ઈશ્વરીપ્રસાદ (જ. 1888, કાંચી તારપુર (આગ્રા); અ. 26 ઓક્ટોબર 1986) : ભારતના સમર્થ ઇતિહાસકાર. પિતા શિક્ષક. તેમણે પ્રાચીન પદ્ધતિથી ઉર્દૂ, હિંદી અને ફારસીનો અભ્યાસ અંગ્રેજી શિક્ષણ સાથે કર્યો હતો. તેમણે એમ.એ., એલએલ.બી., ડી.લિટ્., એમ.એલ.સી. વગેરે ઉપાધિઓ મેળવી હતી. શરૂઆતમાં તેમની ઇચ્છા વકીલાત કરવાની હતી. તેમ છતાં 1914માં આગ્રા કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. 1919માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં જોડાયા. ઇંગ્લૅન્ડની ‘ઑલ સોલ્સ કૉલેજ’માંથી તાજા જ ઉત્તીર્ણ થઈને ભારત આવેલા રશબ્રુક વિલિયમ્સે તેમનું હીર પિછાણ્યું અને અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં ઇતિહાસસંશોધનમાં આગળ વધવા માટે તેમને પ્રેરણા આપી. 1925માં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘હિસ્ટ્રી ઑવ્ મીડિવલ ઇન્ડિયા’એ તેમને ખ્યાતિ અપાવી. સ્ટૅનલી લેન-પૂલ અને બીજા બ્રિટિશ ઇતિહાસકારોનાં મંતવ્યોનો તીવ્ર વિરોધ કરીને તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતનો મધ્યકાળ અંધકારયુગ ન હતો. કલા અને સંગીતના ક્ષેત્રમાં સંગીન વિકાસ ઉપરાંત વેપાર-હુન્નર વગેરેનો આ યુગ દરમિયાન વિકાસ થયો હતો. તેમનું ‘એ હિસ્ટ્રી ઑવ્ કરૌના તુર્ક્સ ઇન ઇન્ડિયા’ 1936માં પ્રસિદ્ધ થયું. તેને લીધે તેમને ડી.લિટ્.ની ડિગ્રી મળી. મહંમદ તુગલુક ક્રૂર અને તરંગી હતો એવા બ્રિટિશ ઇતિહાસકારોના મંતવ્યનો વિરોધ કરીને તેમણે તેની ઉદારતા અને વિદ્વત્તા દર્શાવતાં પ્રમાણો આપ્યાં છે. ‘ઍ શૉર્ટ હિસ્ટ્રી ઑવ્ મુસ્લિમ રૂલ ઇન ઇન્ડિયા’, ‘એ હિસ્ટ્રી ઑવ્ ઇન્ડિયા’, ‘એ ન્યૂ હિસ્ટ્રી ઑવ્ ઇન્ડિયા’ અને ‘ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑવ્ હુમાયૂં’ તેમનાં બીજાં પ્રકાશનો છે. છેલ્લું પુસ્તક 1942માં તૈયાર થયું હતું. પણ તે 1955માં પ્રસિદ્ધ થયું હતું. તેમાં તેમણે હુમાયૂંનો બચાવ કર્યો છે.
તે બે દાયકા સુધી અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં રીડરના પદ ઉપર રહ્યા અને લાંબા ગાળા બાદ રાજ્યશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક થયા. 1955માં તે નિવૃત્ત થયા. તે પ્રાચીન ઋષિઓ જેવું સાદું જીવન જીવતા હતા. 1984માં તેઓને પદ્મભૂષણ એનાયત થયેલું. ભાષાંતરો ઉપર આધાર ન રાખતાં મૂળ સ્રોતનો સીધો અભ્યાસ કરવાની તેમની ટેવે તેમના સંશોધનકાર્યને દીપાવ્યું હતું.
શિવપ્રસાદ રાજગોર
યતીન્દ્ર દીક્ષિત