મેક્સિકન કલા : પ્રાચીન ઍઝટેક સંસ્કૃતિનો વારસો ધરાવતા મેક્સિકોની અર્વાચીન કલા. પંદરમી સદીમાં સ્પૅનિશ પ્રજાએ અહીં આક્રમણ અને વસવાટનો પ્રારંભ કર્યો. તે પછી અહીંની મૂળ ઍઝટેક (ઇન્ડિયન) પ્રજા અને સ્પૅનિશ પ્રજા વચ્ચે ઘર્ષણ અને પરસ્પર સાંસ્કૃતિક સંવર્ધન સતત ચાલુ રહ્યાં. પરિણામે ઓગણીસમી સદીની બહુમતી પ્રજા મિશ્ર લોહી ધરાવતી હતી અને ઍઝટેક અને સ્પૅનિશ – એ બંને સાંસ્કૃતિક વારસો ધરાવતી હતી. તેથી ઍઝટેક અને સ્પૅનિશ કલાના સંયોગથી, પશ્ચિમી જગતમાં પ્રાચીન કલાનો વારસો ધરાવતી અનન્ય મેક્સિકન કલા જન્મી.

આરંભિક તબક્કો : સ્પૅનિશ સામ્રાજ્યની ઘાતકી અને નિષ્ઠુર હકૂમત હેઠળથી મેક્સિકો 1920માં સ્વતંત્ર થયું. તેનો પડઘો મેક્સિકોના સાંસ્કૃતિક જીવનમાં પડ્યો અને પરિણામે મેક્સિકન ચિત્રકલાનો જન્મ થયો. જે સમયે અમેરિકન અને યુરોપિયન કલાકારો ઘનવાદી, દાદા, અમૂર્ત ફ્યૂચરિસ્ટિક અને પરાવાસ્તવવાદી કલા સર્જી રહ્યા હતા ત્યારે મેક્સિકોના ર્દશ્ય-કલાકારોએ તીવ્ર રાજકારણીય ટીકાઓથી ભરેલી અને સમગ્ર સમાજને અનુલક્ષતી ચિત્રકલા સર્જી. આ કલાની નેમ, મેક્સિકોની સામાજિક-રાજકારણીય શુદ્ધિ હતી. મેક્સિકન ર્દશ્ય-કલાકારોએ શિલ્પની ઉપેક્ષા કરી અને ચિત્રકલામાં પણ વિરાટ કદનાં ભીંતચિત્રો સર્જવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેથી વધુમાં વધુ સંખ્યામાં મેક્સિકન પ્રજા આ કલાનો લાભ ઉઠાવી શકે. સ્પેનથી સ્વતંત્ર થયા પછી શરૂઆતમાં સ્પૅનિશ મૂળ ધરાવતી પ્રત્યેક ચીજવસ્તુ અને વિચારની ઉપેક્ષા થવા માંડી. મેક્સિકો નગરમાં સ્થાપત્ય ફ્રેન્ચ શૈલીમાં સર્જાયું. કપડાં, ઘરેણાં, બોલચાલની રીતભાત ઇત્યાદિ નાનીમોટી બાબતોમાં ફ્રેન્ચ પ્રથાના અનુકરણની ફૅશન થઈ પડી. લોકો ઉચ્ચ અભ્યાસ માટે ફ્રાન્સ ભણવા જવા માંડ્યા. 1876 પછી, જનરલ ડાયસના સત્તાકાળમાં રૂઢ (academic) ફ્રેન્ચ કલા મેક્સિકોની કલાશાળામાં શિખવાડવામાં આવતી હતી. અહીં વિદ્યાર્થીઓ પાસે પ્રાચીન ગ્રેકોરોમન પૂતળાં, વાસણો તથા સ્પૅનિશ ચિત્રકાર મૂરીલ્યોનાં ચિત્રોનું અનુકરણ કરાવવામાં આવતું. વીસમી સદીના પ્રારંભમાં ચિત્રકારો મૅક્વિન ક્લોસેલ તથા એલ્ફ્રિડો રેમોસ માર્ટિનેધ(1881–1946)નાં ચિત્રોમાં પ્રભાવવાદની અસર જોવા મળે છે.

આધુનિક મેક્સિકન કલાના મહત્વના કલાકારોમાં સૌથી પ્રથમ સ્થાન 1875માં જન્મેલ ડૉ. એટલનું છે. દાક્તરી વ્યવસાય ધરાવતા ડૉ. એટલનું મૂળ નામ ગેરાર્ડો મૂરીલ્યો હતું; પણ ‘મૂરીલ્યો’ નામ, પોતાના ભારોભાર તિરસ્કારને પાત્ર બનેલી રૂઢ સ્પૅનિશ કલાનું પ્રતીક જણાવાથી તેમણે એ નામનો ત્યાગ કર્યો અને મેક્સિકોના મૂળ નિવાસીનાં નામોમાંથી એક ‘એટલ’ પસંદ કર્યું. જૂની ઘરેડના એક વ્યક્તિચિત્ર(portrait)ના કલાકાર પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. 1896માં રોમ જઈ તેમણે ફિલસૂફી અને કાયદાનો અભ્યાસ કર્યો. 1904માં મેક્સિકો પાછા ફરી મેક્સિકોની નવી કલાની ચળવળનો પ્રારંભ કર્યો. આ ચળવળના પાયામાં બે મુદ્દાઓ હતા, જે છેક સુધી મહત્વના બની રહ્યા : (1) ભીંતચિત્ર અને (2) મેક્સિકોની સંસ્કૃતિનું મેક્સિકીકરણ. આ ચળવળના સંદર્ભમાં ડૉ. એટલે હડતાળો પડાવી, ધરણા યોજ્યા, નવપ્રભાવવાદી કલાને સમર્થન આપ્યું તથા ગદ્ય, પદ્ય અને વિવેચનની કૃતિઓ પ્રકાશિત કરી. 1910માં ડૉ. એટલે ‘સેન્ટ્રો આર્ટિસ્ટિકો’ નામે કલાકારોનું સંગઠન રચ્યું. તેના પ્રતાપે નવી કલાનો જે ઉન્મેષ પ્રકટ્યો તેમાં ફ્રાન્સિસ્કો ગોઈશિયાનું નામ મોખરે છે. 1884માં જન્મેલ ગોઈશિયાએ મેક્સિકો નગરની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરેલો. તે મેક્સિકો નગરના કોઈ છાપખાનામાં એચિંગ ચિત્રોનું કામ કરી રોજગાર કમાતા. 1904માં મેક્સિકો સરકારની સ્કૉલરશિપ મળતાં વધુ અભ્યાસાર્થે તેઓ ઇટાલી ગયા. થોડો સમય સ્પેનમાં પણ વિતાવ્યો. 1912માં મેક્સિકો પાછા ફરી નૈસર્ગિક શૈલીમાં મેક્સિકન જીવનનાં ચિત્રો સર્જવાં શરૂ કર્યાં. 1925માં સર્જાયેલ ‘ટારા જેસુક્રિસ્ટ્રો’ને ગોઈશિયાની શ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવે છે.

 મુદ્રણક્ષમ કલાનાં માધ્યમોમાં કલાકૃતિઓ સર્જનાર પ્રથમ મહત્વના મેક્સિકન કલાકાર પોસાડા છે. લિથોગ્રાફી, એચિંગ તથા કાષ્ઠ-છાપ ચિત્ર – એ ત્રણ તેમનાં માધ્યમ હતાં. રાજકીય વિષયોને ચિત્ર-વિષય બનાવનાર પણ એ પ્રથમ મેક્સિકન કલાકાર છે. 1860થી 1870 સુધીના ફ્રેન્ચ વ્યંગચિત્રકારોનો તેમની શૈલી પર પ્રભાવ હતો. જનરલ ડાયસનો વિરોધ કરનાર ‘વેનેગસ ઓરોયો’ જેવાં અનેક છાપાંમાં તેમનાં વ્યંગચિત્રો છપાતાં. અનુગામી મેક્સિકન કલાશૈલીનાં રિવેરા અને ઓરોઝ્કો જેવી પ્રતિભાનાં મૂળિયાં પોસાડામાં જોઈ શકાય છે. પોસાડાએ 1890માં પોતાની મુદ્રણક્ષમ કલાની દુકાન શરૂ કરી. ઘરની સ્ત્રીઓ તેમની મુદ્રણક્ષમ કલામાં હાથ વડે રંગો ભરતી. આ કામ ભડક રંગોમાં સ્ટેન્સિલ વડે થતું. મેક્સિકો નગરની રાજ્ય-સંચાલિત કલાશાળાની રૂઢ કલા કરતાં પોસાડાની કલા તદ્દન જુદી જ હતી.

મૂળ ઍઝટેક પ્રજાની સદીઓ જૂની પરંપરાથી શરૂ કરીને પહેલેથી જ મેક્સિકોની કલામાં માનવ-હાડપિંજરની આકૃતિ કેન્દ્રસ્થાને રહેલી જોવા મળે છે. પોસાડાએ પણ પોતાની કલાના કેન્દ્રમાં માનવ-હાડપિંજર રાખ્યું હતું, તત્કાલીન સામાજિક અને રાજકીય પરિસ્થિતિને પોતાના પ્રહારનું લક્ષ્ય બનાવનારી તેમની કલામાં આ માનવ-હાડપિંજર ઘાતકી ક્રૂરતાનું પ્રતીક બની રહ્યું. મેક્સિકન પ્રજામાં તેમની કલાએ અપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી અને તેમનાં ચિત્રોની મુદ્રણક્ષમ કલા વડે સર્જાયેલી નકલો ખરીદવા તેમની દુકાને નગરજનોની પડાપડી થતી.

1919માં રૉબર્ટો મોન્ટેનિગ્રો નામના પ્રતિભાશાળી મેક્સિકન ચિત્રકારે મેક્સિકોની લોકકલાનાં સંશોધન અને સંગ્રહ માટેનું કાર્ય હાથ ધર્યું. આખરે આ સંગ્રહ મેક્સિકો નગરમાં મ્યુઝિયો નૅશનલ દ આર્તે પ્લાસ્ટિકાઝ નામે ઓળખાતું કાયમી મ્યુઝિયમ બની રહ્યો. ડૉ. એટલે પણ આ મ્યુઝિયમમાં પોતાનો ફાળો આપેલો. 1920માં મેક્સિકોની લોકકલાઓની તેમણે મોજણી કરેલી અને એકઠી કરેલી કલાકૃતિઓ આ મ્યુઝિયમને ભેટ આપેલી.

1919માં મેક્સિકન સરકારના એક ક્રાંતિકારી પગલા રૂપે કલાના કેટલાક તરુણ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે યુરોપ મોકલવામાં આવ્યા : સિક્વેરોસ, ઓરોઝ્કો, રોમેરો, એમેડો દ લા કુઈના તથા ઝેવિયર ગ્વેરેરો – આ બધાએ ભવિષ્યમાં મહાન કલાકારો તરીકે નામ કાઢ્યું હતું.

ડિસેમ્બર, 1920માં આલ્વારો ઑબ્રેગોન મેક્સિકોના પ્રમુખ બનતાં મેક્સિકન ક્રાંતિનો લશ્કરી તબક્કો પૂરો થયો. ઑબ્રેગોનના શિક્ષણમંત્રી જોઝે વાસ્કોન્ચેલોસે શિક્ષણ અને કલા માટે મોટાં બજેટ મંજૂર કર્યાં.

વાસ્કોન્ચેલોસે ર્દશ્ય કલાના મુખ્ય માધ્યમ તરીકે ભીંતચિત્રને પસંદ કર્યું; કારણ કે જાહેર સ્થળો અને મકાનોની બહારની સપાટી પર સર્જવામાં આવતાં ભીંતચિત્રો જનમેદની વિના મૂલ્યે માણી શકે છે. શિક્ષણપ્રધાન બનતાં અગાઉ જ તેમણે સાન પેદ્રો ઈ સાન પાબ્લો કૅથીડ્રલમાં રૉબર્ટો મોન્ટેનિગ્રો અને ઝેવિયર ગ્વેરેરોને ભીંતચિત્રો ચીતરવાનું કામ સોંપેલું; મંત્રી બન્યા પછી તેમણે મેક્સિકો નગરમાં આધુનિક કલાની કૉલેજ શરૂ કરી.

1921માં ‘વીદા અમેરિકા’ નામના સામયિકના પ્રકાશિત થયેલ એકમાત્ર અંકમાં આલ્ફારો સિક્વેરોસે સ્પેનના બાર્સલોના નગરમાં પોતાનો ઘોષણાપત્ર પ્રકાશિત કર્યો. આ ઘોષણાપત્રમાં સ્પષ્ટ થયેલ મુદ્દાઓને આધારે ભવિષ્યમાં મેક્સિકન કલાનું ઘડતર થયું. આ ઘોષણાપત્રમાં આધુનિક અમૂર્ત કલા પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જનસામાન્ય સમજી અને માણી શકે તેવા પ્રણાલીગત વિષયોને કલાકૃતિનો વિષય બનાવવાની હિમાયત તેમાં હતી. કલા લાગણીને ઉત્તેજિત કરી શકે તેવી સક્ષમ હોવી જોઈએ તેવી પણ તેમાં હિમાયત કરાઈ હતી. તેમાં સમાજના મુઠ્ઠીભર ધનિકો માટે નહિ, પણ જનસામાન્ય માટે કલાસર્જન કરવાનો અનુરોધ કરાયો હતો. આથી, કલા વેચાણ માટે રહેવાની ન હોવાથી જળરંગી ચિત્રો તથા કૅન્વાસ પરનાં તૈલરંગી ચિત્રોના સર્જન પર નિષેધ મૂકી, જનસામાન્ય માટે વિરાટકાય મકાનોની બહારની દીવાલો પર વિશાળ ભીંતચિત્રોના સર્જનનું સમર્થન કરવામાં આવ્યું.

વિદેશયાત્રાથી ડાયેગો રિવેરા 1921માં અને સ્પેનથી સિક્વિરોસ 1922માં પાછા ફર્યા અને ચિત્રકાર ક્લેમેન્ટો ઓરોઝ્કો સાથે ચિત્રસર્જન શરૂ કર્યું. યુકાતાન પ્રાંતના ગવર્નર ફિલિપ કેરિલો પ્થુઅર્તોએ વાસ્કોન્ચેલોસ, રિવેરા તથા બોસ્ટ-મોગાર્ડને યુકાતાનની સાંસ્કૃતિક મોજણી કરવા આમંત્રિત કર્યા. એ મોજણી પરથી બેસ્ટ મોગાર્ડે સિદ્ધ કર્યું કે મેક્સિકોની પ્રાચીન-પ્રણાલીગત કળા સીધી, અંતર્ગોળ તથા બહિર્ગોળ રેખાઓ પર આધારિત હતી તથા તેમાં સર્પિલ આકૃતિઓનું બાહુલ્ય હતું. ડૉ. એટલનાં સંશોધનોથી પણ આ તારણને પુષ્ટિ મળી. પછી પ્રાચીન-પ્રણાલીગત કલાના પુનરુત્થાનના પ્રયત્નો શરૂ થયા તેના ભાગ રૂપે ડૉ. એટલે મીણના માધ્યમ વડે સાન પેદ્રો ઈ સાન પાબ્લો નામના કૅથીડ્રલની ભીંતો પર ચિત્રો ચીતર્યાં. આ મીણનું માધ્યમ ભીંતો પર ટકી ન શક્યું ને તેથી તે દ્વારા આળખેલાં ભીંતચિત્રો તુરત જ નાશ પામ્યાં.

1922માં નૅશનલ પ્રિપૅરટરી સ્કૂલના ડિરેક્ટર લૉમ્બાર્ડો રોલેડેનોએ એક ચિત્રકાર જૂથને સ્કૂલની ભીંતો પર ચિત્રો ચીતરવા માટે આમંત્રણ આપ્યું. એ જૂથે ઇટાલિયન રેનેસાં યુગની ફેસ્કો પદ્ધતિથી ભીંતચિત્રો સર્જ્યાં. આ પદ્ધતિમાં ભીના પ્લાસ્ટર પર ખનિજ રંગોથી ચિત્રણ કરવામાં આવે છે.

1922ના સપ્ટેમ્બરમાં સિન્ડિકેટ ઑવ્ ટૅકનિકલ વર્કર્સ, પેન્ટર્સ ઍન્ડ સ્કલ્પ્ટર્સ નામે કલાકારોનું ટ્રેડ યુનિયન રચાયું. આ ટ્રેડ યુનિયનના કલાકારોએ શિક્ષણ-મંત્રાલયનાં વિવિધ મકાનો પર ચિત્રકામ કરવું શરૂ કર્યું.

પ્રિપૅરટરી સ્કૂલની ભીંત પર ઓરોઝ્કોએ ‘ક્રાઇસ્ટ ડિસ્ટ્રૉઇંગ હિઝ ઓન ક્રૉસ’ નામે વિવાદાસ્પદ ચિત્ર સર્જ્યું. ખ્રિસ્તી ધર્મ પર અનિષ્ટ ટકોર કરવાના આક્ષેપ સાથે મેક્સિકોની મહિલાઓએ આ ચિત્રનો નાશ કર્યો. આ પ્રતિક્રિયાનો પછી બદલો લેતા હોય તેમ ઓરોઝ્કોએ પ્રિપૅરટરી સ્કૂલના બીજા માળની ભીંતે આ મહિલાઓનાં ઠઠ્ઠાચિત્રો સર્જ્યાં.

ઑબ્રેગોનનો શાસનકાળ પૂરો થતાં નવા શાસક કાલેસે ટ્રેડ યુનિયનને ચિત્રકામ આપવું બંધ કર્યું અને તેથી તેમને પગાર આપવો પણ બંધ કર્યો. ભીંતચિત્રો તરફી અને વિરોધી જૂથો વચ્ચેનો સંઘર્ષ તીવ્ર થતો ગયો. શિક્ષણપ્રધાન પર જનતાના પરસેવાનાં નાણાંના દુર્વ્યયનો આક્ષેપ મુકાયો. પ્રિપૅરટરી સ્કૂલના બીજા માળે ઓરોઝ્કોએ સર્જેલ ભીંતચિત્રો પર જનસમુદાયે ઉઝરડા પાડ્યા; પરંતુ રિવેરાએ જ્યાં ભીંતચિત્રો સર્જેલાં તે શિક્ષણ-મંત્રાલયનું ર્દશ્ય કંઈક અલગ હતું. રિવેરા તેના સાથીદારો સાથે પિસ્તોલ અને રિવૉલ્વર સાથે સજ્જ થઈને પોતે સર્જેલાં ચિત્રોનું રક્ષણ કરતા અડીખમ ઊભા હતા, પરંતુ થોડેક જ દૂર આવેલ પ્રિપૅરટરી સ્કૂલમાંનાં ઓરોઝ્કોનાં ભીંતચિત્રો બચાવવા માટે મદદ કરવાનો ધરાર ઇનકાર કર્યો. આમ છતાં, સમગ્ર આધુનિક મેક્સિકન કલાના નેતા તથા અગ્રયાયી કલાકાર તરીકે રિવેરાનું નામ નિર્વિવાદપણે સ્પષ્ટ થતું ગયું. તેમનામાં પ્રચારની અદભુત સૂઝ હતી. રિવેરાનાં ચિત્રોમાં આકારો સરળ છે અને રંગો ભભકાદાર છે.

ઓરોઝ્કોનાં ચિત્રોમાં આકૃતિઓમાં અભિવ્યક્તિવાદી વિકૃતિ છે. સિક્વિરૉસનાં ચિત્રોમાં ગતિમાન આકૃતિઓ જોવા મળે છે. સામ્રાજ્યવાદ અને મૂડીવાદ પર આકરા પ્રહાર રિવેરાની કલામાં જોવા મળે છે. વળી માનવશ્રમ, ભાઈચારો અને શ્રમનો મહિમા પણ તેમાં જોવા મળે છે. યુવાવસ્થામાં રિવેરા જોઝે મારિયા વાલેસ્કો નિસર્ગ-ચિત્રકાર હતા. આ પછી તેઓ પીના અને ફેલિક્સ પારા નામના ચિત્રકારોના પણ શિષ્ય થયા. પોસાડાની મુદ્રણક્ષમ કલાની રિવેરા પર અસર છે. 1907માં 21 વરસની ઉંમરે કલાના વધુ અભ્યાસ માટે રિવેરા યુરોપ ગયા. ફ્રાન્સમાં ગોગાં, સેઝાં તથા પિકાસોની શૈલીનો પ્રભાવ તેમણે ઝીલ્યો. 1920 અને 1921માં તેમણે ઇટાલીની મુલાકાત લીધી તથા ઇટાલિયન ગૉથિક તથા રેનેસાંસ કલાનો અભ્યાસ કર્યો.

1928માં રિવેરાની સોવિયેત યુનિયનની મુલાકાતને પ્રતાપે તેમણે રશિયન ચિત્રકાર માલેવિચની કલાનો પ્રભાવ ઝીલ્યો. હવે તેમની કલામાં અમૂર્ત ભૌમિતિક આકારો પ્રધાન બન્યા. 1930માં તેમણે શેટિમન્ગો કૅથીડ્રલ, સેકેટેરિયા, મેક્સિકન સ્ટૉક એક્સચેન્જ તથા કેટલીક શાળાઓની ભીંતો પર વિશાળ ભીંતચિત્રો ચીતર્યાં. એ વર્ષે તેમણે અમેરિકાની મુલાકાત લીધી. ડેટ્રૉઇટ નગરમાં ફૉર્ડ કંપનીના મકાનમાં મોટરગાડીઓના ઉત્પાદનમાં વ્યસ્ત કામદારોનું વિશાળ ભીંતચિત્ર તેમણે બનાવ્યું. હવે આધુનિક ઔદ્યોગિક જીવન તથા ઔદ્યોગિક કામદારો તેમની ચિત્રકલાનો પ્રધાન વિષય બની રહ્યા. મેક્સિકન સરકારના શિક્ષણ-મંત્રાલયની ભીંત પર તેમણે કરેલું ચિત્ર ‘એગ્ઝિટ ફ્રૉમ માઇન’ તેમની સર્વોત્તમ કલાકૃતિ ગણાય છે. આ ચિત્રમાં પાળી પૂરી થતાં બહાર નીકળતા ખાણિયાનું ર્દશ્ય નિરૂપાયું છે. ચોકીદાર તેમને નીકળવા દેતા અગાઉ વારાફરતી તપાસે છે. આવો એક ખાણિયો, બે હાથ પહોળા કરીને ઊભો છે. તેની આ મુદ્રા ક્રૉસ પર ચઢાવાયેલા ઈસુ ખ્રિસ્તની મુદ્રા સાથે સામ્ય ધરાવે છે. એક સામાન્ય ખાણિયાની અને ઈસુની જીવનપરિસ્થિતિ વચ્ચેના સામ્યને આ ચિત્રમાં ચીંધી બતાવ્યું છે. બંને અમાનુષી ક્રૂરતા અને અપમાનને હસતા મુખે સહન કરે છે. 1931માં રિવેરાએ પોતાને સામ્યવાદી જાહેર કર્યા. આમ થવાથી અમેરિકામાંનાં તેમનાં કેટલાંક ભીંતચિત્રોનો ધ્વંસ કરવામાં આવ્યો; આમ છતાં, ઘણા અમેરિકન નાગરિકોએ અને કૉર્પોરેટ કંપનીઓએ ભીંતચિત્રો ચીતરવાનું કામ આપવું ચાલુ રાખ્યું.

ઓરોઝ્કોનાં ચિત્રોમાં લૅટિન અમેરિકાની સામાજિક-રાજકીય જાગૃતિ જોવા મળે છે. તેમની પ્રખ્યાત ભીંતચિત્રકૃતિ ‘ફૉલ્સ લીડર્સ ઍન્ડ ધેર ઍલિઝ’માં લૅટિન અમેરિકન દેશોના નિગ્રૉઇડ નેતાઓની ઘાતકી અમાનવતા તથા પાશવી માનસનું ચિત્રણ જોવા મળે છે. તેમની અન્ય એક ભીંતચિત્રકૃતિ ‘કાર્નિવલ આઇડિયૉલૉજિઝ’માં વિશ્વના તત્કાલીન નેતાઓને દર્શાવ્યા છે; હિટલર, મુસોલીની અને સ્ટાલિન; તેમની પર સ્વસ્તિક, ક્રૂસ તથા દાતરડા અને હથોડીનાં પ્રતીકો ચીતર્યાં છે. સમગ્ર ચિત્ર જુગુપ્સાની લાગણી જગાવે છે. તેમની અન્ય જાણીતી ભીંતચિત્રકૃતિઓમાં ‘કેથાર્સિસ’, ‘ધ વિક્ટિમ્સ’ અને ‘ધી આઉટકાસ્ટ્સ’નો સમાવેશ થાય છે. લૅટિન અમેરિકાના સામાન્ય જનોની દર્દનાક જીવનદશા અને તેમનો વ્યાપક ભ્રષ્ટાચાર આ ચિત્રોમાં આલેખાયાં છે.

સિક્વિરોસ ચિત્રકાર હોવા સાથે સક્રિય રાજકારણી પણ હતા. તેઓ ચુસ્ત માર્કસવાદી હતા. મેક્સિકન સરકારે તેમની અનેક વાર ધરપકડ કરી હતી. તેમણે અનેક વર્ષો જેલમાં વિતાવ્યાં હતાં. દલિતો-પીડિતોની વર્ગવ્યવસ્થા સામેના સંઘર્ષમાં તેમણે ભીંતચિત્રકલા વડે યોગદાન આપ્યું. જાહેર જનતાના સમૂહશિક્ષણ માટે જાહેર સ્થાપત્યો પર, રસ્તા તરફ પડતી દીવાલો પર, બહારની બાજુએ વિરાટકાય ભીંતચિત્રો સર્જ્યાં, જેથી જાહેર રસ્તા પર તે સેંકડો મીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય એ રીતે તે રસ્તે પસાર થતા લાખો લોકો રોજ તે ચિત્રોને જોઈ શકે. વાહનો પર રંગરોગાન માટે વપરાતાં પાઇરૉક્સિલિન રંગો અને દુ પો રંગો જેવા સ્પ્રે પેઇન્ટ(છંટકાવ રંગો)નો ભીંતચિત્રમાં ઉપયોગ કરનાર પ્રથમ કલાકાર સિક્વિરોસ હતા.

સ્થિર કૅમેરા તથા ચલચિત્ર કૅમેરાની સહાય પણ તેમણે ચિત્રકલામાં લીધી. આને કારણે સ્થળલક્ષી અસરો, ઘનત્વ તથા ગતિશીલતા તેમનાં ચિત્રોમાં વધુ સ્પષ્ટ થયાં. કૅમેરા વડે વસ્તુલક્ષિતા અને વાસ્તવવાદની વધુ નજીક જઈ શકાય તેવો તેમનો મત હતો. પ્રસિદ્ધ રશિયન ચલચિત્રકાર આઇઝેનસ્ટાઇન સાથેની ઘનિષ્ઠ મૈત્રી પણ તેમને તેમના આ હેતુની સિદ્ધિ માટે મદદગાર નીવડી. તેમની શિરટોચસમી કૃતિ છે ‘ધ ટ્રાયલ ઑવ્ ફાસિઝમ’. એ ચિત્રમાં ફાસીવાદ, સામ્રાજ્યવાદ અને આપખુદશાહી પર આકરા પ્રહારો કરાયા છે. મુસોલીનીને બાજના મસ્તિષ્કવાળો બતાવ્યો છે. લોકશાહીનું મંદિર સળગતું બતાવ્યું છે. આધુનિક નેતાઓને સિતમગાર તરીકે રજૂ કરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં તેમણે ઇટાલિન ફ્યૂચરિસ્ટિક ચિત્રકારોએ અખત્યાર કરેલી પદ્ધતિનો વિનિયોગ કર્યો છે : હવામાં અધ્ધર ચકરી ખાતી વસ્તુઓ–વ્યક્તિઓની આકૃતિઓ, ઉપરાછાપરી ચીતરેલી પારદર્શક આકૃતિઓ તથા આકૃતિઓમાં ધસમસતા વેગનું આલેખન તેમણે કર્યું છે. ભાવક ચિત્રની શક્તિથી દબાઈ જાય તેવી લાગણી તેમનાં ચિત્રો સામે ઊભો રહેનાર દર્શક અનુભવે છે. વળી ચિત્રને ઊભા રહીને નિહાળવાનું સ્થળ બદલતાં દર્શક, પાંડવો માટેના મયદાનવરચિત મહેલમાં હોય તેવી જાદુઈ ભુલભુલામણીનો અનુભવ કરે છે. આ ચિત્રમાં હિટલરને ગીધના માથાવાળો દર્શાવ્યો છે. આ ચિત્રો જોતાં, દર્શક ચલચિત્રના કૅમેરા વડે સતત બદલાતું રહેતું ગતિમાન ચિત્ર પોતે જોઈ રહ્યો હોય તેવો અનુભવ કરે છે.

એક અન્ય મેક્સિકન ચિત્રકાર તામાયો આ સમયે દીવાલોના સુશોભન માટેનાં, નાના કદનાં કૅન્વાસ પરના તૈલરંગોથી પદાર્થચિત્રો, ફૂલો અને વ્યક્તિચિત્રોના સર્જન માટે જાણીતા બન્યા. જાહેર જનતાના હિતાર્થે ચિત્રકલાનો તેમણે વિરોધ કર્યો. રિવેરા, ઓરોઝ્કો અને સિક્વિરોસની કલાને પ્રચારાત્મક કહીને તેમણે વખોડી કાઢી અને તેમણે પોતે શુદ્ધ કલાની આરાધના કરી.

અમિતાભ મડિયા