મૅરેથૉન : ગ્રીસના સાગરકાંઠે ઍથેન્સથી ઈશાનમાં 40 કિલોમીટર દૂર આવેલું મોટું મેદાન. ત્યાં ગ્રીસ અને યુરોપના ઇતિહાસનું અતિ મહત્વનું યુદ્ધ લડાયું હતું. ઈ. સ. પૂ. 490માં ગ્રીસના નાના લશ્કરે આ સ્થળે ઈરાનના વિશાળ લશ્કરને હરાવી પોતાની આઝાદી જાળવી રાખી હતી. યુદ્ધમાં જો ગ્રીસ પરાજય પામત તો ઈરાનનું ગુલામ બન્યું હોત.

ઈ. સ. પૂ. 507માં સ્પાર્ટા સામે લડવા ઍથેન્સે ઈરાનના સમ્રાટ દરાયસ 1લાની લશ્કરી મદદ માગી અને તેના બદલામાં દરાયસની સત્તાનો સ્વીકાર કરવાની સંમતિ આપી હતી. એ પછી ઍથેન્સે એ કરારનો અસ્વીકાર કર્યો. આમ છતાં દરાયસ પોતાને ઍથેન્સનો રાજ્યકર્તા સમજતો હતો. ઈ. સ. પૂ. 499માં એશિયા માઇનોર(વર્તમાન તુર્કસ્તાન)ના ગ્રીક લોકોએ દરાયસ સામે બળવો કર્યો ત્યારે ઍથેન્સે એ બળવાખોરોને મદદ કરવા 20 વહાણો અને થોડા સૈનિકો મોકલ્યા હતા. એ સૈનિકોએ એશિયા માઇનોરમાં આવેલા દરાયસના મુખ્ય મથક સાર્ડિસ ઉપર હુમલો કરી એને બાળ્યું હતું. તેથી દરાયસે ગુસ્સે થઈને ઍથેન્સને સજા કરવાની અને એને બાળવાની પ્રતિજ્ઞા કરી હતી.

એ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા દરાયસે ઈ. સ. પૂ. 490માં એના ભત્રીજા અર્તાફર્મીસ અને સેનાપતિ ડેટીસની સરદારી નીચે 200 વહાણોનો કાફલો ઍથેન્સને જીતવા મોકલ્યો. આ ઈરાની નૌકાકાફલાએ પ્રથમ યૂબિયા નામના ગ્રીક ટાપુના શહેર ઇરિટ્રિયા ઉપર હુમલો કરી તેનો વિનાશ કર્યો. એ પછી એ કાફલો મૅરેથૉન તરફ આગળ વધ્યો. ઍથેન્સના સેનાપતિ મિલ્ટિયાડીસે મૅરેથૉનના ઍથેન્સ તરફના છેડે ઍથેનિયન સૈનિકો ગોઠવ્યા હતા, જ્યારે ઈરાની કાફલાએ મૅરેથૉનનો દરિયા તરફનો છેડો જીતી લીધો. ઍથેન્સનું લશ્કર સ્પાર્ટાની મદદની રાહ જોતું હતું, પરંતુ ઍથેન્સની પાસેના પ્લેટિયા નગરના માત્ર 600 સૈનિકો ઍથેન્સની મદદમાં જોડાયા.

ઈરાનીઓ એવી ખોટી માન્યતા ધરાવતા હતા કે ઍથેન્સમાંના એમના ટેકેદારોએ આંતરિક બળવો કર્યો છે અને એમની મદદ ઈરાની લશ્કરને મળશે. તેથી ઈરાનીઓ થોડું નૌકાદળ મૅરેથૉનમાં રાખી ઍથેન્સ તરફ આગળ વધ્યા. ઍથેન્સના લશ્કરે એ નાના નૌકાદળ પર હુમલો કરી તેને હરાવ્યું. ઈરાનનાં યુદ્ધજહાજો ઍથેન્સના બંદર ફાલેરોન મુકામે પહોંચ્યાં ત્યારે તેમણે જાણ્યું કે ઍથેન્સમાં કોઈ આંતરવિગ્રહ થયો નથી અને મૅરેથૉનમાંનું ઍથેનિયન લશ્કર એમની પહેલાં ઍથેન્સમાં પહોંચી ગયું હતું. આ સ્થિતિમાં ઈરાની લશ્કર ઍથેન્સને હરાવ્યા વગર પાછું ફર્યું અને ઍથેન્સની સ્વતંત્રતા જળવાઈ રહી.

સેનાપતિ મિલ્ટિયાડીસે મૅરેથૉનમાં મળેલા આ વિજયના સમાચાર ઍથેન્સ પહોંચાડવા ફિડિપિડીઝ નામના દોડવીરને પસંદ કર્યો. ફિડિપિડીસે મૅરેથૉન અને ઍથેન્સ વચ્ચેનું 40 કિલોમીટરનું અંતર સતત દોડીને કાપ્યું અને ઍથેન્સમાં આ સમાચાર આપીને તરત જ તે જમીન પર પડી ગયો અને મૃત્યુ પામ્યો. ગ્રીસના ઇતિહાસમાં મૅરેથૉનની આ લડાઈનું ઘણું ઐતિહાસિક મહત્વ છે. આ ભવ્ય અને વીરતાપૂર્ણ પ્રસંગની યાદગીરીમાં ઈ. સ. 1896થી વિશ્વના ઑલિમ્પિક રમતોત્સવમાં 42.2 કિલોમીટરની ‘મૅરેથૉન દોડ’ યોજાય છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી