ઈસપ (ઈ. પૂ. છઠ્ઠી સદી) : ગ્રીક પ્રાણીકથાઓ(fables)ના સંગ્રહનો જગવિખ્યાત સર્જક. ઈ. પૂર્વે પાંચમી સદીમાં હેરૉડોટ્સે તેને ઈ. પૂર્વે છઠ્ઠી સદીમાં જીવતો કહ્યો છે. ઈ. સ.ની પ્રથમ સદીના લેખક પ્લુટાર્કે તેને લીડિયાના રાજા ક્રોઈસસનો સલાહકાર ગણ્યો છે. તેનો જન્મ થ્રેસમાં થયો હતો. તે સેમોસ ટાપુમાં ગુલામ હતો અને તેના શેઠ ઈઆદમોએ તેને મુક્તિ આપી હતી. તે રાજા લાઇકરગસનો કોયડો ઉકેલવા બૅબિલૉન ગયો હતો. રાજા ક્રોઈસસે તેને રાજકાર્ય માટે ડેલ્ફી મોકલ્યો હતો. ત્યાં કોઈક સાથે ઝઘડો થતાં દુશ્મને તેને પર્વતની ધાર પરથી ખીણમાં ધકેલી દીધેલો અને તે મૃત્યુ પામ્યો હતો. ચૌદમી સદીના સાધુ મેક્સિમસ પ્લાનુડ્ઝેસે ઈસપની પ્રાણીકથાઓના સંગ્રહની પ્રસ્તાવનામાં ઈસપના જીવન વિશે અનેક પ્રસંગો આલેખેલા છે, પરંતુ બહુધા તે વિશ્વાસપાત્ર ગણાતા નથી.

ઈસપના હાથે લખાયેલ કોઈ લેખિત રચના મળેલી નથી, પરંતુ તેના નામે કર્ણોપકર્ણ ચાલી આવેલી પ્રાણીકથાઓ ઍથેન્સમાં ખૂબ લોકપ્રિય બની હતી. પ્લેટોના કથન મુજબ સૉક્રેટિસ જ્યારે જેલમાં બંદીવાન હતા ત્યારે તેમણે ઈસપની કેટલીક કથાઓનું પદ્યમાં રૂપાંતર કર્યું હતું. ડેમેટ્રિયસ ફ્લેરેસસે (ઈ. પૂ. 345-283) દસ ગ્રંથોમાં આ કથાઓ લખાવીને સંગ્રહ તૈયાર કરાવ્યો હતો. પરંતુ તે સંગ્રહ નવમી સદીમાં ગુમ થઈ ગયો હતો. ઈસપની પ્રાણીકથાઓનો જે સંગ્રહ પ્રાપ્ય છે તે રોમમાં ઈ. સ.ની પ્રથમ સદીમાં ફીડરસે લૅટિન ભાષામાં તૈયાર કર્યો હતો. તે પછી ઇરેસ્મસે 1513માં તે જ ભાષામાં અનુવાદ કરેલો. જે પછીથી પાઠ્યપુસ્તક તરીકે ખૂબ પ્રચાર પામેલો. બ્રેબીયસે એ સંગ્રહ ગ્રીક ભાષામાં તૈયાર કર્યો. અંગ્રેજી ભાષામાં તેનો લોકપ્રિય અનુવાદ સૅમ્યુઅલ ક્રૉકસલે કર્યો હતો અને તે 1722માં પ્રગટ થયો હતો. આ અનુવાદ બ્રિટન અને અમેરિકામાં અઢારમી અને ઓગણીસમી સદીમાં ખૂબ લોકપ્રિય નીવડેલો. ક્રૉકસલે દરેક કથા સાથે તેનો બોધ લખ્યો હતો.

સત્તરમી સદીમાં ફ્રેંચ કવિ અને પ્રાણીકથાલેખક દ લા ફાન્તેને ફ્રેંચ ભાષામાં પ્રાણીકથાઓ લખવા માટે તેનો બહોળો ઉપયોગ કર્યો હતો. ઈસપની પ્રાણીકથાઓ અનેક ભાષાઓમાં અનુવાદરૂપે પ્રગટ થઈ છે. અંગ્રેજીમાં તેનાં અનેક ભાષાંતરો પ્રાપ્ય છે. ગુજરાતીમાં તે ‘ઈસપનીતિ’ તરીકે સુવિદિત છે.

કૃષ્ણવદન જેટલી