મેરે સૈંયા જિયો (1953) : પંજાબી કાવ્યસંગ્રહ. ભાઈ વીરસિંગ-રચિત આ કાવ્યસંગ્રહ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા સ્વાતંત્ર્યોત્તર શ્રેષ્ઠ પંજાબી કૃતિ તરીકે પુરસ્કૃત છે. એમાં ભાઈ વીરસિંગની લઘુદીર્ઘ 72 કાવ્યરચનાઓ છે. વિષય, ભાવવ્યંજના તથા રચનાશિલ્પની ર્દષ્ટિએ આ કવિતા પાછલા 6 દશકાની બધી કાવ્યરચનાઓથી અનેકધા ભિન્ન છે. એમાંનાં કાવ્યો કવિના અંતર્જગતના દર્પણરૂપ છે. એમાં એમના આધ્યાત્મિક તથા રહસ્યવાદી ર્દષ્ટિકોણની અભિવ્યક્તિ નવા શિલ્પના માધ્યમથી આલેખાઈ છે. એમની આંતરચેતના એ કવિતામાં પૂર્ણ તેજસ્વિતાથી વ્યક્ત થઈ છે. કવિ ચીલાચાલુ, પરંપરાવાદી નૈતિક મૂલ્યોના સંદેશવાહક નથી, પણ પૂર્ણાંશે ‘વ્યક્તિવાદી’ છે. કાવ્યરચનાની ર્દષ્ટિએ આ પૂર્વેની કૃતિથી આમાં લય-તાલ, રાગાનુકૂલતા તથા છંદોવિધાનની ખૂબીઓ જોવા મળતી હતી, જ્યારે આ સંગ્રહનાં કાવ્યોમાં અછાંદસતા છે અને તે પ્રાસ વગેરેથી સદંતર મુક્ત છે. આ કૃતિનાં કાવ્યો ગદ્ય-પદ્યમિશ્રિત છે. આ કાવ્યસંગ્રહ નવીન પંજાબી કવિઓમાં એમને પ્રથમ સ્થાનના અધિકારી બનાવે છે. આ સંગ્રહમાં નવા પ્રયોગો હોવા છતાં એમાં સ્પષ્ટતા અને સરલતા છે. પંજાબી કવિતામાં પ્રથમ વાર મુક્તકનો થયેલો પ્રયોગ આ સંગ્રહમાં જોવા મળે છે.

ભાઈ વીરસિંગ આધુનિક પંજાબી સાહિત્યના પિતામહ લેખાય છે. કાવ્યવિષય તથા કથનરીતિ એમ બંને રીતે તેમણે પંજાબી કવિતામાં નવતર દિશા ખોલી છે. તેમણે અપનાવેલા મુક્ત છંદને તેમણે ‘શ્રીખંડી છંદ’ નામ આપ્યું છે તેમજ ‘રાણા સૂરતસિંગ’ નામના મહાકાવ્યમાં તેનો ભરપૂર પ્રયોગ કર્યો છે. તેમની કવિતામાં રહસ્યવાદ તથા આધ્યાત્મિકતાનો સૂર ઊઠે છે અને તેમની અનુભૂતિમાં તેઓ વાચકોને સહભાગી બનાવી શકે છે. એક મહત્વના પંજાબી કવિની આ મહત્વની કૃતિ પંજાબી કવિતામાં ચિરસ્થાયી છે અને ભારતીય કવિતામાં પણ તેનું સ્થાન નિશ્ચિત છે.

ચન્દ્રકાન્ત મહેતા