બૉઇલનો નિયમ (Boyle’s law) : અચળ તાપમાને વાયુના કદ અને દબાણનો સંબંધ. બૉઈલ (1627–1691) આયરિશ વિજ્ઞાની હતા અને આધુનિક રસાયણશાસ્ત્રના સ્થાપક ગણાય છે. રાસાયણિક અને ભૌતિકવિજ્ઞાનમાં કેટલીક પ્રાયોગિક પદ્ધતિઓ વિકસાવતાં હાથ લાગેલો આ નિયમ છે. બૉઈલે વાયુઓ ઉપરના વિવિધ પ્રયોગો કર્યા હતા. તે બધા પ્રયોગોમાં બૉઈલનો નિયમ આજે પણ અણીશુદ્ધ રહ્યો છે.

આ નિયમ પ્રમાણે ‘અચળ’ (constant) તાપમાને નિયત જથ્થાના વાયુનું કદ તેના ઉપર લગાડેલા દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અર્થાત્, અચળ તાપમાને વાયુનાં કદ (V) અને દબાણ(P)નો ગુણાકાર એકમૂલ્ય રહે છે. એટલે કે અચળ તાપમાને PV = અચળ રહે છે. આ નિયમ ફક્ત આદર્શ વાયુઓ માટે જ સાચો છે. નિયત તાપમાને વાયુનું કદ અર્ધું કરી દેવામાં આવે તો તેનું દબાણ બમણું થાય છે.

આ નિયમ બૉઈલે સૌપ્રથમ વાર 1662માં પ્રસિદ્ધ કર્યો. પણ ઇંગ્લૅન્ડના બીજા વિજ્ઞાનીઓ રિચર્ડ ટાઉન્લી અને હેન્રી પાવરે અનુક્રમે 1660 અને 1661માં આ નિયમ શોધી કાઢ્યો હતો. આ વિજ્ઞાનીઓએ વાતાવરણના દબાણ કરતાં ઓછા દબાણે હવા સાથે પ્રયોગ કર્યો હતો. તેમના પ્રયોગ પ્રમાણે હવાના દબાણ અને કદનો ગુણાકાર અચળ મળ્યો. બરાબર આ સમયે ઇંગ્લૅન્ડના રૉબર્ટ બૉઈલે વાતાવરણના દબાણ કરતાં વધારે દબાણે હવા સાથે આવો પ્રયોગ કર્યો હતો.

હુકે સ્વતંત્રે રીતે કરેલા આ પ્રયોગનાં પરિણામો ટાઉન્લી અને પાવરનાં પરિણામોને મળતાં આવેલાં. બૉઇલે જુદા જુદા વાયુઓ લઈને વધુ પ્રયોગો કરીને એવાં જ પરિણામો મેળવ્યાં.

ફ્રાંસના એદમા માયૉર્તે 1676માં વાયુ માટેના આ પ્રયોગનાં પરિણામો પ્રસિદ્ધ કર્યાં. આથી માયૉર્તેના આ પ્રયોગનાં પરિણામો યુરોપમાં પ્રચલિત થયાં. નિયત તાપમાને વાયુનાં દબાણ અને કદ વચ્ચે સંબંધ ધરાવતો આ નિયમ યુરોપ ખંડમાં માયૉર્તના નિયમ તરીકે અને અન્યત્ર બૉઈલના નિયમ તરીકે જાણીતો છે.

બહુ ઊંચા દબાણે બૉઇલનો આ નિયમ કાર્ય કરતો નથી.

આનંદ પ્ર. પટેલ