મોરથૂથું (Blue vitriol) : જલયોજિત (hydrated) કૉપર (II) સલ્ફેટ તરીકે ઓળખાતો ભૂરા રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ.

સૂત્ર : CuSO4·5H2O.

કૉપર(II) ઑક્સાઇડ અથવા કૉપર(II) કાર્બોનેટની મંદ સલ્ફયુરિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી કૉપર સલ્ફેટનું દ્રાવણ મળે છે. દ્રાવણને ગરમ કરી, સંતૃપ્ત બનાવી તેને ઠંડું પાડતાં પેન્ટાહાઇડ્રેટના ચળકતા ભૂરા સ્ફટિક પ્રાપ્ત થાય છે. (જળવિભાજન ન થાય તે માટે સામાન્ય રીતે મંદ સલ્ફ્યુરિક ઍસિડનાં થોડાં ટીપાં ઉમેરવામાં આવે છે.) ઔદ્યોગિક રીતે તે બનાવવા માટે કૉપર અને મંદ સલ્ફ્યુરિક ઍસિડના ગરમ મિશ્રણમાં હવા પસાર કરવામાં આવે છે.

CuO + H2SO4 (+ 4H2O) = CuSO4·5H2O

CuCO3 + H2SO4 (+ 4H2O) = CuSO4·5H2O + CO2

ત્રિનતાક્ષ (triclinic) સ્ફટિક, સાપેક્ષ ઘનતા 2·284, પેન્ટાહાઇડ્રેટમાં કૉપર(II) આયન સમચોરસના ચાર ખૂણા પર આવેલા પાણીના અણુઓથી ઘેરાયેલો હોય છે. અષ્ટફલકનાં પાંચમા અને છઠ્ઠા સ્થાનો સલ્ફેટ આયનમાંના ઑક્સિજન પરમાણુઓ વડે રોકાયેલાં હોય છે; જ્યારે પાણીનો પાંચમો અણુ હાઇડ્રોજન આબંધન દ્વારા બંધાયેલો હોય છે. સ્ફટિકને ગરમ કરવાથી 110° સે. તાપમાને તે પાણીના ચાર અણુઓ ગુમાવે છે, જ્યારે પાંચમો અણુ 150° સે. તાપમાને દૂર થાય છે અને સફેદ, નિર્જળ સંયોજન મળે છે, જેનું 200° સે.થી ઉપરના તાપમાને વિઘટન થાય છે. હવામાં પેન્ટાહાઇડ્રેટ ધીમે ધીમે ભેજસ્રાવ કરે છે (efflorescences).

મોરથૂથું પાણી અને મિથેનૉલમાં દ્રાવ્ય, જ્યારે ગ્લિસરૉલ અને આલ્કોહૉલમાં ઓછું દ્રાવ્ય છે. તે વમનકારી (nauseous) ધાત્વિક સ્વાદ ધરાવે છે. ઉગ્રપણે પ્રકોપક (irritant) હોઈ પેટમાં જાય તો વિષાળુ (toxic) છે. મોરથૂથુંના જલીય દ્રાવણમાં સોડિયમ હાઇડ્રૉક્સાઇડ ઉમેરતાં કૉપર હાઇડ્રૉક્સાઇડના ભૂરા અવક્ષેપ ઉત્પન્ન થાય છે. એમોનિયમ હાઇડ્રૉક્સાઇડ પણ પહેલાં આવા અવક્ષેપ આપે છે, પણ વધુ એમોનિયા ઉમેરતાં સંકીર્ણ ક્ષાર બનવાથી અવક્ષેપ દ્રાવ્ય થઈ ઘેરા ભૂરા રંગનું દ્રાવણ બને છે.

મોરથૂથુંનો ઉપયોગ કૉપરનાં અન્ય સંયોજનો બનાવવા, વીજઢોળ ચઢાવવા (electroplating) માટેના દ્રાવણમાં, પેટ્રોલિયમ-ઉદ્યોગમાં, સંશ્લેષિત રબર, પોલાદના ઉત્પાદન વગેરેમાં થાય છે. તે વૈશ્લેષિક રસાયણમાં પ્રક્રિયક તરીકે, કેટલાક પ્રકારની બૅટરીમાં તેમજ કાષ્ઠના પરિરક્ષણ (preservation) માટે વપરાય છે. બોર્ડો(Bordeaux)-મિશ્રણ ફૂગનાશક તરીકે વપરાય છે. ખેતીવાડીમાં તે કીટનાશક (pesticide), જીવાણુનાશક (germicide), ચારામાં ઉમેરણ (feed-additive) તરીકે તથા જમીનમાં અલ્પમાત્રિક (trace) તત્વ તરીકે કૉપર ઉમેરવા માટે વપરાય છે. તે કષાય (સંકોચક, astringent) તરીકે પણ વપરાય છે. નિર્જળ કૉપર સલ્ફેટ ભેજની અલ્પમાત્રા પારખવા અથવા નિર્જળીકારક (dehydrating agent) તરીકે વપરાય છે.

જ. દા. તલાટી