મૉરટન ઉપસાગર : ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ રાજ્યના અગ્નિભાગમાં કિનારા નજીક બ્રિસ્બેનથી આશરે 29 કિમી.ના અંતરે આવેલો પૅસિફિક મહાસાગરનો એક ભાગ. બ્રિસ્બેન નદીમુખ પરનું બ્રિસ્બેન બંદર તેને માટેનું પ્રવેશદ્વાર ગણાય છે. પૂર્વ તરફ મૉરટન, ઉત્તર તરફ બ્રાઇબી અને દક્ષિણ તરફ સ્ટ્રેડબ્રોક જેવા ટાપુઓથી તે અંશત: ઘેરાયેલો છે. આ ટાપુઓ પ્રવાસીઓ માટેનાં આકર્ષણનાં કેન્દ્રો બની રહેલાં છે. સ્ટ્રેડબ્રોક ટાપુ પર ખનિજીય મહત્વ ધરાવતી રેતીના મહત્વના જથ્થા આવેલા છે, જ્યારે મૉરટન ટાપુ તેના રેતીના ઢૂવાઓ માટે જાણીતો છે. તે પૈકીના કેટલાક ઢૂવાની ઊંચાઈ 275 મીટર જેટલી પણ છે.

કૅપ્ટન જેમ્સ કુકે આ ઉપસાગરને રૉયલ સોસાયટીના તત્કાલીન પ્રમુખ અને બ્રિટિશ ઉમરાવ અર્લ ઑવ્ મૉર્ટનના માનમાં 1770ના મેની 17મી તારીખે મૉરટન ઉપસાગર નામ આપેલું. આજનું તેનું મૉરટન નામ 1773માં પ્રકાશિત થયેલા કુકની સફર પરના અહેવાલમાં જૉન હૉક્સવર્થની જોડણીભૂલને કારણે રૂઢ થયેલું છે. 1823માં જૉન ઑક્સલેએ આ ઉપસાગરનું સર્વેક્ષણ કરેલું. 1824માં બ્રિસ્બેનના આ સ્થળે ગુનેગારોને વસાવવાના પ્રશ્ર્ને ‘મૉરટન બે’ નામની એક પૅનલ નીમવામાં આવેલી. 1842માં આ સ્થળ પરની વસાહતને મુક્ત વસાહત તરીકે ખુલ્લી મૂકવામાં આવેલી.

ગિરીશભાઈ પંડ્યા