મોતીપ્રકાશ (જ. 1931, દડો, સિંધ) : સિંધી સાહિત્યકાર. તેમની ‘સે સભ સંધ્યમ સાહ સે’ નામની કૃતિને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેમણે દુબાઈ(યુ.એ.ઈ.)ની ‘ઇન્ડિયન હાઈસ્કૂલ’માં આચાર્ય તરીકે સેવા આપી હતી. ત્યાં એમણે 1977થી 2002 સુધી આચાર્યનો હોદ્દો નિભાવ્યો. નિવૃત્ત થઈને આદિપુર આવીને સિંધી અકાદમીની સ્થાપના કરી.
તેમણે 12 વર્ષની વયથી લખવાનો પ્રારંભ કર્યો હતો. તેમણે 14 જેટલાં પુસ્તકો લખ્યાં છે; તેમાં 2 કાવ્યસંગ્રહો, 2 નાટકો તથા 4 ભાષાંતરિત કૃતિઓનો સમાવેશ થાય છે. તેમની પ્રથમ નવલકથા ‘અંધેરો ઉજાલો’ (1954)માં ભાગલાનો ત્રાસવાદી અને વાસ્તવિક ચિતાર છે. ‘આઉતા ચોરિયુન ચંગ’ (1959) – એ તેમનો મહત્વનો કાવ્યસંગ્રહ છે. ‘રાત હિક તૂફાન જિ’ (1967) એમનો નાટ્યસંગ્રહ છે. ‘ચિનિંગ વિચ ચોલી’ (1983) એમનો બીજો કાવ્યસંગ્રહ છે. તેમને અનેક સન્માન અને પુરસ્કારો મળેલાં છે. ‘પૉર્ટ્રેટ ઑવ્ વુમન ઇન સિંધી લિટરેચર’ નામના પીએચ.ડી. કક્ષાના સંશોધન દ્વારા તેમણે સિંધી સાહિત્યમાં બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. આ મૂલ્યવાન ફાળા બદલ અખિલ ભારતીય સિંધી બોલી ઔર સાહિત્યસભા તરફથી 1986માં તેમને ઍવૉર્ડ અપાયો હતો. એમણે મુંબઈમાં ‘સિંધુકલા મંદિર’ અને ‘સિંધુ નિકેતન’ની સ્થાપના કરી હતી. મહારાજાના પાઠ્યપુસ્તક બૉર્ડમાં સભ્ય હતા.
આ પુરસ્કૃત કૃતિમાં પ્રવાસવર્ણન છે. આ કૃતિમાં લેખકનાં પ્રદેશ તથા સમાજ વિશેનાં વ્યક્તિગત મંતવ્યો તથા પ્રતિભાવો આલેખાયાં હોવા ઉપરાંત તેમની સૂક્ષ્મ સર્જનાત્મક સંવેદના પણ વ્યક્ત થઈ છે. તેમના અભિગમની નવીનતા તથા તાજગી તેમજ અભિવ્યક્તિની સુંદરતા બદલ આ કૃતિ ગણનાપાત્ર લેખાઈ છે. એમને વિવિધ પારિતોષિકો-ઍવૉર્ડો મળ્યાં છે. મહારાષ્ટ્ર સરકારે ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો છે.
મહેશ ચોકસી