બિલાસપુર (હિ. પ્ર.) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 31° 12´ 30´´થી 31° 35´ 30´´ ઉ. અ. અને 76° 23´ 45´´થી 76° 55´ 40´´ પૂ. રે. વચ્ચેનો 1,167 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 42 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 46 કિમી. જેટલું છે. તેની ઉત્તર અને ઈશાન તરફ મંડી જિલ્લો, પૂર્વ તરફ આરકિલ તાલુકો, દક્ષિણ તરફ નાલાગઢ તાલુકો, નૈર્ઋત્ય તરફ પંજાબ રાજ્ય, પશ્ચિમ અને વાયવ્ય તરફ ઉના તથા વાયવ્ય અને ઉત્તર તરફ હમીરપુરની સીમાઓ આવેલાં છે. લંબગોળ આકાર ધરાવતો આ જિલ્લો સતલજ નદીના થાળામાં આવેલો છે. સતલજ નદી દ્વારા તે બે સરખા વિભાગોમાં વહેંચાઈ જાય છે.

બિલાસપુર જિલ્લો (હિમાચલ પ્રદેશ)

ભૂપૃષ્ઠ : જિલ્લાનો લગભગ બધો જ વિસ્તાર આડીઅવળી નીચી ટેકરીઓથી તથા ઊંડી ખીણોથી છવાયેલો છે. 2,021.5 મીટર ઊંચાઈ ધરાવતું ધાર બહાદુરપુર અહીંનું સર્વોચ્ચ શિખર છે, નીચામાં નીચું સ્થળ 300 મીટર ઊંચાઈ પર આવેલું છે. આ જિલ્લો ધાર નૈનાદેવી (મુખ્ય), ધાર બહાદુરપુર, ધાર કોટ, ધાર તૂની, ધાર બાંદલા, ધાર ઝિન્જિયાર અને ધાર રતનપુર જેવી સાત ટેકરીઓ(ધાર)માં વિભાજિત થયેલો છે. અહીંની મુખ્ય ધાર નૈનાદેવી પર આ વિસ્તારની એક વખતની રાજધાની કોટકેહલર આવેલી હતી.

જંગલો-જંગલપેદાશો : અહીં ચીલ, ઝાડી-ઝાંખરાં અને વાંસ જેવા ત્રણ પ્રકારનાં જંગલો આવેલાં છે. ચીલનાં જંગલો જિલ્લાના ઉત્તર અને ઈશાન ભાગોમાં તૃતીય જીવયુગના કસૌલી રચનાના રેતાળ ખડકો ઉપર 600થી 1,500 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. ઝાડી-ઝાંખરાં પૈકી સીસમ અને તૂન પ્રકારની વનસ્પતિ ઓછી ઊંચાઈએ આવેલી ખેતીલાયક ભૂમિ પર તથા સતલજ નદીના કિનારાના કેટલાક ભાગોમાં ઊગી નીકળે છે. વાંસના ત્રણેક પ્રકારો 400થી 1,000 મીટરની ઊંચાઈ પર નૈનાદેવી ધારના ઉત્તર ઢોળાવોમાં જોવા મળે છે. અહીંની મુખ્ય જંગલપેદાશોમાં ચીલનાં લાકડાં, વાંસ, રાળ, ઘાસ અને કાથાનો સમાવેશ થાય છે. ભાબર-ઘાસ દોરડાં, તરાપા બાંધવામાં તથા સાંઠીકડાંથી બનાવાતાં છાપરાંમાં ઉપયોગમાં લેવાય છે.

જળપરિવાહ : સતલજ અહીંની મુખ્ય નદી છે. તે જિલ્લાના ઈશાન ભાગમાં આવેલા કાસોલ નજીક પ્રવેશે છે, જિલ્લાની મધ્યમાં આશરે 90 કિમી. જેટલા અંતરમાં વહીને નૈર્ઋત્યમાં નૈલા નજીકથી બહાર જાય છે. ઈશાન-નૈર્ઋત્ય પસાર થતી આ નદી જિલ્લાના વાયવ્ય અને અગ્નિ-તરફી બે લગભગ સરખા ભાગ પાડે છે. આ બંને વિભાગોમાંથી સાત શાખાનદીઓ તેને મળે છે, તે પૈકી અલીખાદ (25 કિમી. લંબાઈ), ગમરોલાખાદ અને સરખાદ શાખાનદીઓ અગત્યની ગણાય છે. અલીખાદ શિમલા જિલ્લામાંથી નીકળીને બહાદુરપુર ધારમાંથી પસાર થાય છે અને બિલાસપુર ખાતે સતલજને મળે છે. શિમલા જિલ્લામાંથી જ નીકળતી ગમરોલાખાદ રતનપુર ધારમાંથી વહીને બિલાસપુરથી હેઠવાસમાં સતલજને મળે છે. સરખાદ નદી મંડી જિલ્લામાંથી નીકળે છે અને કોટ ધાર પરથી પસાર થઈને બિલાસપુરથી હેઠવાસમાં સતલજને મળે છે. આ નદીઓ સિંચાઈના ઉપયોગમાં આવે છે. આ ઉપરાંત સુકર અને સરિયાલી હમીરપુર જિલ્લામાંથી નીકળીને જિલ્લાના પશ્ચિમ ભાગમાંથી પસાર થઈને સરખાદને મળે છે. આ સિવાય ગંભારખાદ સોલનમાંથી નીકળે છે, પરંતુ તે ઊંડી ખીણ બનાવતી હોવાથી ઉપયોગમાં આવી શકતી નથી.

ખેતી : ખેતી આ જિલ્લાના મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય છે, પરંતુ જિલ્લાની મોટાભાગની ભૂમિ સિંચાઈની સુવિધાને અભાવે સૂકી ખેતી હેઠળ આવરી લેવામાં આવી છે. ઘઉં અહીંનો મુખ્ય રવી પાક છે, પરંતુ ઘઉંની સાથોસાથ ચણાનું વાવેતર પણ થાય છે. અન્ય રવી પાકોમાં કઠોળ તેમજ તેલીબિયાં પણ થાય છે. ખરીફ પાકોમાં મકાઈ, ડાંગર અને કઠોળનો સમાવેશ થાય છે. ‘હિમધન’ નામની ડાંગરની સુધારેલી જાત આ જિલ્લામાં થાય છે. મકાઈ પણ અહીંનો મહત્વનો પાક છે. મકાઈની બે સુધારેલી જાતો ઉગાડવામાં આવે છે. અન્ય ખરીફ પાકોમાં ટામેટાં, મરચાં, રીંગણ, ભીંડા, વાલ, આદું, વટાણા જેવી શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. રોકડિયા પાકોમાં  તમાકુ અને કપાસ પણ કેટલાક ભાગોમાં થાય છે. બિલાસપુરથી આશરે 1 કિમી. અંતરે શાકભાજીની બાગાયતી વાડી વિકસાવવામાં આવી છે. શાકભાજીનું વાવેતર પૂરું થયા પછીની મોસમમાં ત્યાં ડુંગળી અને વટાણાનું વાવેતર કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશ હવે બાગાયતી ખેતીને વધુ પ્રોત્સાહન આપે છે, તે માટે જુદા જુદા સ્થળે છ જેટલા ફળ-પાક વિકસાવાયા છે; જેમાં લીંબુ, પીચ, જામફળ, કેરી, પપૈયાં, જરદાળુ જેવાં ફળોના વાવેતરનો પ્રયોગ શરૂ કર્યો છે.

અહીંનાં મુખ્ય પશુઓમાં ગાયો અને ઘેટાં-બકરાં છે, મરઘાં-ઉછેર પણ કરવામાં આવે છે. જિલ્લામાં 10 પશુદવાખાનાં, 15 પશુચિકિત્સાલયો, 1 ફરતું ચિકિત્સાલય, 2 પશુ-વીર્યદાન-બૅંકો અને 15 કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો આવેલાં છે. વધુ દૂધ આપી શકે એવી 80 જેટલી જર્સી ગાયો આ જિલ્લામાં છે.

ઉદ્યોગો-વેપાર : આ જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ચૂનાખડકો, ક્વાર્ટ્ઝાઇટ, રેતી અને માટીના જથ્થા મળે છે, પરંતુ તેમનું ખનન થતું નથી. અહીં લોખંડ, સોનું, લિગ્નાઇટ, પાયરાઇટ, ચિરોડી અને સ્લેટ પણ થોડા પ્રમાણમાં મળી આવે છે. પણ તેને માટેનું બજાર તથા પૂરતી વાહનવ્યવહાર-સુવિધા ન હોવાથી જિલ્લામાં મોટા પાયા પરના કોઈ ઉદ્યોગોનો વિકાસ થયેલો નથી; પરંતુ હવે અહીં પ્રતિદિન 18,000 મેટ્રિક ટન ઉત્પાદનક્ષમતાવાળો સિમેન્ટ-ઉદ્યોગ સ્થાપવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. વળી અહીં લોખંડ-ઉદ્યોગ, લોખંડ અને લાકડાનું રાચરચીલું, હોઝિયરી અને દોરાનાં રીલ, પગરખાં, કાગળ, રસાયણો તથા ધૂપસળીના એકમો અને આયુર્વેદિક ફાર્મસી, ટર્પેન્ટાઇન તેલનું અને ફળો પૅક કરવાનું કારખાનું વગેરે શરૂ કરવામાં આવ્યાં છે. જિલ્લાના જુદા જુદા ભાગોમાં વર્ષોથી પરંપરાગત રીતે ચાલ્યું આવતું વણાટકામ, લુહારીકામ, સુથારીકામ તથા ટોપલા-ટોપલીઓ બનાવવાનું અને દોરડાં તૈયાર કરવાનું તેમજ ચાંદીની ચીજવસ્તુઓનું તથા આટા-મિલનું કામ ચાલે છે. જિલ્લાનાં ત્રણ નાનાં નગરોમાં નાના પાયા પર વેપાર ચાલે છે. અહીંથી લાકડાનું રાચરચીલું, દીવાસળીનાં ખોખાં, ધૂપસળીઓ, રાળ, ટર્પેન્ટાઇન તેલ, કાથો, લાકડાં, આદુ અને માછલી બહાર મોકલાય છે; જ્યારે કાપડ, વાસણો, અનાજ, સિગારેટ, બાંધકામ માટેની સામગ્રી બહારથી મંગાવાય છે.

વાહનવ્યવહાર : જિલ્લાના મુખ્ય મથક બિલાસપુરથી લુધિયાણા, ગાલોદ, બાથોહ, લાદ્રોર, દેહર જેવાં જુદાં જુદાં સ્થળો તરફ તથા શિમલા-તલાઈ, શિમલા-છાકોહ, ઘુમારવીન-જિયોરપટ્ટન જેવા 51 બસમાર્ગો પર રોજની 11,670 કિમી.ની અવરજવર થાય છે. જિલ્લામાં 25 કિમી.ના બેમાર્ગી તથા 111 કિમી.ના એકમાર્ગી પાકા રસ્તાની અને 348 કિમી.ના કાચા રસ્તાની સગવડ છે.

પ્રવાસન : આ જિલ્લામાં કેટલાંક ધાર્મિક સ્થળો આવેલાં છે. તેમાં માર્કંડેય અને નૈનાદેવી વધુ મહત્ત્વનાં છે. બિલાસપુરથી 16 કિમી. પૂર્વ તરફ બોલુ ગામમાં ઝંડા-મંદિરના સ્થાનકે દર વર્ષે જૂનમાં મેળો ભરાય છે. ગેહરવેન ખાતે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં મેળો ભરાય છે. બિલાસપુરથી આશરે 50 કિમી. દૂર આવેલા ચાકમોહ નજીક સિદ્ધબાબાનું મંદિર છે. (હકીકતમાં આ સ્થળ હમીરપુર જિલ્લામાં ગણાય છે.) અહીં દર વર્ષે માર્ચ-એપ્રિલમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. આ જિલ્લાનું અતિપ્રાચીન ધાર્મિક સ્થળ વ્યાસ ગુફા છે. આ ગુફામાંથી માર્કંડેય મંદિર સુધી જવાનો માર્ગ પણ છે; માર્કંડેય ઋષિ વ્યાસમુનિના સમકાલીન હતા. બિલાસપુર નગરનું મૂળ નામ વ્યાસમુનિના નામ પરથી વ્યાસપુર પડેલું હોવાનું કહેવાય છે.

આ જિલ્લાનાં ઐતિહાસિક રસ ધરાવતાં સ્થળોમાં બીરચંદે બંધાવેલા, પરંતુ આજે ખંડિયેરો રૂપે જોવા મળતા કોટકેહલરના કિલ્લાનો સમાવેશ થાય છે. આ સ્થળ ગંગુવાલ જળવિદ્યુતમથકથી નજીક જ આવેલું છે. તે વખતે આ વિસ્તાર કેહલર રજવાડા તરીકે ઓળખાતો. 1650ના અરસામાં રાજધાનીનું સ્થળ અહીંથી ખેસવીને બિલાસપુર ખાતે લઈ જવામાં આવેલું. અન્ય નાના નાના સાત કિલ્લાઓ બહાદુરપુર, બછરેતુર, બસેહ, ફતેહપુર, સરયુન, સ્વરઘાટ અને તિતુન ખાતે પણ આવેલા છે. સતલજ નદીના જમણા કાંઠે આવેલું સનહાની 1600થી 1650 સુધી રાજધાનીનું સ્થળ રહેલું. આ ગામ આજે સતલજની શાખાનદી સરખાદને કાંઠે આવેલું છે.

ભાકરા બંધ : દુનિયાભરમાં વધુમાં વધુ ઊંચાઈવાળો, 1948–1962 દરમિયાન બાંધેલો, નૈનાદેવી તાલુકામાં આવેલો ભાકરા બંધ આ જિલ્લાનું સૌથી મહત્વનું સ્થળ ગણાય છે. રોજેરોજ અહીં હજારો પ્રવાસીઓ આવે છે. તેની ઊંચાઈ આશરે 225 મીટર, મથાળાની લંબાઈ 510 મીટર અને પહોળાઈ 9 મીટર જેટલી છે. આ બંધ બાંધવાનો કુલ ખર્ચ 170 કરોડ રૂપિયા જેટલો થયેલો. ભાકરા ગામ પરથી તેને ‘ભાકરા બંધ’ નામ અપાયેલું છે.

ગોવિંદસાગર સરોવર : ભાકરા બંધ પાછળના જળાશયને ગુરુ ગોવિંદસિંહની સ્મૃતિમાં આ નામ અપાયું છે. તેની લંબાઈ 96.5 કિમી. છે અને કુલ જળસંગ્રહક્ષમતા આશરે 1,962.1 કરોડ ઘનમીટરની છે. તેના જળનો ઉપયોગ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના પ્રદેશોને માટે સિંચાઈ તથા ઔદ્યોગિક વિકાસમાં કરવામાં આવે છે. ભાકરા, ગંગુવાલ અને કોટલા ખાતે જળવિદ્યુતમથકો પણ તૈયાર કરવામાં આવેલાં છે. જળાશયનું ભવ્ય અને રળિયામણું ર્દશ્ય જ પ્રવાસીઓને આકર્ષે છે. તેમાં નૌકાવિહારની સગવડો પણ રાખવામાં આવેલી છે.

કન્દ્રોર પુલ : સતલજ નદી પરનો આ પુલ બિલાસપુર-ઘુમારવીન તાલુકાઓને જોડે છે. તે 1959થી 1965 દરમિયાન બાંધવામાં આવેલો. તેનો કુલ ખર્ચ 27 લાખ રૂપિયા જેટલો થયેલો.

દેવલી : બિલાસપુરથી મંડી જતા માર્ગ પર 15 કિમી.ના અંતરે આવેલા આ ગામમાં બે તળાવો અને 14 સંવર્ધનકુંડ (nursery ponds) સહિતની સ્ફુટનશાળા (hatchery) ઊભી કરવામાં આવેલી છે.

નામ્બોલ : બિલાસપુરથી આશરે 30 કિમી. અંતરે શિમલા જતા માર્ગ પર આવેલા આ સ્થળે 1883માં રાજા અમરચંદે બંધાવેલું ઠાકુરદ્વાર આવેલું છે. આ સ્થળ આદાના વેપાર માટે પણ જાણીતું છે.

સ્વરઘાટ : નૈનાદેવી ઉપતાલુકાનું મથક. તે બિલાસપુરથી કિરાતપુર જતા માર્ગ પર આશરે 42 કિમી.ને અંતરે આવેલું છે. ગામની આજુબાજુ દેવદારનાં વૃક્ષો તેમજ હરિયાળું ભાબર ઘાસ જોવા મળે છે. તે સમુદ્રસપાટીથી 1,110 મીટરની ઊંચાઈએ આવેલું છે.

મેળા-તહેવારો : જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ વૈશાખી (એપ્રિલ), વસંતપંચમી (જાન્યુ.-ફેબ્રુ.), હરિયાલી (જુલાઈ), જન્માષ્ટમી અને દશેરા ટાણે મેળાઓનું આયોજન થાય છે તથા દિવાળી, લોહરી, શિવરાત્રિ વગેરે તહેવારોની ઉજવણી થતી રહે છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 2,95,387 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 2,78,652 અને 16,735 જેટલું છે. જિલ્લામાં હિન્દી અને પહાડી ભાષાઓ બોલાય છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 2,88,776; મુસ્લિમ : 1,360; ખ્રિસ્તી : 42; શીખ : 5,073; બૌદ્ધ : 41; જૈન : 1 તથા અન્ય : 94 જેટલા છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 1,66,662 (95,892 પુરુષો અને 70,770 સ્ત્રીઓ) છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 1,54,364 અને 12,298 જેટલું છે. જિલ્લાભરમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓની તેમજ એક કૉલેજની સગવડ છે. બિલાસપુર, ઘુમારવીન અને નૈનાદેવી ખાતે દવાખાનાં આવેલાં છે. વહીવટી સરળતા માટે બિલાસપુર જિલ્લાને બે તાલુકા – બિલાસપુર સદર અને ઘુમારબીનમાં વહેંચવામાં આવ્યો છે. વહીવટી સરળતા ખાતર નૈનાદેવી ઉપતાલુકા તરીકે નવો રચવામાં આવ્યો છે. બિલાસપુર, ઘુમારવીન, નૈનાદેવી અને તલાઈ એક લાખથી ઓછી વસ્તીવાળાં નગરો છે.

બિલાસપુર (નગર) : જૂનું રજવાડી નગર. 1650માં તેને રાજધાનીનું મથક બનાવવામાં આવેલું. એક નાના ગામડામાંથી તે નગર તરીકે વિકસેલું છે. આજે તે જિલ્લામથક છે. અહીં રઘુનાથજી, ગોપાલજી, ખાનમુખેશ્વર અને દેવમાટીનાં મંદિરો આવેલાં છે, ત્યાં મેળા ભરાય છે.

ઇતિહાસ : સોળમી સદીમાં ગ્યાનચંદ બિલાસપુરનો રાજા હતો, ત્યારે તેનું પાટનગર કોટકેહલરમાં હતું. તેણે સરહિંદના મુઘલ સૂબાના દબાણથી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. આ કારણે યુવરાજ બીકચંદ તેની માતા સાથે  સનહાની જતો રહ્યો અને ત્યાં સ્થાયી થયો. પિતાના અવસાન બાદ કોટકેહલર પાછા ફરીને તેણે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. તેમ છતાં સતલજ નદીની જમણી બાજુએ આવેલ સનહાનીમાં તેણે પાટનગર ચાલુ રાખ્યું. 1650ના અરસામાં એ જ વંશમાં દીપચંદ ગાદીએ આવ્યો ત્યારે તેણે પાટનગર બદલવાનો નિશ્ચય કર્યો. આ માટે તેણે બે સાધુ અને બે ફકીરની સલાહ લીધી. સલાહ મુજબ સતલજ નદીના ડાબા કાંઠે ‘બિયાસ ગુફા’ નામથી જાણીતું સ્થળ પસંદ કરી ત્યાં બિલાસપુર નગર વસાવ્યું અને રાજમહેલ બંધાવ્યો. ત્યારથી બિલાસપુર પાટનગર (આજનું જિલ્લામથક, વહીવટી મથક) તરીકે ચાલુ રહ્યું છે. ભારત સ્વતંત્ર થયા બાદ ઑક્ટોબર 1948માં તેનું વિલીનીકરણ થયું અને તે પછી જુલાઈ 1954માં હિમાચલ પ્રદેશ સાથે તેનું જોડાણ થયું છે.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ