વંગ : પ્રાચીન તથા મધ્યકાલમાં પૂર્વ અને દક્ષિણ બંગાળનું રાજ્ય. તેની સરહદો નિશ્ચિત નહોતી, પરંતુ વખતોવખત બદલાતી રહેતી હતી. ઈ. સ.ની ચોથી સદીમાં ગુપ્તવંશના મહાન વિજેતા સમ્રાટ સમુદ્રગુપ્તને ખંડણી ભરતાં સરહદનાં રાજ્યોમાં વંગનો સમાવેશ થતો હતો. ઈસુની છઠ્ઠી શતાબ્દીમાં વંગના રાજાઓએ ગુપ્તોનું આધિપત્ય ફગાવી દીધું અને તેને સ્વતંત્ર રાજ્ય તરીકેનું મહત્વ મળ્યું. ત્યાંના સ્થાનિક રાજા ‘મહારાજાધિરાજ’ કહેવાતા અને તેમણે સોનાના સિક્કા પડાવ્યા હતા. મહાકૂટ સ્તંભ-લેખ મુજબ ચાલુક્ય વંશના કીર્તિવર્મને (ઈ. સ. 567-597) અંગ, વંગ અને મગધના રાજાઓને હરાવ્યા હતા.

ચીની યાત્રી યુઅન શ્વાંગના જણાવવા મુજબ, સાતમી શતાબ્દીના પૂર્વાર્ધમાં વંગમાં બ્રાહ્મણ રાજાઓનું શાસન હતું અને નાલંદા વિશ્વવિદ્યાલયના વડા શીલભદ્ર આ રાજકુટુંબના નબીરા હતા. શીલભદ્ર પ્રકાંડ પંડિત હતા. તેમણે દક્ષિણ ભારતમાં ઘણા જાણીતા વિદ્વાનોને વાદવિવાદમાં હરાવ્યા હતા. વંગ રાજાએ શીલભદ્રને એક ગામના મહેસૂલની આવક ઇનામ પેટે આપી હતી. તેમણે તે આવકમાંથી મઠ બંધાવ્યા હતા.

સાતમી સદીના ઉત્તરાર્ધમાં વંગના બ્રાહ્મણ શાસકોની સત્તા બૌદ્ધ રાજુકુટુંબ દ્વારા આંચકી લેવામાં આવી. તેણે ખડ્ગ વંશની સ્થાપના કરી. આ વંશના ચાર રાજાઓ – ખડ્ગોડયામ, જાતકખડ્ગ, દેવખડ્ગ અને રાજરાજભટ હતા. તેમની સત્તા હેઠળ ઘણુંખરું દક્ષિણ તથા મધ્ય બંગાળના પ્રદેશો હતા. ગ્વાલિયરના શિલાલેખ પરથી જાણવા મળે છે કે રાજસ્થાનના પ્રતીહાર વંશના રાજા નાગભટ બીજા(ઈ. સ. 805થી 833)એ વંગના રાજાને હરાવ્યો હતો.

મધ્યપ્રદેશમાં જબલપુર નજીક આવેલા ચેદિના કલચુરિ વંશના કોકલ્લે (નવમી સદીમાં) વંગ ઉપર ચડી આવી, લૂંટ કરી હતી. તે સમયે વંગનો રાજા કાંતિદેવ હતો.

દક્ષિણ ભારતના રાજેન્દ્ર ચોલે વંગાલના ગોવિંદચન્દ્રને હરાવ્યો. તે પછી અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં પૂર્વ બંગાળમાં વર્મનોની સત્તા સ્થપાઈ. તેઓ યાદવ જાતિના હતા. વર્મનોએ વજ્રવર્મનની આગેવાની હેઠળ પૂર્વ બંગાળ જીતી લીધું. વજ્રવર્મન્ સિંહપુરના રાજવંશનો નબીરો હતો અને તેણે કેટલાંક સફળ આક્રમણો કર્યાં હતાં. તેના પુત્ર જાટવર્મનના શાસન દરમિયાન કલચુરિ કર્ણે વંગ જીતી લઈ કર્ણે તેની પુત્રી વીરશ્રી જાટવર્મન્ સાથે પરણાવી. તે પછી કલચુરિઓ અને યાદવો વચ્ચે સંધિ કરવામાં આવી.

જાટવર્મને કામરૂપ પર ચડાઈ કરી ત્યાંના રાજાને હરાવ્યો હતો. તેને હરિવર્મન્ તથા શાલવર્મન્ નામે પુત્રો હતા. જાટવર્મન્ પછી હરિવર્મન્ વંગનો રાજા બન્યો. હરિવર્મનનો યુદ્ધ અને શાંતિનો મંત્રી ભટ્ટભાવદેવ હતો. તેણે સિદ્ધાન્ત, તંત્ર, ગણિત અને જ્યોતિષનો અભ્યાસ કર્યો હતો. તેણે ધર્મશાસ્ત્ર, મીમાંસા તથા જ્યોતિષ વિશે ગ્રંથો લખ્યા હતા. તેણે બૌદ્ધ ધર્મનો વિરોધ કર્યો અને વંગમાં બ્રાહ્મણ ધર્મનો પ્રચાર કર્યો. તેણે અનંત, નારાયણ તથા નૃસિંહદેવનું મંદિર બંધાવ્યું હતું.

પાલ વંશના રામપાલે હરિવર્મનને ઘણુંખરું હરાવ્યો હતો. હરિવર્મનના સમયમાં મિથિલાના નાન્યદેવે વંગ ઉપર ચડાઈ કરી હતી. હરિવર્મને 46 વર્ષ રાજ્ય કર્યું અને બારમી સદીની પ્રથમ પચીસીમાં મરણ પામ્યો.

તેના પછી તેનો ભાઈ શાલવર્મન્ ગાદીએ બેઠો. તેને અનેક રાણીઓ હતી. તેમાંની પટરાણી માલવ્યદેવી ભોજવર્મનની માતા હતી. ભોજવર્મન્ તેના પિતા પછી વંગની ગાદીએ બેઠો. તેણે વિક્રમપુરામાં પાટનગર રાખીને પાંચ વર્ષ રાજ્ય કર્યું. બારમી સદીની મધ્યમાં સેનવંશના વિજયસેને તેને (અથવા તેના વારસને) સત્તા પરથી દૂર કર્યો.

વર્મનોએ પૂર્વ બંગાળ સિવાય બીજે સત્તા વિસ્તારી ન હતી. શાલવર્મનના અમલ દરમિયાન  ઘણુંખરું અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં અનેક વૈદિક બ્રાહ્મણો પૂર્વ બંગાળમાં જઈને વસ્યા હતા.

જયકુમાર ર. શુક્લ