બૉઇલ, રૉબર્ટ (જ. 25 જાન્યુઆરી 1627, લિસ્પોર, આયર્લેન્ડ; અ. 30 ડિસેમ્બર 1691, લંડન) : વાયુઓના ગુણધર્મોને લગતા પ્રયોગો માટે જાણીતા પ્રાકૃતિક ફિલસૂફ અને બ્રિટિશ રસાયણવિદ. તેઓ દ્રવ્યના કણમય સ્વરૂપના ખ્યાલને અને એ રીતે રાસાયણિક તત્વોના આધુનિક સિદ્ધાંતને ટેકો આપનારા હતા.
પ્રથમ અર્લ ઑવ્ કોર્કનાં 14 સંતાનો પૈકી તેઓ સૌથી નાના હતા. 1635માં તેમને ઇટન કૉલેજ ખાતે મોકલવામાં આવેલા, જ્યારે 1639થી 1644નાં વર્ષો તેમણે તેમના ભાઈ ફ્રાન્સિસ તથા ટ્યૂટર સાથે યુરોપમાં મહદ્અંશે સ્વિટ્ઝર્લૅન્ડમાં ગાળ્યાં હતાં. ઇટાલીમાં તેમણે તેવામાં જ અવસાન પામેલા ગૅલિલિયોના કાર્યનો અભ્યાસ કર્યો હતો. તેમના પિતાનું અવસાન થવાથી તેઓ 1644થી 1655ના ગાળામાં ડૉર્સેટમાં સ્ટૉલબ્રિજ ખાતે પોતાની જાગીર ઉપર જ રોકાયા હતા.
1656થી 1668નાં વર્ષો તેમણે ઑક્સફર્ડ ખાતે ગાળ્યાં. ત્યાં તેમને જાણીતા શોધક રૉબર્ટ હુકની મદદ મળી, જેણે તેમને વાત-પંપ(air pump)ની રચનામાં મદદ કરી, તેની મદદથી બૉઇલે પાયારૂપ પ્રયોગો કરી હવાના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો તથા એમ પણ દર્શાવ્યું કે શ્વસન માટે, દહન માટે તથા અવાજના સંચરણ (transmission) માટે હવા જરૂરી છે. તેમણે એમ પણ દર્શાવ્યું કે શૂન્યાવકાશમાં બધા પદાર્થો સરખા વેગથી નીચે પડે છે તેવું ગૅલિલિયોનું વિધાન સાચું છે.
તેમનો વિખ્યાત પ્રયોગ એક U-આકારની નળીના ટૂંકા અને બંધ છેડામાં હવાને ભરી નળીના બીજા, ખુલ્લા છેડામાં મર્ક્યુરી ઉમેરતા જઈ હવાને દબાણ આપવાનો હતો. તેમણે દર્શાવ્યું કે જ્યારે દબાણ બમણું કરવામાં આવે છે ત્યારે હવાનું કદ અર્ધું થાય છે. આ તારણ બૉઇલના નિયમ તરીકે જાણીતું બન્યું. આ નિયમ મુજબ નિયત તાપમાને હવાના ચોક્કસ (fixed) વજનના જથ્થા માટે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, pV = અચળાંક. 1660માં તેમણે તેમનું સંશોધનકાર્ય ‘ન્યૂ એક્સ્પેરિમેન્ટ્સ ફિઝિયો-મિકૅનિકલ, ટચિંગ ધ સ્પ્રિન્ગ ઑવ્ ધી એર ઍન્ડ ઇટ્સ ઇફેક્ટ’ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યું હતું.
1661માં તેમણે પ્રકાશિત કરેલ ‘ધ સેપ્ટિકલ કેમિસ્ટ’ દ્વારા રસાયણશાસ્ત્રના આધુનિક ર્દષ્ટિબિંદુ માટે રસ્તો બતાવ્યો અને ઍરિસ્ટોટલનાં ચાર તત્વો(પૃથ્વી, હવા, અગ્નિ અને પાણીના)ના મતને તથા પેરાસેલ્સસનાં ત્રણ તત્વો(ક્ષાર, ગંધક અને મર્ક્યુરી)ના સિદ્ધાંતને બાજુ પર મૂકી દીધાં. તત્વોને તેમણે ‘પ્રાથમિક અને સાદા અથવા સંપૂર્ણપણે ભેળસેળ વિનાના પદાર્થો’ તરીકે સૂચવ્યાં. તત્વોમાંથી સંયોજનો બનાવી શકાય છે તથા સંયોજનનું તેમનાં તત્વોમાં વિભાજન થઈ શકે છે તેમ પણ તેમણે સૂચવ્યું. આ સૂચનનો પાછળથી લૅવોઇઝિયરે ઉપયોગ કર્યો હતો. આમ બૉઇલના કારણે જ પ્રિસ્ટલી અને લૅવોઇઝિયર રાસાયણિક ક્રાંતિ લાવી શક્યા હતા.
તેમના પ્રાયોગિક કાર્યમાં ધાતુઓના નિસ્તાપન(calcination)નો તથા ઍસિડિક અને આલ્કલાઇન પદાર્થો વચ્ચે તફાવત પારખવાનો પણ સમાવેશ થાય છે. રાસાયણિક સૂચકો(chemical indicators)ના ઉપયોગનો આ પાયો ગણી શકાય. વ્યાપાર અને ઉત્પાદનની કેટલીક વિધિઓમાં પણ તેઓ રસ ધરાવતા હતા.
તેઓ રૉયલ સોસાયટીના સ્થાપક સભ્ય હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે રૉયલ સોસાયટી તથા ન્યૂ ઇંગ્લૅન્ડ કંપનીમાં રસ લેવાનું ચાલુ રાખેલું.
પ્રહલાદ બે. પટેલ