને સંયુક્ત રૂપે વિટામિન-ડી કહે છે. કોલિકૅલ્શિફેરોલ ચામડીની નીચે પારજાંબલી કિરણોની હાજરીમાં બને છે, તેને D3 કહે છે. યીસ્ટ, ફૂગ, પાંઉ અને દૂધ પર વિકિરણ વડે સંક્રિયા કરી હોય ત્યારે તેમાંથી મળતા દ્રવ્યને કૅલ્શિફેરોલ કહે છે. ખોરાકમાંથી મળતાં અને સુકતાનનો રોગ થતો અટકાવતાં અન્ય બધાં આહારી દ્રવ્યોના સમૂહને વિટામિન-ડી કહે છે. હાલ તેનું ફક્ત ઐતિહાસિક મૂલ્ય છે. સન 1919માં દર્શાવાયું હતું કે સૂર્યપ્રકાશ અને કેટલાંક આહારી દ્રવ્યોની ગેરહાજરીમાં સુકતાન થાય છે. સન 1922માં મેકકોલગે તેને મેદદ્રાવ્ય અને વિટામિન-એથી અલગ એવું દ્રવ્ય હોવાનું ઓળખી બતાવ્યું હતું. સન 1935માં તેની રાસાયણિક સંરચના નિશ્ચિત કરાઈ હતી. 1970ના દાયકામાં કૅલ્શિફેરોલ તથા કોલિકૅલ્શિફેરોલના આંતરસંબંધો અને તેમનું શરીરમાં સક્રિયીકરણ સમજમાં આવેલું હતું. તેમનું સંશ્લેષણ અને સક્રિયીકરણ આકૃતિમાં દર્શાવ્યું છે.

ઍર્ગોસ્ટિરોલ અને 7-ડીહાઇડ્રોકોલેસ્ટિરોલ વચ્ચે 2 મુખ્ય તફાવત છે. ઍર્ગોસ્ટિરોલમાં C22C23 વચ્ચે દ્વિબંધ (double bond) છે અને C24 પર એક મિથાયલ જૂથ છે. માણસમાં વિટામિન D2 અને D3 એકસરખા અસરકારક છે. કૅલ્શિટ્રિયૉલ (D3નું સક્રિય સ્વરૂપ) દેહધાર્મિક ક્રિયા રૂપે વધુ મહત્વનું છે. 25-OHD3 લોહીમાં મુક્ત કરાય તે પછી તે ગ્લોબ્યુલિન જોડે જોડાય છે. તેનું અંતિમ હાઇડ્રૉક્સિલેશન મૂત્રપિંડમાં થાય છે. તે અનેક પરિબળોથી નિયંત્રિત છે અને દર-નિયમનકારી (rate limiting) પ્રક્રિયા છે. કૅલ્શિયમ કે વિટામિન-ડીની ઊણપ, પરાગલગ્રંથિસ્રાવ (parathormones) ઇસ્ટ્રોજન તથા પ્રોલૅક્ટિન 25-OH D3 કે 25-OH D2ને અનુક્રમે 1, 25 (OH)2 D3 કે 1, 25 (OH)2 D2માં ફેરવતાં મૂત્રપિંડી કણાભસૂત્રના કાર્યનું ઉત્તેજન કરે છે; જ્યારે 1, 25 (OH)2 D2/D3 નકારાત્મક પ્રતિપોષણરૂપે આ પ્રક્રિયાને ધીમી પાડે છે અથવા બંધ કરે છે. આવી સંશ્લેષ્ણ અને સક્રિયીકરણની ઘટનાઓને કારણે વિટામિન-ડીને અંત:સ્રાવ (hormone) ગણવાનું સૂચવાયું છે. તેનાં મુખ્ય 3 કારણો છે :

(1) એક ચોક્કસ અવયવ(ચામડી)માં તેનું સંશ્લેષણ થાય છે અને તેની આહારી જરૂરિયાત નથી. (2) લોહી દ્વારા તેનું વહન થાય છે અને શરીરમાં જ તેને સક્રિય કરીને લક્ષ્ય પેશીમાં ચોક્કસ સ્વીકારકો દ્વારા તેની અસર ઉપજાવાય છે તથા (3) તેની સક્રિયતાનું કૅલ્શિયમ આયનો તથા તેના સક્રિય સ્વરૂપ વડે નકારાત્મક પ્રતિપોષી નિયમન થાય છે.

વિટામિન-ડીનાં કાર્યો : કૅલ્શિટ્રિયૉલ આંતરડામાંથી કૅલ્શિયમ અને ફૉસ્ફરસનું અવશોષણ વધારે છે. તે હાડકામાંથી પણ તેમનું પુન:શોષણ (resorption) વધારે છે. આ ઉપરાંત તે મૂત્રપિંડની સમીપસ્થાની નલિકાઓમાંથી પણ તેમનું પુન:અવશોષણ (reabsorption) વધારે છે. આ ત્રણેય પ્રક્રિયાને કારણે તે લોહીમાં કૅલ્શિયમનું પ્રમાણ વધારે છે. મૂત્રપિંડમાંની તેની અસર પરાગલગ્રંથિના અંત:સ્રાવથી અલગ અને ઓછી અસરકારક હોય છે. જ્યારે વિટામિન-ડીનું શરીરમાં પ્રમાણ વધી જાય ત્યારે અતિપ્રજીવકતાડી (hyper vitaminosis-D) નામનો વિકાર થાય છે; જેમાં લોહીની અંદર કૅલ્શિયમનું પ્રમાણ ઘણું વધે છે. તેને અતિકૅલ્શિરુધિરતા (hyper calcaemia) કહે છે. તે વખતે મૂત્ર દ્વારા કૅલ્શિયમ બહાર વહે છે.

આ ઉપરાંત કૅલ્શિટ્રિયૉલ પ્રતિરક્ષાકોષો પર અસર પહોંચાડે છે, લસિકાકોષગતિક (lymphokine) નામના દ્રવ્યનું ઉત્પાદન વધારે છે તથા અધિત્વકીયકોષો(epidermal cells)ની સંખ્યાવૃદ્ધિ અને વિભેદન વધારે છે. તે રીતે તે ચેતાકોષો અને સ્નાયુકોષો પર પણ તેવી અસર ઉપજાવે છે.

વિટામિન-ડીની ઊણપ : લોહીમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસ ઘટે છે. પરાગલગ્રંથિનું તેને કારણે કાર્ય વધે છે અને હાડકામાંથી કૅલ્શિયમનું પુન:શોષણ થાય છે. નવા બનેલા હાડકામાં ક્ષાર જમા થતા નથી અને તે પોચાં પડે છે. તેથી બાળપણમાં સુકતાન અને મોટી ઉંમરે અસ્થિમૃદુલતા (osteomalacia) થાય છે.

અતિપ્રજીવકતાડી (hypervitaminosis-D) : લાંબા સમય સુધી રોજ 50 હજાર આંતરરાષ્ટ્રીય એકમ જેટલું વિટામિન-ડી લેવાથી તે થાય છે. ક્યારેક પેશી વિટામિન-ડી પ્રત્યે વધુ પડતી સંવેદનશીલ હોય તોપણ આવું બને છે. તેના કારણે લોહીમાં કૅલ્શિયમ વધે છે; જે વિષમ સ્થાને જમા થાય છે. આને અન્યસ્થાની કૅલ્શીકરણ (ectopic calcification) કહે છે. અતિકૅલ્શિરુધિરતા(hyper calcaemia)ને કારણે થાક, અશક્તિ, ઊલટી, ઝાડા, કામમાં ઢીલાશ, બહુમૂત્રતા (polyuria), શ્વેતનત્રલમેહ (albuminaturia) તથા અન્યસ્થાની કે વિષમસ્થાની કૅલ્શીકરણ થાય છે. વિષમસ્થાની કૅલ્શીકરણને કારણે મૃદુપેશી, નસો તથા વિવિધ અવયવોમાં કૅલ્શિયમ જમા થાય છે. મૂત્રપિંડમાં પથરી થાય છે તથા તેની પેશીમાં પણ કૅલ્શિયમ જમા થાય છે. તેને મૂત્રપિંડકૅલ્શિતા (nephrocalcinosis) કહે છે. તેને કારણે લોહીનું દબાણ વધે, બાળકોમાં વૃદ્ધિ ઘટે તથા ક્યારેક બેભાનાવસ્થા થાય છે. સારવારમાં વિટામિનનું સેવન બંધ કરવું, ઓછા કૅલ્શિયમવાળો ખોરાક લેવો, પુષ્કળ પાણી આપવું તથા કૉર્ટિકોસ્ટિરૉઇડનો ઉપયોગ કરવો વગેરે મહત્વનાં પગલાં છે. ક્યારેક વર્ષો સુધી પૂરેપૂરી સામાન્ય સ્થિતિ પુન: સ્થાપિત થતી નથી.

ચિકિત્સીય ઉપયોગો : 1 માઇક્રોગ્રામ કોલિકૅલ્શિફેરોલ = વિટામિન-ડીના 40 આંતરરાષ્ટ્રીય એકમ. આ માત્રામાં ગણીને વિટામિન-ડીની વિવિધ બનાવટોનો ઉપયોગ કરાય છે. સૂર્યપ્રકાશ જો પૂરતા પ્રમાણમાં મળતો હોય તો તે પર્યાપ્ત ગણાય છે. તે ન હોય તો રોજ 40 આંતરરાષ્ટ્રીય એકમ જેટલું વિટામિન-ડી જરૂરી છે. કૅલ્શિફેરોલ (ઍર્ગોકૅલ્શિફેરોલ, ડી2) તેલમાં દ્રાવણ રૂપે 25,000 કે 50,000 આંતરરાષ્ટ્રીય એકમો જેટલું તે જિલેટિન કૅપ્સ્યૂલમાં મળે છે. કૉલિકૅલ્શિફેરોલ (વિટામિન ડી3) કણિકાઓ રૂપે (granular) કે તૈલી દ્રાવણરૂપે ઇન્જેક્શન માટે મળે છે. તેના 30,000 આંતરરાષ્ટ્રીય એકમ (75 મિગ્રા.) અને 6,00,000 આંતરરાષ્ટ્રીય એકમ(15 mg)નાં ઇન્જેક્શન મળે છે અથવા 60,000 આંતરરાષ્ટ્રીય એકમ(1 ગ્રામ)ના કણિકાનાં પૅકેટ મળે છે. કૅલ્શિટ્રિયૉલના 1 માઇક્રોગ્રામની મોં વાટે લેવાની ગોળી કે કૅપ્સ્યૂલ મળે છે. આલ્ફાકૅલ્શિડિયૉલ 1આલ્ફા OH ડી3 છે. તે 1, 25 (OH)2 D3ની પૂર્વ ઔષધ છે. તે મૂત્રપિંડના રોગથી થતા અસ્થિવિકારમાં ઉપયોગી છે. ડાઇહાઇડ્રૉટેકિસ્ટિરોલ મૂત્રપિંડી અસ્થિવિકાર અને અલ્પગલગ્રંથિતા (hypothyrodism) નામના રોગમાં ઉપયોગી ઔષધ છે.

વિટામિન-ડીની ઊણપની સારવાર ઉપરાંત કૅલ્શિયમને લગતા અન્ય રોગોમાં તે ઉપયોગી છે; જેમ કે, પ્રજીવકડી અનુપચારીય સુકતાન(vitamin-D resistant rickets)માં ફૉસ્ફેટની સાથે વધુ માત્રામાં કૅલ્શિટ્રિયૉલ કે આલ્ફાકૅલ્શિડિયૉલ ઉપયોગી રહે છે. પ્રજીવકડી અનિવાર્ય ઉપચારીય સુકતાન(vitamin-D dependent rickets)માં કૅલ્શિટ્રિયૉલ કે આલ્ફાકૅલ્શિડોલ ઉપયોગી છે. તેવું જ મૂત્રપિંડી અસ્થિવિકારમાં છે. વૃદ્ધાવસ્થા કે ઋતુસ્રાવનિવૃત્તિ પછી થતી અસ્થિછિદ્રલતા(osteoporosis)માં વિટામિન D3 ઉપયોગી છે. પરાગલગ્રંથિની ઊણપમાં તથા ફાન્કોનિનના સંલક્ષણમાં વિટામિન D3 ઉપયોગી છે. સોરાયસિસના દર્દીમાં, ચામડીના કૅન્સરમાં અને પ્રતિરક્ષાઊણપમાં કૅલ્શિપોટ્રિયૉલનો મલમ ઉપયોગી બને છે.

વિટામિન-કે : તે એક મેદદ્રાવ્ય આહારી ઘટક છે. જે લોહીને ગંઠાવતા ઘટકોના સંશ્લેષણ(ઉત્પાદન)માં જરૂરી છે. સન 1929માં ડેમે ઊણપવાળા આહાર પર રાખેલાં મરઘીનાં બચ્ચાંમાં લોહી વહેવાનો વિકાર થયો હતો. કેમ કે તેમના લોહીમાં પ્રોથ્રોમ્બિન નામનું ઘટક ઘટેલું હતું અને આની ઊણપ હોગના યકૃતના મેદદ્રાવ્ય અર્કથી પૂરી કરી શકાઈ હતી. તેને રુધિરગંઠનના પ્રજીવક તરીકે વિટામિન-કે નામ મળ્યું (koagulation = coagulation). સન 1939માં આવું પ્રજીવક આલ્ફાલ્ફા ઘાસમાંથી કઢાયું હતું. તે વિટામિન-K1 કહેવાયું. તેને ફાયટોનેડિયૉન (ફાયલોક્વિનૉન) કહે છે. દરિયાઈ માછલીના આહારમાંથી પ્રજીવક-K2 શોધાયું, જે જીવાણુઓ દ્વારા બને છે. તેને મીનાક્વિનૉન્સ કહે છે. વિટામિન-કેને સંશ્લેષિત કરી શકાય છે. જેને K3-પ્રજીવક કહે છે. તે જલદ્રાવ્ય (મિનેડિયોન સોડિયમ ડાયફૉસ્ફેટ) અને મેદદ્રાવ્ય (મિનેડિયોન સોડિયમ બાયસલ્ફાઇટ)  એમ 2 પ્રકારનું છે. વિટામિન-કે નૅફ્થોક્વિનોન-સંરચના ધરાવે છે, જેમાં સ્થાન-3 પર ફાટાયલ જૂથ હોય તો તે K1, પ્રેનાયલ જૂથ હોય તો K2 અને કોઈ પણ જૂથ ન હોય તો તે K3 વિટામિન કહેવાય છે.

વિટામિન-કે આહારમાંથી લીલાં શાકભાજી; દા.ત., કોબીજ અને પાલક તથા યકૃત, પનીર વગેરેમાંથી મળે છે. આંતરડામાંના જીવાણુઓ તે બનાવે છે. માટે આહારી જરૂરિયાત નિશ્ચિત રહેતી નથી. સામાન્ય રીતે 3થી 10 માઇક્રોગ્રામ/દિવસ જેટલું વિટામિન-કે પર્યાપ્ત માત્રા ગણાય છે. જોકે પુખ્ત વયે કુલ જરૂરિયાત 50થી 100 માઇક્રોગ્રામ/દિવસ ગણી કઢાયેલી છે.

યકૃતમાં જે ગંઠક-ઘટકો (coagulation factors) બને છે, તે છે પ્રોથ્રોમ્બિન ઘટક VII, 1α અને α. તેમના ઉત્પાદનના છેલ્લા તબક્કામાં વિટામિન-કે સહઘટક તરીકે કાર્ય કરે છે. મોં વાટે લેવાયેલું વિટામિન-કે પિત્તની હાજરીમાં અવશોષાય છે અને લસિકાતરલ (lymph) દ્વારા યકૃત સુધી પહોંચે છે. જો તે જલદ્રાવ્ય હોય તો તે નિવાહિકા શિરા (portal vein) દ્વારા યકૃતમાં પહોંચે છે. ત્યાં તે અમુક સમય સુધી સંગ્રહાય છે, પરંતુ તેનો કાયમી સંગ્રહ થતો નથી. યકૃતમાં જ તેનો ચયાપચય થાય છે અને તેના ચયાપચયી શેષ પિત્ત દ્વારા ઉત્સર્જિત થાય છે. યકૃતના રોગો, અવરોધજન્ય કમળો, કુશોષણ, લાંબા સમયની સૂક્ષ્મજીવવિરોધી દવાઓ (ઍન્ટિબાયૉટિક્સ) વગેરે વિટામિન-કે-ની ઊણપ સર્જે છે. તેની ઊણપમાં લોહી વહેવાનો વિકાર થાય છે. ખરેખર તેમાં લોહી ગંઠાતું બંધ થઈ જાય છે. સામાન્ય રીતે પેશાબમાં લોહી જાય છે. અન્ય લોહી વહેવાનાં સ્થાનોમાં છે નાક અને ચામડી (ચકામાં). ફાયટોનેડિયોન ઇન્જેક્શનના રૂપે મળે છે, જ્યારે મિનાડિયોન, એસિટોમિનેફથોન અને મિનાડિયોલ મુખમાર્ગી ગોળી રૂપે મળે છે.

ચિકિત્સીય ઉપયોગ : વિટામિન-કેની ઊણપથી થતા લોહીના વહેવાના વિકારને થતો અટકાવવા કે થયો હોય તો તેની સારવાર રૂપે વિટામિન-કે વપરાય છે. લાંબા સમયની ઍન્ટિબાયૉટિકની સારવાર, અવરોધજન્ય કમળો, યકૃતના રોગો જેવા કે યકૃતકાઠિન્ય (cirrhosis) અને યકૃતશોથ (hepatitis) તથા નવજાત બાળક આવા વિવિધ સંજોગોમાં તેનો ઉપયોગ કરાય છે. મુખમાર્ગી પ્રતિગંઠક ઔષધો(anticoagulants)ની વધુ પડતી અસર થઈ હોય તો તેને નાબૂદ કરવા તે વપરાય છે. લાંબા સમયની સેલિસિલેટ વડે કરાતી સારવારમાં પણ પ્રોથ્રોમ્બિન ઘટે છે. તેમાં પણ વિટામિન-કે વપરાય છે.

ઝેરી અસર : જો તૈલનિલંબિત (emulsified) વિટામિન-કેનું નસમાં ઝડપથી ઇન્જેક્શન અપાય તો તે રક્તિમા (flusing), શ્વાસ ચડવો, છાતીમાં દબાણ થવું, લોહીનું દબાણ ઘટવું વગેરે તકલીફો કરે છે. ક્યારેક મૃત્યુ નીપજે છે. મિનેડોન અને તેના જલદ્રાવી નીપજદ્રવ્યો (derivatives) તેમની અપાયેલી માત્રાના પ્રમાણમાં લોહીના રક્તકોષોને તોડે છે. તેને રક્તકોષ વિલયન કહે છે. નવજાત શિશુઓ અને જેમને G6PD ઉત્સેચકની ઊણપ હોય તેઓને થવાની સંભાવના રહે છે. નવજાત શિશુમાં તે ક્યારેક જોખમી કમળો કરે છે, તેને કર્નિકટરસ કહે છે.

જલદ્રાવ્ય પ્રજીવકો : તેમને મુખ્યત્વે 2 જૂથમાં વહેંચવામાં આવે છે : (અ) પ્રજીવક-બી સમૂહ અને (આ) પ્રજીવક-સી. પ્રજીવક-બી સમૂહમાં ઘણાં પ્રજીવકો છે; દા.ત. થાયામિન (બી1), રિબોફ્લેવિન (બી2), નાયાસિન અથવા નિકોટેમાઇડ (બી3), પાયરિડૉક્સિન; પારિડૉક્સલ અને પાયરિડૉક્સામિન (બી6) પેન્ટોથેનિક ઍસિડ, બાયોટિન, ફૉલિક ઍસિડ અને ફૉલિનિક ઍસિડ, સાયનો કોવેલેમિન અને હાઇડ્રૉક્સિ સાયેનો કોવેલેમિન (બી12).

થાયામિન (બી) તેને એન્યુરિન પણ કહે છે. તે રંગવિહીન, સ્ફટિકી સંયોજન છે; જેમાં પાયરિમિડિન અને થાયેઝોલ વલયો (rings) હોય છે. તે ધાન્યના બહારના આવરણમાં, કઠોળ, સૂકો મેવો, લીલાં શાક, યીસ્ટ, ઈંડાં તથા માંસમાં હોય છે. આંતરડામાં સક્રિય પરિવહન વડે તેનું અવશોષણ થાય છે. પેશીમાં બહુ ઓછું સંગ્રહાય છે. આશરે 1 મિગ્રા./દિવસ જેટલું વિઘટન પામે છે. બાકીનું બધું ઝડપથી મૂત્ર વાટે બહાર નીકળી જાય છે. શરીરમાં તે થાયામિન પાયરોફૉસ્ફેટમાં રૂપાંતરિત થાય છે અને કાર્બોદિત પદાર્થોના ચયાપચયમાં સહઉત્સેચક તરીકે કાર્ય કરે છે. તે કિટો-ઍસિડના ડિકાર્બોક્સિલેશનમાં અને હેક્સોઝ મૉનોફૉસ્ફેટ શન્ટમાં સક્રિય હોય છે. તેની દૈનિક જરૂરિયાત 0.3 ng/1000 કિલોકૅલરી છે. આમ તે કાર્બોદિત પદાર્થોના આહાર પર આધારિત છે. તે ચેતા-સ્નાયુ સંદેશાવહનમાં પણ અમુક અંશે ઉપયોગી છે. તેની ઊણપથી 2 પ્રકારના વિકારો થાય છે : શુષ્ક બેરીબેરી અને સજલ બેરીબેરી. શુષ્ક બેરીબેરીમાં ચેતાતંત્રીય તકલીફો મુખ્ય હોય છે  બહુચેતારુગ્ણતા (poly neuropathy), જેમાં ચામડીની બહેરાશ, ઝણઝણાટી, અતિ સંવેદનશીલતા, સ્નાયુની નબળાઈ અને અપક્ષીણતા જોવા મળે છે. તેના કારણે કાંડા કે ઘૂંટીથી અનુક્રમે હાથ અને પાદ લચી પડે છે. ક્યારેક આખા અંગનો લકવો થાય છે, માનસિક ફેરફારો થાય છે, સક્રિયતા ઘટે છે, સ્મૃતિ ઘટે છે, ભૂખ ઘટે છે અને કબજિયાત થાય છે. સજલ બેરીબેરીમાં હૃદય અને રુધિરાભિસરણતંત્ર અસરગ્રસ્ત થાય છે. તેથી સભાન ધબકારા થાય છે, શ્વાસ ચડે છે, હૃદયની નિષ્ફળતા થાય છે અને પ્રોટીનની ઊણપ હોય તો શરીરે બધે સોજા ચડે છે.

ચિકિત્સીય ઉપયોગ : શૈશવ, સગર્ભાવસ્થા, દીર્ઘકાલી અતિસાર (લાંબા સમયના પાતળા ઝાડા), પરાંત્રીય પોષણ (parenteral nutrition) વગેરે સ્થિતિમાં થાયામિનની ઊણપ ન થાય તે માટે રોજ 2થી 10 મિગ્રા. થાયામિન અપાય છે. મોં વાટે નહિ પણ નસ દ્વારા પોષણ અપાય ત્યારે તેને પરાંત્રીય પોષણ કહે છે. નસ વાટે ગ્લુકોઝ અપાય ત્યારે જો થાયામિનની ઊણપ હોય તો તે છતી થઈ જાય છે. જો દર્દીને બેરીબેરીનો રોગ થયો હોય તો થાયામિનની માત્રા તકલીફ ન શમે ત્યાં સુધી વધારીને 100 મિગ્રા./દિવસની કરાય છે. ત્યારબાદ પણ જાળવણી રોકવા માટે ઓછી માત્રામાં થાયામિન આપવાનું ચાલુ રખાય છે. લાંબા ગાળાના મદ્યપાનના વ્યસનીમાં થતા વિવિધ ચેતાતંત્રીય રોગો, જેવા કે પરિઘીય ચેતારુગ્ણતા (peripheral neuropathy) વર્નિકની મસ્તિષ્કરુગ્ણતા (Wernick’s encephalopathy) તથા કોર્સૅકોફનો તીવ્ર મનોવિકાર(Korsakoff’s psychosis)માં પણ થાયામિન ભારે માત્રામાં અને ઇન્જેકશન દ્વારા અપાય છે. કેટલાક ચેતાતંત્રીય અને હૃદય-રુધિરાભિસરણીય રોગોમાં પણ થાયામિન વપરાય છે, પરંતુ તેના લાભની સાબિતી નથી. તે રીતે સગર્ભાવસ્થાના અતિવમન (hyperemesis gravidarum), દીર્ઘકાલી અરુચિ (charonic anorexia) તથા તીવ્ર કબજિયાત હોય તોપણ થાયામિન અપાય છે. તેની વધુ માત્રાની ખાસ આડઅસર નોંધાઈ નથી; પરંતુ ક્યારેક ઇન્જેક્શનના રૂપે અપાય ત્યારે વિષમોર્જાકીય (allergic) પ્રતિક્રિયા થાય છે.

રિબોફ્લોવિન (બી2) : તે દૂધ, ઈંડાં, યકૃત, લીલાં શાકભાજી અને દાણામાંનું પીળું ફ્લેવોન રસાયણ છે. તે આંતરડાંમાંથી સક્રિય પરિવહન દ્વારા પુષ્કળ પ્રમાણમાં અવશોષાય છે. તેનો બહુ થોડા પ્રમાણમાં સંગ્રહ થાય છે અને મોટાભાગનું વિટામિન એમનું એમ મૂત્ર વાટે બહાર વહી જાય છે. મોટા આંતરડામાંના જીવાણુઓ વિટામિન બી1 અને બી2 બનાવે છે; પણ તે જે તે વ્યક્તિના ઉપયોગમાં આવતું નથી. રિબોફ્લેવિન ફૉસ્ફેટ એ ફ્લેવિન મૉનોન્યૂક્લિયૉટાઇડ છે. ફ્લેવિન મૉનોન્યૂક્લિયૉટાઇડ વિવિધ ઑક્સિડેશન-રિડક્શન પ્રતિક્રિયામાં સક્રિય હોય છે.

રિબોફ્લેવિનની ઊણપ અન્ય પ્રજીવકોની ઊણપની સાથે જોવા મળે છે. તેમાં હોઠના ખૂણામાં ચાંદાં પડે, જીભ આવી જાય છે. હોઠ, ગળા તથા મોંમાં ચાંદાં પડે, આંખની કીકી પર આવેલી સ્વચ્છા (cornea) પર નસ વિકસે, ચામડી, સૂકી બને અને પોપડી વળે, વાળ ખરે, લોહીમાં હીમોગ્લોબિન ઘટે અને પાછળથી ચેતારુગ્ણતા થાય છે. દિવસના 2થી 20 મિગ્રા. મોં વાટે કે ઇન્જેક્શન દ્વારા આપીને તે ઊણપ અટકાવાય છે અથવા થઈ હોય તો પૂરી કરાય છે.

નિયાસિન (નિકોટિનેમાઇડ, બી3) : તેને નિકોટિનિક ઍસિડ પણ કહે છે. તે પાયરિડિન રસાયણ છે. તેને પેલેગ્રા (રુક્ષત્વચાવિકાર) રોધક ઘટક પણ કહેવાય છે. તે યકૃત, માછલી, માંસ, ધાન્યનાં આવરણ, સૂકો મેવો અને કઠોળમાં મળે છે. ટ્રિપ્ટોફૅન નામનો એક એમિનો ઍસિડ પૂર્વપ્રજીવક (provitamin) છે અને તેમાંથી આંશિક સ્વરૂપે નિયાસિન બને છે. (દર 60 મિગ્રા. ટ્રિપ્ટોફૅનમાંથી 1 મિગ્રા. નિકોટિનેમાઇડ) ખોરાકમાં ટ્રિપ્ટોફૅનની હાજરીના પ્રમાણને આધારે નિકોટિનેમાઇડની દૈનિક જરૂરિયાત બદલાય છે. મુખ્યત્વે મકાઈનો ખોરાક લેતી વ્યક્તિઓમાં તેની ઊણપ જોવા મળે છે. તેનું કારણ મકાઈમાં ટ્રિપ્ટોફૅનનું ઓછું પ્રમાણ હોય છે તે છે. તેઓમાં રુક્ષત્વચાવિકાર (pellagra) થાય છે. એવું મનાય છે કે મકાઈમાં નિયાસિનનું વિરોધી દ્રવ્ય (antagonist) હોય છે.

મોં વાટે લીધા પછી તે લગભગ સંપૂર્ણપણે આંતરડાંમાંથી અવશોષાય છે. દૈનિક જરૂરિયાત જેટલું પ્રજીવક લેવાયું હોય તો તેનો ચયાપચય થાય છે; પરંતુ વધુ પ્રમાણમાં લેવાય તો તેનો ઉત્સર્ગ થઈ જાય છે. તે બહુ થોડા પ્રમાણમાં યકૃતમાં સંગ્રહાય છે. નિકોટિનિક ઍસિડનો એમાઇડ, નિકોટિનેમાઇડ, નિકોટિનેમાઇડ એડિનાઇન  ડાયન્યૂક્લિયૉટાઇડ (NAD) અને તેના ફૉસ્ફેટ (NADP) નામના સહઉત્સેચકોનો મહત્વનો ઘટક છે જે ઑક્સિડેશનરિડક્શન પ્રતિક્રિયાઓમાં સક્રિય છે. નિકોટિનિક ઍસિડને મોટી માત્રામાં લેવામાં આવે તો તે નસોને પહોળી કરે છે અને લોહીમાંનાં મેદદ્રવ્યોની સપાટી ઘટાડે છે.

નિયાસિનની ઊણપથી રુક્ષત્વચારોગ(pellagra)નામનો રોગ થાય છે. તેમાં મુખ્ય 3 વિકારો થાય છે : ત્વચાશોથ (dermatitis), અતિસાર (diarrhoea) અને મનોભ્રંશ (dementia). હાથ, પગ અને મોં પર સૂર્યદાહ (sunburn) જેવા ચામડી પર ડાઘ પડે છે, જે પાછળથી કાળા પડે છે, તૂટે છે અને પોપડીઓ ઊખડે છે. તેને ત્વચાશોથ કહે છે. આંતરડા પરનો સોજો, મોઢું અને જીભ આવી જાય છે, વધુ પડતી લાળ પડે છે, ઊબકા અને ઊલટી થાય છે અને પાતળા ઝાડા (અતિસાર) થાય છે. આ ઉપરાંત દર્દીને મનોભ્રમણાઓ (hallucinations) થાય છે, માથું દુખે છે, ઊંઘ ઘટે છે, સ્મૃતિ ઘટે છે તથા હલનચલન અને સંવેદનાલક્ષી વિકારો થાય છે. આ ઉપરાંત દર્દીને પાંડુતા થાય છે અને લોહીમાં પ્રોટીન ઘટે છે. ઘણી વખત પ્રજીવક બી-જૂથના પ્રજીવકોની ઊણપ જોવા મળે છે. લાંબા સમયથી દારૂની લત ધરાવતી વ્યક્તિમાં નિયાસિનની ઊણપજન્ય વિકાર વધુ જોવા મળે છે.

ચિકિત્સીય ઉપયોગ : નિયાસિનની ઊણપ થવાની સંભાવના હોય તેઓએ તેની ઊણપ થતી અટકાવવા માટે 20થી 50 મિ.ગ્રામ/દિવસની માત્રામાં આ પ્રજીવક લેવું જરૂરી હોય છે. રુક્ષત્વચારોગ થાય તો તે 200થી 500 મિગ્રા./દિવસની માત્રામાં મોં વાટે કે નસ દ્વારા અપાય છે. નિકોટિનિક ઍસિડને કારણે થતી રક્તિમા (flush) અને અન્ય આડઅસરો ઇન્જેક્શન દ્વારા અપાતા નિકોટિનેમાઇડમાં જોવા મળતી નથી. ટ્રિપ્ટોફૅનના ચયાપચયનો વિકાર કરતા હાર્ટ નામના રોગમાં અને કાર્સિનૉઇડ ગાંઠના રોગમાં પણ નિયાસિન અપાય છે. હાથપગની નસોના વિકારમાં તથા મેદપ્રોટીનરુધિરતા(lipoproteinaemia)ના વિકારોમાં નિકોટિનિક ઍસિડ વપરાય છે. નિકોટિનેમાઇડની ખાસ આડઅસરો નથી પણ નિકોટિનિક ઍસિડની આડઅસરો ઘણી હોય છે.

પાયરિડૉક્સિન (બી6) : પાયરિડૉક્સિન, પાયરિડૉક્સલ અને પાયરિડૉક્સાપિન  આ ત્રણેય કુદરતી પાયરિડિન સંયોજનો છે જેઓ પ્રજીવક બી6ની સક્રિયતા દર્શાવે છે. તે યકૃત, માંસ, ઈંડાં, સોયાબિન, શાકભાજી અને ધાન્યના આખા દાણાંમાંથી મળે છે. પ્રજીવક બી6 આંતરડામાંથી સહેલાઈથી અવશોષાય છે. શરીરમાં તેનું જારણ (oxidation) થાય છે અને પાયરિડૉક્સિક ઍસિડરૂપે ઉત્સર્જિત થાય છે. બહુ ઓછું પ્રજીવક સંગ્રહાય છે.

પાયરિડૉક્સિન અને પાયરિડૉક્સામિનનું જારણ થવાથી તે પાયરિડૉક્સસમાં રૂપાંતરિત થાય છે. તે પાયરિડૉક્સલ ફૉસ્ફેટમાં રૂપાંતરિત થાય છે જે સહઉત્સેચક તરીકે કાર્ય કરીને વિવિધ એમિનોઍસિડ તથા હીમના સંશ્લેષણમાં સક્રિય રહે છે. તે સ્ટીરૉઇડ અંત:સ્રાવોના સ્વીકારકો સાથે પણ આંતરક્રિયા કરે છે. વધુ માત્રામાં લાંબો સમય લેવામાં આવે તો તે ટેવ પાડે છે તથા ક્યારેક સંવેદનાચેતાની રુગ્ણતા કરે છે. તે ડોપામિન સંશ્લેષણમાં પણ સક્રિય છે અને તેથી ભારે માત્રામાં તે સ્તન્યપાન ન કરાવતી સૂતિકામાં દુગ્ધધારણને અટકાવે છે.

આઇસોનિએઝિડ વડે સારવાર કરાય ત્યારે પાયરિડૉક્સિનની ઊણપ ઉદ્ભવે છે. હાઇડ્રેલેઝિન, સાયક્લોસ્પોરિન અને પેનિસિલેમાઇન પાયરિડૉક્સિનના વપરાશમાં અડચણ કરે છે. મુખમાર્ગી ગર્ભનિરોધક દવાઓ પણ સ્ત્રીઓમાં પાયરિડૉક્સિનની ઊણપ સર્જે છે. પાયરિડૉક્સિન લિવોડોપાની પાર્કિન્સનના રોગમાંની અસરકારકતા ઘટાડે છે.

જ્યારે અન્ય વિટામિન-બી જૂથના ઘટકોની ઊણપ થાય ત્યારે પ્રજીવક બી6ની પણ ઊણપ જોવા મળે છે. તે સમયે તેલસ્રાવી ત્વચાશોથ (seborrheic dermatitis), જિહ્વાશોથ (glossitis), વૃદ્ધિનો ઘટાડો, માનસિક ગૂંચવણ, આંચકી (convulsion), પરિઘીય ચેતારુગ્ણતા (peripheral neuropathy), પાંડુતા (anaemia) વગેરે થાય છે.

ચિકિત્સીય ઉપયોગો : શિશુઓમાં તેની ઊણપ થતી અટકાવવા 2.5 મિગ્રા./દિવસ પ્રજીવક બી6 અપાય છે. અન્ય દવાઓથી તેની ઊણપ અટકાવવા 10થી 50 મિગ્રા./દિવસ અપાય છે. જો આઇસોનિએઝિડની ઉગ્ર ઝેરી અસર થઈ હોય તો વધુ માત્રામાં પાયરિડૉક્સિન અપાય છે. તેની અસરથી પાંડુતા ઘટતી હોય તેવી સ્થિતિમાં તેને મોટી માત્રામાં અપાય છે. તે બાળકોમાં ખેંચ (આંચકી) આવતી અટકાવે છે.

પેન્ટોથેનિક ઍસિડ : યકૃત, માંસ, ઈંડાં અને શાકભાજીમાં વિપુલ પ્રમાણમાં હાજર એવું આ પ્રજીવક જ્યારે મોં વાટે લેવાય ત્યારે તે ઝડપથી અવશોષાય છે. તે બહુ જ થોડા પ્રમાણમાં સંગ્રહાય છે. તે ચરબી, કાર્બોદિત પદાર્થો, સ્ટીરૉઇડ અને પોર્ફાયરિનના ચયાપચયમાં સહઉત્સેચક  એના એક ઘટક તરીકે કાર્ય કરે છે. તેની ઊણપથી ખાસ કોઈ વિકાર થતો નથી. માણસમાં પ્રાયોગિક રીતે ઊણપ સર્જવામાં આવે ત્યારે અનિદ્રા, વારંવાર પાતળા ઝાડા, વાયુપ્રકોપ, ઊલટી, પગમાં દુખાવો તથા ઝણઝણાટી થાય છે. જો દર્દીને સ્થિરાંત્રઘાતતા (paralytic iteus) થાય ત્યારે તેની સારવાર માટે નસ વાટે આ પ્રજીવક અપાય છે. પગના તળિયામાં બળતરા થતી હોય ત્યારે તેની સારવારમાં પણ તે અપાય છે.

બાયૉટિન : ઈંડાં, યકૃત, સૂકો મેવો તથા અન્ય ઘણા આહારી પદાર્થોમાં તે સલ્ફરવાળા સેન્દ્રિય અમ્લ રૂપે જોવા મળે છે. આંતરડામાંના જીવાણુઓ પણ તેનું ઉત્પાદન કરે છે, જે લોહીમાં પ્રવેશે છે. મોં વાટે લેવાયેલું પ્રજીવક સહેલાઈથી અવશોષાય છે. તે શરીરમાં સંગ્રહાતું નથી. ઈંડાંના શ્વેત ભાગમાં એવિડિન નામનું પ્રોટીન બાયૉટિન સાથે જોડાઈને બાયૉટિનનું અવશોષણ ઘટાડે છે. બાયૉટિન કાર્બોદિત પદાર્થો અને ચરબીના ચયાપચયમાં સહઉત્સેચક તરીકે કાર્ય કરે છે. તેની ઊણપથી તૈલસ્રાવી ત્વચાશોથ, અકેશતા (alopecia) અથવા વાળ ખરવા, અરુચિ, જીભ આવવી, સ્નાયુનો દુખાવો થવો વગેરે થાય છે. જે વ્યક્તિઓ ફક્ત ઈંડાનો શ્વેત ભાગ કે ફક્ત નસ વાટે પ્રવાહી પોષણ મેળવતા હોય તેમને તેની ઊણપ થાય છે.

ફૉલિક ઍસિડ : તે પાણીમાં અદ્રાવ્ય પીળા સ્ફટિક રૂપે મળે છે. તેનો સોડિયમ ક્ષાર જલદ્રાવ્ય છે. રાસાયણિક રીતે તે પ્ટેરોયલ ગ્લુટામિક ઍસિડ છે, જે પ્ટેરિડિન, પેરાએમાઇનોબેન્ઝોઇક ઍસિડ અને ગ્લુટામિક ઍસિડના ઘટકો ધરાવે છે. સન 1932-37માં વિલ્સે શોધ્યું કે યકૃતાર્ક(liver extract)માં તે હોય છે. સન 1941માં મિટચેલે પાલકની ભાજીનાં પાંદડાંમાંથી તેને અલગ પાડી બતાવ્યો. તેથી તેને પર્ણામ્લ (folic acid) કહે છે. પાછળથી વિલ્સનો ઘટક અને પર્ણામ્લ એક છે એવું શોધાયું હતું. તે યકૃત, પાલકની ભાજીનાં પાંદડાં, અન્ય લીલી ભાજીઓ, ઈંડાં, માંસ અને દૂધમાંથી મળે છે. તે આંત્રીય જીવાણુઓ વડે પણ ઉત્પાદિત થાય છે, પણ તે અવશોષાતું નથી. તેની દૈનિક જરૂરિયાત 0.1 મિગ્રા.થી ઓછી છે; પરંતુ સામાન્ય રીતે તે 0.2 મિગ્રા./દિવસના દરે આપવાનું સૂચવાય છે. સગર્ભાવસ્થા, દુગ્ધધારણ તથા અન્ય અતિચયાપચયી સ્થિતિઓમાં તેની જરૂરિયાત વધીને 0.8 મિગ્રા./દિવસ થાય છે. ખોરાકમાં ફૉલિક ઍસિડ પોલિગ્લુટામેટના સ્વરૂપે હોય છે, જે ઉપરના આંતરડામાં વિઘટિત થાય છે અને ફૉલિક ઍસિડનું અવશોષણ થાય છે ત્યાં જ તેનું રિડક્શન તેમજ મિથાયલેશન થાય છે, જેથી ડાયહાઇડ્રેટ ફૉલિક ઍસિડ અને મિથાયલ-ટેટ્રાહાઇડ્રૉ ફૉલિક ઍસિડ (methyl-THFA) બને છે. જે સ્વરૂપે તે લોહીમાં પરિવહન પામે છે તે ઝડપથી પેશીમાં પ્રવેશે છે અને આશરે 5થી 10 મિગ્રા. જેટલું તે સંગ્રહાય છે. મુખ્ય સંગ્રહ યકૃતમાં થાય છે; જ્યાંથી તે મિથાયલ-THFAના સ્વરૂપે વિસ્રવણ પામે છે. જો તેને વધુ માત્રામાં લેવામાં આવેલું હોય તો 50 %થી 90 % જેટલું પેશાબમાં ઉત્સર્જન પામે છે. તે ચયાપચયી કાર્યરૂપે DNAના અગત્યના ઘટક થાયમિડેલેટના ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લે છે.

અપૂરતો આહાર – અપૂરતા પ્રમાણમાં યોગ્ય આહાર, કુશોષણ, પિત્તમાર્ગી સંયોગનળી (fistula), લાંબા સમયની દારૂની ટેવ, સગર્ભાવસ્થા, દુગ્ધધારણ, ઝડપી વૃદ્ધિનો સમયગાળો તથા રક્તકોષવિલયી પાંડુતા(haemolytic anaemia)ને કારણે વધેલી માંગ તથા ફેનિટૉઇન, ફિનોબાર્બીટોન, પ્રાઇમિડોન વગેરે દવાઓ અને મુખમાર્ગી ગર્ભનિરોધક દવાઓના સહસેવનથી ફૉલિક ઍસિડની ઊણપ સર્જાય છે.

તેની ઊણપને કારણે મહાબીજકોષી પાંડુતા (megaloblastic anaemia) થાય છે. આ પ્રકારનો વિકાર પ્રજીવક B12ની ઊણપથી પણ થઈ શકે છે. જો બહારથી પુરવઠો મળતો બંધ થાય તો શરીરમાંનો સંગૃહીત ફૉલિક ઍસિડ 3થી 9 મહિનામાં પૂરો થાય છે. જો કુપોષણનો વિકાર થયેલો હોય તો થોડાં અઠવાડિયાંમાં ઊણપ જોવા મળે છે. આ ઉપરાંત જીભ આવે, આંતરડામાં સોજો આવે, ઝાડા થાય અને મેદાતિસાર (steatorrhea) પણ થઈ આવે છે. વ્યક્તિમાં અશક્તિ આવી જાય છે, વજન ઘટે છે અને વ્યંધ્યત્વ થઈ આવે છે. ચેતાતંત્રનો કોઈ વિકાર થતો નથી.

સારવાર માટે ફૉલિક ઍસિડ અને ફૉલિનિક ઍસિડની ગોળીઓ અને ઇન્જેક્શન ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ તેની ઊણપથી થતા વિકારમાં થાય છે. જો સાથે પ્રજીવક B12ની ઊણપ હોય તો તે પણ સાથે આપવું જરૂરી ગણાય છે. કુશોષણ સંલક્ષણ (malabsorption syndrome), સંગ્રહણી તથા મેદાતિસાર(steatorrhea)ના દર્દીને તથા આંચકી અટકાવતી દવા લેતા દર્દીને તે આપવાથી રક્તકોષનું ઉત્પાદન જળવાઈ રહે છે. ચરબી (મેદ) તથા તૈલી પદાર્થોના અપૂરતા પાચન અને અવશોષણને કારણે ઢીલા ઝાડા થાય અને તેમાં તૈલી દ્રવ્યો નીકળે તેને મેદાતિસાર કહે છે. આ ઉપરાંત મિથૉટ્રેક્ઝેટ નામની કૅન્સર-વિરોધી દવા ફૉલિક ઍસિડનો ચયાપચય અટકાવે છે અને તે રીતે તે તેની દેહધાર્મિક અસર પણ અટકાવે છે. તેવા સંજોગોમાં ફૉલિનિક ઍસિડ આપવાથી તે ખામી તથા જો વધુ માત્રામાં આપવામાં આવ્યું હોય તો મિથૉટ્રેક્ઝેટની ઝેરી અસર ઘટે છે અથવા નાબૂદ થાય છે. સગર્ભા સ્ત્રીઓમાં ફૉલિક ઍસિડની ઊણપ ન રહે તે માટે તે તેમને અપાય છે.

પ્રજીવક બી12 : સાયનોકોવૅલેપિન અને હાઇડ્રૉક્સિકોવૅલેપિનને પ્રજીવક બી12 કહે છે. તેઓ કોબાલ્ટ નામની ધાતુ ધરાવતાં સંયોજનો છે. સન 1849માં થૉમસ ઍડિસને લોહતત્વની ન મટી શકતી પાંડુતા(anaemia)ની હાજરી દર્શાવી હતી. તેને મટાડી ન શકાય તેવી અથવા મારી નાખે એવી વિપ્રણાશી (pernicious) પાંડુતા કહેવામાં આવી. તેનો જઠરની અંત:કલાની અપક્ષીણતા સાથે સંબંધ છે એવું પણ શોધી કઢાયું હતું. સન 1926માં મિનૉટ અને મર્ફીએ આવા દર્દીઓની યકૃત વડે સારવાર કરીને નોબેલ પારિતોષિક મેળવ્યું હતું. સન 1927-32 વચ્ચે કેસલે સૂચવ્યું કે બહારના એક ઘટક (બહિ:ઘટક, extrinsic factor) અને જઠરમાંના અંદરના એક ઘટક (અંત:ઘટક, intrinsic factor) વચ્ચેની આંતરક્રિયા વડે રુધિર પ્રસર્જક (haemoperetic principle) બને છે. સન 1948માં પ્રજીવક બી12 શોધાયો અને તે જ બહિર્ઘટક છે તે પણ દર્શાવાયું. પ્રજીવક બી12 જલદ્રાવ્ય, ઉષ્ણતાસહ્ય, રક્તરંગી સ્ફટિક હોય છે, જે ફક્ત સૂક્ષ્મજીવો બનાવે છે અને પ્રાણીઓ અને વનસ્પતિ તેમની પાસેથી તે મેળવે છે.

પ્રજીવક બી12 યકૃત, મૂત્રપિંડ, દરિયાઈ માછલી, ઈંડું, માંસ, પનીર વગેરેમાંથી મળે છે. તે કઠોળમાંથી મળે છે, જેની મૂલગંડિકાઓ(root nodules)માંના સૂક્ષ્મજીવો તેને બનાવે છે. વ્યાપારી ધોરણે સ્ટ્રૅપ્ટોમાસિસ ગ્રેસિયસ નામના સ્ટ્રૅપ્ટોમાયસિનના ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવની આડપેદાશ રૂપે તેને મેળવવામાં આવે છે. તેની દૈનિક જરૂરિયાત 1થી 3 માઇક્રોગ્રામ હોય છે. સગર્ભાવસ્થામાં તે વધીને 3થી 5 માઇક્રોગ્રામ બને છે.

ફૉલિક ઍસિડ અને પ્રજીવક બી12 DNAના સંશ્લેષણમાં ઉપયોગી છે. તેથી તે લોહી બનાવતા કોષો અને શરીરના અન્ય સંખ્યાવૃદ્ધિ પામતા કોષો માટે તે ઉપયોગી છે. મેલોનિક ઍસિડનું સક્સિનિક ઍસિડમાં રૂપાંતરણ ડીઑક્સી એડિનોસાયલકોબાલેમાઇન(DABk)ની હાજરીમાં થાય છે. કાર્બોદિત પદાર્થો અને મેદના ચયાપચયમાં આ રાસાયણિક પ્રક્રિયા મહત્વનું જોડાણ કરે છે. તેને માટે ફૉલિક ઍસિડની હાજરીની જરૂર નથી. તેથી ફક્ત પ્રજીવક બી12ની ઊણપમાં આ પ્રક્રિયા અટકે છે. એને કારણે કદાચ ચેતાતંત્રીય વિકાર થાય છે. તે માટે મેલોનિક ઍસિડસક્સિનિક ઍસિડની પ્રતિક્રિયા ઉપરાંત મિથિયૉનિન અને એસ-ઍડિનોસાયલ મિથિયૉનિનની પ્રતિક્રિયા પણ અગત્યની ગણાય છે.

કુદરતમાં પ્રજીવક બી12 પ્રોટીન સાથે સંજોડિત અવસ્થામાં હોય છે; જે રાંધતી વખતે કે જઠરમાંના પાચનસમયે અલગ પડે છે અને જઠરમાંના અંત:ઘટક સાથે જોડાય છે. તે આંતરડામાં સક્રિય પ્રક્રિયા વડે અવશોષાય છે અને લોહી દ્વારા યકૃત અને અસ્થિમજ્જામાં પહોંચે છે. અંત:ઘટકની ગેરહાજરી હોય તો B12ની ઊણપ ઝડપથી થાય છે, પરંતુ આહારી ઊણપ હોય તો તે 3થી 5 વર્ષે તેનાં લક્ષણો દર્શાવે છે. મોં વાટે કે નસ વાટે લેવાયેલું પ્રજીવક મૂત્રપિંડમાં ગળાઈને પેશાબ વાટે બહાર નીકળે છે. જો તે હાઇડ્રૉક્સિકોવૅલેપિનના સ્વરૂપમાં હોય તો તેનું ઉત્સર્જન ઓછું થાય છે.

પ્રજીવક બી12ની ઊણપ થવાનાં મુખ્ય કારણોમાં વિપ્રણાશી પાંડુતા, જઠરની અંત:કલાની અપક્ષીણતા, કુશોષણ સંલક્ષણ, મત્સ્યકૃમિ (fish worm), આહારમાં ઊણપ તથા સગર્ભાવસ્થા કે શૈશવકાળની વધેલી જરૂરિયાત ગણાય છે.

તેની ઊણપને કારણે મહાબીજકોષી પાંડુતા (megaloblastic anaemia), જીભ આવવી, જઠર-આંતરડાંના વિકારો થવા, ચેતાતંત્રીય વિકારરૂપે પરિઘીય ચેતાઓ અને કરોડરજ્જુ અસરગ્રસ્ત થવી વગેરે છે. તેના કારણે માનસિક વિકાર પણ થઈ આવે છે. પરિઘીય ચેતાના વિકારને કારણે ધ્રુજારી અને અંગસ્થાન સંબંધી સંવેદનાઓ અસરગ્રસ્ત થાય છે, હાથપગમાં ઝણઝણાટી થાય છે અને પ્રતિક્ષિપ્તક્રિયાઓ ઘટે છે. કરોડરજ્જુમાં ઉપોગ્ર સંયુક્ત દુર્જનન (subacute combined degeneration of spinal cord) થાય છે. માનસિક વિકારરૂપે સ્મૃતિનાશ, મનોદશામાં ફેરફાર અને માનસિક ભ્રમણાઓ થાય છે.

તે મુખમાર્ગી ગોળીઓ તથા ઇન્જેક્શન રૂપે મળે છે. જો અંત:ઘટકની ખામી હોય તો ફક્ત ઇન્જેક્શન રૂપે જ અપાય છે. હાઇડ્રૉક્સિકોવૅલેપિનથી વધુ ફાયદો રહે છે, જ્યારે ચિકિત્સીય ઉપયોગ માટે તે અપાય છે ત્યારે તેની માત્રા ઘણી વધુ હોય છે. ઉપર જણાવેલા ઊણપજન્ય વિકારો ઉપરાંત તમાકુને કારણે આવતા અંધાપામાં પણ ઉપયોગી છે. તેની વધુ પડતી માત્રાને કારણે કોઈ ઝેરી વિકાર થયેલો નોંધાયો નથી.

પ્રજીવક-સી (ઍસ્કોર્બિક ઍસિડ) : તે 6 કાર્બન ધરાવતો સેન્દ્રિય અમ્લ છે; જેની સંરચના ગ્લુકોઝ જેવી છે. તે એક સક્ષમ રિડ્યુસિંગ પદાર્થ છે અને તેનું સ્વરૂપ જૈવિક દૃષ્ટિએ સક્રિય છે. લીંબુ અને મોસંબી જેવાં સાઇટ્રસ ફળો, ટમેટાં, બટાકા, લીલાં મરચાં, કોબીજ અને અન્ય લીલાં શાકમાં તે મળે છે. ગાયના દૂધ કરતાં માનવદૂધમાં તેનું પ્રમાણ વધુ હોય છે (2550 મિગ્રા./લિટર). મોં વાટે લીધા પછી તે લગભગ સંપૂર્ણપણે અવશોષાય છે અને શરીરમાં બધે વ્યાપક રીતે ફેલાય છે. રોજ 60 મિગ્રા. જેટલું પ્રજીવક-સી લેવાથી રુધિરપ્રરસમાં તેનું સ્તર 1.8 મિગ્રા./ડેસિ. લિ. હોય છે અને આશરે 1.5 ગ્રામ જેટલું સંગ્રહાયેલું હોય છે. જો દૈનિક માત્રા વધે તોપણ શરીરનો કુલ સંગ્રહ 2.5 ગ્રામથી વધતો નથી. તેના ચયાપચયને લીધે સક્રિય અને નિષ્ક્રિય ચયાપચયી શેષ ઉત્પન્ન થાય છે.

પ્રજીવક-સી શરીરની વિવિધ જારક અને અન્ય ચયાપચયી પ્રતિક્રિયાઓમાં ભાગ લે છે. તે શ્વેતતંતુ(collagen)નું સંશ્લેષણ કરાવે છે અને આ રીતે તે આંતરકોષીય સંયોજીપેશીની અખંડિતતા જાળવે છે. તેની ઊણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. તે હાલ શિશુઓ, બાળકો, વૃદ્ધ વ્યક્તિઓ, મદ્યપાનીઓ તથા દવાના બંધાણીઓમાં જોવા મળે છે. તેમાં કેશવાહિનીઓની ભંગુરતા (fragility) વધે છે, મસોડાં (અવાળુ) સૂજી જાય છે અને તેમાંથી લોહી વહે છે, ચામડી નીચે લોહીના ડાઘા પડે છે, દાંત કુરૂપ થાય છે, હાડકાં બરડ બને છે, ઘા રૂઝવાનું ધીમું પડે છે, પાંડુતા થાય છે અને વૃદ્ધિ થતી અટકે છે. આ પ્રકારની ઊણપ થતી અટકાવવા, તેની સારવારમાં પ્રજીવક-સી અપાય છે. તેની ચિકિત્સીય માત્રા 0.5થી 1.5 મિગ્રા./દિવસ છે. શિશુઓને તેની ઊણપ અટકાવવા મોસંબીનો રસ અપાય છે. શસ્ત્રક્રિયા પછી જો તે આપવામાં આવે તો તેની સંભવિત ઊણપનો ઉપચાર થઈ શકે છે. પાંડુતાની સારવારમાં લોહને ફેરસ સ્વરૂપે રાખવા માટે વિટામિન-સી અપાય છે. મૂત્રમાર્ગમાં ચેપ હોય તો પેશાબને અમ્લીય (acidic) બનાવવા માટે પ્રજીવક-બી અપાય છે. તેની મોટી માત્રાનો ઉપયોગ દમ, મોતિયો, કૅન્સર, ધમની-કાઠિન્ય, માનસિક વિકારો, અફલિતા, સામાન્ય શરદી વગેરે વિવિધ વિકારો થતા અટકાવવા માટે વાપરવાનું સૂચવાય છે; પરંતુ તેને અંગે કોઈ વૈજ્ઞાનિક યથાર્થતા ઉપલબ્ધ નથી. સામાન્ય રીતે તેની કોઈ ખાસ આડઅસર નથી; પરંતુ તેને લાંબો સમય વધુ માત્રામાં લેવામાં આવે તો ઑક્ઝેલેટ-પથરી થવાની સંભાવના વધે છે. ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવે તો ક્યારેક પ્રત્યાઘાતી-સ્કર્વી થઈ આવે છે.

પ્રતિજારક પ્રજીવકો (antioxidant vitamins) : પ્રજીવક-ઈ, કૅરોટિન અને પ્રજીવક-સીને કૅન્સર તથા હૃદયરોગ થતો અટકાવતા પ્રતિજારક પ્રજીવકો ગણવામાં આવે છે. તેઓ મુક્તમૂલકો(free radicals)ને ગ્રહી લે છે. આવા મુક્તમૂલકો મેદનું પેરોક્સિડેશન કરે છે તથા ડી.એન.એ.ને ઈજા પહોંચાડે છે. આને કારણે ધમનીકાઠિન્ય (atherosclerosis), કૅન્સર, આંત્રીય શોથકારી રોગો તથા ચેતાકીય અપક્ષીણતાના વિકારો થાય છે. ઉપર જણાવેલા 3 પ્રજીવકો ઉપરાંત ફેરિટિન, ટ્રાન્સફેરિન વગેરે વિવિધ દ્રવ્યો તે મુક્તમૂલકોને ગ્રહી લે છે. આ કારણસર સૈદ્ધાંતિક રીતે મનાય છે કે તેઓ તે રોગોને થતા અટકાવી શકે છે, જોકે હાલ એની પૂરી સાબિતી મળેલી નથી.

શિલીન નં. શુક્લ