મેક્સિકો

યુ.એસ. દેશની દક્ષિણે આવેલો દેશ. તેનાં સંશોધનો કરવામાં તથા તેના પર સૌપ્રથમ આધિપત્ય સ્થાપવામાં સ્પૅનિશોએ સફળતા મેળવી હતી. આમ આ પ્રદેશ સ્પૅનિશ રહેણીકરણી કે લૅટિન સંસ્કૃતિની અસરથી રંગાયેલો હોવાથી, સાંસ્કૃતિક વિભાજનની ર્દષ્ટિએ જોતાં તેને લૅટિન અમેરિકાના દેશોના જૂથમાં સમાવવામાં આવે છે.

આ દેશ ઉત્તરમાં પહોળા અને દક્ષિણ તરફ જતાં સાંકડા થતા જતા ઊંધા ત્રિકોણ જેવા આકારનો છે. તે લગભગ 16° થી 32° 40´ ઉ. અક્ષાંશવૃત્તો તથા 86° 50´થી 117° 10´ પ. રેખાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલો છે. તેની લગભગ મધ્ય ભાગમાં થઈને કર્કવૃત્ત (231° ઉ. અક્ષાંશવૃત્ત) પસાર થાય છે. તેની ઉત્તરની યુ.એસ. સાથેની સીમા અંશત: રિયો ગ્રાન્ડ નદી દ્વારા નિર્ધારિત થયેલી છે; જ્યારે દક્ષિણે ગ્વાટેમાલા તથા બેલિઝ દેશો સાથેની આંતરરાષ્ટ્રીય સીમાઓ આવેલી છે. આ દેશની પશ્ચિમમાં પૅસિફિક મહાસાગર તથા પૂર્વમાં ઍટલાન્ટિક મહાસાગરના ભાગ રૂપે મેક્સિકોનો અખાત આવેલા છે. બંને તરફના સમુદ્રતટની કુલ લંબાઈ 9,330 કિમી. જેટલી છે. આ દેશ આશરે 19,64,375 ચોકિમી. જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. વિસ્તારની ર્દષ્ટિએ જોતાં લૅટિન અમેરિકાના બ્રાઝિલ તથા આર્જેન્ટીના પછી ત્રીજા ક્રમે આવે છે.

પ્રાકૃતિક રચના : આ દેશનું આશરે B ભાગનું ભૂપૃષ્ઠ પર્વતો અને ઉચ્ચપ્રદેશનું બનેલું છે, જ્યારે તેના બાકીના ભાગમાં કિનારાનાં મેદાનો છે. પ્રાકૃતિક રચના મુજબ આ દેશને મુખ્યત્વે ત્રણ એકમોમાં વહેંચી શકાય :

(1) પૂર્વ અને પશ્ચિમની પર્વતશ્રેણીઓ : ઉત્તર અમેરિકાની રૉકીઝ પર્વતમાળાનું અનુસંધાન તેની દક્ષિણમાં આવેલા મેક્સિકોમાં પૂર્વ કિનારા પાસેની પૂર્વની સિયેરા માદ્રે (4000 મી.) તથા પશ્ચિમ કિનારા પાસેની પશ્ચિમની સિયેરા માદ્રે (3000 મી.) – એમ બે પર્વતશ્રેણીઓમાં ચાલુ રહે છે. જોકે નદીઓના જલપ્રવાહના ધોવાણથી આ બંને પર્વતશ્રેણીઓ ખંડિત થયેલી છે. મેક્સિકોના આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશને આવરતી આ બંને પર્વતશ્રેણીઓ દક્ષિણ ભાગમાં જતાં એકરૂપ બને છે. આ ઉચ્ચપ્રદેશની વધુ દક્ષિણમાં ડેલ સુર પર્વતશ્રેણી તથા ચિયાપસનો પહાડી પ્રદેશ વિસ્તરેલો છે, જે સરેરાશ 2,000 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેના ઘણાખરા ભાગો ધોવાણનાં પરિબળોથી ઘસાઈ ગયેલા છે. આ ઉપરાંત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા કૅલિફૉર્નિયા દ્વીપકલ્પમાં ઓછી ઊંચાઈવાળી કિનારાની પર્વતશ્રેણી ઉત્તર-દક્ષિણ લંબાયેલી છે.

(2) મેક્સિકોનો ઉચ્ચપ્રદેશ : પૂર્વ અને પશ્ચિમની માદ્રે પર્વતશ્રેણીઓથી ઘેરાયેલો આ ઉચ્ચપ્રદેશ ઉત્તર તરફ ઢળે છે અને વિસ્તૃત થતો જાય છે. આ ઉચ્ચપ્રદેશના દક્ષિણના વધુ ઊંચા અને સાંકડા છેડા પર સક્રિય તથા સુષુપ્ત જ્વાળામુખી-શંકુઓની હાર આવેલી છે. આ પૈકી ઓરિઝાબા (Orizaba, 5,747 મી.), પોપોકાટેપેટલ (Popocatepetl, 5,452 મી.), નેવાડો દ તોલુકા (Nevado de Toluca, 4,624 મી.) વગેરે અગત્યનાં જ્વાળામુખી-શિખરો છે.

(3) કિનારાનાં મેદાનો : પૂર્વમાં અખાતી કિનારે રિયો ગ્રાન્ડ નદીના મુખ પાસે, ટેવાન્ટેપેક(Tehuantepec)ની સંયોગીભૂમિમાં તથા યુકાટાન દ્વીપકલ્પમાં આ મેદાનો વિશેષ પહોળાં છે. તેની તુલનામાં પૅસિફિક-કિનારાનાં મેદાનો સાંકડાં તથા ખડકાળ છે.

જળપરિવાહ : મેક્સિકોની ઉત્તર સીમા પર રિયો ગ્રાન્ડ નદી વહીને મેક્સિકોના અખાતને મળે છે, જોકે તેનું મૂળ યુ.એસ.માં આવેલું છે. આ નદીને ઉચ્ચપ્રદેશ પરની કોન્ચોસ (Conchos), સૅબિનાસ, સલાડો, સાનહ્વાન (San Juan) વગેરે નદીઓ મળે છે. અખાતને મળતી અન્ય અગત્યની નદીઓમાં ગ્રિહાલ્વા (Grijalva) તથા પાનુકો(Panuco)નો સમાવેશ થાય છે. પૅસિફિક મહાસાગરને મળતી નદીઓમાં કૉલોરાડો, યાક્વિ (Yaqui), ફ્યુર્ટે (Fuerte), કુલિયાકાન (Culiacan), રિયો ગ્રાન્ડ દ સાન્ટિયાગો, બાલ્સાસ વગેરે થોડીક મોટી નદીઓ છે. જોકે કૉલોરાડોનું મૂળ યુ.એસ.નાં પહાડી ક્ષેત્રોમાં આવેલું છે. પણ તેના હેઠવાસના સાવ છેડાના ભાગમાં તે મેક્સિકોમાં વહીને કૅલિફૉર્નિયાના અખાતને મળે છે. અહીંની નદીઓના પ્રવાહમાં ઋતુ પ્રમાણે જળની વધઘટ થયા કરે છે. આ સિવાય ઉચ્ચપ્રદેશમાં આવેલાં અંત:સ્થ જળપરિવાહનાં ક્ષેત્રોમાં કેટલીક નદીઓ સરોવરોને મળે છે અથવા તો ખારા પાટના વિસ્તારોમાં સમાઈ જાય છે. ઉચ્ચપ્રદેશના ખાસ કરીને દક્ષિણ ભાગમાં અનેક સરોવરોની રચના થયેલી છે.

મેક્સિકો રાજ્ય

આબોહવા : આ દેશની આબોહવાનાં નિર્ણાયક પરિબળોમાં અક્ષાંશીય સ્થાન તથા ભૂપૃષ્ઠ (ઊંચાઈ) મહત્વની ભૂમિકા ભજવે છે. તેના લગભગ મધ્ય ભાગેથી કર્કવૃત્ત પસાર થાય છે. વૈશ્વિક નિયમ મુજબ જોઈએ તો અયનવૃત્તો પર આવેલા પ્રત્યેક ભૂમિખંડના પશ્ચિમ કિનારાના ભાગોમાં ગરમ રણપ્રકારની આબોહવા અનુભવાય છે. મેક્સિકોને પણ આ નિયમ લાગુ પડે છે. કર્કવૃત્તથી દક્ષિણના ભાગો ઉષ્ણકટિબંધમાં આવે છે; આમ છતાં તાપમાન અને વરસાદનું વૈવિધ્ય મુખ્યત્વે વિશાળ ફલક પરની ભૂપૃષ્ઠની પરિસ્થિતિ પર અવલંબે છે. આ દેશમાં ઊંચાઈ-આધારિત તાપમાનના મુખ્યત્વે ત્રણ ઊર્ધ્વ-વિભાગો જોવા મળે છે : (i) સમુદ્રસપાટીથી આશરે 600 મી.ની ઊંચાઈ સુધીનો ગરમ વિભાગ છે, જેમાં કિનારાનાં મેદાનોનો સમાવેશ થાય છે. (ii) એવી જ રીતે 600થી 1,800 મી.ની ઊંચાઈ વચ્ચે સમશીતોષ્ણ વિભાગ છે, જેમાં ઉચ્ચપ્રદેશના ઉત્તર ભાગો, બંને માદ્રે પર્વતશ્રેણીઓ તથા દક્ષિણનાં પહાડી ક્ષેત્રોનો સમાવેશ થાય છે. (iii) આ ઉપરાંત 1,800 મી.થી વધુ ઊંચાઈના અને હિમરેખા સુધીના શીત-વિભાગમાં દક્ષિણ-મધ્યના ઉચ્ચપ્રદેશનો તથા માદ્રે પર્વતશ્રેણીઓના સર્વોચ્ચ ઢોળાવોનો સમાવેશ થાય છે. આ વિભાગમાં શિયાળામાં હિમ (frost) તેમજ 3,000 મી.થી વધુ ઊંચાઈએ બરફ પડે છે.

મેક્સિકોના ઉચ્ચપ્રદેશમાં જ્યાં માનવવસવાટ છે, ત્યાંનું શિયાળાનું તાપમાન સામાન્ય રીતે ક્યારેય વધુ પડતું નીચે જતું નથી; પણ ક્વચિત્ કૅનેડિયન આર્ક્ટિક તરફથી ધ્રુવીય શીતલહેરનો પ્રકોપ ચાલુ હોય ત્યારે ઉષ્ણકટિબંધમાં આવેલા પૂર્વ કિનારા પરના ટેમ્પિકો તથા વેરાક્રૂઝનું તાપમાન થોડાક દિવસો પૂરતું ઠારબિંદુથી નીચે ઊતરી જાય છે. આમ છતાં મેક્સિકોના મધ્યસ્થ ઉચ્ચપ્રદેશ તથા પર્વતશ્રેણીઓને લીધે પશ્ચિમ કિનારાને આ ધ્રુવીય પવનોથી રક્ષણ મળે છે. ઉનાળામાં મેક્સિકોના ઉત્તરના ભાગો વધુ ગરમ રહે છે. તેમાં પણ વાયવ્યનો કિનારાનો પ્રદેશ પૂર્વની માદ્રે પર્વતશ્રેણીની વર્ષાછાયામાં આવે છે. વધુમાં તેના પર ઉત્તર પૅસિફિકના પ્રતિચક્રવાતીય ભારે દબાણની અસરો વર્તાય છે. વળી પૅસિફિક કાંઠા પરના કૅલિફૉર્નિયાના ઠંડા પ્રવાહને લીધે ત્યાં નીચાં વાદળો તથા ગાઢ ધુમ્મસ (fog) છવાઈ જાય છે. આ બધાં કારણોને લીધે અહીં વરસાદનું પ્રમાણ નહિવત્ રહે છે. આમ આ પ્રદેશમાં ગરમ રણ પ્રકારની આબોહવા અનુભવાય છે.

ઈશાનકોણીય વ્યાપારી પવનોથી પૂર્વની સિયેરા માદ્રે પર્વતશ્રેણીના પૂર્વ ઢોળાવો તથા દેશના અગ્નિકોણના ભાગો 1,500થી 2,000 મિમી. જેટલો વરસાદ મેળવે છે, પણ ઉચ્ચપ્રદેશના પશ્ચિમ ભાગો તેની વર્ષાછાયામાં આવે છે, જેથી ત્યાં વરસાદનું પ્રમાણ ઘટીને 250 મિમી. જેટલું થઈ જાય છે. તેનાથી ઊલટું પૅસિફિક કાંઠાના વધુ દક્ષિણના ભાગો ઉનાળુ નૈર્ઋત્યકોણીય મોસમી પવનોની અસરથી 2,000 મિમી. કે તેથી વધુ વરસાદ મેળવે છે; પણ ઉચ્ચપ્રદેશના આંતરિક ભાગોમાં વરસાદનું પ્રમાણ એકંદરે ઓછું હોય છે. આ પ્રમાણ ઉત્તરમાં 500 મિમી.થી માંડીને દક્ષિણમાં 800 મિમી. સુધી જોવા મળે છે. પાટનગર મેક્સિકો સિટીનો વાર્ષિક વરસાદ લગભગ 585 મિમી. જેટલો છે.

આ દેશમાં સામાન્ય રીતે લગભગ દર વર્ષે ઑગસ્ટથી ઑક્ટોબર માસના ગાળામાં હરિકેન નામનો ઉષ્ણકટિબંધીય ચક્રવાત ફૂંકાય છે, તેથી કોઈ કોઈ વાર સળંગ બેત્રણ દિવસો સુધી ધોધમાર વરસાદ પડે છે, પણ ખાસ કરીને પૂર્વ કિનારાના ભાગોમાં તે જાનમાલનું ભારે નુકસાન પહોંચાડે છે.

કુદરતી વનસ્પતિ, પ્રાણીજીવન તથા મત્સ્યપ્રવૃત્તિ : આબોહવાકીય પરિસ્થિતિ મુજબ પાંગરેલા અહીંના વનસ્પતિજીવનમાં ખૂબ વૈવિધ્ય જોવા મળે છે. ઉત્તર અને વાયવ્યના શુષ્ક ભાગોમાં છૂટીછવાઈ લાક્ષણિક મરુનિવાસી વનસ્પતિ (Xerophyte) છવાયેલી જોવા મળે છે. વૃક્ષો, વેલા, ઝાડીઝાંખરાં વગેરે ઘણુંખરું કાંટાળાં અને ઊંડાં મૂળવાળાં હોય છે. તેમનાં પાન, ડાળીઓ, થડ વગેરેમાં દૂધ ભરેલું હોય છે; જે લાંબા સમય સુધી પાણીની ગરજ સારે છે. નૈર્ઋત્યના દરિયાકાંઠે તથા યુકાટાન દ્વીપકલ્પમાં પણ કાંટાળાં ઝાંખરાં ઊગે છે. દેશના પૂર્વ કિનારાના ઉત્તર ભાગોમાં સદાહરિત ઠીંગણાં ઓકવૃક્ષો, વેલા, ઘાસનાં ઝુંડ વગેરે જેવી વનસ્પતિ પથરાયેલી રહે છે, જ્યારે દક્ષિણના ભાગોમાં ઉષ્ણકટિબંધીય ઘાસ સાથે છૂટાંછવાયાં વૃક્ષો ઊગેલાં હોય છે. દક્ષિણના ચિયાપસનાં પહાડી ક્ષેત્રોમાં ઉષ્ણકટિબંધીય જંગલો છવાયેલાં છે. માદ્રે પર્વતશ્રેણીઓનાં ઊંચાં પહાડી ક્ષેત્રોમાં ઊંચાઈના વધવા સાથે ઓક અને બીજાં વૃક્ષોનો વિભાગ આવે છે. તેનાથી વધુ ઊંચાઈએ પાઇનનાં વૃક્ષો તથા જૂનિપર (juniper) જેવાં ઝાડીઝાંખરાં તથા ઘાસ-આચ્છાદિત પ્રદેશો જોવા મળે છે. આ દેશમાં વેપારી ધોરણે કઠણ અને પોચું લાકડું મેળવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.

‘વર્જિન ઑફ ગ્વાડેલુપ’નું પ્રાચીન મંદિર, જે હાલમાં સંગ્રહાલય છે.

ખાસ કરીને વનસ્પતિ-વિભાગોમાં અને જળમાં પ્રાણીજીવનનું વિતરણ અને વૈવિધ્ય જોવા મળે છે. અહીં ટાપીર, ઑસેલૉટ (Ocelot), સસલાં, ખિસકોલીઓ, ચામાચીડિયાં, શાહુડી, આર્મેડિલો, જરખ, ડુક્કર વગેરે સસ્તન પ્રાણીઓ વસે છે. આ ઉપરાંત વિવિધ વંશનાં કાચબા, મગર, કાચિંડા, ગરોળીઓ અને ઘો પણ ઉલ્લેખનીય છે. પિટ વાઇપર, કૉરલ અને કૉલ્યુબ્રીડ સર્પો, આંધળી ચાકળણ વગેરે જેવાં સરીસૃપો સામાન્ય છે. આ ઉપરાંત દેડકાં અને સૅલામૅન્ડર, મીઠા અને ખારા જળનાં માછલાંની વિવિધ જાતો થાય છે. અહીં પક્ષીઓની અનેક જાતો જોવા મળે છે. ગીધ, બાજ, ક્વેટ્ઝેલ (quetzel), બતક, ભૂખરી પેણ (brown pelican), મૅકો વગેરે ઉપરાંત ગાયક પક્ષીઓનું પ્રમાણ પણ મોટું છે. આ દેશમાં આજે 33 જેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો (national parks) આવેલાં છે.

ખાસ કરીને વિદેશનાં બજારોની માંગને અનુલક્ષીને અહીં શ્રીંપ, પૅસિફિક તૂના અને સાર્ડિન જેવી માછલાંની જાતો પકડવામાં આવે છે.

ખેતી અને પશુપાલન : દેશની સરકારે કેટલાંક મોટા કદનાં જમીન-એસ્ટેટ કે ‘હૅસિન્ડા’(haciendas)નું વિભાજન કરીને અથવા તો તેમને નિયત કદનાં રાખીને તેમાંથી નાના ખેડૂતોને જમીનની વહેંચણી કરી આપી છે. આવા ખેડૂતો આ પુનર્વિતરિત જમીનોમાં સહકારી ધોરણે ખેતી કરે છે અથવા પશુફાર્મ ચલાવે છે.

આ દેશમાં સમતળ જમીનોની ઊણપ તથા સાનુકૂળ આબોહવાના અભાવને લીધે ખેતીપ્રવૃત્તિ પર એક પ્રકારની મર્યાદા આવે છે; આમ છતાં દેશની માત્ર 15 %થી પણ ઓછી ભૂસપાટીમાં ખેતીના વિવિધ પાકો લેવાય છે અને ખેતીપ્રવૃત્તિ પર દેશની આશરે 13 ભાગની વસ્તીનો નિભાવ થાય છે. અહીં અર્ધ-દુષ્કાળ અને પૂરની મૂંઝવતી સમસ્યાઓના નિવારણ માટે દેશની સરકારે અનેક સિંચાઈ-યોજનાઓ તૈયાર કરી છે. તે પૈકીની કેટલીક બહુહેતુક છે. ઈ. સ. 1950થી અત્યાર સુધીમાં નદીઓ પર લગભગ 100 જેટલા બંધો બાધવામાં આવ્યા છે, જેથી સિંચાઈ હેઠળનો કુલ વિસ્તાર 35 લાખ હૅક્ટર જેટલો થયો છે. ખાસ કરીને કૉલોરાડો, યાક્વિ (Yaqui), મૅયો (Mayo), એર્મોસિયો(Hermosillo), ફ્યુર્ટે (Furete), કુલિયાકાન, રિયો ગ્રાન્ડ અને તેની ઉપનદીઓ લેર્મા (Lerma), મોક્ટેઝુમા, પાપાલોપાન (Popalopan), ગ્રિહાલ્વા (Grijalva), યુસુમાસિન્ટા વગેરે નદીઓ પરની સિંચાઈ-યોજનાઓ અગત્ય ધરાવે છે.

દેશના દૂરના અલિપ્ત ભાગોમાં વસવાટ કરતા આદિવાસી ઇન્ડિયનો ખેતી કરવા માટે હજુ જૂનાં ઓજારોનો ઉપયોગ કરે છે અને ‘સ્થળ બદલતી ખેતી’ (zoom or shifting cultivation) અપનાવે છે; આમ છતાં ઉચ્ચપ્રદેશના મધ્યસ્થ અને બંને કિનારાના સિંચાઈની સુવિધાવાળા ભાગોમાં વૈજ્ઞાનિક ઢબે યાંત્રિક ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતી સાથે પશુપાલનપ્રવૃત્તિ પણ સંકળાયેલી છે. ત્લાસકાલા (Tlaxcala), પ્વેબ્લા (Puebla) તથા ગ્વાનાહાટો (Guanajuato) જેવાં મધ્યસ્થ રાજ્યોમાં થતી સઘન ખેતીને લીધે વિવિધ પાકોનું મબલખ ઉત્પાદન થાય છે; જેથી અહીં ગીચ વસ્તી કેન્દ્રિત થયેલી છે. પૂર્વનું વેરાક્રૂઝ રાજ્ય પણ પુષ્કળ ખેતપેદાશો મેળવે છે.

આ દેશમાં ખાસ કરીને મકાઈ, ઘઉં અને વિવિધ પ્રકારના કઠોળ જેવા ખાદ્યપાકો તેમજ કપાસ, શેરડી અને કૉફી જેવા વેપારી પાકો અગત્યના છે. વળી તમાકુ, કોકો, ડાંગર, ફળો તથા શાકભાજીના ગૌણ પાકો પણ અહીં લેવાય છે. ગ્રામલોકોના ધાન્યરૂપ મકાઈના પાકની ચીલાચાલુ ખેતી પ્રાચીન સમયથી થતી આવી છે. હવે તેની સંકર (હાઇબ્રિડ) જાતો વધુ ઉતાર આપે છે. ઘઉંની બ્રેડના એમના ખોરાક માટે જરૂરી ઘઉંની ખેતી કેટલેક સ્થળે મકાઈને બદલે કરવામાં આવે છે. પૂર્વ-પશ્ચિમ કિનારાનાં મેદાનોમાં તથા નદીખીણોમાં ડાંગર, કોકો, શેરડી, કેળાં, અનેનાસ, તમાકુ, નાળિયેરી, શાકભાજી તથા ખાટા રસવાળાં ફળોનું ઉત્પાદન થાય છે. સિંચાઈક્ષમ જમીનવિસ્તારોમાં કપાસ, ટામેટાં, તડબૂચ, લેટ્યૂસ, ઘાસચારો અને બીજા નિકાસલક્ષી પાકોનું વેપારી ધોરણે વાવેતર કરવામાં આવે છે. પૂર્વ કાંઠાનું વેરાક્રૂઝ રાજ્ય પુષ્કળ શેરડી પકવે છે. પૂર્વની માદ્રે પર્વતશ્રેણીના નીચા અને મધ્ય ઊંચાઈના ઢોળાવો પર કૉફી તથા ખાટાં રસદાર ફળો(નારંગી, લીંબુ વગેરે)ના પાકો લેવાય છે. દક્ષિણનાં પહાડી ક્ષેત્રોના ઢોળાવો પર પણ કૉફીના બગીચા આવેલા છે.

અહીં ખેતીની સાથે સાથે ડેરી અને માંસપેદાશો મેળવવા માટે પશુઓનો – ખાસ કરીને ડુક્કરોનો – ઉછેર થાય છે. વળી શહેરી વસાહતોની આસપાસ દુધાળાં ઢોરોનું પાલન કરવામાં આવે છે. પડતર અને બિનઉત્પાદક ભૂમિપ્રદેશોમાં ઘેટાંબકરાં, ઘોડા, ખચ્ચર વગેરે ચરાવવામાં આવે છે. પુનર્વિતરિત જમીનો મેળવતા નાના ખેડૂતોએ સહકારી ધોરણે ચાલતાં વિશાળ પશુફાર્મ સ્થાપ્યાં છે. લેર્મા તથા બૅહિયો (Bajio) નદીઓની ફળદ્રૂપ ખીણોમાં આવેલા પશુસંવર્ધન ફાર્મમાં આલ્ફાઆલ્ફા (લ્યુસર્ન) તથા બીજા પશુઆહારના પાકોનું વાવેતર થાય છે. વળી તે ઢોરોની ઉત્તમ ઓલાદો પણ ધરાવે છે.

ખનિજસંપત્તિ, ઊર્જાસંસાધનો તથા ઉદ્યોગો : આ દેશમાં જૂના સમયથી ખનિજ-ઉત્ખનન પ્રવૃત્તિ ચાલે છે. દેશના વાયવ્ય ભાગમાં ઍરિઝોના, ન્યૂ મેક્સિકો તથા સોનારા ખાતેથી તાંબાનાં ખનિજો મળે છે. આ ખનિજોનું શુદ્ધીકરણ કરતાં તાંબાની ધાતુ ઉપરાંત મૉલિબ્ડેનમ ધાતુ પ્રાપ્ત થાય છે. ચિવાવા(Chiuahua)ની ખાણોમાંથી ચાંદી, જસત અને સીસું જેવાં ખનિજો મેળવાય છે. આ ઉપરાંત ઝેકાટેકાસ અને ડુરાન્ગો રાજ્યમાંથી પ્રાપ્ત થતાં ખનિજોમાંથી ચાંદી, સીસું, જસત અને તાંબું અલગ પાડવામાં આવે છે. અહીંથી સોનું પણ મળે છે.

લોહખનિજોનાં ક્ષેત્રો મુખ્યત્વે સેરો અલ મેકાર્ડો (Cero El Mecardo), હર્ક્યુલિસ લા પર્લા, પેન્યા કૉલોરાડો, લાસ ટ્રુકાસ અને કોલિમા આઉટલાન ખાતે આવેલાં છે. વળી કોલિમા આઉટલાન તથા મૉલાન્ગો(Molango)માંથી મૅંગેનીઝ પણ મળે છે. આ ઉપરાંત સૅબિનાસ થાળામાંથી ઉત્તમ પ્રકારનો કોલસો, કોટ્ઝા-કોલ્કોસ ખાતેથી ગંધક તથા ઝેકાટેકાસ ખાતેથી ફ્લોરાઇટ પ્રાપ્ત થાય છે.

આ દેશમાં તૃતીય જીવયુગના પ્રસ્તરખડકોમાંથી મોટા પ્રમાણમાં ખનિજતેલ અને કુદરતી વાયુ મળી આવે છે. દેશના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં રેઇનોસા (Reynosa), ટેમ્પિકો, ટુસ્પાન (Tuxpan), બર્મુન્ડેઝ (Bermundez), કૅક્ટસ (Cactus), અગેવ (Agave), રિફૉર્મા (Reforma) વગેરે જેવાં અગત્યનાં ખનિજતેલ અને વાયુનાં ક્ષેત્રો છે.

ઔદ્યોગિક વિકાસ સાધતો આ દેશ મુખ્યત્વે કેટલીક બહુહેતુક યોજનાઓ દ્વારા તેમજ ખનિજતેલ–કુદરતી વાયુના ઉપયોગ દ્વારા વિદ્યુતશક્તિનું ઉત્પાદન કરે છે. આ સિવાય અહીં જ્વાળામુખી-ક્ષેત્રોમાંથી ભૂગર્ભ-ઉષ્મા-વિદ્યુતમથકો દ્વારા થોડીક વિદ્યુત પ્રાપ્ત કરવામાં આવે છે.

જૂના સમયથી ચાલી આવતી નાના પાયા પરની હસ્તકૌશલ્યની ઔદ્યોગિક પ્રવૃત્તિને અહીં પ્રોત્સાહન આપવામાં આવે છે. હાથવણાટનું કાપડ, ગરમ ધાબળા, ભરતગૂંથણ, કાચ તથા ચિનાઈ માટી અને સોનાચાંદીની ચીજવસ્તુઓ વગેરે અહીંના કુટિર-ઉદ્યોગની મુખ્ય પેદાશો છે.

ખનિજતેલ–વાયુનાં ક્ષેત્રો મળી આવ્યાં પછી, આ દેશની ઔદ્યોગિક પ્રવૃત્તિ અત્યંત ઝડપી બની છે. દેશનું લગભગ અર્ધા ભાગનું ઔદ્યોગિક ઉત્પાદન પાટનગર મેક્સિકો તથા તેના પરાવિસ્તારોમાં થાય છે. જોકે અહીં કાચા માલની પ્રચુરતા નથી, પણ અન્ય તબક્કાએ ઔદ્યોગિક પ્રક્રિયાનું પ્રમાણ વિશેષ છે. આ ઉપરાંત દેશમાં પ્વેબ્લા, ચિવાવા (Chihuahua), પિયેદ્રાસ નેગ્રાસ, મૉન્ક્લોવા, સાન લુઈ પોટોસી (San Luis Potosi), મૉન્ટેરે (Monterrey), સાલ્ટિયો (Saltillo), ટેમ્પિકો, વેરાક્રૂઝ, ઓરિઝાબા, ગ્વાડાલાહરા (Guadalajara), સૅલામાન્કા, ટોર્યોન વગેરે મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો છે. યુ.એસ.–મેક્સિકો સીમા પાસે પણ થોડાંક ઔદ્યોગિક કેન્દ્રો આવેલાં છે.

આ દેશમાં ખાદ્યચીજોનું પ્રક્રમણ, ચામડાનો સરસામાન તથા પગરખાં, કાપડ, કાગળ, સિમેન્ટ, દવાઓ, સિગારેટ, ટાયર, લોહ અને બિનલોહ ધાતુઓ, વિદ્યુત્-યંત્રો, રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ, રસાયણો, યંત્રસામગ્રી, મોટરવાહનો, વીજાણુયંત્રસાધનો વગેરેને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. તેમાં રિફાઇનરી અને રસાયણ-પેટ્રોરસાયણનું તેમજ લોખંડ–પોલાદ તથા મોટરવાહનનું ઉત્પાદન વગેરે અગત્યના ઉદ્યોગો છે. આ સિવાય પ્રવાસન પણ ધીકતી કમાણી કરી આપતો ઉદ્યોગ છે.

યુનિવર્સિટી ઑફ મેક્સિકોનું રાષ્ટ્રીય ગ્રંથાલય

આ દેશ પ્રાચીન મય અને ઍઝટેક સંસ્કૃતિનો વારસો ધરાવે છે. આ ઉપરાંત શિયાળામાં અહીંના ઉષ્ણકટિબંધીય દરિયાઈ રેતાળ તટ (beaches) પર સૂર્યસ્નાન કરવા માટે અમેરિકી પર્યટકોનો ધસારો રહે છે. આ દેશમાં 33 જેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તે પૈકીનાં કેટલાંક જ્વાળામુખી-પર્વતક્ષેત્રોમાં આવેલાં છે. પ્રવાસીઓ માટે સુવિકસિત પરિવહન-સેવાઓ ઉપરાંત હોટેલ, રેસ્ટોરાં તથા વિહારધામોની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ છે.

પરિવહન અને વ્યાપાર : આ દેશમાં બધા જ પ્રકારના સડકમાર્ગોની લંબાઈ આશરે 2,14,470 કિમી. જેટલી છે. મેક્સિકોના ઉત્તર તરફના પડોશી યુ.એસ. દેશમાંથી આવતો પાન અમેરિકન ધોરી માર્ગ પાટનગર મેક્સિકો તથા અન્ય શહેરો સાથે જોડાણ ધરાવે છે તેમજ દક્ષિણ તરફ ગ્વાટેમાલાને સાંકળે છે. આ દેશ લગભગ 25,716 કિમી. લંબાઈના રેલમાર્ગો ધરાવે છે. તે પૈકીના કેટલાક યુ.એસ. સાથે સીધી રીતે સંકળાયેલા છે. એકંદરે જોતાં અહીં પાટનગર મેક્સિકોને દેશનાં ઔદ્યોગિક કેન્દ્રો તથા બંદરોને જોડતા રેલમાર્ગોનું પ્રમાણ ઘણું સારું છે.

વેરાક્રૂઝ એ આ દેશનું મુખ્ય બંદર છે. આ ઉપરાંત મૅન્સાનિયો (Manzanillo), આકાપુલ્કો (Acapulco), ટેમ્પિકો, ટુસ્પાન (Tuxpan) વગેરે અન્ય બંદરો છે. આ દેશમાં 57 જેટલાં હવાઈ મથકો છે. પાટનગર મેક્સિકો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે, જ્યાંથી બાર જેટલી વિમાની સેવાઓનું સંચાલન થાય છે. ધંધાદારીઓ, પ્રવાસીઓ તથા માલપરિવહન માટે આંતરિક હવાઈ સેવાઓ ઘણી ઉપયોગી છે. ઔદ્યોગિક નગરોની આસપાસ ક્રૂડ ખનિજતેલ તથા કુદરતી વાયુની તેમજ રિફાઇનરીઓમાં બનતી પેદાશોની પાઇપલાઇનોનું ગીચ જાળું છે.

દેશના આયાત-નિકાસ વેપારનો મુખ્ય ભાગીદાર દેશ યુ.એસ. છે. આ સિવાય તે જર્મની, જાપાન, યુ.કે., ફ્રાન્સ, કૅનેડા, ઇટાલી વગેરે દેશો સાથે વેપારી સંબંધો ધરાવે છે. આ દેશ મુખ્યત્વે યંત્રસામગ્રી, ઔદ્યોગિક સાધનો, ઊન અને રબરના કાચા માલની આયાત કરે છે; જ્યારે ખનિજો અને ધાતુઓ, રૂ, ખાંડ, કૉફી, શ્રિંપ માછલી, પેટ્રોલિયમ, મકાઈ વગેરેની નિકાસ કરે છે.

વસ્તી અને વસાહતો : આ દેશમાં વિવિધ જાતિઓના આશરે 12.23 કરોડ (2013) લોકો વસવાટ કરે છે. તેમાં 55 % મેસ્ટિઝો (ઇન્ડિયન તથા ગોરી સ્પૅનિશ પ્રજાનું મિશ્રણ), 29 % ઇન્ડિયન, 15 % ગોરા (મુખ્યત્વે સ્પૅનિશ) અને 1 % નીગ્રો તથા અન્ય જાતિના લોકોનો સમાવેશ થાય છે. અહીં સ્પૅનિશ ભાષા બોલાય છે. આ દેશમાં જન્મદરનું પ્રમાણ વધુ છે, જ્યારે મૃત્યુદરનું પ્રમાણ એકદમ ઓછું છે. તેથી દેશની વસ્તીમાં અત્યંત ઝડપથી વધારો થઈ રહ્યો છે. વળી વસ્તીવધારાની સાથે સાથે શહેરીકરણની પ્રક્રિયા પણ વેગવાન બની છે. આજે દેશમાં શહેરી વસ્તીનું પ્રમાણ 73 % જેટલું થવા જાય છે.

દેશના હાર્દપ્રદેશમાં એટલે કે ઉચ્ચપ્રદેશના દક્ષિણ-મધ્ય ભાગમાં મેક્સિકોની ખીણ તથા આંતરિક જળપરિવાહ ધરાવતા ફળદ્રૂપ થાળા-પ્રદેશોમાં પાટનગર મેક્સિકો આવેલું છે. પાટનગરમાં તથા તેની આસપાસના ભાગોમાં શહેરી વસ્તી ઉપરાંત ગ્રામવસ્તીનું પણ કેન્દ્રીકરણ થયેલું છે. મેક્સિકો નગરથી આશરે 300 કિમી.ની ત્રિજ્યાને આવરતો પ્રદેશ, દેશના કુલ વિસ્તારના લગભગ 16 ભાગને આવરે છે, પણ તે દેશની આશરે અર્ધા ભાગની વસ્તી ધરાવે છે, જેથી આ ભાગ અત્યંત ગીચ વસ્તીવાળો છે. સામાન્ય રીતે પાટનગરથી દૂર જઈએ તેમ તેમ વસ્તીગીચતાનું પ્રમાણ ઘટતું જાય છે.

પાટનગર મેક્સિકો એ દેશની સૌથી મોટી શહેરી વસાહત છે.  વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતાં નગરોમાં તેની ગણના થાય છે. તે દેશનું વહીવટી, ઔદ્યોગિક, વાણિજ્યિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક વગેરે પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર છે. અન્ય અગત્યની શહેરી વસાહતોમાં મૉન્ટેરે, ગ્વાડાલાહરા, સ્યુદાદ વારેઝ (Ciudad Juarez), તિહવાના (Tijuana), મેક્સિકાલી, એર્મોસિયો (Hermosillo), ચિવાવા (Chihuahua), ટોર્યોન (Torreon), સાન લ્વીસ પોટોસી, ટેમ્પિકો, વેરાક્રૂઝ, લેયોન (Leon), આગ્વાસ્કલિયેન્ટેસ (Aguascalientes), પ્વેબ્લા (Puebla), આકાપુલ્કો (Acapulco), મેરીડા વગેરેનો સમાવેશ થાય છે.

ઐતિહાસિક ભૂમિકા : મેક્સિકોમાં આશરે 20,000 વર્ષો પૂર્વે શિકારપ્રવૃત્તિ કરીને જીવન જીવતા લોકો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. ઈ. સ. પૂ. 1500 અને ઈ. સ. પૂ. 900 વચ્ચે અહીં ખેતીપ્રવૃત્તિ પર આધારિત ગ્રામીણ વસાહતો હોવાના પુરાવાઓ મળે છે. અહીં ઈ. સ. પૂ. 900 અને ઈ. સ. પૂ. 300 વચ્ચે સંસ્કૃતિનું સંકુલ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને ઈ. સ. પૂ. 100થી ઈ. લ. પૂ. 900 સુધી ઑલ્મેક (Olmec), ટૉલ્ટેક (Toltec), મય (Mayan) અને ઍઝટેક (Aztec) જેવી મહાન સંસ્કૃતિઓનું સર્જન થયું. સ્પૅનિશોની જીત થઈ તે સમયે આશરે ઈ. સ. 1200થી ઍઝટેક પ્રજા આગળપડતું સ્થાન ધરાવતી હતી.

ક્યૂબા પર સ્પૅનિશોએ કબજો મેળવ્યા પછી, મેક્સિકોનું સંશોધન કરવાનું અને તેના પર જીત મેળવવા માટેનું કાર્ય હર્નાન કોર્ટેસ(Hernan Cortes)ને સોંપવામાં આવ્યું. આ કાર્ય બે વર્ષ સુધી ચાલ્યું. તેણે આ પ્રદેશની ઍઝટેક પ્રજા પર જીત મેળવી અને તેમના પાટનગર ટેનોક્ટિટ્લાન (Tenochtitlan) પાસે જ ઈ. સ. 1521માં મેક્સિકો નગરની સ્થાપના કરી.

સ્પૅનિશોએ કબજો મેળવ્યો તે પછી આ પ્રદેશ ન્યૂ સ્પેનની વાઇસરૉયલ્ટીનો એક ભાગ બન્યો. ઈ. સ. 1701થી 1713 વચ્ચે થયેલાં અનેક યુદ્ધોમાં સ્પૅનિશોએ સફળતા મેળવી. આ પછી મેક્સિકોનું સંસ્થાન નવા રાજકુટુંબના શાસન હેઠળ આવતાં પ્રજા પર અતિ ભારે કરવેરા ઝીંકવામાં આવ્યા, જેથી ઈ. સ. 1810થી 1815 વચ્ચે શાસન વિરુદ્ધનો વંટોળ જાગ્યો અને સ્વાતંત્ર્યની ચળવળ ગેરીલા યુદ્ધમાં પરિણમી. ઈ. સ. 1821માં લશ્કરની ટુકડીઓના બે સરદારોએ સ્પેન પાસે મેક્સિકોના સ્વાતંત્ર્યની માગણી કરી. કૉંગ્રેસ ચૂંટાઈ આવી, પણ લશ્કરી બળવો થયો અને ઈ. સ. 1824માં કૉંગ્રેસે મેક્સિકોને પ્રજાસત્તાક દેશ હોવાની જાહેરાત કરી. સંઘના બંધારણનો અમલ કરવામાં આવ્યો. મૅન્યુઅલ ફેલિક્સ ફર્નાન્ડેઝ (Manuel Felix Fernandez) કે જેઓ ગ્વાડેલૂપ વિક્ટોરિયા (Guadalupe Victoria) તરીકે વધુ જાણીતા છે, તેઓ દેશના સૌપ્રથમ પ્રમુખ ચૂંટાયા. ઈ. સ. 1833માં ઍન્ટોનિયો લોપેઝ દ સાન્તા અન્ના (Antonio Lopez de Santa Anna) સત્તા પર આવ્યા. તે પછી તેઓ કેટલીયે વાર મેક્સિકોના પ્રમુખ બન્યા.

ઈ. સ. 1845માં ટેક્સાસના જોડાણ માટે યુ.એસ.ની સરકારે મત લીધા, પરિણામે મેક્સિકન યુદ્ધ થયું અને સાન્તા અન્નાનું લશ્કર હારી ગયું. યુ.એસ.ની સરકારે મેક્સિકો નગર કબજે કર્યું. 2 ફેબ્રુઆરી, 1848ના રોજ ગ્વાડેલૂપ હિડાલ્ગો(Guadelupe Hidalgo)ની સંધિ થઈ અને તેમાં આજના ઍરિઝોના, પ. કૉલોરાડો, નેવાડા, ઉટાહ, ટેક્સાસ, કૅલિફૉર્નિયા તથા ન્યૂ મેક્સિકોનો સમાવેશ થતો લગભગ બધો જ પ્રદેશ યુ.એસ.ને સુપરત કર્યો.

ઈ. સ. 1857માં સંસ્થાનવાદના અવશેષોને નાબૂદ કરતું સુધારાવાળું નવું બંધારણ અમલમાં આવ્યું.  આ પછી આ બંધારણનો વિરોધ કરનારા રૂઢિચુસ્તો તથા ઉદારમતવાદીઓ વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયો. ઉદારમતવાદીઓના નેતા જુઆરેઝ પાછળથી દેશના પ્રમુખ બન્યા.

ઈ. સ. 1876માં પૉર્ફિરિયો ડિયાઝે (Porfirio Diaz) બળવો કર્યો અને છેવટે તેઓ પ્રમુખપદે પહોંચ્યા. ફ્રાન્સિસ્કો માદેરો (Francisco Madero) નામના બીજા એક ક્રાન્તિવાદી ઈ. સ. 1911માં પ્રમુખ બન્યા. તેમણે મજૂરજૂથના લોકો માટે સુધારાઓ કર્યા. ક્રાન્તિવાદીઓ તથા સુધારાવાદીઓના જૂથ દ્વારા ઈ. સ. 1929માં રાષ્ટ્રીય ક્રાન્તિદળ કે પક્ષ(National Revolutionary Party : PNR)ની સ્થાપના થઈ અને તેણે વીસમી સદી દરમિયાન મેક્સિકો પર શાસન કર્યું. ઈ. સ. 1938માં આ દળ કે પક્ષનું નામ ‘મેક્સિકન ક્રાન્તિદળ કે પક્ષ’ (Party of the Mexican Revolution : PRM) રાખવામાં આવ્યું અને ઈ. સ. 1946માં તે ક્રાન્તિદળ સંસ્થા(Party of Revolution Institution)માં પ્રસ્થાપિત થયું. આ સંસ્થાએ તથા તેની સાથે સંકળાયેલા રાજકારણીઓની નેતાગીરી હેઠળ વારાફરતી આવેલા ર્દઢનિશ્ચયી પ્રમુખોએ વિશાળ પાયા પર દેશમાં વિવિધ પ્રકારના સામાજિક અને આર્થિક સુધારાઓ કરાવડાવ્યા.

ઈ. સ. 1930 પછી પ્રમુખ લાઝારો કાર્ડેનાસે (Lazaro Cardenas) જમીનની માલિકી અંગેના સુધારાઓ કર્યા. આ દરમિયાન ખેતમજૂરોનાં મંડળોની રચના થઈ. એ પછી બીજા વિશ્વયુદ્ધ વખતે સરકારે દેશના આર્થિક વિકાસ પર વિશેષ ભાર મૂક્યો. ઈ. સ. 1970ના મધ્યના અરસામાં પ્રમુખ જોસ લોપેઝ પૉર્ટિલો(Jose Lopez Portillo)ની રાહબરી નીચે પેટ્રોલિયમનું ઉત્પાદન કરતા દેશોમાં મેક્સિકોનું નામ મુકાયું. આમ છતાં ખનિજતેલના ભાવોમાં ઉત્તરોત્તર ઘટાડો તથા અન્ય આયોજનને લીધે તેમના સમયમાં દેશ ભારે દેવાદાર બન્યો. આમ આ દેશ 1980 પછીથી ભારે નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા વિશાળ પાયા પરના આર્થિક વિકાસને વેગ આપવામાં આવ્યો છે તથા અર્થતંત્રમાં ઉદારીકરણ દાખલ (liberalisation of the economy) કરવામાં આવ્યું છે. વળી કેટલીક સરકારી કંપનીઓનું ખાનગીકરણ પણ કરવામાં આવી રહ્યું છે.

ઇન્સ્ટિટ્યૂશનલ રેવોલ્યુશનરી પાર્ટીએ મેક્સિકો દેશ ઉપર 1929 થી 2000 સુધી શાસન કર્યું. 1994માં ઝેયેતિસ્તા નૅશનલ લિબરેશન આર્મીએ જમીનના સુધારા નેટિવ અમેરિકનના અધિકારોની માન્યતા અપાવવાની માગણી સાથે ચિઆપસ રાજ્યમાં સશસ્ત્ર બળવો કર્યો. 1994માં ચૂંટણી થયા બાદ અર્નેસ્ટો ઝેડિલો પ્રમુખ બન્યો. ઈ. સ. 2000ની ચૂંટણીમાં નૅશનલ ઍક્શન પાર્ટીનો વિજય થયો અને વિસેન્ટી ફોક્સ પ્રમુખ થયો. ઈ. સ. 2003માં મેક્સિકોની વસ્તીના 40 % લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. 2006ના ડિસેમ્બરમાં નૅશનલ ઍક્શન પાર્ટીના ફિલિપ કેલ્ડેરન હિનોજોસાએ દેશના પ્રમુખ તરીકે સોગંદ લીધા. 1 સપ્ટેમ્બર, 2008ના રોજ પ્રમુખે જાહેર કર્યું કે લોકોની અસલામતી દેશની સૌથી મોટી સમસ્યા છે. 2009માં મેક્સિકોના લોકોએ આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેની નિકાસમાં પણ ખૂબ ઘટાડો થયો હતો.

મેક્સિકો (શહેર) : ઉત્તર અમેરિકાના મેક્સિકો દેશનું પાટનગર. તે આશરે 19° 25´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 99° 10´ પ. રેખાંશવૃત્ત પર મેક્સિકોના ઉચ્ચપ્રદેશની ખીણમાં સમુદ્રસપાટીથી લગભગ 2,240 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તે પશ્ચિમ ગોળાર્ધનાં પ્રાચીન નગરો પૈકીનું એક છે અને તે આજે દેશનું રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. વીસમી સદીના અંતભાગમાં તે વિશ્વના સૌથી મોટા નગરનું અને અતિ ઝડપથી વિકસિત થતા શહેરી વિસ્તારનું માન મેળવે છે. શહેરની વસ્તી 86,05,239 જેટલી, જ્યારે જિલ્લાની વસ્તી 1.40 (2010) કરોડ જેટલી છે.

મેક્સિકો (શહેર)

મેક્સિકો શહેરનાં આધુનિક ભવનો

અમેરિકાની શોધ થઈ તે પૂર્વે આશરે 13મી સદીમાં ઍઝટેક (Aztec) લોકો મેક્સિકોના ઉચ્ચપ્રદેશની ખીણમાં આવ્યા અને સરોવર વચ્ચેના એક કાંપનિર્મિત ટાપુ પર તેમણે ટેનોક્ટિટ્લાન (Tenochtitlan) નામના નગરનો પાયો નાખ્યો. આ નગર ધીમે ધીમે વિકસિત થવા લાગ્યું અને વિશાળ ઍઝટેક સામ્રાજ્યનું કેન્દ્ર બન્યું. ઈ. સ. 1519માં સ્પૅનિશ લશ્કરના વડા હર્નાન કોર્ટેસ(Hernan cortes)ની આગેવાની નીચે સ્પૅનિશોએ આ વિશાળ નગરમાં પ્રવેશ કર્યો, ત્યારે તેની વસ્તી આશરે એક લાખ જેટલી હોવાનું અનુમાન છે. ઈ. સ. 1521માં કોર્ટેસે ટેનોક્ટિટ્લાન પર આક્રમણ કર્યું અને તેના અવશેષો પર સ્યુદાદ દ મેક્સિકો (Ciudad de Mexico) નામના નવા સ્પૅનિશ નગરનો પાયો નાખ્યો. ત્યારબાદ આ નગર ઝડપથી વિકસવા લાગ્યું અને ઈ. સ. 1535માં નવી દુનિયામાં તેણે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. વળી આગળ જતાં તે ‘ન્યૂ સ્પેન’ નામે ઓળખાતા સંસ્થાનનું વહીવટી કેન્દ્ર પણ બન્યું.

આ નગરનું બાંધકામ કાંપની જમીનોનાં પડો પર થયેલું હોવાથી ત્યાં જ્યારે ભૂકંપ થાય છે, ત્યારે જે તે બાંધકામો વધુ અસ્થિર થતાં હોવાનું માલૂમ પડ્યું છે; જેમ કે, 1985માં અનુભવાયેલા ભૂકંપને લીધે ત્યાં મકાનો ધરાશાયી થવાથી જાનહાનિનો આંક 9,500 સુધી પહોંચ્યો હોવાનું નોંધાયું હતું. આ નગર ઉષ્ણકટિબંધમાં આવે છે, પણ ઊંચાઈને લીધે અહીં વાતાવરણમાં ઠંડક જળવાય છે. તેનું વાર્ષિક સરેરાશ તાપમાન 18° સે. જેટલું રહે છે. જોકે ડિસેમ્બર અને જાન્યુઆરી જેવા શિયાળાના મહિનાઓમાં વાતાવરણ વિશેષ ઠંડું રહે છે તથા રાત્રે હિમ(frost)નો અનુભવ થાય છે. તેની તુલનામાં એપ્રિલ અને મે માસ ગરમ રહે છે. વર્ષાઋતુ સામાન્ય રીતે મે માસના પાછલા ભાગથી સપ્ટેમ્બર માસ સુધી રહે છે, જે તાપમાનને નીચે લાવે છે. આ નગરની બધી જ બાજુએ પર્વતીય વિસ્તારો આવેલા છે, જે તેના પ્રસારમાં મર્યાદા આણે છે; એટલું જ નહિ, પણ તેને પરિણામે ઉદ્યોગો અને વાહનોમાંથી નીકળતા ધુમાડાથી તેમજ પવનથી ઘસડાઈ આવતા ધૂળના રજકણોથી હવાનું પ્રદૂષણ સર્જાય છે. આ એક મૂંઝવતી સમસ્યા છે. ઝડપી વસ્તીવધારાને કારણે તથા ઔદ્યોગિક વિકાસને લીધે આજે તે સામાજિક તણાવવાળું, અતિગીચ વસ્તીવાળું તથા પ્રદૂષણયુક્ત બની ગયું છે. આમ છતાં તે હજુ સંસ્થાનકાળનાં અને આધુનિક કાળનાં પ્રચુર માત્રામાં સ્થાપત્યો, સંગ્રહાલયો તથા ઉદ્યાનો ધરાવે છે; તેથી તેનું સૌંદર્ય અને આકર્ષણ જળવાઈ રહ્યું છે.

આ નગર રાષ્ટ્રીય અર્થતંત્રમાં મોખરાનું સ્થાન ભોગવે છે. જોકે અહીં કાચો માલ પ્રચુર પ્રમાણમાં મળતો નથી, પણ અન્ય સ્તરે પ્રાપ્ત થતી સુવિધાઓને લીધે દેશનું આશરે 13 ભાગનું ઔદ્યોગિક ઉત્પાદન અહીં થાય છે. અહીં બાંધકામ, રસાયણો તથા પ્લાસ્ટિક, સિમેન્ટ, કાપડના રેસા તથા કાપડ તેમજ પ્રવાસનને લગતા ઉદ્યોગો મુખ્ય છે. જોકે તેની આસપાસના મધ્યસ્થ જિલ્લાનાં અનેક સ્થળોએ ઑટોવાહન તથા મોટરવાહન-ઉદ્યોગનો ખૂબ સારો વિકાસ થયેલો છે. વળી આ નગરમાં ધિરાણ-લોન તેમજ વીમા સંબંધિત કંપનીઓનું પ્રમાણ વિશેષ છે. આ ઉપરાંત તે દેશની બૅંકો તથા શૅરબજારનું મુખ્ય કેન્દ્ર છે.

મૂળ ટેનોક્ટિટ્લાન નગરનું આયોજન નજર સામે રાખીને સ્પૅનિશોએ નવા મેક્સિકો સિટીની સ્થાપના કરેલી, તેથી જ્યાં પ્રાચીન સમયમાં ઍઝટેક પ્રજાજનો દ્વારા ધાર્મિક ઉત્સવોની ઉજવણી થતી હતી ત્યાં આજે મુખ્ય જાહેર ઇમારતો (buildings) જોવા મળે છે. ‘પ્લાઝા’ (plaza) તરીકે ઓળખાતો આ વિસ્તાર નગરનો હાર્દપ્રદેશ ગણાય છે. તેવી જ રીતે એક સમયે જ્યાં પ્રાચીન ઍઝટેક મંદિર હતું, ત્યાં તેને સ્થાને આજે ભવ્ય દેવળ (cathedral) ઊભું કરવામાં આવ્યું છે. વળી ઍઝટેક સમ્રાટ મોન્ટેઝુમા(Montezuma)ના મહેલના અવશેષોને સ્થાને ઓજે વાઇસરૉયનો મહેલ (રાષ્ટ્રીય મહેલ) શોભી રહ્યો છે.

આ નગરમાં મેસ્ટિઝો (યુરોપિયન અને ઇન્ડિયન લોહીના મિશ્રણવાળી) જાતિના લોકોનું પ્રમાણ વધારે છે. તેમાંના મોટાભાગના લોકો ઉત્તરના ગરીબ-ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં વસવાટ કરે છે. અહીં ગ્રામપ્રદેશમાંથી લોકોનું સતત સ્થળાંતર થતું રહે છે. મધ્યમ વર્ગનાં અને ઊંચી આવક ધરાવતાં યુરોપિયન વસ્તીજૂથો સામાન્ય રીતે શહેરના પશ્ચિમ ભાગમાં અથવા તો દક્ષિણના નવવિકસિત છેવાડાના પરાવિસ્તારોમાં વસે છે.

અહીં ઉચ્ચ શિક્ષણની અનેક સંસ્થાઓ છે, તે પૈકીની મેક્સિકોની રાષ્ટ્રીય સ્વાયત્ત યુનિવર્સિટી વધુ જૂની છે. તેની સ્થાપના ઈ. સ. 1551માં થઈ હતી. એવી જ રીતે રાષ્ટ્રીય પૉલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ, કૉલેજ ઑવ્ મેક્સિકો, આઇબેરો-અમેરિકન (Ibero-American) યુનિવર્સિટી તથા મેટ્રોપૉલિટન ઑટોનોમસ યુનિવર્સિટી વગેરે અન્ય સંસ્થાઓ છે. આ ઉપરાંત આ નગર અનેક સંગ્રહાલયો અને ઉદ્યાનો ધરાવે છે. તેમાં રાષ્ટ્રીય પ્રાચ્યમાનવવિદ્યા સંગ્રહાલય (National Museum of Anthropology) જોવાલાયક છે. આ નગરના લોકો મેટ્રો-રેલવે તથા બસો મારફત અવરજવર કરે છે. વળી મોટરવાહનો અને ઑટોવાહનોનું પ્રમાણ પણ અહીં ઘણું સારું છે. આ નગર રાજ્યપરિવહનના આંતરમાળખા સાથે સંકળાયેલું છે. તે પાટનગર હોવાથી રેલ અને સડકમાર્ગો દ્વારા દેશના અન્ય ભાગો સાથે અને તેમાં પણ ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમકાંઠાનાં બંદરો સાથે જોડાયેલું છે. વળી તે મુખ્ય ધોરી માર્ગોથી યુ.એસ. અને ગ્વાટેમાલા જેવા પડોશી દેશો સાથે પણ સંકળાયેલું છે. આ નગરના પૂર્વના પરામાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે.

બીજલ પરમાર

જયકુમાર ર. શુક્લ