વંજી : પ્રાચીન કાલમાં દક્ષિણ ભારતના ચેર (ચેરા) રાજાઓનું પાટનગર. વંજી પેરિયાર નદીના કિનારે, પશ્ચિમ ઘાટના છેડે કોચીન પાસે આવેલું હતું. તેના સ્થાન વિશે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક વિદ્વાનો તેને ત્રિચિનોપલ્લી પાસે કારુરના સ્થાને મૂકે છે; જ્યારે બીજા કેટલાક વિદ્વાનો પશ્ચિમ કિનારે આવેલ હાલના તિરુવંજીકુલમના સ્થાને મૂકે છે. આ બીજો મત વધુ સ્વીકાર્ય છે.
ચેર રાજાઓના રાજ્યમાં પાંચ જિલ્લા (નાડુ) હતા. વંજીનો કિલ્લો એક સમયે ઘણો મજબૂત હતો. આક્રમણનો સામનો કરવા, તેની ઊંચી દીવાલો પર પ્રક્ષેપાસ્ત્રો ગોઠવેલાં હતાં. તેના દરવાજા ઉપર વિશાળ ટાવરો હતા. તેના ઉપર રાજાના ધ્વજ ફરકતા. કિલ્લાની દીવાલોને ફરતી પાણીથી ભરેલી ખાઈ હતી. તેમાં માણસોને ખાઈ જાય એવા મગરો હતા. કિલ્લાની અંદર કેટલાંક ધાર્મિક સ્થળો હતાં. તેમાં એક વિષ્ણુનું મંદિર, એક બૌદ્ધોનો ચૈત્ય તથા નિર્ગ્રંથ મઠનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત બગીચા, જલાશયો, ઝરણાં પણ અંદર હતાં. હાલમાં ત્યાં જૂનાં તીર્થો અને અવશેષો જોવા મળે છે.
જયકુમાર ર. શુક્લ