મૅરેથૉન દોડ : માર્ગ પર યોજાતી લાંબા અંતરની દોડ-સ્પર્ધા. સામાન્ય રીતે તેમાં 42.195 કિમી. એટલે કે 26 માઈલ 385 વારનું અંતર દોડવાનું હોય છે. 1896થી યોજાતી રહેલી ઑલિમ્પિક રમતોમાં તે એક મહત્વની સ્પર્ધા બની રહી છે. જોકે દોડ માટેનું 42.195 કિમી.(26 માઈલ 385 વાર)નું અંતર સુનિશ્ચિત બન્યું 1908માં. એ વર્ષે વિંડસર અને લંડન વચ્ચેના 26 માઈલના અંતર માટે દોડ-સ્પર્ધા યોજાઈ હતી, પણ છેલ્લે વાઇટ સિટી સ્ટેડિયમ સામેના રૉયલ બૉક્સ આગળ દોડ-સ્પર્ધા પૂરી કરવાના ઉદ્દેશથી, એ દોડના સ્પર્ધકોને ત્યાં સુધીનું બાકીનું 385 વારનું અંતર દોડવા જણાવાયું હતું. ત્યારથી એ અંતર પ્રમાણભૂત અંતર તરીકે સુનિશ્ચિત બન્યું.
આ મૅરેથૉન દોડના વિજેતાઓની માહિતી નીચે પ્રમાણે છે :
ઑલિમ્પિક મૅરેથૉન વિજેતાઓ
વર્ષ | વિજેતાનું નામ | દેશ | સમય (કલાક, મિનિટ, સેકંડ) |
1896 | એસ. લુ | ગ્રીસ | 2:58:50 |
1900 | એમ. થિયેતો | ફ્રાન્સ | 2:59:45 |
1904 | ટી. હિક્સ | યુનાઇટેડ સ્ટેટ્સ | 3:28:53 |
1906 | વિલિયમ જે. શેરિંગ | કૅનેડા | 2:51:24 |
1908 | જે. હેઈસ | યુનાઇટેડ સ્ટેટ્સ | 2:55:18 |
1912 | કે. મૅકઆર્થર | દક્ષિણ આફ્રિકા | 2:36:55 |
1920 | એચ. કોલેહમેનન | ફિનલૅન્ડ | 2:32:36 |
1924 | એ. સ્ટેનરૂસ | ફિનલૅન્ડ | 2:41:23 |
1928 | એમ. અલ કાફી | ફ્રાન્સ | 2:32:57 |
1932 | જે. ઝબાલા | આર્જેન્ટિના | 2:31:36 |
1936 | કે. સોન. | જાપાન | 2:29:19 |
1948 | ડી. કેબેરા | આર્જેન્ટિના | 2:34:52 |
1952 | ઈ. ઝેટોપેક | ચેકોસ્લોવાકિયા | 2:23:03 |
1956 | એ. મિમુન | ફ્રાન્સ | 2:25:00 |
1960 | એ. બિકિલા | ઈથિયોપિયા | 2:15:16 |
1964 | એ. બિકિલા | ઈથિયોપિયા | 2:12:11 |
1968 | એમ. વૉલ્ડ | ઈથિયોપિયા | 2:20:26 |
1972 | એફ. શૉર્ટર | યુનાઇટેડ સ્ટેટ્સ | 2:12:20 |
1976 | ડબ્લ્યૂ. ચ્યેરપિન્સ્કી | પૂર્વ જર્મની | 2:09:55 |
1980 | ડબ્લ્યૂ. ચ્યેરપિન્સ્કી | પૂર્વ જર્મની | 2:11:03 |
1984 | સી. લોયેસ | પૉર્ટુગલ | 2:09:21 |
1988 | ગોલિન્દો બૉર્ડિન | ઇટાલી | 2:10:32 |
1992 | વાય. હવાન્ગ | કોરિયા | – |
1996 | જોસિયા તુગવાને | દક્ષિણ આફ્રિકા | 2:12:38 |
2000 | જેઝાગ્ને આબેરા | ઈથિયોપિયા | – |
2004 | સ્ટેફેનો બાલ્ડીની | ઈટાલી | 2:10:55 |
2008 | સેમ્યુઅલ કરમાઉ વાન્સીટ્ટ | કેન્યા | 2:06:32 |
ગ્રીસમાં આવેલા મૅરેથૉન નામના સ્થળ પરથી આ દોડનું નામ મૅરેથૉન પડ્યું છે. મૅરેથૉન આગળ ઈ. સ. પૂ. 490માં આક્રમણખોર ઈરાની લશ્કર સામે ઍૅથેન્સની જીત થઈ હતી. હિરૉડોટસની નોંધ પ્રમાણે યુદ્ધ થતાં પહેલાં ફિડિપિડીઝ નામનો સૈનિક સહાય મેળવવા માટે ઍથેન્સથી સ્પાર્ટા સુધી દોડતો ગયો હતો; જ્યારે 1896થી આ સ્પર્ધા જેના આધારે યોજાતી રહી છે તે પ્રણાલીગત માન્યતા કંઈક ઓછી પ્રતીતિજનક જણાય છે. તે મુજબ, એમ મનાય છે કે ઍથેન્સના વિજયના સમાચાર પહોંચાડવા ફિડિપિડીઝ સંદેશવાહક તરીકે ઍથેન્સથી મૅરેથૉન સુધી દોડતો ગયો હતો અને ત્યાં પહોંચતાં જ ઢળી પડી મૃત્યુ પામ્યો હતો. તે વખતે આ બે સ્થળ વચ્ચેનું અંતર 22 માઈલ (40 કિલોમીટર) જેટલું હતું.
આ દોડ-સ્પર્ધાનાં આરંભ-સ્થાન અને સમાપ્તિ-સ્થાન સ્ટેડિયમમાં જ હોય છે. દોડના સ્પર્ધકોને 11 કિમી.(7 માઈલ)ના અંતરે આહારસામગ્રી અને પીણાં લેવાની છૂટ હોય છે. ત્યારબાદ દર 5 કિમી.(3 માઈલ)ના અંતરે 6 વખત એ સગવડ અપાય છે. ઋતુની જરૂરિયાત મુજબ, આહાર-સામગ્રી અને પીણાં લેવાનાં સ્થળો વચ્ચે સમયાંતરે (લગભગ 2 કિમી.ના અંતરે) પ્રસ્વેદશોષક રબર તથા પાણીની સવલત અપાય છે. સ્પર્ધક ઇચ્છે તો પોતાની આહારસામગ્રી પોતાની સાથે જ લાવી શકે; પરંતુ તે માટે નિયત સમિતિની પૂર્વ-પરવાનગી લેવાની હોય છે.
ઑલિમ્પિકના આ વિક્રમો ઉપરાંત જે સર્વશ્રેષ્ઠ વિક્રમ મૅરેથૉન દોડનો મળ્યો છે તે ખાલિદ ખાનૂચીનો છે. તેમણે શિકાગોમાં તા. 24–10–1999ના રોજ યોજાયેલી મૅરેથૉન દોડમાં 2:05:42નો સમય લીધો હતો.
મહેશ ચોકસી
બંસીધર શુક્લ