વંથળી : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને એક નગર. ભૌગોલિક સ્થાન : તે 21° 35´ ઉ. અ. અને 70° 25´ પૂ. રે.ની આજુબાજુનો 393.3 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકામાં વંથળી અને શાપુર નામનાં બે શહેરો અને 45 જેટલાં ગામ આવેલાં છે. વંથળીનાં પ્રાચીન નામો ‘વામનસ્થળી’, ‘વામનપુર’, ‘દેવસ્થળી’ કે ‘દેથળી’ હતાં. અહીંના વામન ભગવાનના મંદિરને લીધે વામનપુર કે વામનસ્થળી નામ હશે, જેના પરથી પછી વનસ્થળી અને છેવટે ‘વંથળી’ થયાનું કેટલાક માને છે.

આ તાલુકાની જમીન કાળી, ફળદ્રૂપ અને સમતળ છે. ઓઝત નદી અહીં નજીકથી પસાર થાય છે. ઉબેણ નદી વંથળી નજીક ઓઝતને મળે છે. વંથળી તાલુકાનાં વંથળી સહિતનાં ત્રણ ગામ તેના કાંઠા પર આવેલાં છે. સાબલી, ભંડુકિયો અને મધુવંતી અહીંની અન્ય નાની નદીઓ છે. વંથળી તાલુકાનાં આઠ ગામો મધુવંતી નદીકાંઠે આવેલાં છે. ઓઝત અને ઉબેણ નદીઓની લંબાઈ અનુક્રમે 157 કિમી. અને 58 કિમી. જેટલી છે.

મે અને જાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે વધુ અને ઓછાં રહે છે. 15 જૂનથી 15 સપ્ટેમ્બર દરમિયાનની વર્ષાઋતુમાં અહીં સરેરાશ 500 મિમી. જેટલો વરસાદ પડે છે. તે પૈકીનો 50 % વરસાદ જુલાઈ માસમાં પડી જાય છે.

તાલુકાની આશરે 27,000થી 28,000 હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. પાક વર્ષમાં બે વાર લેવાય છે. ગોચરની અને પડતરની જમીનો પણ તાલુકામાં છે. તાલુકામાં જંગલો નથી પણ પાદરે, ખેતરોને શેઢે અને કૂવાઓ નજીક વડ, પીપર, લીમડો, આંબલી, ખીજડો, બાવળ જેવાં વૃક્ષો જોવા મળે છે. કેળ, પપૈયાં, જમરૂખ અને આંબાનાં વૃક્ષો પણ છે. અહીંની લગભગ 14 % જેટલી જમીનને મોટેભાગે કૂવાઓ દ્વારા સિંચાઈનો લાભ મળે છે. આ તાલુકામાં લોકો ગાયો, ભેંસો, ઘેટાં-બૅંકરાં અને મરઘાં-બતકાંનો ઉછેર કરે છે.

વંથળી તાલુકાની કુલ વસ્તી 98,751 (2001) જેટલી છે, તે પૈકી 52 % પુરુષો અને 48 % સ્ત્રીઓ છે. શહેરી અને ગ્રામીણ વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 75 % અને 25 % જેટલું છે. અહીંના આશરે 55 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. તાલુકાના લોકો ખેતી, ખેતમજૂરી, પશુપાલન, ગૃહઉદ્યોગ, ખાણ-ઉદ્યોગ, વેપાર, પરિવહનક્ષેત્ર તથા ઇતર કામોમાં રોકાયેલા રહે છે. તાલુકામાં કુલ 210 કિમી.ના રસ્તાઓ પૈકી 160 કિમી.ના પાકા રસ્તા છે. 26 કિમી.નો રેલમાર્ગ પસાર થાય છે અને તેના પર પાંચ (રેલ) મથકો આવેલાં છે. અહીં પ્રાથમિક (7), માધ્યમિક (19) અને ઉચ્ચ શિક્ષણની (5) સંસ્થાઓ આવેલી છે. આ ઉપરાંત ત્રણ પુસ્તકાલયો-વાચનાલયો તથા 25 જેટલાં પ્રૌઢ-શિક્ષણકેન્દ્રો પણ છે.

નગર : ભૌગોલિક સ્થાન : 21° 29´ ઉ. અ. અને 70° 20´ પૂ.રે.. તે જૂનાગઢથી નૈર્ઋત્યમાં 16 કિમી.ને અંતરે ઉબેણ નદીના કાંઠે આવેલું છે.

ગિરનાર માહાત્મ્ય પ્રમાણે બલિરાજા બલિસ્તાન(બિલખા)માં રાજ્ય કરતા હતા. તેના 100મા યજ્ઞની પૂર્ણાહુતિને પ્રસંગે દેવોને થયું કે તે ઇન્દ્રનું સિંહાસન મેળવી લેશે. દેવો વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ વામનરૂપે બલિરાજા પાસે ત્રણ પગલાં જમીનનું વરદાન માગ્યું. બે પગલામાં પૃથ્વી અને સ્વર્ગને આવરી લીધાં, ત્રીજું પગલું બલિના માથે મૂકી પાતાળમાં ચાંપી દીધો, તેથી તે અહીં રાજ્ય કરવા લાગ્યો હતો.

અહીં બે તેલ-મિલો, જિન અને પ્રેસ, પાવરલૂમનો એકમ, ગોળ-ખાંડસરીનું સહકારી ક્ષેત્રનું કારખાનું અને સિમેન્ટ પાઇપનું કારખાનું આવેલાં છે. વંથળી જૂનાગઢ-અરાડિયા રેલમાર્ગનું મથક છે; સડક માર્ગોની લંબાઈ 11 કિમી. જેટલી છે. અહીં સૌરાષ્ટ્ર બૅંક, જમીન-વિકાસ બૅંક, જિલ્લા મધ્યસ્થ સહકારી બૅંક અને નાગરિક બૅંકની શાખાઓ છે. વંથળીમાં બે બાલમંદિરો, બે પ્રાથમિક શાળાઓ, એક ગુજરાતી અને એક સિંધી માધ્યમની શાળાઓ છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં વામન ભગવાનનું પ્રાચીન મંદિર, ગંગનાથ-વિજયેશ્વર મહાદેવનાં મંદિરો, સૂર્યકુંડ, ખેંગાર વાવ અને મસ્જિદ છે. જુમા મસ્જિદમાં 1408ના શિલાલેખો સૂચવે છે કે અહીં મૂળ હિન્દુ મંદિર હતું.

વલ્લભીના મૈત્રક વંશ પછી અહીં વાળા રજપૂતોનું રાજ્ય હતું, આજના ચુડાસમા રજપૂતો તેના વંશજો છે. તે પછી અહીં વાઘેલાઓનું શાસન શરૂ થયેલું. ગુજરાતના સુલતાન અહમદશાહે 1413-14માં આ શહેર જીતી લીધું હતું.

શિવપ્રસાદ રાજગોર