મોતી ચન્દ્ર (જ. 1909; અ. 16 ડિસેમ્બર 1974) : ભારતીય મ્યુઝિયમોના વિકાસ તથા ભારતીય કલાના ઇતિહાસના ક્ષેત્રે નામાંકિત વિદ્વાન. વારાણસીના વિખ્યાત નાગરિક શ્રી ભારતેન્દુ હરિશ્ચન્દ્રના કુટુંબમાં જન્મ. તેઓ વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં 1931માં એમ. એ. થયા. રાય કૃષ્ણદાસની પ્રેરણાથી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા ને લંડનની યુનિવર્સિટીમાં ભારતીય કલાના ઇતિહાસને લગતા વિષયમાં સંશોધન કરીને 1933માં પીએચ. ડી. થયા.

મોતી ચન્દ્ર

ડૉ. મોતી ચન્દ્રે ભારતીય સંસ્કૃતિ, હિંદી અને સંસ્કૃત કાવ્ય, પ્રશિષ્ટ ભારતીય સંગીત અને વિશેષત: ભારતીય કલાના વિષયોનું સૂક્ષ્મ અધ્યયન કરી તેમાં પોતાના મૌલિક સંશોધન દ્વારા અવનવું પ્રદાન કર્યું. તેઓ 1937માં મુંબઈના પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમના કલાવિભાગના ક્યુરેટર નિમાયા. ત્યાં 13 વર્ષની કામગીરી દરમિયાન તેમણે ભારતીય મ્યુઝિયમોમાં સંગૃહીત પ્રતિમાઓ, શિલ્પકૃતિઓ અને ચિત્રોના તલસ્પર્શી અવલોકન દ્વારા ભારતીય કલાની વિભિન્ન કાલખંડોમાં વિકસેલી વિવિધ શૈલીઓના વિવેચન દ્વારા ભારતીય કલાના ઇતિહાસમાં કેટલાંક નવાં તથ્યો તથા તારણોનું પ્રદાન કર્યું.

1950માં ડૉ. મોતી ચન્દ્ર પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમના નિયામક નિમાયા ત્યારથી તેઓ ભારતનાં અનેક મ્યુઝિયમોની સલાહકાર સમિતિઓમાં તેમજ ભારત સરકારે નીમેલી કેન્દ્રીય મ્યુઝિયમોના સર્વેક્ષણ તથા વિકાસ માટેની સમિતિઓમાં સક્રિય સેવા આપી ભારતનાં મ્યુઝિયમોના વિકાસ માટે અમૂલ્ય સલાહસૂચન આપતા રહ્યા. દરમિયાન તેમણે થોડાં વર્ષ ‘લલિત કલા’ સામયિકના સંપાદક તરીકે પણ સેવા આપી.

મૂર્તિવિજ્ઞાન, કલા, સુશોભનાત્મક કલાઓ, ચિત્રો, સાહિત્ય, સંસ્કૃતિ, વેશભૂષા, વસ્ત્રવિદ્યા, અંગરાગ અને કેશભૂષા જેવા અનેકવિધ વિષયોમાં તેમણે કેટલાક અભ્યાસપૂર્ણ ગ્રંથો તથા અનેક સંશોધનાત્મક લેખોનું પ્રદાન કર્યું છે. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ અને ડૉ. સી. શિવરામ મૂર્તિની સાથે ડૉ. મોતી ચન્દ્રને ભારતીય કલાના ઇતિહાસકારોમાં અગ્રિમ ત્રિમૂર્તિમાં સ્થાન અપાતું.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી