મૉર, ટૉમસ સંત (સર) (જ. 7 ફેબ્રુઆરી 1477, લંડન; અ. 6 જુલાઈ 1535, લંડન) : ઇંગ્લૅન્ડના લૉર્ડ ચાન્સેલર, વિદ્વાન અને લેખક. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને તેમણે 1494માં કાયદાના ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી.
તેઓ 1510માં લંડનના અન્ડરશેરિફ બન્યા. રાજા હેન્રી આઠમાની સેવામાં 1518માં કાઉન્સિલર અને રાજદૂત તરીકે જોડાયા બાદ તેમને ‘સર’નો ખિતાબ એનાયત થયો. તેઓ 1523માં આમની સભાના અધ્યક્ષ (સ્પીકર) તરીકે ચૂંટાયા. ત્યારબાદ 1525થી 1529 સુધી તેમણે લૅંકેસ્ટરના ચાન્સેલર તરીકે કામ કર્યું. કાર્ડિનલ વુલ્ઝીને બરતરફ કર્યા બાદ 1529થી 1532 સુધી મૉરે ઇંગ્લૅન્ડના લૉર્ડ ચાન્સેલર તરીકે કામ કર્યું. તે સમયે રાજા હૅન્રી આઠમો રોમન કૅથલિક ચર્ચ સાથે કટ્ટર ઝઘડામાં ઊતર્યો હતો. તે રાણી કૅથેરિનને છૂટાછેડા આપવા માગતો હતો. જેથી તે ઍન બોલિનને પરણી શકે. મૉર પોપની વિરુદ્ધ જઈને રાજાની ઇચ્છાને સમર્થન આપવા માગતા નહોતા. તેથી તેમણે ચાન્સેલરના પદેથી રાજીનામું આપ્યું.
હેન્રી આઠમો પોપ સહિત વિદેશોના રાજાઓ કરતાં ચઢિયાતો છે એવા સોગંદ લેવાનો ઇનકાર કરવાથી એપ્રિલ 1534માં મૉરને જેલમાં પૂરવામાં આવ્યા. તેમના ઉપર રાજદ્રોહના ગુના હેઠળ અદાલતમાં કેસ ચલાવી તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો. 1535માં રોમન કૅથલિક ચર્ચે તેમને સંત જાહેર કર્યા. તેમનું ખાનગી જીવન સાદું અને સરળ હતું. તેમણે ‘યૂટોપિયા’, ‘એ ડાયલૉગ ઑવ્ કમ્ફર્ટ અગેઇન્સ્ટ ટ્રિબ્યુલેશન’, ‘ધ હિસ્ટરી ઑવ્ કિંગ રિચાર્ડ થર્ડ’ વગેરે ગ્રંથો લખ્યા છે. ‘યૂટોપિયા’માં તેમણે એવા કલ્પિત આદર્શ સમાજનું વર્ણન કર્યું છે, જેમાં બધા નાગરિકોને ન્યાય અને સમાન અધિકારો મળેલા હોય.
જયકુમાર ર. શુક્લ