મેક્સિકોનો અખાત : ઉત્તર અમેરિકાના અગ્નિકોણ પર આવેલો ઍટલાંટિક મહાસાગરનો સમુદ્રી ફાંટો. ભૌગોલિક સ્થાન : તે 25° 00´ ઉ. અ. અને 90° 00´ પ. રે.ની આજુબાજુનો, અંડાકારે પથરાયેલો, આશરે 13 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ; પશ્ચિમ, દક્ષિણ અને અગ્નિ તરફ મેક્સિકો તથા પૂર્વ તરફ ક્યૂબા આવેલાં છે. કર્કવૃત્ત તેની મધ્યમાંથી પસાર થાય છે. આ અખાત ઍટલાંટિક મહાસાગર સાથે ફ્લૉરિડાની સામુદ્રધુનીથી તથા કૅરિબિયન સમુદ્ર સાથે યુકાતાનની ખાડીથી જોડાયેલો છે. તેમાં આશરે 23,32,000 ઘન કિમી. જેટલો જળરાશિ સમાયેલો છે. સમુદ્રસપાટીથી 5,203 મીટર ઊંડાઈ ધરાવતું ‘સિગ્સબી ઊંડાણ’ (Sigsbee Deep) તેનું ઊંડામાં ઊંડું સ્થાનબિંદુ છે. ઍટલાંટિક મહાસાગરમાં વહેતો, અગત્યનો ગણાતો અખાતી પ્રવાહ કૅરિબિયન સમુદ્રમાંથી યુકાતાનની ખાડી મારફતે અહીં પ્રવેશે છે. તેમાં ચકરાવો મારી ફ્લૉરિડાની સામુદ્રધુની મારફતે ઉત્તર ઍટલાંટિક મહાસાગરમાં ઈશાન તરફ તે આગળ વધે છે. મિસિસિપી અને રિયોગ્રાન્ડ જેવી યુ.એસ.ની મુખ્ય નદીઓનાં જળ આ અખાતમાં ઠલવાય છે. તેના વધુ ખુલ્લા ભાગોમાં તેના જળની ક્ષારતા 36 ppt. જેટલી છે, જ્યારે ઉત્તર તરફ મિસિસિપીના મુખ નજીક 14થી 20 ppt. જેટલી છે. ઉનાળામાં તેના જળની સપાટીનું તાપમાન 18°થી 24° સે. જેટલું, જ્યારે શિયાળામાં ઉત્તર તરફ 18° સે. અને દક્ષિણ તરફ યુકાતાનની ખાડીના કિનારાથી દૂર 24° સે. જેટલું રહે છે. જૂનથી ઑક્ટોબરના ગાળા દરમિયાન અહીં હરિકેન(વંટોળિયા)ની અસર પ્રવર્તે છે.

મેક્સિકોનો અખાત

આ અખાત ખાદ્યસામગ્રી, ઊર્જા અને ખનિજોના કાચા માલની સંપત્તિ ધરાવે છે. તેનો કિનારો અહીંના લોકોને મનોરંજનનો લહાવો પૂરો પાડે છે. જોકે લોકો તેમાં મોટા પ્રમાણમાં કચરો પણ ઠાલવે છે. આ અખાતમાંથી રેડ સ્નૅપર, ફ્લાઉન્ડર, શ્રિંપ, મુલેટ, ઑઇસ્ટર અને કરચલા મળી રહે છે; તેથી વ્યાપારી ધોરણે અહીં માછીમારીનો વ્યવસાય પણ વિકસ્યો છે. આ અખાતની ખંડીય છાજલીમાં રહેલા ખનિજતેલનો અનામત જથ્થો લગભગ 32.6 કરોડ મેટ્રિક ટનથી વધુ તેમજ કુદરતી વાયુનો અનામત જથ્થો લગભગ 960 અબજ ઘનમીટર જેટલો હોવાનું અંદાજવામાં આવેલ છે. અહીંનાં મુખ્ય બંદરોમાં મેક્સિકોનું વેરાક્રૂઝ તથા યુ.એસ.નાં ગૅલ્વેસ્ટન, ન્યૂ ઑર્લિયન્સ, પેન્સાકોલા અને ટામ્પાનો સમાવેશ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા