વચલો માણસ (middle man) : વેચનારાઓ અને ખરીદનારાઓ વચ્ચે મધ્યવર્તી તરીકે વિવિધ પ્રકારની સેવાઓ આપીને કમાણી કરતી વ્યક્તિ કે પેઢી. આ વર્ગમાં વેપારીઓ, દલાલો, એજન્ટો વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મોટો વર્ગ વેપારીઓનો છે. ખેતરો અને કારખાનાંમાં પેદા થતી ચીજોને તેમના અંતિમ ગ્રાહકો સુધી પહોંચાડવાની કામગીરી તેઓ બજાવે છે. તેમાં જથ્થાબંધ તેમજ છૂટક વેપારીઓનો સમાવેશ થાય છે. તેઓ કારખાનાં કે ખેતરો પર પેદા થતી ચીજોનો સંગ્રહ કરી રાખવાની વ્યવસ્થા કરે છે, તે માટે જરૂરી નાણાં અને ગોદામોનો પ્રબંધ કરે છે, ગ્રાહકો માગે ત્યારે એ વસ્તુઓ માગે તેટલા જથ્થામાં પૂરી પાડે છે અને બજારમાં થતી ભાવોની તેમજ માંગની વધઘટમાંથી ઊભા થતા જોખમને ઉપાડે છે. પરોક્ષ રીતે તેઓ ઉત્પાદકોને વસ્તુના બજાર વિશેની માહિતી પૂરી પાડે છે.

મધ્યવર્તી કે વચલા માણસની જરૂરિયાત અન્ય ક્ષેત્રોમાં પણ ઉદભવી છે. કંપનીઓના શૅરોનાં ખરીદી-વેચાણ શૅરદલાલો દ્વારા થાય છે, મકાનોનાં ખરીદી-વેચાણ કે તેમને ભાડેથી આપવા-લેવાના કાર્યમાં પણ દલાલોની પ્રથા વિસ્તરી છે. આજે હવે યુવક-યુવતીઓનાં લગ્ન જેવા સામાજિક વ્યવહારોમાં પણ ધંધાકીય ધોરણે ચાલતા ‘મૅરેજ બ્યૂરો’ના સ્વરૂપે વચલા માણસોની સંસ્થા વિસ્તરતી જાય છે. આ બધાં ક્ષેત્રોમાં વચલો માણસ સંબંધકર્તા પક્ષોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં લાવવાની કામગીરી બજાવે છે. આજે જટિલ બનેલા સમાજમાં વચલા માણસની આ પ્રકારની સેવા વિના સંબંધકર્તા પક્ષો વચ્ચે સંપર્ક અને વિનિમય ખૂબ મુશ્કેલ બન્યા છે.

જયંતીલાલ પો. જાની, રમેશ ભા. શાહ