વજ : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acorus calamus Linn. (સં. વચા, ઉગ્રગંધા; મ. વેખંડ, હિં. બં. વચ, ગુ. વજ, ઘોડાવજ, ક. બાજેગિડ, નારૂબેરૂ; ત. વશુંબુ, મલ. વાયંપુ, અં. કૅલેમસ, સ્વીટ રૂટ, સ્વીટ ફ્લૅગ) છે. તે અર્ધ-જલજ (semi-aquatic) બહુવર્ષાયુ, સુગંધીદાર શાકીય વનસ્પતિ છે અને વિસર્પી (creeping) ગાંઠામૂળી ધરાવે છે. તે વન્ય (wild) સ્થિતિમાં 2,200 મિ.ની ઊંચાઈ સુધી થાય છે અને સમગ્ર ભારતમાં તેનું વાવેતર કરવામાં આવે છે. તેની ગાંઠામૂળી સમક્ષિતિજ ગોઠવાયેલી, સંધિમય (jointed), દબાયેલી, અંદરથી વાદળી-સદૃશ, 1.25 સેમી.થી 2.5 સેમી. જાડી અને આછા કે ઘેરા બદામી રંગની હોય છે. પર્ણો ઘાસ જેવાં કે તલવાર આકારનાં, લાંબાં અને પાતળાં હોય છે. પુષ્પો નાનાં, પીળાશ પડતાં લીલાં અને માંસલ શૂકી (spadix) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનું લીલું અને કોણીય હોય છે અને 1થી 3 બીજ ધરાવે છે. બીજ લંબચોરસ હોય છે.

તે કળણભૂમિ (marshy land) અને ભેજવાળી જગાઓમાં સૌથી સારી રીતે થાય છે. કાશ્મીર અને સીરમોર(હિમાચલ પ્રદેશ)ના, મણિપુર અને નાગાહિલના કળણભૂમિવાળા માર્ગો પર વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. કર્ણાટકના કોરાતાગેરે તાલુકામાં તેનું નિયમિતપણે વાવેતર થાય છે.

વજ

તેને નદીકિનારે માટીયુક્ત ગોરાડુ મૃદામાં અને હલકી કાંપમય (alluvial) મૃદામાં ઉગાડવામાં આવે છે. વાવણી પહેલાં ખેતરને લીલા ખાતર સાથે ખેડી સીંચવામાં આવે છે. અગાઉના વર્ષના પાકના વૃદ્ધિ પામતાં પર્ણો સહિતના અગ્ર છેડાઓ એકબીજાથી 30 સેમી.ના અંતરે રોપવામાં આવે છે. પર્ણો ભૂમિના ઉપરના ભાગમાં રાખવામાં આવે છે. લગભગ એક વર્ષમાં પાક લણણી માટે તૈયાર થાય છે. છોડ ખોદી લઈ, ગાંઠામૂળી લઈ લેવાય છે અને તેના અગ્ર છેડાઓ હવે પછીની રોપણી માટે રાખવામાં આવે છે. ગાંઠામૂળીના 5 સેમી.થી 8 સેમી.ના ટુકડા કરવામાં આવે છે અને બધાં રેસામય મૂળ કાપી લેવાય છે. ગાંઠામૂળીના ટુકડાઓને સંપૂર્ણપણે ધોઈ સૂર્યના તડકામાં સૂકવવામાં આવે છે. આ શુષ્ક દ્રવ્યને કોથળીઓમાં ભરવામાં આવે છે. ગાંઠામૂળીનું આશરે 3,750 કિગ્રા./હેક્ટર ઉત્પાદન થાય છે. યોગ્ય કાળજી રાખવાથી બે ગણું ઉત્પાદન મેળવી શકાય છે.

આ પાક પર જીવાત કે રોગો ભાગ્યે જ આક્રમણ કરે છે. કોઈક વાર પર્ણડાઘનો ચેપ લાગુ પાડે છે, પરંતુ તેની વૃદ્ધિ કે ઉત્પાદન પર કોઈ અસર થતી નથી. ઘઉં પર એફિડ દ્વારા પ્રસારિત થતો મોઝેક સ્ટ્રીક(mosaic streak)નો રોગ પણ વજમાં જોવા મળ્યો છે.

શુષ્ક ગાંઠામૂળીને વ્યાપારિક રીતે ‘કૅલેમસ’ ઔષધ કહે છે. તેની અવેજીમાં કેટલીક વાર કુલિંજન (Alpinia galanga) અને વિષ(Aconitum spp.)ની ગાંઠામૂળીઓ વપરાય છે. આયુર્વેદ-પદ્ધતિ મુજબ તે ઉદ્વેષ્ટ-હર (anti-spasmodic), વાતહર (carminative) અને કૃમિહર (anthelmintic) ગુણધર્મો ધરાવે છે અને તેનો અપસ્માર (epilepsy) અને અન્ય માનસિક માંદગીમાં, દીર્ઘકાલીન અતિસાર અને મરડો, શ્વસની શ્લેષ્મ (bronchial catarrh), આંતરિયો તાવ, અને ગ્રંથીય (glandular) કે ઉદરીય (abdominal) અર્બુદોમાં ઉપયોગ કરવામાં આવે છે. તે મૂત્રપિંડ અને યકૃતની તકલીફોમાં, સંધિવા અને ખરજવામાં પણ ઉપયોગી છે. ગાંઠામૂળીનો ઉપયોગ ચૂર્ણ, મલમ (balm), એનિમા ગોળીઓ કે ઘીમાં બનાવેલ વિરચન (preparation) દ્વારા કરવામાં આવે છે. ચૂર્ણિત ઔષધને સિલિકાયુક્ત માટી, ગુલખેરુ (Althea officinalis) અને ધાન્યોના લોટ સાથે અપમિશ્રિત કરવામાં આવે છે. ગાંઠામૂળીની છાલ રક્તસ્રાવરોધી (haemostatic) હોય છે. ગાંઠામૂળીનો ઉપયોગ ધૂપસળી બનાવવામાં કે ધૂપ કરવામાં થાય છે.

કેટલીક સ્થિતિમાં ગાંઠામૂળી વિષાળુ અસર દર્શાવે છે; જેથી પાચનક્રિયામાં ખલેલ પહોંચે છે અને ગંભીર કિસ્સાઓમાં જઠરાંત્રશોથ (gastro-enteritis) થાય છે.

ચૂર્ણિત ગાંઠામૂળીનો ઉપયોગ જૂવા, ઇતરડી, માંકડ, જૂ અને ફૂદાના નાશ માટે કીટનાશક (insecticide) તરીકે થાય છે. સંગૃહીત ચોખામાં રહેલા કીટકોનો અસરકારક રીતે તે નાશ કરે છે અને આ હેતુ માટે રસાયણો કરતાં વજ વધારે સારું ગણાય છે; કારણ કે તેની કોઈ બીજી વિપરીત અસર થતી નથી. 45 કિગ્રા. ચોખામાં 1.0 કિગ્રા. ચૂર્ણ વપરાય છે. ગાંઠામૂળીનો ઈથર-નિષ્કર્ષ અંડનાશક (ovicidal) અને કીટનાશક અસર દાખવે છે. તેની કોઈ વિષાળુ અસર હોતી નથી. તેનો આલ્કોહૉલીય નિષ્કર્ષ કેટલીક ફૂગની વૃદ્ધિને અવરોધે છે.

ગાંઠામૂળી, મૂળ અને પર્ણો આછા બદામીથી માંડી બદામી પીળા રંગનું બાષ્પશીલ તેલ ઉત્પન્ન કરે છે; જેને કૅલેમસ-તેલ કહે છે. તે ઘટ્ટ પ્રવાહીમય, હૂંફાળું, આનંદદાયક સુગંધીવાળું, મીઠું અને મસાલેદાર (spicy) હોય છે. વિવિધ ભાગોમાંથી તેનું મળતું ઉત્પાદન આ પ્રમાણે છે : તાજી ગાંઠામૂળી 1.8 %, શુષ્ક ગાંઠામૂળી 1.5 %થી 3.5 %, પર્ણો 0.2 % અને તાજાં હવાઈ અંગો 0.12 %.

ભારતીય કૅલેમસ તેલમાં મુખ્યત્વે એસેરોન (82 % જેટલો) અને તેના b-સમઘટકો હોય છે. બીજા ઘટકોમાં કેલેમેનોલ 5.0 %, કેલેમિન 0.4 %, કૅલેમેનોન 1.0 %, મિથાઇલ યુજિનોલ 1.0 %, યુજિનોલ 0.3 % અને a-પિનિન અને કૅમ્ફિન 0.2 %નો સમાવેશ થાય છે. પામિટિક, હિપ્ટીલિક અને બ્યુટિરિક ઍસિડ, એસેરોનલ્ડિહાઇડ, કેલેમોલ, કેલેમોન અને એઝ્યુલિનની અલ્પ પ્રમાણમાં હાજરી નોંધાઈ છે. એકોરોન, કેલેરિન, કેલેકોન, કૅલેકોરિન, ઍકોરેનોન, ઍકોલેમોન, આઇસોઍકોલેમોન, ઍપિશાયોબ્યુનોન, શાયોબ્યુનોન, આઇસોશાયોબ્યુનોન અને એકૉરેજર્મેક્રોન જેવા સેસ્ક્વીટર્પેનીય કિટીન અને આઇસોકેલેમેન્ડિયોલ અને પ્રિઆઇસોકેલેમેન્ડિયોલ જેવા આલ્કોહૉલ પણ હોય છે. તેલમાં હાજર હાઇડ્રોકાર્બનોમાં ઍલેમિન, કેર્યોફાઇલિન, કૅલેમેનિન, કેડેલિન અને હ્યુમ્યુલિનનો સમાવેશ થાય છે.

કૅલેમસ-તેલ અને તેના ઘટકો ઉદ્વેષ્ટહર, વાતહર અને પ્રતિ-જીવાણુ (anti-bacterial) ગુણધર્મો ધરાવે છે. બાષ્પશીલ તેલરહિત ગાંઠામૂળીનો આલ્કોહૉલીય નિષ્કર્ષ શામક (sedative) અને પીડારોધી (analgesic) હોય છે. તેનાથી રુધિરનું દબાણ અને શ્વસન પ્રમાણમાં મંદ પડે છે. પ્રયોગપાત્ર પ્રાણીમાં અંત:પર્યુદરીય (intraperitoneal) રીતે તે આપતાં પ્રાણીમાં સ્વયંવર્તી હલનચલન, સ્નાયુઓનું કાર્ય અને સ્પર્શ અને શ્રવણ અંગેની સંવેદનાની અનુક્રિયામાં ઘટાડો થાય છે. 25 મિગ્રા./કિગ્રા.ની માત્રાએ તેલ આપતાં ચેતાતંત્રમાં અવસાદન (depression) થાય છે. તેલની બાષ્પ Tragoderma granariumના અંડપિંડ ઉપર વંધ્યીકરણ અસર આપે છે. 0.22 ગ્રા./કિગ્રા.ની માત્રાએ તેનું અંત:પર્યુદરીય ઇંજેક્શન આપતાં ઉંદર નાશ પામે છે. તેલમાંથી આલ્ડિહાઇડ અને ફિનૅલીય ઘટકો કાઢી લેતાં વિષાળુતા અને શામક ક્રિયાશીલતામાં વધારો થાય છે. તેનો ઉપયોગ સુગંધીદાર ઉત્તેજક પેય (cordial) અને મદ્ય બનાવવા માટે; દારૂને સુગંધિત કરવા માટે, અત્તરોની બનાવટમાં અને દાંતની દવાઓ બનાવવામાં થાય છે.

એસેરોન મંદ શામક, શક્તિશાળી પ્રશાંતક (tranquillizer) અને ‘કલોરપ્રોમાઝિન’ની જેમ મંદ અલ્પરક્તદાબી (hypotensive) અને અવતાપીય (hypothermic) પદાર્થ છે. જ્યારે તે અંત:પર્યુદરીય રીતે આપતાં (3 મિગ્રા./કિગ્રા. શરીરનું વજન) કોઈ પણ આડ અસર સિવાય મધ્યસ્થ ચેતાતંત્રના અવસાદક (depressant) તરીકે વર્તે છે. તે Mycobacterium tuberculosisની વૃદ્ધિને અવરોધે છે અને કુલીંજનની જેમ જ પ્રતિજીવાણુ સક્રિયતા દર્શાવે છે.

એસેરોન અને β-એસેરોન બંને પેન્ટોબાર્બિટોન, હેક્ઝોબાર્બિટોન વગેરેની નિશ્ર્ચેતક (anaesthetic) અસરને ઉત્તેજે છે. તેઓ મળાશયના તાપમાનમાં ઘટાડો કરે છે; પ્રતિઆક્ષેપક (anti-convulsant) સક્રિયતા દર્શાવે છે અને કોલીનધર્મરોધી (anti-cholinergic) સક્રિયતામાં ઘટાડો કરે છે.

મૂળમાંથી કોલાઇન (0.26 %) અને એકોરિક ઍસિડનું અલગીકરણ કરવામાં આવ્યું છે. એક કડવું સુગંધીદાર ઘટક, એકોરિન અને એક ફ્લેવોન ડાઇગ્લાયકોસાઇડ, લ્યુટિયોલિન 6, 8-C-ડાઇગ્લુકોસાઇડનું વનસ્પતિમાંથી નિષ્કર્ષણ કરવામાં આવ્યું છે. મૂળમાંથી ટેનિન, શ્લેષ્મ અને કૅલ્શિયમ ઑક્સેલેટ પણ મળી આવે છે.

વજની બીજી જાતિ A. gramineus soland ex Ait છે; જે જાપાનની જાતિ છે અને કેટલીક વાર સિક્કિમ અને ખાસીની ટેકરીઓમાં 1,500 મી.થી 1,800 મી. ઊંચાઈ સુધી મળી આવે છે. વાયુ-શુષ્ક ગાંઠામૂળીમાંથી 0.5 %થી 0.9 % જેટલું બાષ્પશીલ તેલ પ્રાપ્ત થાય છે; જેનું મુખ્ય ઘટક એસેરોન છે. તેનો ઉપયોગ પણ વજની જેમ થાય છે.

આયુર્વેદ અનુસાર વજ તીક્ષ્ણ, ઉષ્ણ, સ્વેદલ, કાસહર, કફઘ્ન, વામક, જ્વરઘ્ન, સુગંધી, વાતહર, ઉત્તેજક, વેદનાસ્થાપન અને કૃમિઘ્ન છે. કડવી, વાંતિકારક, દીપન તથા કંઠ અને મળમૂત્રની શોધક, વાણીપ્રદ તથા મેધાકારક છે; અને કફ, આમ, સોજો, વાયુ, જ્વર, અતિસાર, ઉન્માદ, ભૂતબાધા, અપસ્માર, રાક્ષસપીડા, કૃમિ, શૂળ, મલસ્તંભ તથા આધ્માનનો નાશ કરે છે.

શરદી, ગળામાંના સોજા અને શ્વાસનલિકામાંના નવા સોજા ઉપર વજનો ક્વાથ અત્યંત ગુણકારી છે. ગળામાંથી કફ નીકળીને અવાજ સુધરે છે. તાવમાં વજથી પરસેવો છૂટે છે અને પેશાબ વધે છે. ટાઢિયા તાવમાં ક્વિનાઇન, કાંકચ, કરિયાતું જેવાં પ્રયોજક ઔષધની સાથે વજ આપતાં તાવ જલદી ઊતરી જાય છે. જીર્ણજ્વર, પક્ષાઘાત અને સંનિપાતમાં તેનો સારો ઉપયોગ થાય છે. પક્ષાઘાતમાં લૂલા થયેલા ભાગ ઉપર ચોળાય છે. વજ ગર્ભાશયનું સંકોચન કરે છે; તેથી સુવાવડ વખતે કેસર અને પીપરીમૂળ સાથે અપાય છે. તેનાથી જઠરની ક્રિયા સુધરે છે અને અપચનરોગ દૂર થાય છે. ક્વાથ આપવાથી આફરો અને ઉદરવેદના ઓછાં થાય છે; અને અજીર્ણજનિત દસ્ત ઓછા થાય છે. બાળકોની ઉદરવેદના અને મરડામાં તે ગુણકારી છે.

સૂકા હરસને બાફ આપવા વજ, સુવા વગેરેની સહેજ ગરમ પોટીસથી હરસને શેક્યા બાદ તેમાં થોડું તેલ નાખવામાં આવે છે. ફેફસાંના રોગમાં વજ મધ સાથે ચટાડવામાં આવે છે. વધરાવળ ઉપર વજ અને સરસવને બારીક વાટી તેનો લેપ લગાડવામાં આવે છે. સૂર્યાવર્ત અને આધાશીશી ઉપર કાળા ધતૂરાના વિષ ઉપર, કાન વહેતો હોય તે ઉપર, અંડવૃદ્ધિ, આમાતિસાર, રક્તાતિસાર, પિત્તપ્રકોપ, ઉધરસ અને વિષમજ્વર પર વજનો ઉપયોગ કરવામાં આવે છે.

વૈદ્ય ભાલચંદ્ર હાથી, બળદેવભાઈ પટેલ