વછનાગ : દ્વિદળી વર્ગમાં આવેલા રેનન્કયુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aconitum ferox Wall. exser (સં. વત્સનાભ, હિં. બચનાગ, સિગિયાવિષ, બં. કાટબિષ, મ. બચનાગ, ગુ. વછનાગ, ક. મલ. વત્સનાભી, ત. વશનાબી, તે. અતિવસનાભી) છે. તે કાશ્મીર, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ગડવાઈ, દાર્જીલિંગ અને નેપાળમાં 3,600 મી.ની ઊંચાઈ સુધી વન્ય બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ તરીકે ઊગે છે. તે ખાનદેશ અને સાતપૂડાના પર્વતીય જંગલમાં પણ થાય છે. તેનાં મૂળ દ્વિવર્ષાયુ, કંદિલ (tuberous) અને જોડીમાં હોય છે. બાળ-કંદ અંડાકાર-લંબચોરસ(ovoid-oblong)થી માંડી ઉપવલયી (ellipsoid), 2.5 સેમી.થી 4.0 સેમી. લાંબાં હોય છે અને તંતુમય મૂળ ધરાવે છે. તે ઘેરાં-બદામી હોય છે. તેમનો સ્વાદ તીવ્ર ચમચમાટવાળો (tingling) હોય છે. પર્ણો વર્તુલ-હૃદયાકાર(orbicular cordate)થી માંડી મૂત્રપિંડ આકારનાં કે પાંચ ખંડના બનેલાં પંજાકાર હોય છે. પુષ્પો આછા વાદળી રંગનાં હોય છે અને 10 સેમી.થી 25 સેમી. લાંબી ઘટ્ટ અગ્રસ્થ કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ એકસ્ફોટી (follicle) સમૂહફળ પ્રકારનું હોય છે. બીજ લાંબાં, પ્રતિ અંડાકાર (obovoid) અને સંધિરેખા (raphe) પાસેથી સપક્ષ (winged) હોય છે.

વછનાગના ઔષધને ‘ઇંડિયન ઍકોનાઇટ’ કે ‘વિષ’ કહે છે. તે ખરેખર તો A. deinorrhizum અને A. atroxનું A. spicatum, A. lacinitum અને A. chasmnanthum સાથે થતું મિશ્રણ છે.

શુદ્ધ ઔષધ વછનાગના વાવેતર દ્વારા મેળવી શકાય છે. તેનું વાવેતર કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને કુમાઉના પહાડી પ્રદેશોમાં ઊંચાઈ ઉપર થાય છે. તેનું પ્રસર્જન બીજ કે મૂળના ટુકડાઓ દ્વારા કરવામાં આવે છે. તેને ઑક્ટોબરમાં કે ફેબ્રુઆરી-માર્ચમાં ઉગાડવામાં આવે છે. પુષ્પનિર્માણ પછી થડ નાશ પામે તે પછી ઑક્ટોબરમાં મૂળની લણણી કરવામાં આવે છે. નાનાં મૂળને વાવવા માટે રાખવામાં આવે છે અને મોટાં મૂળને ધોઈ અને ઉપયોગ માટે સૂકવવામાં આવે છે.

વ્યાપારિક Aconitum feroxમાં કુલ ઍલ્કેલૉઇડ 0.63 %થી 4.7 % હોય છે. તે સ્યૂડેકોનિટિન, કૅઝમેકોનિટિન, ઇન્ડેકોનિટિન અને બિખેકોનિટિન નામનાં ઍલ્કેલૉઇડ ધરાવે છે. આ ઉપરાંત બે નવાં શોધાયેલાં ઍલ્કેલૉઇડમાં વેરાટ્રોઇલ સ્યૂડેકોનિટિન (C34H49NO11) અને ડાઇએસિટલ સ્યૂડેકોરિટિન(C40H55NO4)નો સમાવેશ થાય છે.

વિષનો ઉપયોગ ગુનાના અને માનવહત્યાના કિસ્સાઓમાં થાય છે. ભારતના પહાડી જિલ્લાઓમાં તેનાં મૂળ તીરને ઝેર પાવા માટે વપરાય છે. ઍકોનાઇટના ઍલ્કેલૉઇડનો કૃન્તકનાશક (rodenticide) અને કીટનાશક (insecticide) તરીકે ઉપયોગ થાય છે.

ગાયના મૂત્ર કે દૂધમાં મૂળને 2થી 3 દિવસ સુધી પલાળી રાખવાથી મૂળ પોચાં બને છે. આ શોધન(mitigation)ની ચિકિત્સાથી સક્રિય ઘટકો હૃદય પરની અવસાદક (depressant) અસર ગુમાવે છે. તેને બદલે તે મંદ હૃદબલ્ય (cardiotonic) ગુણધર્મ પ્રાપ્ત કરે છે. ઍકોનાઇટ ટિંક્ચર લેવાથી હૃદયનાં સ્પંદનો ધીમાં પડે છે. ગાયના મૂત્ર કરતાં ગાયના દૂધમાં તે વધારે સારાં પરિણામો આપે છે.

શોધન પછી તેનો બાહ્યોપચારમાં ઉપયોગ થાય છે. તેના લેપનો ચેતાદાહ (neuralgia), સ્નાયુ-આમવાત (muscular rheumatism) અને સાંધાના સોજાઓમાં ઉપયોગ થાય છે. તેનો નાસિકા-શ્લેષ્મ (nasal-catarrh), ગલતુંડિકા શોથ (tonsilitis), ગળાનો દાહ, જઠરના રોગો, દુર્બળતા અને સોજાને કારણે આવતા તાવમાં ઉપયોગ કરવામાં આવે છે. તે શામક (sedative) અને સ્વેદક (diaphoretic) ગુણધર્મો ધરાવે છે.

આયુર્વેદ અનુસાર વછનાગની કાળી અને ધોળી અથવા લાહોરી એમ બે જાત છે. વછનાગ ઉષ્ણ, સંતાપકારક, વાતહર, સ્વેદલ, મૂત્રલ, જ્વરઘ્ન, મદકારી, તીખો, કડવો, તૂરો અને સુખકર છે. તે વાયુ, શ્લેષ્મવિકાર, કંઠરોગ, સન્નિપાત, કુષ્ઠ, વાતરક્ત, અગ્નિમાંદ્ય, કાસ, શ્વાસ, ઉદરરોગ, પ્લીહા, ગુલ્મ, પાંડુ, વ્રણ અને ભગંદરનો નાશ કરે છે. કર્ણમૂળ, કંઠમાળ, ગલગંડ અને સંધિવાયુના સોજા ઉપર તેને લીમડાના રસમાં ઘસી લેપ કરવામાં આવે છે. તે કાનમાં ધાક પડવાથી થતી વેદના ઉપર, વિસર્પ અને દાદર ઉપર અને કાખમાંજરી ઉપર ઉપયોગી છે.

આયુર્વેદમાં વછનાગનો ઉપયોગ હીંડોળા, પારા, ગંધક અને બીજી ઔષધિના યોગમાં વિશેષ કરેલો છે. યુક્તિપૂર્વક સેવન કરવાથી વછનાગ બલ આપનાર, રસાયની, પૌદૃષ્ટિક અને વીર્યવર્ધક છે. શ્વાસ, કફ, પ્લીહાવૃદ્ધિમાં વછનાગનો લેપ કરવાથી સોજો અને પીડા મટે છે. તે ફ્લૂ, ન્યૂમોનિયા અને વિવિધ પ્રકારના જ્વર મટાડે છે. મધુમેહ અને બહુમૂત્ર ઉપર વછનાગ અસરકારક ગણાય છે. તે કુષ્ઠ(leprosy)માં રસાયન તુલ્ય કામ કરે છે અને પીડાશામક છે. તે તીવ્ર શિરોવેદના, દાઢની પીડા, અસંખ્ય છીંકો, શરદી અને દમ-શ્વાસમાં પણ ઉપયોગી છે. શુદ્ધ વછનાગ દ્વારા લોહીવાળો મરડો તરત નિયંત્રણમાં લાવી શકાય છે. રસપ્રયોગો દ્વારા કાબૂમાં નહિ આવતા અસાધ્ય રોગોનો વછનાગના સેવનથી નાશ કરી શકાય છે. પિત્તપ્રકૃતિ ધરાવતી વ્યક્તિએ વછનાગનું સેવન કરવું હિતાવહ નથી.

વૈદ્ય ભાલચંદ્ર હાથી, બળદેવભાઈ પટેલ