બૉઈલ, વિલાર્ડ એસ. (Boyel, Willard S.)

January, 2000

બૉઈલ, વિલાર્ડ એસ. (Boyel, Willard S.) (જ. 19 ઑગસ્ટ 1924 ઍમહર્સ્ટ, કૅનેડા અ. 7 મે 2011, વૉલેસ, કૅનેડા) : પ્રતિબિંબન અર્ધવાહક પરિપથ અર્થાત્ વિદ્યુતભાર–યુગ્મિત ઉપકરણ(CCD સેન્સર– સંવેદનમાપક)ની શોધ માટે 2009નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ શોધ માટે પુરસ્કારનો અર્ધભાગ વિલાર્ડ બૉઈલ તથા જ્યૉર્જ સ્મિથને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય અર્ધભાગ ચાર્લ્સ કે. કાઓને પ્રકાશિકી સંદેશાવ્યવહાર માટે તંતુઓમાં પ્રકાશના પ્રસારણને લગતી શોધ માટે પ્રાપ્ત થયો હતો.

 વિલાર્ડ એસ. બૉઈલ

વિલાર્ડ બૉઈલના પિતા તબીબ (medical doctor) હતા. 14 વર્ષની ઉંમર સુધી તેમણે ઘરે જ માતા પાસેથી શિક્ષણ લીધું. ત્યારબાદ તેમણે મૉન્ટ્રિયલની લોઅર કૅનેડા કૉલેજમાંથી શાળાકીય અભ્યાસ પૂરો કર્યો. તેમણે મૅકગિલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો પણ તરત જ 1943માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમને રૉયલ કૅનેડિયન નેવીમાં જોડાવું પડ્યું. 1947માં તેમણે વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી અને 1948માં અનુસ્નાતક તથા 1950માં પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી. તે પછી એક વર્ષ, તેમણે કૅનેડાની રેડિયેશન લૅબોરેટરીમાં તથા બે વર્ષ કૅનેડાની રૉયલ મિલિટરી કૉલેજમાં શૈક્ષણિક કાર્યમાં પસાર કર્યાં.

1953માં તેઓ ‘બેલ લૅબ્સ’માં જોડાયા અને અહીં તેમણે પ્રથમ સત કામ કરતા રુબી લેસરની શોધ કરી. આ શોધમાં ડૉન નેલ્સન તેમના સહકાર્યકર્તા હતા. 1962માં તેમને બેલકૉમના અવકાશ વિજ્ઞાન વિભાગના વડા બનાવવામાં આવ્યા, આ વિભાગ અપોલો અવકાશ યોજનાને મદદરૂપ થતો હતો. 1964માં તેઓ ‘બેલ લૅબ્સ’માં પાછા ફર્યા અને સંકલિત પરિપથના વિકાસ પર કાર્ય આરંભ કર્યું.

1969માં વિલાર્ડ બૉઈલ અને જ્યૉર્જ સ્મિથે સંયુક્ત રીતે વિદ્યુતભાર-યુગ્મિત ઉપકરણની શોધ કરી જેને માટે તેમને 2009માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. તેમને 1973માં ફ્રૅન્કલિન ઇન્સ્ટિટ્યૂટનો સ્ટુઅર્ટ બૅલન્ટાઇન ચંદ્રક તથા 1974માં IEEEનો મૉરિસ લિબમૅન પુરસ્કાર અર્પણ થયો. વિદ્યુતભાર-યુગ્મિત ઉપકરણની મદદથી NASA (નાસા) અવકાશમાંથી સ્પષ્ટ ચિત્રો પૃથ્વી પર મોકલી શકે છે. ડિજિટલ કૅમેરામાં પણ આ તકનીકીનો ઉપયોગ થાય છે. 1975થી વિલાર્ડ બૉઈલ બેલ લૅબ્સના સંશોધન વિભાગના કાર્યકારી નિયામકના સ્થાન પર રહ્યા અને 1979માં તેઓ નિવૃત્ત થયા.

પૂરવી ઝવેરી