મોતીબાઈ (જ. 1915; અ. 28 ઑગસ્ટ 1995, લીલિયા, લાઠી) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની લોકપ્રિય નાયિકા. મોતીબાઈ મધુર કંઠ ધરાવનાર અને આદર્શ સન્નારીના પાત્રને રજૂ કરનાર સફળ નાયિકા હતાં. ઉત્કૃષ્ટ વાચિક અને આંગિક અભિનયથી એમણે ઘણી ભૂમિકાઓને જીવંત કરેલી.

વતન ભાવનગર રાજ્યનું નાનકડું ગામડું ખૂંટવડા. જ્ઞાતિ ગુંસાઈબાવા; માતાનું નામ કુંવરબાઈ; પિતાનું નામ ભભૂતગર. વાંચી-લખી શકે એટલું જ અક્ષરજ્ઞાન. ઘરની સ્થિતિ સામાન્ય, પણ ઘરમાં સંગીત અને અભિનયના સંસ્કાર ખરા. બાળપણમાં બોટાદમાં રામલીલામાં અભિનય કરેલો. ગાયું એવું મીઠું કે લોકોને ગમી ગયેલું. મહેનત, ખંત અને ગુણગ્રાહી સ્વભાવને કારણે તેઓ ધીમે ધીમે પોતાને મળેલી ભૂમિકાઓનું હાર્દ સમજતાં શીખેલાં.

એમણે કુલ 25 કરતાં વધારે નાટકોમાં વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવી છે. શંકરલાલ ભટ્ટના ‘કાદુ મકરાણી’ નાટકમાં હસીનાની ભૂમિકા એમણે ભારતીય સન્નારીની મોહક અદાથી ભજવેલી. આ નાટકમાં તેઓ કાદુના ભાણેજ ગુલામ મહમદની પ્રેયસીનું પાત્ર ભજવતાં હતાં.

એ પછીની તેમની મહત્વની ભૂમિકા તે ‘એક અબળા’માં નિરંજના, ‘એક જ ભૂલ’માં કાન્તિ, ‘સિદ્ધ સમ્રાટ’માં મનોરમા, ‘હંટરવાલી’માં હંટરવાલી, ‘વડીલોના વાંકે’માં સમતાની.

મોતીબાઈની ઉચ્ચ પ્રકારની અભિનેત્રી તરીકેની કાર્યશક્તિ ખીલી ઊઠી છે સમતાની ભૂમિકા ભજવતાં. ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા’નું કામણ રંગભૂમિ-રસિયાઓ માટે સંભારણારૂપ બની રહ્યું.

મોતીબાઈ પોતાના મુખ, આંખ તથા અવાજ ઉપરાંત શરીરનાં અન્ય અંગો દ્વારા પણ માનસિક વ્યથા, નિર્વેદ આનંદ વગેરે જેવા વિવિધ ભાવો કૌશલ્યથી રજૂ કરી શકતાં હતાં.

ગુજરાત રાજ્ય સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમીએ 1964માં એમનું બહુમાન કર્યું હતું. એમણે ચિત્રપટમાં પણ અભિનય આપ્યો હતો.

પાત્ર વિશે ઊંડી સમજ, ભાવની સુંદર અભિવ્યક્તિ અને શુદ્ધ શબ્દોચ્ચારણને કારણે રંગમંચ પર તેઓ વિરલ સ્થાન પામી શક્યાં હતાં. તેમનો મિલનસાર સાદો સરળ સ્વભાવ અને એમની નાટ્યનિષ્ઠા હંમેશાં યાદ રહેશે.

દિનકર ભોજક